અમદાવાદમાં જોવા મળશે ૧૦૦૦ ગાંધીજી

Published: 10th September, 2012 02:48 IST

માત્ર ભારતમાં જ નહીં, દુનિયામાં પ્રથમ વાર એક અનોખો વર્લ્ડ રેકૉર્ડ અમદાવાદમાં થવા જઈ રહ્યો છે. બીજી ઑક્ટોબરે ગાંધી જયંતીના દિવસે અમદાવાદમાં કતલખાનાંઓ અને નશાખોરીના વિરુદ્ધમાં ‘અહિંસા દાંડીયાત્રા’ યોજાશે જેમાં દિગમ્બર જૈન મુનિશ્રી તરુણસાગરજી મહારાજના સાંનિધ્યમાં ૧૨થી ૨૦ વર્ષના ૧૦૦૦ કિશોરો-યુવાનો ગાંધીજી બનીને સડક પર નીકળશે.કલકત્તાનો રેકૉર્ડ તૂટશે

મુનિશ્રી તરુણસાગરજી મહારાજે કહ્યું હતું કે ‘પ્રથમ વાર આ રેકૉર્ડ એટલા માટે થશે કે કલકત્તામાં લગભગ છ મહિના પહેલાં ૪૮૫ લોકો મહાત્મા ગાંધી બન્યા હતા અને રૅલી કાઢી હતી એટલે એનું નામ ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં આવ્યું હતું, પરંતુ આ રેકૉર્ડ અમદાવાદમાં બ્રેક થશે. ગાંધીજીને કારણે અહિંસાને વિશ્વસ્તરે પ્રસિદ્ધિ મળી હતી. ગાંધીજીને નિમિત્ત બનાવીને તેમનો અહિંસાનો સંદેશો અમે આમઆદમી વચ્ચે લઈ જઈશું.’

અભૂતપૂર્વ ઘટના

દુનિયામાં એ ઘટના પ્રથમ વાર બનશે કે અમદાવાદમાં એકસાથે ૧૦૦૦ કિશોરો-યુવાનો ગાંધીજીની વેશભૂષા ધોતી, દુપટ્ટા, ચશ્માં, લાકડી અને મૂછ પરિધાન કરીને અહિંસા દાંડીયાત્રામાં જોડાશે એમ જણાવીને મુનિશ્રીએ કહ્યું હતું કે ‘આ યાત્રા બીજી ઑક્ટોબરે સવારે સાડાઆઠ વાગ્યે સાબરમતી આશ્રમથી નીકળીને ઇન્કમ-ટૅક્સ ચાર રસ્તા પાસે ગાંધીજીની પ્રતિમા સુધી જશે. આ યાત્રામાં ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સના અધિકારીઓ હાજર રહેશે અને રેકૉર્ડ જાહેર કરશે.’

યાત્રામાં ત્રણ નહીં, ચાર વાંદરા

મુનિશ્રીએ કહ્યું હતું કે ‘બાપુના ત્રણ વાંદરા હતા જેમાં એક મ્મોં પર હાથ મૂકીને સંદેશ આપે છે કે ક્યારેય ખરાબ નહીં બોલું, બીજો વાંદરો કાન પર હાથ રાખીને સંદેશ આપે છે કે ક્યારેય ખોટું નહીં સાંભળું અને ત્રીજો વાંદરો આંખ પર હાથ રાખીને સંદેશ આપે છે કે ખરાબ ન જુઓ. જોકે આ યાત્રામાં ચોથો વાંદરો પણ હશે જેણે હૃદય પર હાથ રાખ્યો હશે અને એ સંદેશો આપશે કે ખરાબ ન વિચારો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK