બર્થ-ડેના ચાર દિવસ પહેલાં ઍક્સિડન્ટ થવાથી ૨૫ વર્ષનો યુવાન નિમેશ ધીરજલાલ ડોડિયા અત્યારે વિલે પાર્લેની નાણાવટી હૉસ્પિટલમાં કોમામાં મોત સામે ઝઝૂમી રહ્યો છે એટલે તેના ૫૦થી વધુ મિત્રો નવરાત્રિમાં દાંડિયારાસ રમવા પણ ગયા નથી. મિત્રોએ નિમેશનો જીવ બચાવવા માટે હૉસ્પિટલના ખર્ચ માટે બે લાખ રૂપિયા પણ એકઠા કર્યા છે. નિમેશનો બર્થ-ડે ૧૪ ઑક્ટોબરે હતો, પણ ૧૦ ઑક્ટોબરે સવારે કારની અડફેટે આવી જવાથી તેને ગંભીર ઈજા થતાં હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
નિમેશના ખાસ મિત્ર અભિષેક અને અન્ય મિત્રોએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૧૪ ઑક્ટોબરે નિમેશને ૨૫ વર્ષ પૂરાં થતાં હતાં એટલે અમે તેના માટે મોટી સરપ્રાઇઝ પાર્ટી રાખી હતી, પણ અકસ્માત થતાં તે કોમામાં જતો રહ્યો હતો. નિમેશનો અકસ્માત થયો એના બીજા દિવસે અમે વિલે પાર્લેથી સિદ્ધિવિનાયક ચાલીને દર્શન કરવા ગયા હતા.’
કેવી રીતે થયો ઍક્સિડન્ટ?
૧૦ ઑક્ટોબરે સવારે આઠ વાગ્યે નિમેશ તેની સાઇકલ પર મિત્રો સાથે જિમમાં જઈ રહ્યો હતો ત્યારે કારની અડફેટે આવતાં અકસ્માત થયો હતો અને તે કારના બૉનેટ સાથે અથડાયો હતો. એમાં તેને ગંભીર ઈજા થતાં ઘણાં ફ્રૅક્ચર થયાં હતાં.
મિત્રોની મદદ
નિમેશના મિત્ર અભિષેકે કહ્યું હતું કે ‘તે આઇસીએસઆઇ ઇન્સ્ટિટ્યુટના કંપની સેક્રેટરીના છેલ્લા વર્ષમાં અમારી સાથે ભણે છે. નિમેશના પિતા ધીરજલાલ કાર્પેન્ટરનું કામ કરે છે એટલે નિમેશને નાણાવટી હૉસ્પિટલમાં દાખલ કરવો તેમના માટે મુશ્કેલ હોવાથી અમે ૫૦ વિદ્યાર્થીઓએ તેનું હૉસ્પિટલનું બિલ ભરવા બે લાખ રૂપિયા એકઠા કર્યા છે. અમારી લોકોને અપીલ છે કે નિમેશને બચાવવા માટે તેઓ પણ અમારી મદદ કરે.’
મિત્રોનો મેસેજ
નિમેશના ખાસ મિત્રો અભિષેક, ભાવિક પારેખ, નિશાંત દરજી, પાર્થ સંપટ, જાગૃતિ ગાલા, નમ્રતા મધ્યમ, અક્ષય જૈન, રોનક ગુપ્તા અને સાગર શાહે નિમેશ માટે મેસેજ આપ્યો છે કે ‘તું જલદી ઠીક થઈ જા. દર વર્ષે આપણે સાથે રાસ રમવા જતા હતા, પણ તારા વગર અમે આ વખતે દાંડિયા રમવા નથી ગયા. તું જે દિવસે આંખો ખોલશે એ દિવસે અમે તારો જન્મદિવસ ઊજવીશું.’
આઇસીએસઆઇ = ઇન્સ્ટિટ્યુટ ઑફ કંપની સેક્રેટરી ઑફ ઇન્ડિયા