Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > લેફ્ટ-રાઇટ અને સાવધાન-વિશ્રામ

લેફ્ટ-રાઇટ અને સાવધાન-વિશ્રામ

12 December, 2020 06:09 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

લેફ્ટ-રાઇટ અને સાવધાન-વિશ્રામ

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


હું મારું નાનપણ યાદ કરું ત્યારે મને બેચાર ઘટના અચૂક યાદ આવે. નાના હતા ત્યારે જે રીતે કોઈ જાતની ચિંતા વિના ફરતા એ, બીજા નંબર પર યાદ આવે કે કેવી નાની-નાની વાતમાં રડવું આવી જતું અને કેવી રીતે રડી પડતા. આજે રડતાં આવડે છે પણ રડવામાં શરમ આવે છે. આ બે યાદ પછી નાનપણની જો કોઈ યાદ આવે તો એ છે પીટીનો પિરિયડ. પીટીના પિરિયડમાં ભણવાનું ન હોય એટલે જે દિવસે પીટી કરવાની હોય એ દિવસે સવારથી જ રાજી હોઈએ. તમને પણ આ પીટીનો પિરિયડ યાદ હશે.

પીટીનો પિરિયડ યાદ આવે કે તરત જ મનમાં ‘લેફ્ટ-રાઇટ’ યાદ આવી જાય. અંગ્રેજી માસ્તર હોય તો તે અંગ્રેજીમાં ‘લેફ્ટ-રાઇટ’ કહે અને ગુજરાતી સાહેબ હોય તો એ ‘સાવધાન-વિશ્રામ’ કરીને એક્સરસાઇઝના પિરિયડમાં બધાને કૂચ કરાવે.



નાનો હતો ત્યારે આ પીટીના પિરિયડમાં મને મનમાં એક સવાલ બહુ થતો. એ સવાલ હજી પણ મનમાં અકબંધ છે. ત્યારે સવાલ પૂછવાનું મન બહુ થતું પણ પૂછવાની હિંમત નહોતી ચાલી, મનમાં ડર હતો કે માસ્તર ખિજાશે પણ હવે કોઈ ખિજાવાનું નથી એટલે સંકોચ રાખ્યા વિના પૂછી લઉં કે આ ‘લેફ્ટ-રાઇટ’ કે પછી ‘સાવધાન-વિશ્રામ’ કરાવવાનો મતલબ શું છે? શું આવું કરવાથી તમારા શરીરને કસરત મળી જાય? શું આવું કરવાથી શરીરનાં બધાં અંગોને તાકાત મળી જાય કે પછી આવું કરાવીને એ દેખાડવામાં આવે છે કે ઑર્ડર કેવી રીતે માનવાનો?


મને આ બીજી શક્યતામાં વધારે દમ લાગે છે. કદાચ એવું જ ધારીને આપણા બધા પાસે આ ‘લેફ્ટ-રાઇટ’ કરાવવામાં આવતું હશે. નાના હતા ત્યારથી જ બધાને સ્કૂલમાંથી જ શીખવાડવામાં આવે કે તમારે ઑર્ડર કરવાનો નથી પણ બીજાનો ઑર્ડર સાંભળવાનો છે અને સાંભળેલો એ ઑર્ડર ફૉલો કરવાનો છે, માનવાનો છે. જે ઑર્ડર આપવામાં આવે એ જ તમારે કરવાનું છે. ઑર્ડર માનવામાં કશું ખોટું નથી, અનુશાસન હોવું પણ જોઈએ પણ એ ખોટી રીતે ન શીખવી શકાય કે પછી એની આદત ન પાળવાની હોય. પણ આપણે ત્યાં ઊંધું થાય છે, આપણને પહેલેથી જ ઑર્ડર લેવાની આદત પાડી દેવામાં આવી છે.

તમે જુઓ, ઘણાને તમે ફોન કરો એટલે તમારો ફોન ઊંચકીને તરત જ જવાબ આપશે, ‘યસ સર, બોલો-બોલો...’


આ ‘યસ સર’ આવ્યું ક્યાંથી એ

ખબર છે?

અંગ્રેજો જ્યારે આપણા પર રાજ કરતા ત્યારે બધાને ઑર્ડર કરીને બોલાવે અને જેવા બોલાવે એટલે આપણી ગુલામ પ્રજાએ જવાબમાં ‘યસ સર’ કહેવાનું. આપણને દિવસ દરમ્યાન સતત યાદ દેવડાવવામાં આવ્યા કરે કે આપણે ગુલામ છીએ. આજે સ્કૂલમાં જે પીટી એટલે કે ફિઝિકલ ટ્રેઇનિંગ કરાવવામાં આવે છે એ પણ અંગ્રેજોની જ દેન છે. આ ‘લેફ્ટ-રાઇટ’ એ લોકો આપતા ગયા છે અને આપણે એ બધું હજી સાચવી રાખ્યું છે. આવી જ અલગ-અલગ રીત છે જેને આપણે સાચવી રાખીને આપણે જ શંકાને જન્મ આપીએ છીએ કે આપણે એ જ પ્રજા છીએ જે એક સમયે ગુલામ હતી. એક સમયે, આજે તો નહીંને? પણ આપણે તો એ પછી પણ એવું જ દેખાડીએ છીએ કે આપણે આજે પણ ગુલામ છીએ. કહેવાની કોઈ આવશ્યકતા નથી કે આપણે ગુલામ નથી, બધાને ખબર જ છે અને એ પછી પણ આપણે ગુલામીને હજી સુધી પકડી રાખી છે, આપણા મન પર આ ગુલામી હજી સુધી બેસી રહી છે અને આપણને એકધારું ગુલામીપણું જીવવું ગમે છે.

તમે જુઓ, આપણે અંગ્રેજોએ આપેલી એ બધી જૂની આદતો સાચવી રાખી છે. આઝાદી મળ્યાને પોણી સદી વીતી ગઈ છે અને એ પછી પણ આપણે તો ઠેરના ઠેર જ છીએ. નવું કશું કરવું નથી અને નવું કરવાની દોટ લાગે છે ત્યારે આપણે પહેલો અંગ્રેજીનો આશરો લઈએ છીએ. જપાન, ચાઇના, ફ્રાન્સ, તાઇવાન, હૉન્ગકૉન્ગ જેવા દેશોમાં જઈને એક વખત જોઈ આવો, એ લોકો પણ અંગ્રેજીને ફૉલો કરે છે પણ એમ છતાં તેમણે ક્યાંય પોતાની માતૃભાષાને પડતી નથી મૂકી અને આપણે તો ‘મેડ ઇન ઇન્ડિયા’ લખવામાં પણ સંકોચ અનુભવીએ છીએ. ગુજરાતી લેખકોને વર્નાક્યુલર લેખક તરીકે જોવામાં આવે અને પછી ઉતારી પણ પાડવામાં આવે.

ફૉરેનમાં વસતા ગુજરાતીઓને તમે મળો ત્યારે તે ખોટી તો ખોટી પણ ગુજરાતી બોલે. મેં તો આવું પર્સનલી બહુ જોયું છે. આવડે કે ન આવડે, સાચું કે ખોટું પણ એ લોકો મારી સાથે ગુજરાતીમાં વાત કરવાની કોશિશ કરે. હું અત્યાર સુધીમાં લગભગ પચાસેક વખત ફૉરેન ટ્રિપ કરી આવ્યો છું. આ એ પચાસ ટ્રિપના અનુભવ પરથી તમને કહું છું, તે ગુજરાતી બોલે જ બોલે. એવું નથી કે એ લોકોને એમ લાગતું હોય કે મને અંગ્રેજી નહીં આવડતું હોય, પણ તેમને એમ છે કે આ બહાને ગુજરાતીમાં વાત કરવાનો મોકો મળે છે. આપણા તહેવારો પણ એ લોકો એટલે જ ઊજવે છે કે ચાલો, એ બહાને આપણી સંસ્કૃતિ સાથે કનેક્ટ થવા મળી રહ્યું છે. એ લોકોને ખુશી છે કે આ રીતે પણ તે પોતાના કલ્ચર સાથે જોડાઈ રહ્યા છે. આ પ્રકારના ગુજરાતી મને હંમેશાં ગમ્યા છે અને આવા ગુજરાતીઓ બનવાનું હું તમને પણ કહીશ. આજે મુંબઈમાં અનેક ઘરો એવાં છે કે જ્યાં અંગ્રેજી બોલવાનો ભડભડિયો છે. સાત-આઠ વર્ષના બાળકને ફરજિયાત અંગ્રેજીમાં વાત કરવાની અને અંગ્રેજીનો જ મહાવરો રાખવાનો. હું અંગ્રેજીનો વિરોધી નથી પણ ગુજરાતીના ભોગે અંગ્રેજીનો વાદ કરનારાઓનો વિરોધી છું. દેખાડો કરવા માગતા આવા પેરન્ટસનો વિરોધી છું. મારે એવા પેરન્ટ્સ માટે કહેવું છે કે એ લોકો આજે પણ અંગ્રેજોના ગુલામ રહ્યા છે અને આવા ગુલામનાં બાળકો પણ ગુલામ જ તૈયાર થતાં હોય છે.

માન્યું કે સાડાત્રણસો વર્ષની ગુલામી છે એટલે એ સહજ રીતે નીકળવાની નથી, પણ એના માટે પ્રયાસ પણ તમારે જ કરવો પડશે. કોઈ આવીને આ ગુલામીની ભાવનાને કાઢી નહીં શકે. કોઈ આવીને એવું જતાવશે નહીં કે તમે હવે ગુલામ નથી. આઝાદીની લાય તમારી અંદર હોવી જોઈશે. જો તમે ફૉરેન બ્રૅન્ડ અને ફૉરેનની પ્રોડક્ટ પાછળ આજે પણ પાગલ થઈને રહેશો તો ક્યારેય તમે આઝાદ ભારતને ઓળખી નહીં શકો અને એને પામી નહીં શકો. જો તમે ઇચ્છતા હો કે ભારતને એની શાન પાછી મળે તો એ માટે તૈયારીઓ તમારે કરવી પડશે. જો તમે ઇચ્છતા હો કે તમારા દેશને નવેસરથી ઓળખ મળે તો એ માટે પણ તૈયારી તમારે કરવી પડશે. મેં કહ્યું એમ, આજે ફૉરેનમાં વસેલા ગુજરાતીઓ ત્યાં પણ દિવાળી, હોળી અને મકરસંક્રાન્તિ ઊજવવાની કોશિશ કરે છે. તમને ખબર હશે કે મૅક્સિમમ પશ્ચિમી દેશોમાં ઘીની કોઈ પરંપરા નથી, પણ આ પરિવારો એવા છે જે માર્કેટમાં ફરીને વાઇટ બટર શોધે છે અને પછી એમાંથી ઘી બનાવીને ઘરમાં વાપરે છે, એમાંથી પ્રસાદ પણ બનાવે છે. અમુક ઘરો મને એવાં પણ જોવા મળ્યાં જ્યાં સવારના સમયમાં આજે પણ મોટી તાવડી જેવી ભાખરીનો નાસ્તો કરવામાં આવે છે અને આપણે ત્યાં, આ મુંબઈની જ વાત કરું તો સવારના નાસ્તામાં બટર ટોસ્ટ ખાનારાઓનો વર્ગ વધતો જાય છે. એની પાછળ બાળકોનો વાંક નથી, વાંક મમ્મીઓનો છે. તેમણે બાળકોને આવી જ ઉછીની સંસ્કૃતિ સાથે જ મોટાં કર્યાં છે અને બાળકો એ પ્રમાણે જ આગળ વધ્યાં છે. મારો બ્રેડ સામે કોઈ વિરોધ નથી, પણ બ્રેડ જ ઉત્તમ છે અને કુકીઝ તો નાસ્તામાં હોવાં જ જોઈએ એવું જે મમ્મીઓએ શીખવ્યું છે એ મમ્મીઓ સામે મારો વિરોધ છે. એ ખોરાક, એ પહેરવેશ, એ રહેણીકરણીમાંથી હવે બહાર આવો એ જ તમારા હિતમાં છે. બાપુજીને ‘ડૅડ’ કહેનારા બાળકોને મોડેથી સમજાય છે કે એક ‘ડેડ’ એટલે મોત પણ થાય છે. આપણે આપણા વડવાઓના સંસ્કારને મારી રહ્યા છીએ. આપણે આપણી ધુરાઓને છોડીને ઉછીની સંસ્કૃતિને આધીન થઈ રહ્યા છીએ. જોયાજાણ્યા વિના જ આપણે એવા રસ્તે જઈએ છીએ જે રસ્તો નિકંદન કાઢવાનું કામ કરનારો છે. આ નિકંદન કાઢીને આપણે આપણાં

બાળકોનું ભવિષ્ય સુધારી રહ્યાના ભ્રમમાં રહીએ છીએ એ વાત સૌથી વધારે પીડાદાયી છે.

Whatsapp-channel Whatsapp-channel

12 December, 2020 06:09 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK