ગાંધીજી નિસર્ગને જ ડૉક્ટર માનતા

Published: 8th October, 2011 18:12 IST

સર ફ્રાન્સિસ બૅકન ઇંગ્લૅન્ડની રાણી એલિઝાબેથના અંગત સલાહકાર હતા. વ્યવસાયે બૅરિસ્ટર હતા. તેમણે સૂત્ર આપ્યું હતું કે જો તમારે કુદરતને તાબે કરવી હોય તો પ્રથમ કુદરતને તાબે થાઓ. વાયુ, અગ્નિ અને અવકાશનું મહત્વ સમજો. સૌથી મોટી વાત અવકાશની છે. ઓછું ખાઈ કે ઉપવાસ કરીને પેટમાં અવકાશ રાખો.

 

(પ્રેરણાની પળે - કાન્તિ ભટ્ટ)

Nature to be commanded
Must be obeyed. - Francis
Bacon (1620)
Into every empty corner,
into all forgotten things and nooks
nature struggles to pour life
pouring life Into dead
LIFE TO LIFE ITSELF.
- Henry Beston
(ÒLantern on the BeachÓ)

ગાંધીજી પણ આ ફિલસૂફીમાં માનતા. હેન્રી બેસ્ટન કદી જાહેરમાં આવ્યા નહીં. ૧૯૨૮માં તેમણે સંદેશો આપ્યો કે આ બ્રહ્માંડમાં તમામ ખૂણામાં કુદરત વ્યાપ્ત છે. તમારામાં તે જિંદગીનો આનંદ રેડવા તૈયાર છે. સાવ મરવા પડેલામાં કુદરત જીવન રેડવા માગે છે અને આપણે જે જીવીએ છીએ એમાં તે વિશેષ જીવન ઉમેરે છે. એ માટે તમારે કુદરતને તાબે થવું જોઈએ.

ગાંધીજીને આજે એટલા માટે યાદ કરું છું કે તેમની કુદરતી ઉપચારની ફિલસૂફીએ મને બીમારીમાંથી બચાવ્યો. તમામ વિદ્વાન લેખકોએ મહાત્મા તરીકે ગાંધીજીને યાદ કર્યા. અહિંસાના અંચળાને યાદ કર્યો, પણ તેમના નિસર્ગોપચારના પ્રેમને અમે જ ફક્ત યાદ કરીએ છીએ. કુદરતી ભોજન થકી આજે ૮૧ની ઉંમરે ૧૫ કલાક બુદ્ધિનું કામ કરું છું. એકલો રહું છું. કેટલુંય ઘરકામ હાથે કરું છું. થૅન્ક્સ ટુ ગાંધીજી. ૧૯૫૨માં બીકૉમની પરીક્ષા આપ્યા બાદ મને જૂનો મરડો થયો અને શરીર સાવ હાડપિંજર થઈ ગયું. ભાવનગરની તખ્તસિંહજી હૉસ્પિટલના પારસી ડૉક્ટરે મને તપાસીને કહ્યું, ‘યૉર કેસ ઇઝ હોપલેસ. તમે માંડ છ મહિના જીવશો.’ ઈશ્વર જાણે, પણ અંત:સ્ફુરણાથી મેં ડૉક્ટરને કહ્યું કે હું ‘હોપલૅસ’ શબ્દને માનતો નથી. કશું જ હોપલેસ નથી. સૂર્યાસ્ત થાય એટલે પ્રકાશ હોપલેસ થતો નથી. બાર કલાક પછી પ્રકાશ આવે જ છે. યોગાનુયોગ હું વિનોબા ભાવેની સર્વોદયની ભાવનાનો ચાહક હતો અને વિનોબા ભાવે ભૂદાન યજ્ઞ શરૂ કરતાં પહેલાં ભાવનગર નજીકના સર્વોદય સંમેલનમાં આવ્યા. તેમને સાંભળવા હું સણોસરા ગામે ગયો જ્યાં મહાન શિક્ષણશાસ્ત્રી નાનાભાઈ ભટ્ટની ગ્રામશાળા હતી.

સર્વોદય સંમેલનમાં સર્વોદયવાદીઓનું પ્રદર્શન હતું એમાં ખાદીનાં વસ્ત્રો વગેરે વેચતા સ્વદેશી સ્ટૉલ હતા, પણ એક સ્ટૉલ સાવ ખાલી હતો. માત્ર ખુરસી પર બચુભાઈ ચોટાઈ નામના સર્વોદયવાદી, ગાંધીપ્રેમી અને કુદરતી ઉપચારના બંદા બેઠા હતા તેમને મળ્યો. મને પ્રથમ વાર નૅચરક્યૉર શબ્દ સાંભળવા મળ્યો. મેં કહ્યું, આવો કુદરતી ઉપચાર ક્યાં થાય છે? તેમણે કહ્યું, પુણે નજીક ૧૩ માઇલ દૂર ઉરુલીકાંચન ગામમાં નિસર્ગોપચાર આશ્રમ છે ત્યાં પહોંચી જાઓ. ૧૯૪૬માં ગાંધીજીએ મરતાં પહેલાં ત્યાં નિસર્ગોપચાર કરાવેલો. ત્યાં વિનોબા ભાવેના નાના ભાઈ બાલકોબા ભાવે તમને આધ્યાત્મિક જ્ઞાન આપશે અને ૫૮ વર્ષ પહેલાં ગાંધીજીના આશ્રમે મને નવજીવન આપ્યું.

ટૂંકમાં જ્યાં મને હોપલેસ કેસ ગણાયો એ નિસર્ગોપચારથી ઘોડા જેવો થઈ ગયો. મલયેશિયા રહ્યો. ૮૦ દેશોમાં ફર્યો. આસામમાં ટી-એસ્ટેટનો મૅનેજર બન્યો અને ઉરુલીમાં થયેલી ઓળખાણમાં ખાદીભંડારવાળા જમનાદાસ જીવરાજાણીને કારણે પત્રકાર થયો. આજે પત્રકારત્વને ૪૫ વર્ષ થયાં છે, પણ ગાંધીજીને એટલા માટે યાદ કરું છું કે મારું પત્રકારત્વ મિશનવાળું છે, પૈસા કમાવા કે કીર્તિ કમાવા માટે નથી. ગાંધીજી પોતડી પહેરતાં, પણ મેં એવો દેખાવ નથી કર્યો. માનસિક રીતે પોતડી પહેરીને સાદો આહાર લઉં છું.

આજે જગતભરમાં નિસર્ગોપચારની બોલબાલા છે. ગાંધીજીને પણ નિસર્ગોપચારનું ભાન કરાવનારા દીનશા મહેતા હતા. તાજેતરમાં મેં કુદરતી આહારમાં પણ વિવેક ન રાખ્યો અને વધુપડતી આફૂસ કેરી ખાતાં વાયુનું સંક્રમણ થયું. પંદર દિવસનો ખાટલો થયો.

બીજો કોઈ હોત તો આવી બીમારીમાં પાંચથી દસ લાખ રૂપિયાનો ખર્ચ થયો હોત. મેં મારી તબિયત સંભાળી. હું મારો ડૉક્ટર બન્યો. દવાનો ખર્ચ ઝીરો છે. મને ગાંધીજીના આશ્રમે જીવનદાન આપ્યું છે. હું વાચકોને કહું છું કે બીમારીમાં કદી જ નિરાશ ન થશો. ઍલોપથી કરતાં નિસર્ગોપચાર અપનાવશો તો ડૉક્ટરની અને રોગની ગુલામીમાંથી બચી જશો.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK