ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે 5 ઉમેદવારોએ ફૉર્મ ભરતાં રાજકીય ગરમાટો

Published: Mar 14, 2020, 11:56 IST | Gandhinagar

બીજેપીના ત્રણ અને કૉન્ગ્રેસના બે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી : ૧૨.૩૯ વાગ્યાના વિજય મુહૂર્તમાં ફૉર્મ ભરવા એક પણ ઉમેદવાર ન પહોંચ્યો

ગુજરાતમાં રાજ્યસભાની ખાલી પડેલી ૪ બેઠકો માટેની ચૂંટણી માટે ઉમેદવારી ફૉર્મ ભરવાના આજે છેલ્લા દિવસે એક પણ ઉમેદવાર, ખાસ કરીને બીજેપીના ૩ ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફૉર્મ ભરવા વિધાનસભામાં ચૂંટણી અધિકારીની કચેરીએ પહોંચી શક્યા નહોતા. જોકે ત્યાર બાદ બીજેપીના ત્રણ ઉમેદવારો એવા અભય ભારદ્વાજ, રમીલાબહેન બારા અને છેલ્લી ઘડીએ જાહેર કરાયેલા ત્રીજા ઉમેદવાર નરહરિ અમીન અને કૉન્ગ્રેસના બે ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ તથા ભરતસિંહ સોલંકીએ વિજય મુહૂર્ત ૧૨.૩૯ વીતી ગયા બાદ ફૉર્મ ભર્યાં હતાં. બન્ને પક્ષના ઉમેદવારો સાથે પક્ષના આગેવાનો પણ તેમની સાથે હાજર હતા. બન્ને પક્ષે પોતાના ઉમેદવારોની જીતના દાવા કર્યા હતા. ૧૮મીએ ફૉર્મની ચકાસણી અને ૨૬મીએ મતદાનની પ્રક્રિયા હાથ ધરાશે.
આ પહેલાં બીજેપીના કોબા કાર્યાલય કમલમ ખાતે મોટી સંખ્યામાં કાર્યકરો અને ઉમેદવારના સમર્થકો એકઠા થયા હતા તેમ જ આ સમયે ત્રણેય ઉમેદવારો પણ ત્યાં હાજર હતા. જ્યાં તેમનું મોઢું મીઠું કરાવીને ફૉર્મ ભરવા માટે વિધાનસભા પહોંચ્યા હતા.

આ વખતે રાજ્યસભામાં ગુજરાતની ૪ બેઠકો ખાલી પડી છે. વિધાનસભામાં ૧૮૨માંથી બે બેઠકો ખાલી છે. હયાત સંખ્યાબળ જોતાં એક બેઠક જીતવા ૩૭ મતો અનિવાર્ય છે. વિધાનસભાના હાલના સંખ્યાબળને જોતાં આ ચૂંટણીમાં બીજેપી વધારાની એક બેઠક ગુમાવી શકે છે, જેથી આ બેઠક જાળવી રાખવા બીજેપી સતત વ્યૂહરચના બદલી રહી છે. ૨૦૧૭ની રાજ્યસભાની ચૂંટણી બાદ આ ચૂંટણીમાં પણ રસાકસી થવાની સાથે ગુજરાતના રાજકારણમાં મોટી ઊથલપાથલ થાય એવી શક્યતા છે, કેમ કે બીજેપી પોતાની એક બેઠક બચાવવા કૉન્ગ્રેસના ધારાસભ્યોને તોડવા અથવા તો ક્રૉસ વોટિંગ કરાવવા પ્રયત્ન કરી શકે છે અથવા તેઓ મતદાન વખતે ગેરહાજર રહે એવા પ્રયાસ કરી શકે. જ્યારે કૉન્ગ્રેસ પોતાના ધારાસભ્યોને બચાવવા માટેના પ્રયાસમાં લાગી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK