Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ગૂગલથી માંડીને ફેસબુકને રસ પડ્યો એ જિયો પ્લૅટફૉર્મ છે શું?

ગૂગલથી માંડીને ફેસબુકને રસ પડ્યો એ જિયો પ્લૅટફૉર્મ છે શું?

19 July, 2020 10:22 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ગૂગલથી માંડીને ફેસબુકને રસ પડ્યો એ જિયો પ્લૅટફૉર્મ છે શું?

ગૂગલથી માંડીને ફેસબુકને રસ પડ્યો એ જિયો પ્લૅટફૉર્મ છે શું?


રિલાયન્સની શરૂઆત ટેક્સટાઇલથી થઈ અને હવે છેક ટેલિકૉમ સુધી લંબાઈ ગઈ છે. એક તબક્કે ટેલિકૉમ ઇન્ડસ્ટ્રીનો કડવો ઘૂંટડો પી લેનાર રિલાયન્સે બીજી વખત એ જ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થઈને ભલભલાને પરસેવા છોડાવી દીધા છે તો ટેલિકૉમ ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સ કહે પણ છે કે આવતાં બેથી ત્રણ વર્ષમાં ટેલિકૉમ ઇન્ડસ્ટ્રીમાં રિલાયન્સ સામે એક પણ હરીફ ઊભો નહીં રહે. રિલાયન્સની જિયો પ્લૅટફૉર્મને માત્ર ત્રણ મહિનામાં ૧.પ લાખ કરોડથી વધુનું ઇન્વેસ્ટમેન્ટ મળ્યું છે ત્યારે આ જિયો પ્લૅટફૉર્મ છે શું એ સરળ શબ્દોમાં જાણવા અને સમજવા જેવું છે.

લૉકડાઉન શરૂ થયું ત્યારથી એકમાત્ર હકારાત્મક ન્યુઝ જો કોઈ આપી શક્યું હોય તો એ છે રિલાયન્સ. રિલાયન્સે લૉકડાઉનના પિરિયડમાં ગંજાવર ફૉરેન ઇન્વેસ્ટમેન્ટ્સ લાવીને પુરવાર કર્યું કે કોવિડ-19ના સંક્રમણ વચ્ચે ઇન્ડિયાને ભલે વર્તમાન અંધકારમય લાગતો હોય, પણ ભવિષ્ય ઊજળું છે અને આખી દુનિયાને ઇન્ડિયામાં ઇન્ટરેસ્ટ છે. રિલાયન્સની જ કંપની જિયો પ્લૅટફૉર્મમાં જગતની બેસ્ટ કહેવાય એવી ગૂગલ અને ફેસબુક જેવી કંપનીઓને પણ જિયો પ્લૅટફૉર્મ અને એના ડેવલપમેન્ટમાં રસ પડ્યો અને એને માટે એ કંપનીઓએ પણ જગતની અન્ય કંપનીઓ સાથે હજારો કરોડ રૂપિયાનું જિયો પ્લૅટફૉર્મમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું. જિયો પ્લૅટફૉર્મમાં આવેલા આ ઇન્વેસ્ટમેન્ટને કારણે સૌથી મોટો ફાયદો જો કોઈ હોય તો એ કે રિલાયન્સ દેવામુક્ત કંપની બની ગઈ અને એની એક જ વર્ષમાં તમામ લોન ભરપાઈ થઈ ગઈ. લોન ભરપાઈ થઈ જવાને કારણે દેખીતો લાભ એ થયો કે રિલાયન્સ પર હવે વ્યાજનું ભારણ નીકળી ગયું, જેને લીધે કંપનીના પ્રૉફિટમાં ભાગ પડાવનારાઓ નીકળી ગયા. મુકેશ અંબાણીએ હવે રિચેસ્ટ લિસ્ટમાં જેમને પાછળ રાખી દીધા એ વૉરેન બફેટે કહ્યું છે કે ‘વ્યાજ ધીમું ઝેર છે, એ જેટલું ઝડપથી બંધ થાય એટલું જલદી ડેવલપમેન્ટ દેખાય.’



મુકેશ અંબાણીએ પોતાના આ હરીફના શબ્દોને અસરકારક રીતે અમલી બનાવી દીધા, પણ અમલી બનાવવામાં કારણભૂત બની જિયો પ્લૅટફૉર્મ. રિલાયન્સની જિયો બ્રૅન્ડને ઓળખનારા ૧૦૦માંથી ૯૯ લોકો એવું જ માને છે કે જિયો પ્લૅટફૉર્મ એટલે જિયો સિમકાર્ડ અને જિયો મોબાઇલ નેટવર્ક, પણ ના, આ અર્ધસત્ય છે. કહો કે આ તો જિયો પ્લૅટફૉર્મની કુલ કામગીરીના માત્ર ૧૦ ટકા જ વાત થઈ. જિયો પ્લૅટફૉર્મ એટલી હદે પથરાવાની છે અને એનો એ ફેલાવો આવનારાં વર્ષોમાં મુકેશ અંબાણી અને રિલાયન્સને દુનિયાની સૌથી મોટી કંપની બનાવવાનું કામ કરવાની છે.


જિયો પ્લૅટફૉર્મ શું છે એ વિશે જાણતાં પહેલાં રિલાયન્સની ટેલિકૉમ ઇન્ડસ્ટ્રીની જર્ની પર એક નજર કરવી જોઈએ.

ટેલિકૉમનો ડોર ઓપન


સૌકોઈને ખબર છે કે ધીરુભાઈ અંબાણીએ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીથી કરીઅરની શરૂઆત કરી હતી. ૧૯૭૩માં ટેક્સટાઇલ મૅન્યુફૅક્ચરિંગ શરૂ કરીને ૮૦ના દસકામાં અંબાણી ફૅમિલી ટેક્સટાઇલમાં ઉપયોગી એવા કેમિકલ પ્રોડક્શનમાં અને એ પછી પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીમાં દાખલ થયું અને ૨૦૦૦ના પૂર્વર્ધમાં રિલાયન્સ ટેલિકૉમ ઇન્ડસ્ટ્રીમાં એન્ટર થયું. ત્યાર પછી કંપનીના ભાગલા પડ્યા અને ૨૦૦પમાં રિલાયન્સ ટેલિકૉમ અનિલ અંબાણી હસ્તક આવી, જે કંપની ૨૦૧૮માં સંકેલાઈ ગઈ.

આ સમયગાળા વચ્ચે એટલે કે ૨૦૧૦માં મુકેશ અંબાણીએ એક નાનકડી ટેલિકૉમ નેટવર્ક કંપની IBSL ટેકઓવર કરી, જેનો ઉપયોગ ડ્રાઇવર તરીકે થયો અને ભારત સરકાર દ્વારા આપવામાં આવતા ટેલિકૉમ લાઇસન્સના રાઇટ્સ ખરીદવામાં આવ્યા. આ રીતે દેશમાં 4G નેટવર્ક ઇન્ટ્રોડ્યુસ કરવાનો જશ પણ આ જ કારણે મુકેશ અંબાણીને જાય છે. હવે ઘરમાં તો કૉમ્પિટિશન રહી નહોતી એટલે મુકેશ અંબાણીએ ફુલફ્લેજ્ડ ટેલિકૉમ નેટવર્કને રિલાયન્સ જિયો ઇન્ફોકૉમના નામે એક્સપ્લોર કરવાનું શરૂ કર્યું. જિયોએ માત્ર ૬ મહિનામાં ૧૦૦ મિલ્યન કસ્ટમર મેળવી લીધા, તો એપ્રિલમાં જિયો પાસે ૩૮૮ મિલ્યન કસ્ટમર થઈ ગયા છે. આ રિલાયન્સ જિયો ઇન્ફોકૉમ એ હકીકતમાં તો રિલાયન્સ પ્લૅટફૉર્મનો એક ભાગ છે. મુકેશ અંબાણીએ ગયા વર્ષે રિલાયન્સની ઍન્યુઅલ જનરલ મીટિંગમાં કહ્યું હતું કે ‘આજના આ સમયમાં ડેટાનું મહત્ત્વ વધ્યું છે. ડેટા હવે નવું ઈંધણ છે, નવી તાકાત છે.’

રિલાયન્સનું જિયો પ્લૅટફૉર્મ પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છે.

જિયો છે, આખું જગત...

કહ્યું એમ, જિયો પ્લૅટફૉર્મમાં ટેલિકૉમ નેટવર્ક એ પાશેરામાં પહેલી પૂણી છે, પણ હકીકતમાં જિયો પ્લૅટફૉર્મ એક આખું એવું નેટવર્ક છે જે દિશામાં મોટોરોલા, સીમેન્સ જેવી કંપનીઓ કામ કરી રહી છે. ગયા વીકમાં થયેલી ઍન્યુઅલ જનરલ મીટિંગમાં રિલાયન્સે કહ્યું કે જિયો પાસે હવે પોતાનું 5G નેટવર્ક તૈયાર છે. અહીં એક વાત સમજી લેજો કે અગાઉ મોબાઇલ નેટવર્ક માટેની જેકોઈ જનરેશન આવી એ જનરેશન બહારથી આયાત કરવી પડી હતી. ઇન્ડિયામાં મોબાઇલ આવ્યા ત્યારે મોટા ભાગની ટેક્નૉલૉજી મોટોરોલાએ પ્રોવાઇડ કરી હતી. એ પછી સીમેન્સ પણ નેટવર્ક ટેક્નૉલૉજી પ્રોવાઇડ કરવામાં સામેલ હતું, પણ હવે જ્યારે વાત 5Gની આવશે ત્યારે રિલાયન્સે પોતાને માટે તો ટેક્નૉલૉજી કોઈની પાસે લેવી નહીં પડે, પણ સાથોસાથ રિલાયન્સ બીજી મોબાઇલ નેટવર્ક કંપનીઓને પણ એ ટેક્નૉલૉજી આપશે અને જે રીતે બીજી કંપની ઇન્ડિયામાં આવીને એ ટેક્નૉલૉજી આપતી એવી જ રીતે રિલાયન્સ આ ટેક્નૉલૉજી બીજા દેશોને આપશે. આજે જગતઆખામાં 5G નેટવર્કની પોતાની ટેક્નૉલૉજી ધરાવતી હોય એવી માત્ર ત્રણ કંપનીઓ છે, જેમાં હવે રિલાયન્સ પણ સામેલ થઈ ગયું છે. રિલાયન્સની ખાસિયત રહી છે કે એ મોનોપૉલી તોડે છે. જરા યાદ કરો રિલાયન્સે ઇન્ડિયા મોબાઇલ લૉન્ચ કર્યા ત્યારની પ્રાઇસ-વૉર. જો એ દિવસો યાદ ન હોય તો જિયો લૉન્ચ સમયે જિયો નેટવર્કે વોડાફોન અને ઍરટેલની સાથે જે પ્રાઇસ-વૉર શરૂ કરી એ તો તમને યાદ હશે જ. રિલાયન્સ હવે ટેક્નૉલૉજી પ્રોવાઇડરમાં પણ પ્રાઇસ-વૉર રમી શકે છે અને રિલાયન્સની પ્રાઇસ-વૉર જ એને વર્લ્ડનું બેસ્ટ પ્લેયર બનાવશે.

નેટવર્ક પ્રોવાઇડર બનવાની ક્ષમતા ધરાવતી જિયો પ્લૅટફૉર્મ બ્રૉડબૅન્ડ સર્વિસમાં પણ મોટા પાયે આવી રહી છે. બ્રૉડબૅન્ડની આવશ્યકતા કેવી છે એની સૌકોઈને ખબર કોવિડ-19 દરમ્યાન ખબર પડી ગઈ છે. વિડિયો-કૉન્ફરન્સ હવે ઇનથિંગ છે અને એના વિશે કોઈને સમજાવવા જવાની જરૂર નથી, તો સાથોસાથ મલ્ટિપ્લેક્સ અને ઑડિટોરિયમ પણ હવે બ્રૉડબૅન્ડ પર આવવાનાં શરૂ થઈ ગયાં છે. જિયો પ્લૅટફૉર્મ બ્રૉડબૅન્ડ થ્રૂ હવે એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રી પર જબરદસ્ત પગપેસારો કરવા માંડી છે. આજે જિયો નેટવર્ક પર પ૭પથી પણ વધારે ચૅનલ તમને કોઈ પણ જાતના છૂપા ખર્ચ વિના બિલકુલ ફ્રી જોવા મળે છે. આ ચૅનલ અત્યારે મોબાઇલ પર જોવા મળે છે, પણ એ જ જો ટીવીમાં જોવી હોય તો પણ ફ્રી જોવા મળશે. ચૅનલ ફ્રી દેખાડીને કંપની બ્રૉડબૅન્ડમાંથી પોતાની ઇન્કમ ઊભી કરી રહી છે. દુનિયામાં અત્યારે માર્કેટિંગની એક નવી સિસ્ટમ આવી છે, જેને ‘ફ્રીમિયમ’ (ફ્રી વત્તા પ્રીમિયમ પરથી બનેલો શબ્દ) કહેવામાં આવે છે. આજ સુધી જેના તમે પૈસા ચૂકવતા હતા એના પૈસા લેવાના જ નહીં અને એને બદલે એનું પેમેન્ટ લેવાનું જેની તમે ગણના પણ કરતા નથી. સીધો હિસાબ, પ૭પ ચૅનલ ફ્રી છે, પણ બ્રૉડબૅન્ડનું પેમેન્ટ ઘરમાંથી જવાનું છે. આ જે પેમેન્ટ જવાનું છે એ પેમેન્ટ જિયો પ્લૅટફૉર્મનું છે.

જિયો ગેમ પણ જિયો બ્રૉડબૅન્ડનો જ એક ભાગ બનશે, એમાં પણ ફ્રીમિયમ સિસ્ટમ વાપરવામાં આવશે. તમને જો મનમાં સવાલ જાગે કે આમાં બીજી ઇન્કમ કેવી રીતે થાય તો તમારે ગૂગલની કામગીરીને જોવી જોઈએ. ગૂગલ તમારી પાસેથી કશું નથી લેતું અને એ પછી પણ એ ટ્રિલ્યન ડૉલર કંપની બનીને હજારો કર્મચારીઓની લાખો બિલ્યન સૅલેરી ચૂકવે છે. જિયો પ્લૅટફૉર્મ આ જ દિશામાં છે અને ગૂગલથી પણ મોટી થવાના રસ્તા પર ઘણી આગળ નીકળી ગઈ છે.

કમાણીનું સાધન ઑનલાઇન

જિયો પ્લૅટફૉર્મનું મેઇન ફોકસ ઑનલાઇન બિઝનેસ અને બિઝનેસ સપોર્ટેડ ઍપ્લિકેશનથી માંડીને એનું સૉલ્યુશન પૂરું પાળવાનું છે. જિયો પ્લૅટફૉર્મની જિયો ઍપ્સ ડિવિઝનમાં જિયો ટીવીથી માંડીને જિયો સિનેમા, જિયો ક્લાઉડ જેવી અઢળક મોબાઇલ ઍપ્લિકેશન બનાવવામાં આવી છે. આપણે એ ઍપ્લિકેશનમાંથી જૂજને જ ઓળખીએ છીએ, પણ જેને ઓળખીએ છીએ એ તો હિમશિલાની ટોચ માત્ર છે. અંદરની એની પહોળાઈ ધારણા બહારની વિશાળ છે. હોમ સિક્યૉરિટી માટેની ઍપ જિયોએ ડેવલપ કરી છે, જિયો સિક્યૉરિટી તો બીમારીથી માંડીને સારવાર માટેની ઍપ જિયો હેલ્થહબ પણ તૈયાર છે. અહીં તમને ઑનલાઇન ડૉક્ટર સારવાર આપશે તો સાથોસાથ તમને ગાઇડન્સ પણ મળતું રહેશે. આખા અપાર્ટમેન્ટની સિક્યૉરિટી સિસ્ટમ હૅન્ડલ કરે એવી જિયો ગેટ પણ જિયોએ ડેવલપ કરી છે તો વૉટ્સઍપ સામે ઊભી રહી શકે એવી જિયો ચૅટ ઍપ પણ છે. જિયો ન્યુઝ ઍપમાં તમને એક પણ રૂપોયા ભર્યા વિના જગતભરનાં ન્યુઝપેપર અને મૅગેઝિન વાંચવા મળે છે અને જો તમે જિયો સેટ ટૉપ બૉક્સ ઘરમાં લાવી દીધું હોય તો જિયો હોમ ઍપ થકી તમારા ઘરનાં તમામ સ્માર્ટ ડિવાઇસ આ જિયો હોમથી ઑપરેટ થઈ શકે છે. તમારી જાણ ખાતર, સ્માર્ટ માત્ર મોબાઇલ જ નથી, હવે વૉશિંગ મશીનથી માંડીને ટીવી, ફ્રિજ, માઇક્રોવેવ અને ડિશ-વૉશરથી માંડીને ઘરની લાઇટ, પંખા અને એસી પણ સ્માર્ટ થઈ ગયાં છે, જેને ચાલુ-બંધ કરવાથી માંડીને એને ઑપરેટ કરવાનું કામ પણ ઘરથી જોજનો દૂર બેઠાં-બેઠાં થઈ શકે અને એ ટેક્નૉલૉજી જિયો પ્લૅટફૉર્મ ઘરે-ઘરે પહોંચાડવાની છે. અહીં કહી એ મોબાઇલ-ઍપ્સ ઉપરાંતની અલગ-અલગ ઇન્ડસ્ટ્રીને ઉપયોગી બને અને ટ્રેડ-ફ્રેન્ડ્લી કહેવાય એવી પણ અઢળક ઍપ જિયો પ્લૅટફૉર્મ દ્વારા તૈયાર થઈ છે અને આ કામ એકધારું ચાલી રહ્યું છે. એક અનુમાન મુજબ આવતા એક વર્ષમાં જિયો દ્વારા ૪૦૦થી વધારે સ્માર્ટ ઍપ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે, જેમાં જિયો માર્ટ ઑનલાઇન શૉપિંગની તમામ વ્યાખ્યાને બદલી નાખશે.

જિયો માર્ટ અત્યારે લિમિટેડ વિસ્તારમાં ઇન્ટ્રોડ્યુસ થઈ છે, પણ એક વખત એ ફુલફ્લેજ્ડ ઇન્ટ્રોડ્યુસ થશે એ પછી જિયો માર્ટ ઍપ ઑનલાઇન શૉપિંગના નવા આયામ સર કરશે અને ઍમેઝૉનથી માંડીને ફ્લિપકાર્ટ અને મિંત્રા જેવા શૉપિંગ પૉર્ટલને પરસેવો પડાવી દેશે. રિલાયન્સને એની બૅકવર્ડ ઇન્ટિગ્રેશનની નીતિ ઑનલાઇન શૉપિંગમાં ભરપૂર લાભ અપાવશે.

તમારી જાણ ખાતર કે અત્યારે જેકોઈ ઑનલાઇન શૉપિંગ પૉર્ટલ છે એ કોઈની પાસે પોતાના રિયલ સ્ટોર નથી, પણ રિલાયન્સ પાસે એ આખું નેટવર્ક તૈયાર છે તો સુપર માર્કેટ, ડિજિટલ ચેઇન, ફૂટપ્રિન્ટ ઉપરાંત રિલાયન્સ પાસે જ્વેલરી જેવી ઑનલાઇનમાં ઓછી ખેડાયેલી ઇન્ડસ્ટ્રી પણ હાથમાં છે. રિલાયન્સ રીટેલ સાથે પાર્ટનરશિપમાં જિયો માર્ટ ઍપ અને ઑનલાઇન શૉપિંગ નેટવર્ક જિયોને શ્વસન આપવાનું કામ ઉમદા રીતે કરશે. રિલાયન્સ રીટેલ અને જિયો પ્લૅટફૉર્મનું કૉમ્બિનેશન રીટેલ કસ્ટમરને રિલાયન્સ-ફ્રેન્ડ્લી બનાવવાની પૂરતી ક્ષમતા ધરાવે છે.

બનાવો, નહીં તો લઈ લો

જિયો પ્લૅટફૉર્મમાં ક્યારેય રાત નથી પડતી. હા, આ સાવ સાચી વાત છે. ૨૪ કલાક જિયો પ્લૅટફૉર્મમાં રિસર્ચ અને ડેવલપમેન્ટનું કામ ચાલે છે. આ કામ વચ્ચે રિલાયન્સની એક નીતિ સ્પષ્ટ રીતે કામ કરે છે. કાં તો બનાવો અને નહીં તો લઈ લો. તમને ખબર નહીં હોય, પણ છેલ્લા થોડા મહિનાઓમાં જિયો પ્લૅટફૉર્મે આ જ સિદ્ધાંત હેઠળ ઑનલાઇન બિઝનેસ સાથે જોડાયેલી અનેક કંપની કાં તો ટેકઓવર કરી છે અને કાં તો એની પ્રોડક્ટ ખરીદી લીધી છે. સાવન મ્યુઝિક એનું સૌથી સરળ ઉદાહરણ છે. સાવન મ્યુઝિક હવે જિયો સાવન મ્યુઝિક છે. ૨૦૦૬માં શરૂ થયેલી આ કંપની ૨૦૧૮માં જિયોએ ટેકઓવર કરી લીધી છે. પર્સનલ અસિસ્ટન્ટ બનતી મોબાઇલ-ઍપ હેપ્ટિકનું પણ એવું જ છે. હેપ્ટિક પણ જિયો પ્લૅટફૉર્મે ટેકઓવર કરી લીધી છે. આવી અનેક કંપનીઓ છે જેમાં કાં તો જિયોએ પાર્ટનરશિપ કરી છે અને કાં તો એ કંપનીઓ ટેકઓવર કરી છે. આ તમામ કંપનીઓ જિયો પ્લૅટફૉર્મની અંદર રહેશે અને જિયો પ્લૅટફૉર્મ દ્વારા પ્રોવાઇડ કરવામાં આવતી સર્વિસ આપનારી કંપની બનશે.

ઇન્ટરનેટ, ઑનલાઇન અને બ્રૉડબૅન્ડ. આ ત્રણ શબ્દો આવતી કાલના માધ્યમના ત્રણ સ્તંભ છે અને આ ત્રણ સ્તંભ પર જિયો પ્લૅટફૉર્મ ઊભું છે. ૨૦૧૮ સુધી જિયો પ્લૅટફૉર્મનું કોઈએ નામ પણ નહોતું સાંભળ્યું અને ૨૦૨૦માં જિયો સિવાયનાં નામ કોઈને યાદ નથી રહ્યાં. લખી રાખજો કે ૨૦૨૨માં આ જ વ્યાખ્યા ફરી બદલાઈ જશે અને જીવવા માટે રોટી, કપડાં ઔર મકાન નહીં, રોટી, કપડાં, મકાન ઔર જિયો અનિવાર્ય બની જશે.

કોણે-કોણે કર્યું ઇન્વેસ્ટમેન્ટ?

રિલાયન્સના જિયો પ્લૅટફૉર્મમાં છેલ્લા ત્રણ મહિનામાં આવેલું ઇન્વેસ્ટમન્ટ જોવા જેવું છે.

કંપની                             અમાઉન્ટ (કરોડમાં)                  ટકા સ્ટેક લીધો

ફેસબુક                            ૪૩,પ૭૪                                  ૧૦

ગૂગલ                             ૩૩,૭૩૭                            ૭.૭૩

વિસ્ટા ઇક્વિટી                ૧૧,૩૬૭                                  ૨.૩૨

કેકેઆર                     ૧૧,૩૬૭                            ૨.૩૨

પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ        ૧૧,૩૬૭                            ૨.૩૨

સિલ્વર લેક                 ૧૦,૨૦૩                            ૨.૦૮

મુબદલા                    ૯,૦૯૪                              ૧.૮પ

જનરલ ઍટલાન્ટિક        ૬,પ૯૮                              ૧.૩૪

અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ    પ,૬૮૩.પ                                ૧.૧૬

ટીપીજી કૅપિટલ              ૪,પપ૦                                    ૦.૯૩

એલ કેટરોન                   ૧,૮૯૦                                     ૦૩૯

જિયો ગ્લાસ અને બીજું ઘણું...

રિલાયન્સે હમણાં ઍન્યુઅલ જનરલ મીટિંગમાં જિયો ગ્લાસ લૉન્ચ કર્યા. આ જિયો ગ્લાસ એ જિયો પ્લૅટફૉર્મ અંતર્ગત બન્યા છે અને આવી તો અનેક બીજી પ્રોડક્ટ જિયો પ્લૅટફૉર્મ અંતર્ગત બનશે. અત્યાર સુધી જિયોએ માત્ર સૉફ્ટવેર બેઝ પર ધ્યાન આપ્યું હતું. જિયો મોબાઇલ નેટવર્ક લૉન્ચ કરતી વખતે LYF નામના મોબાઇલ જિયોએ લૉન્ચ કર્યા અને એ પછી જિયો નામથી પણ નાના હૅન્ડસેટ લૉન્ચ કર્યા, પણ જિયો પ્લૅટફૉર્મ પર હવે નવાં ઇન્વેન્શન આવતાં રહેશે અને એ દિશામાં જિયો ગ્લાસ પહેલું પગલું છે. જિયો ગ્લાસ ઉપરાંત જિયો પ્લૅટફૉર્મમાં અનેક એવી પ્રોડક્ટ પર અત્યારે કામ ચાલે છે જે દેશમાં જ નહીં, વિશ્વભરમાં ક્રાન્તિ લાવનારી બનશે.

Whatsapp-channel Whatsapp-channel

19 July, 2020 10:22 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK