Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગઈ દિવાળીથી આ દિવાળી સુધી...

ગઈ દિવાળીથી આ દિવાળી સુધી...

09 November, 2020 03:46 PM IST | Mumbai
Falguni Jadia Bhatt | feedbackgmd@mid-day.com

ગઈ દિવાળીથી આ દિવાળી સુધી...

કોરોનાકાળ તરીકે ઇતિહાસમાં સ્થાન પામી ચૂકેલું ગયું વર્ષ

કોરોનાકાળ તરીકે ઇતિહાસમાં સ્થાન પામી ચૂકેલું ગયું વર્ષ


માનવજાતની એક ખાસિયત છે. એ ક્યારેય, કોઈનાથી અટકી નથી. મહાયુદ્ધો હોય કે મહામારી, એણે ક્યારેય કોઈનાથી હાર માની નથી. જ્યારે દોડાતું હોય ત્યારે દોડીને, જ્યારે ચલાતું હોય ત્યારે ચાલીને અને અત્યારના કોરોના જેવા સમયમાં જ્યારે માત્ર ભાંખોડિયાં ભરાતાં હોય ત્યારે માત્ર ભાંખોડિયાં ભરીને પણ એણે સતત ભવિષ્ય પર નજર રાખી આગળ વધ્યા કરવાનો પ્રયત્ન કર્યો છે. ઘણા લાઇફ કોચ એવું કહે છે કે જીવનને માપવાનો એક રસ્તો એને એક-એક વર્ષના સમયગાળામાં વિભાજિત કરીને એમાં આપણે શું ગુમાવ્યુ અને શું પામ્યા એનો નિષ્કર્ષ કાઢવાનો છે. તો આવો આજે જરા એક નજર ગઈ દિવાળીથી આ દિવાળી સુધી કરીએ અને આ એક વર્ષના સમયગાળા દરમિયાન આપણે ક્યાંથી ક્યાં સુધી પહોંચ્યા એના સરવાળા-બાદબાકી કરી ગયું એક વર્ષ નફાનું રહ્યું કે નુકસાનનું એ ચકાસી જોવાનો પ્રયત્ન કરીએ.
ગઈ દિવાળીએ આપણે બધા જ્યારે ઉત્સવ મનાવવામાં મશગુલ હતા ત્યારે જ ચીનમાં આ વાઇરસ દૂર-દૂર ગુપ્ત રીતે માથું ઊંચકી રહ્યો હતો. કોઈને ખબર પણ નહોતી કે આવતી દિવાળી સુધીમાં આ અજગર આખા વિશ્વનો ભરડો લઈ લેશે. ગઈ દિવાળીએ આપણામાંના ઘણા લોકોએ પોતાનું આખા વર્ષનું ભવિષ્ય વાંચ્યું હશે. એમાં અનેક વસ્તુઓ લખાયેલી હશે. વિદેશ યાત્રાના યોગ, કમાવાની તક, આકસ્મિક ધનલાભ વગેરે-વગેરે; જ્યારે મોટા ભાગના લોકો સાથે થયું હશે એનાથી કંઈ વિપરીત જ. આ જ એ સમય હતો જ્યારે ભારતમાં આર્ટિકલ ૩૭૦ને રદ કરવા પ્રદર્શનો થઈ રહ્યાં હતાં. મહારાષ્ટ્ર જેવાં રાજ્યોમાં રાજકારણ ચરમસીમા પર હતું. પાકિસ્તાન બાલાકોટ સ્ટ્રાઇક
બાદ ધૂંઆપૂંઆ થઈ રહ્યું હતું. આ બધાની વચ્ચે ગઈ વિક્રમ સંવતની શરૂઆત ભારતીયો માટે તો ધમાકેદાર જ રહી હતી.
વર્ષ આગળ વધ્યું. ડિસેમ્બરમાં ચીનમાં લૉકડાઉન થયું. ફેબ્રુઆરી સુધી મોદી-ટ્રમ્પની મુલાકાતો થઈ. ત્યારે પણ વિશ્વને હતું કે ચીનમાં ચાલુ થયેલો આ વાઇરસનો સપાટો જાતે જ શમી જશે. સૌકોઈ આ વાઇરસથી આંખ આડા કાન કરી પોતાની જિન્દગી રાબેતા મુજબ જીવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. પછી તો ધીમે-ધીમે લોકોને વાઇરસની ગંભીરતા સમજાઈ. ભારતમાં પણ માર્ચ આવતાં સુધીમાં સ્વયંભૂ કરફ્યુથી લઈને થાળીઓ તથા શંખનાદની કવાયત કરાવી વડા પ્રધાન મોદીએ લોકોને માનસિક રીતે તૈયાર કરી દીધા. ૨૫ માર્ચે જ્યારે હજી તો ઘણા લોકોના હાથ પરથી હોળીનો રંગ પણ ઊતર્યો નહોતો ત્યાં વિશ્વના સૌથી વ્યાપક અને કડક લૉકડાઉનની શરૂઆત થઈ ગઈ હતી. ત્યાર બાદના વર્ષને પ્રી-લૉકડાઉન અને પોસ્ટ-લૉકડાઉનમાં વહેંચવું આસાન છે.
ખેર, ધીમે-ધીમે શાહીન બાગ પણ વિખરાઈ ગયું, ટીવી પર રામાયણ અને મહાભારતને કરોડો લોકોએ એટલા માણ્યા કે ટીઆરપીના આંકડાએ વિશ્વભરના રેકૉર્ડ તોડી નાખ્યા. સુશાંત સિંહ રાજપૂતે આ દુનિયામાંથી વિદાય લીધી, લદ્દાખ સરહદ પર વર્ષો બાદ ચીન અને ભારતીય સેના સામસામે થઈ ગઈ, રિશી કપૂર અને ઇરફાન ખાન જેવા અનેક નામી કલાકારો તથા નેતાઓએ આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું અને અમિતાભ બચ્ચન પણ લગભગ પોતાના આખા પરિવાર સાથે કોરોનામાં સપડાયા અને એમાંથી બહાર આવી ગયા. રાજકીય ઊઠાપટકો થઈ અને ઇકૉનૉમી ઊંધા માથે ભાંગી પડી.
હવે આ લખાઈ રહ્યું છે ત્યારે દેશનું અર્થતંત્ર ફરી પાછું પગ પર થવા તત્પર બની રહ્યું છે. ભલે અડધાં-પડધાં, પરંતુ વિમાનો આકાશમાં ઊડી રહ્યાં છે. લોકો ફરવા જવાનાં સપનાં જોવા માંડ્યા છે. આ બધાની વચ્ચે આપણા ઓળખીતામાં જ અનેક લોકોએ પોતાના સ્વજનો ગુમાવવા પડ્યા તો લાખો લોકોએ નોકરી અને રોજગાર ગુમાવ્યાં.
ધીરે-ધીરે સૌકોઈ એ આઘાત અને મુસીબતમાંથી પણ બહાર આવવાના માર્ગ શોધી રહ્યા છે.
ટૂંકમાં ગયું આખું વર્ષ અફરાતફરીનું વર્ષ રહ્યું. તેમ છતાં બે વસ્તુઓ એવી હતી જેણે કોઈ પણ પ્રકારના બંધનમાં જકડાવાની ના પાડી દીધી અને પોતાની રીતે પોતાનું કામ ચાલુ જ રાખ્યું. એક સમય અને બીજું માણસનું મગજ. જ્યારે આખી દુનિયા ઘરની ચાર દીવાલમાં પુરાઈ ગઈ હોવાની ફરિયાદ કરી રહી હતી ત્યારે પણ સમય અને મનુષ્યની બુદ્ધિપ્રતિભાએ એ કરીને દેખાડ્યું જેનો આજથી એક વર્ષ પહેલાં કોઈએ વિચાર પણ કર્યો નહોતો. જરા એક નજર ગયા એક વર્ષની આપણી ઉપલબ્ધિઓ પર કરીએ તો આપણને પોતાને પણ નવાઈ લાગશે કે એક વર્ષ પહેલાં આપણે ક્યાં હતા અને એક વર્ષમાં તો આપણે ક્યાંના ક્યાં આવી ગયા.
ભલે આ એક વર્ષમાં આપણે શારીરિક રીતે ઘરમાં પુરાયેલા રહ્યા, પરંતુ કરવા જેવું આપણે કશું જ કરવાનું બાકી રાખ્યું નહીં. માણસે પોતાની બુદ્ધિ અને ટેક્નૉલૉજીની મદદથી પોતાની પ્રત્યેક આવશ્યકતા અને ફરજ ઘરે રહીને પણ પૂરી કરી. બૅન્કો અને હૉસ્પિટલો જેવી કેટલીક આવશ્યક સુવિધાઓને બાદ કરતા મોટા ભાગના લોકોએ ઘરે રહીને ઑફિસનાં કામો કર્યાં અને હજી પણ કરી રહ્યા છે. ગઈ કાલ સુધી ઘરે તો ફક્ત ગૃહિણીઓ જ રહે એવી માન્યતામાં રાચતા મોટા ભાગના લોકોએ સ્વીકાર્યું પણ કે ઘરે રહીને ન ફક્ત તેઓ પ્રમાણમાં વધુ, પરંતુ ગુણવત્તામાં પણ વધુ સારું કામ કરી શક્યા. આ એક વર્ષે ભણવા માટે તો સ્કૂલે જવું જ પડે એવી આપણી દાયકાઓ જૂની માન્યતાને કડડડભૂસ કરીને ભાંગી નાખી. ગઈ કાલ સુધી જે સાધનોથી આપણે આપણાં બાળકોને કેવી રીતે દૂર રાખવાં એના વિચારો કરતા હતા આજે એ જ કમ્પ્યુટર, લૅપટૉપ અને મોબાઇલ બાળકોની સ્કૂલ બની ગઈ છે, જેના પર તેઓ ન ફક્ત શાળાનું શિક્ષણ મેળવી રહ્યાં છે પરંતુ સાથે જ કરાટે, કેશિયો અને કોડિંગથી લઈને ભલભલા કોર્સ પણ કરી રહ્યા છે.
એટલું જ નહીં, ગ્રૅજ્યુએટ્સને તેમની ડિગ્રી ઑનલાઇન અપાઈ રહી છે, નવી ગાડીઓ ઑનલાઇન લૉન્ચ થઈને વેચાઈ પણ રહી છે, બાળકો પોતાના બર્થ-ડે અને યુવાનિયાઓ પોતાની ઍનિવર્સરી ઑનલાઇન મનાવતા થઈ ગયા છે, ગીત-સંગીતના કાર્યક્રમોથી લઈ ફૅમિલી ગેટ-ટુગેધર માટે ઝૂમ મીટિંગ્સનો ઉપયોગ થવા માંડ્યો છે, સૂનાં પડેલાં સિનેમાગૃહો વચ્ચે ઓટીટી પ્લૅટફૉર્મ્સ પર નવી ફિલ્મો રિલીઝ થઈ રહી છે, સેમિનારનું સ્થાન વેબિનારે લઈ લીધું છે, ડૉક્ટરોની ક્લિનિકનું સ્થાન વિડિયો-કૉલિંગે લઈ લીધું છે, ઑફિસોના કૉન્ફરન્સ રૂમનું સ્થાન ગૂગલ મીટ્સે લઈ લીધું છે.
આ અને આવા બીજા અઢળક રસ્તા માનવજાતે માત્ર છેલ્લા એક વર્ષમાં શોધી કાઢ્યા છે અને તેમને પોતાના રોજિંદા જીવનના ભાગ તરીકે સ્વીકારી પણ લીધા છે. અંગ્રેજીમાં એક કહેવત છે કે નેસેસિટી ઇઝ ધ મધર ઑફ ઇન્વેન્શન્સ અર્થાત્ આવશ્યકતામાંથી જ શોધનો આવિષ્કાર થાય છે. આ કથન છેલ્લા એક વર્ષમાં મનુષ્યજાતિએ ફરી એક વાર સત્ય પુરવાર કરી દેખાડ્યું છે. આ એક વર્ષમાં દુનિયાના પ્રત્યેક દેશ કોરોના સામેની આ લડાઈમાં એકજુટ થઈને સાથે કામ કરી રહ્યા છે અને બધાને ગળા સુધીની ખાતરી છે કે ટૂંક જ સમયમાં વૈજ્ઞાનિકો આ વાઇરસ સામે રક્ષણ આપતી વૅક્સિન પણ શોધી જ કાઢશે. ઇટ ઇઝ જસ્ટ ધ મૅટર ઑફ ટાઇમ, પરંતુ માણસની સર્જનાત્મકતા, કલ્પનાશક્તિ અને ઇચ્છાશક્તિ એટલી પ્રબળ છે જીવનને આગળ ધપાવતા રહેવાના આવા તો બીજા અઢળક રસ્તા આપણે ત્યાં સુધીમાં શોધી કાઢીશું. તો પછી ચિંતા શાને કરીએ? ચાલો આવનારું નવું વર્ષ પણ આપણા આ જ સ્પિરિટને નામ કરીએ અને હાલ જે સામે આવ્યું છે એને એન્જૉય કરીએ.
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

09 November, 2020 03:46 PM IST | Mumbai | Falguni Jadia Bhatt

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK