ગાંધીનો ધરાસણા સત્યાગ્રહ અને નાગરિકતા કાનૂન વિરોધ-પ્રદર્શન

Published: Jan 11, 2020, 14:50 IST | Raj Goswami | Mumbai

બાવીસ દેશોમાં અઢાર વર્ષના મારા રિપોર્ટિંગમાં મેં ધરાસણા જેવાં ભયાનક દૃશ્યો જોયાં નહોતાં. હિંસાની સામે હિંસા જોવા ટેવાયેલા પશ્ચિમના લોકો માટે એ અજબ અને ચક્કરમાં નાખે એવી વાત હતી કે લોકો ચૂપચાપ માર ખાતા હતા : અમેરિકન પત્રકાર વેબ મિલર

ગાંધીજી
ગાંધીજી

બ્લૉકબસ્ટર - ફિલ્મી દુનિયાના જાણીતા સર્જકો અને એમનાં સર્જનની ઓછી જાણીતી વાતો

તમે આ લેખ સાથેની તસવીર ધ્યાનથી જુઓ. બહુ નાટ્યાત્મક છે. સામેથી ખાલી હાથે આવી રહેલા પ્રજાજનો છે અને તેમના અવરોધમાં લાકડીઓ પકડીને ઊભેલા પોલીસો છે. એક શાસિત છે, બીજા શાસક છે. એક નિ:સહાય છે, બીજા પાસે ડંડાનો સહારો છે. આજે આ બહુ પ્રતીકાત્મક તસવીર છે. દિલ્હી અને અન્ય શહેરોમાં નાગરિકતા કાનૂન સામે થયેલા વિરોધમાં અનેક સ્થળે દેખાવકારો અને પોલીસ વચ્ચે આવાં દૃશ્યો સર્જાયાં હતાં. અનેક સ્થળે દેખાવકારો ૧૪૪ની કલમનો ભંગ કરતા નજર આવ્યા હતા અને પોલીસે તેમને અટકાવ્યા હતા.

તમારામાંથી જેમણે રિચર્ડ એટિનબરોની ‘ગાંધી’ (૧૯૮૨) ફિલ્મ જોઈ હશે તેમને આ શક્તિશાળી દૃશ્ય યાદ હશે. ગાંધીજીએ અંગ્રેજો સામે જે અનેક નાગરિક વિરોધો કરેલા એમાં દાંડીનો સત્યાગ્રહ સૌથી પ્રભાવશાળી હતો. દાંડીકૂચ નામથી જાણીતા આ સત્યાગ્રહની શરૂઆત ગાંધીજીએ તેમના ૭૮ સાથીદારો સાથે અમદાવાદથી ૧૨ માર્ચ, ૧૯૩૦ના કરી હતી જે ૬ એપ્રિલે નવસારી

નજીક દરિયાકિનારાના દાંડી ગામે પૂરો થયો હતો. દાંડીમાં ગાંધીજી કર ભર્યા વગર મીઠું ઉપાડી બોલ્યા હતા કે ‘મૈંને નમક કા કાનૂન તોડા હૈ.’ એ પછી ભારતમાં ઠેરઠેર આવી રીતે મીઠાના કાયદાનો ભંગ થવા લાગ્યો.

એ પછી ગાંધીજીએ મે મહિનામાં વલસાડ પાસેના ધરાસણામાં બ્રિટિશ તાબા હેઠળના મીઠાના અગરો પર જઈ અહિંસક આંદોલન જાહેર કર્યું હતું. ગાંધીજીની તત્કાળ ધરપકડ કરવામાં આવી હતી, પણ કૉન્ગ્રેસના નેતાઓએ કાર્યક્રમ ચાલુ રાખ્યો હતો. ધરાસણામાં સરોજિની નાયડુ અને મૌલાના અબુલ કલામ આઝાદના નેતૃત્વમાં કૂચ ચાલુ રહી. ૨૧ મેના દિવસે સત્યાગ્રહીઓએ મીઠાના અગરોને ઘેરતા કાંટાળા તારને ખેંચવાનો પ્રયાસ કર્યો અને પોલીસે તેમના પર ડંડા વરસાવ્યા. ‘ગાંધી’ ફિલ્મમાં બહુ તાકાતથી આ દૃશ્ય શૂટ કરવામાં આવ્યું હતું. તમે તસવીરને ફરી જોશો તો સત્યાગ્રહીઓમાં સૌથી આગળ મૌલાના આઝાદ દેખાશે, જે ભૂમિકા ટેલિવિઝનના ઍક્ટર વીરેન્દ્ર રાઝદાને કરી હતી.

આ ધરાસણા સત્યાગ્રહનું, અમેરિકાની સમાચાર સંસ્થા યુનાઇટેડ પ્રેસ ઇન્ટરનૅશનલના પત્રકાર વેબ મિલરે જબરદસ્ત રિપોર્ટિંગ કર્યું હતું. આ રિપોર્ટિંગના પ્રતાપે જે દુનિયાને ભારતમાં અંગ્રેજ પોલીસોના અત્યાચારની જાણ થઈ હતી અને એટલે જ ભારતને આઝાદી મળવી જોઈએ એવો વિશ્વ મત બન્યો હતો. મીઠાના સત્યાગ્રહની દુનિયાને જાણ થઈ એ પછી ભારતના કટ્ટર દુશ્મન વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલ બોલ્યા હતા, ‘એશિયાની જમીન પર પગ મૂક્યો એ પછી પહેલી વાર બ્રિટિશરોને આવું અપમાન અને અવજ્ઞા સહન કરવી પડી છે.’ મિલરનો આ અહેવાલ વિશ્વનાં ૧૩૫૦ અખબારોમાં છપાયો હતો અને સેનેટર જૉન જે. બ્લેન દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સની સેનેટના સત્તાવાર રેકૉર્ડમાં એને વાંચવામાં આવ્યો હતો. મિલર જ્યારે અહેવાલ તાર મારફત લંડન મોકલતો હતો ભારતના ટેલિગ્રાફ અધિકારીઓએ એનો અમુક ભાગ કાપી નાખ્યો હતો અને આ સેન્સરશિપને જાહેર કરવાની ધમકી આપી એ પછી જ અહેવાલ જવા દેવાયો હતો. વેબ મિલરે લખ્યું હતું;

gandhi

‘એક પણ સત્યાગ્રહીએ લાઠીમારથી બચવા માટે હાથ સુધ્ધાં આડો ધર્યો નહોતો. જ્યાં હું ઊભો હતો ત્યાં મને ખુલ્લા માથા પર પડતી લાકડીના અવાજો આવી રહ્યા હતા. દરેક ફટકા પર આ સત્યાગ્રહ જોનારાઓની ભીડ સિસકારા કાઢતી હતી. સત્યાગ્રહીઓ છૂટાછવાયા, બેભાન બનીને પડ્યા હતા. તેમની ખોપરી ફૂટી હતી, ખભાથી તૂટ્યા હતા. બે કે ત્રણ મિનિટમાં જમીન પર તેમનાં શરીરોની રજાઈ પથરાઈ ગઈ. ઘાયલોને લઈ જવા માટે પૂરતાં સ્ટ્રેચર નહોતાં; મેં જોયું કે અઢાર ઈજાગ્રસ્તોને એકસાથે લઈ જવામાં આવતા હતા, જ્યારે બેતાળીસ હજી ઘવાયેલા જમીન પર લોહી વહેતા પડ્યા હતા. સ્ટ્રેચર્સ તરીકે ઉપયોગમાં લેવામાં આવેલા ધાબળાઓ લોહીથી નીતરતા હતા. હું અસ્વસ્થ થઈ ગયો અને મારે મોઢું ફેરવી લેવું પડ્યું. મને બિનવિરોધ માર સહન કરનારા માટે વર્ણવી ન શકાય એવા નિ:સહાય ક્રોધની લાગણી થઈ અને નિઃસહાય લોકોને લાકડી મારનાર પોલીસ પર પણ એટલી જ ઘૃણાની લાગણીનો અનુભવ થયો. છેવટે બિનપ્રતિકારથી પોલીસ ગુસ્સે થઈ ગઈ અને બેઠેલા માણસોને તેમણે ક્રૂરતાપૂર્વક પેટમાં અને પગની વચ્ચે અંડકોષ પર લાત મારવાનું શરૂ કર્યું. ઈજાગ્રસ્ત માણસો યાતનાની પીડા હેઠળ ચીસો પાડવા લાગ્યા. તેથી પોલીસનો રોષ ભડક્યો. ત્યાર બાદ પોલીસે બેઠેલા માણસોને હાથ અથવા પગથી ખેંચીને ઘસડવા માંડ્યા, કેટલાકોને તેમણે સો ગજ સુધી ઘસડીને ખાડામાં ફેંકી દીધા.મેં હૉસ્પિટલમાં ૩૫૦ ઘાયલોને ગણ્યા હતા.’

રિચર્ડ એટિનબરોએ આ રિપોર્ટિંગના આધારે મુંબઈ પાસે આ દૃશ્ય શૂટ કર્યું હતું. ‘ગાંધી’ ફિલ્મમાં હૉલીવુડના જાણીતા ઍક્ટર માર્ટિન શીને આ ભૂમિકા કરી હતી (લેખમાં તેની તસવીર છે). એટિનબરો તેમના સંસ્મરણ ‘ઇન સર્ચ ઑફ ગાંધી’માં લખે છે, ‘વ્યવહારિક રીતે આ દૃશ્ય બહુ અઘરું હતું, કારણ કે બે ગામ વચ્ચેના એક જ રસ્તા પર શૂટિંગ કરવાનું હતું. વચ્ચે અમારે શૂટિંગ અટકાવવું પડતું, જેથી ગામલોકોની અવરજવર રોકાઈ ન જાય. આ દૃશ્ય બહુ દર્દનાક હતું અને માર્ટિન પર એની એટલી અસર થઈ હતી કે તેણે અમેરિકા પાછા જતાં પહેલાં તેની તમામ ફી દાનમાં આપી દીધી હતી.’

ધરાસણા સત્યાગ્રહને વિશ્વમાં જાણીતો બનાવી દેનાર વેબ મિલર એકમાત્ર પત્રકાર હતો જેણે એનું રિપોર્ટિંગ કર્યું હતું. તે યુદ્ધ-પત્રકાર હતો અને પ્રથમ મહાયુદ્ધ તથા સ્પૅનિશ યુદ્ધ સહિત ઘણા સંઘર્ષો અને લડાઈઓનું રિપોર્ટિંગ કર્યું હતું જે બદલ તેને પત્રકારત્વના નોબેલ કહેવાતા પુલિત્ઝર પારિતોષિકથી નવાજવામાં આવ્યો હતો. તેણે લખ્યું હતું, ‘બાવીસ દેશોમાં અઢાર વર્ષના મારા રિપોર્ટિંગમાં મેં ધરાસણા જેવાં ભયાનક દૃશ્યો જોયાં નહોતાં. એ હિંસા જોઈને હું સુન્ન થઈ ગયો હતો. હિંસાની સામે હિંસા જોવા ટેવાયેલા પશ્ચિમના લોકો માટે એ અજબ અને ચક્કરમાં નાખે એવી વાત હતી (કે લોકો ચૂપચાપ માર ખાતા હતા). મને ગૂંગા જાનવરને માર પડતો હોય એવી ઘૃણા થઈ હતી. થોડું અપમાન અને થોડો ક્રોધ મહેસૂસ થયો. ક્યારેક દૃશ્યો એટલાં પીડાદાયક હતાં કે હું થોડી વાર માટે નજર ફેરવી લેતો હતો.’

મિલર જ્યારે ૧૯૩૦માં ગાંધીજીને મળ્યો ત્યારે સાથે સિગારેટનો ડબ્બો રાખતો હતો. તેણે એના પર ઑટોગ્રાફ માગ્યા તો ગાંધીજી એવી શર્તે નામ લખ્યું હતું કે તે હવે પછી ડબ્બામાં સિગારેટ નહીં રાખે. મિલર માની ગયો હતો. એ પછી તેણે આખી જિંદગી એ ડબ્બો સાચવી રાખ્યો અને પછીનાં ૧૦ વર્ષ દરમિયાન તે જેટલા પણ સેલિબ્રિટી લોકોને મળ્યો એ સૌના ઑટોગ્રાફ એના પર લીધા હતા જેમાં ઇટાલીના સરમુખત્યાર બેનિટો મુસોલિની, અમેરિકાના ૩૨મા રાષ્ટ્રપતિ ફ્રૅન્કલીન રુઝવેલ્ટ, બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ લૉયડ જ્યૉર્જ, જર્મનીના તાનાશાહ ઍડોલ્ફ હિટલર અને સ્પૅનિશ લેખક વિન્સેન્ટે બ્લાસ્કો ઇબ્નેઝનો સમાવેશ થતો હતો. ૭ મે, ૧૯૪૦માં લંડનની અન્ડરગ્રાઉન્ડ ટ્રેનમાંથી પડી જતાં તેનું મોત થઈ ગયું એ પછી તેના ઘરમાંથી ગાંધીના ઑટોગ્રાફવાળો એ ડબ્બો ચોરાઈ ગયો. તેનાં બાકીના કાગળો, સામયિકો અને અંગત વસ્તુઓ સાઉથવેસ્ટ મિશિગન કૉલેજના સંગ્રહાલયમાં છે.

આ પણ વાંચો :સિવિલ ફરિયાદને ક્રિમિનલ ફરિયાદના વાઘા પહેરાવવાનો પ્રયાસ RTI ઍક્ટિવિસ્ટોએ નિષ્ફળ બનાવ્યો

વેબ મિલરના ધરાસણા સત્યાગ્રહના એ રિપોર્ટિંગના કારણે વિશ્વને પહેલી વાર અહિંસક વિરોધની વ્યાખ્યા ખબર પડી: પ્રતિરોધ એટલે સામો હુમલો નહીં, પણ પોતાની જાત પર હુમલો થવા દેવો પછી ભલે એમાં ઘાયલ થવાય કે મોત આવે. વર્ષો પછી અમેરિકન ગૃહયુદ્ધમાં માર્ટિન લ્યુથર કિંગ જુનિયર એ શક્તિશાળી રાજકીય ઓજારનો ઉપયોગ કરવાના હતા. તમે ધરાસણા સત્યાગ્રહની એ તસવીર ફરીથી ધ્યાનથી જોશો તો દેખાશે કે એક તરફ હિંસાની તૈયારી છે અને બીજી તરફ એને ઝીલી લેવાનો નિર્ધાર છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK