વાવાઝોડું નિસર્ગ : દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ પડશે

Published: Jun 03, 2020, 09:44 IST | Agencies | Gandhinagar

કોરોનાના કેર વચ્ચે ગુજરાત તરફ બીજી એક આફત આગળ વધી રહી હતી.

વાવાઝોડું નિસર્ગ
વાવાઝોડું નિસર્ગ

કોરોનાના કેર વચ્ચે ગુજરાત તરફ બીજી એક આફત આગળ વધી રહી હતી. હવે રાહતના સમાચાર છે કે નિસર્ગ નામનું સંભવિત વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય. હવે આ વાવાઝોડું મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં ટકરાશે. જોકે એની અસરને પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ત્રીજી જૂનના દક્ષિણ ગુજરાતમાં કાંઠાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે યલો અલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. હવામાન ખાતાના ડિરેક્ટર જયંત સરકારે મંગળવારે મીડિયાને આપેલી માહિતી પ્રમાણે અરબી સમુદ્રમાં ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગયું છે. હાલ એ સુરતથી ૬૭૦ કિલોમીટર દૂર છે. છ કલાક બાદ ડીપ ડિપ્રેશન વાવાઝોડામાં પરિવર્તિત થશે. ત્યાર બાદમાં એ સિવિયર (વધારે ખતરનાક) વાવાઝોડું પણ બની શકે છે.
જયંત સરકારના જણાવ્યા પ્રમાણે આવતી કાલે ત્રીજી જૂને મહારાષ્ટ્રના રાયગડ જિલ્લાના હરિહરેશ્વર અને દમણ વચ્ચેથી આ વાવાઝોડું પસાર થશે. એટલે કે અલીગઢ નજીક આ વાવાઝોડું ટકરાશે.

આ દરમિયાન એની ઝડપ ૧૦૦થી ૧૨૦ કિલોમીટર પ્રતિ કલાક હશે. ગુજરાતમાં એની કોઈ ખાસ અસર નહીં પડે, પરંતુ અની અન્ય અસરને પગલે દમણ, દાદરા નગર હવેલી, વલસાડ, નવસારીમાં ૮૦થી ૯૦ કિલોમીટરને ઝડપે પવન ફૂંકાય એવી શક્યતા છે. સુરતમાં ૭૦થી ૮૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. બાકીના જિલ્લાઓમાં ૫૦થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

વાવાઝોડાની અસરને પગલે ત્રીજી જૂને વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં વરસાદ પડશે. ચોથી જૂને પણ તાપી, ડાંગ અને નર્મદા જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.

નવસારી જિલ્લાનાં ૪૨ ગામને અલર્ટ કરવામાં આવ્યાં

ગુજરાત પરથી હાલ પૂરતું તો નિસર્ગ વાવાઝોડાનું સંકટ ટળ્યું છે, પરંતુ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ત્યારે નવસારી જિલ્લાનાં ૪૨ ગામને અલર્ટ કરવામાં આવ્યાં છે જ્યારે ૪૨માંથી ૭ ગામના લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. સાથે જ અલગ-અલગ ટીમો બનાવીને લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. દરેક ગામ પર ડિઝૅસ્ટરની ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

૪ જિલ્લામાંથી ૨૦૮ હજારથી વધુ લોકોનું સ્થળાંતર

હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરતાં જણાવ્યું હતું કે વાવાઝોડું ગુજરાત સાથે નહીં ટકરાય. ત્યારે આ સંભવિત વાવાઝોડાના સંદર્ભે રાહત કમિશનર દ્વારા પ્રેસ-કૉન્ફન્સ યોજી હતી જેમાં રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું હતું કે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ડીપ ડિપ્રેશન તરીકે સક્રિય છે. સુરત, અમરેલી, ભાવનગર અને વાપીમાં વધારે વરસાદ પડ્યો છે. આ સાથે ભાવનગર અને અમરેલી જિલ્લામાં પણ અલર્ટ આપ્યા છે. ત્રણથી ચાર કિલોમીટર દરિયા વિસ્તાર પાસેના ગામવાસીઓનું સ્થળાંતર કરવાની કામગીરી ચાલી રહી છે. આજે મોડી સાંજ સુધીમાં તમામ લોકોનું સ્થળાંતર પૂરું કરવામાં આવશે. સુરતમાંથી ૧૧૩૫, નવસારીમાંથી ૧૧,૯૦૮ અને વલસાડમાંથી ૬૪૩૮ લોકોનું સ્થળાતંર કરવામાં આવ્યું છે. આમ ચાર જિલ્લામાંથી કુલ ૨૮ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. રાહત કમિશનર હર્ષદ પટેલે જણાવ્યું કે વલસાડ ખાતે એનડીઆરએફની ટીમો ઉપલબ્ધ છે. સુરત, ભરૂચ, આણંદ-ખેડા, સોમનાથ, અમરેલી અને ભાવનગર એક-એક ટીમ તૈયાર છે. વડોદરા ખાતે અને ગાંધીનગર ખાતે એક-એક ટીમ છે. ત્યારે વલસાડમાં વધુ બે ટીમ મોકલવામાં આવશે. એસડીઆરએફની ટીમોને પણ તહેનાત કરાઈ છે. રેવન્યુ વિભાગ દ્વારા જિલ્લા કલેક્ટરો સાથે પણ ગઈ કાલે વિડિયો-કૉન્ફરેન્સ કરવામાં આવી હતી જેમાં કોરોના વાઇરસને કારણે સોશ્યલ ડિસ્ટન્સિંગ કેવી રીતે રાખવું એનાં પણ પગલાં ભરવામાં આવી રહ્યાં છે એના પર ચર્ચા કરવામાં આવી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK