મુશ્કેલ સમયમાં મિત્રને સાથ કઈ રીતે આપશો?

Published: 4th October, 2012 06:31 IST

તમારો કોઈ ખાસ ફ્રેન્ડ તકલીફમાં હોય, તેના પરિવારમાં કોઈનું મૃત્યુ થયું હોય, લગ્ન્ાજીવનમાં મુશ્કેલી આવી હોય કે બીજી કોઈ સમસ્યા હોય ત્યારે તેને સપોર્ટ આપવો એ તમારી જવાબદારી છેગુરુવારની ગુફ્તગો - નીલા સંઘવી

A friend in need is a friend indeed. મુશ્કેલીના સમયે જે પડખે ઊભો રહે છે તે સાચો મિત્ર છે. આ કહેવતમાં જ આમ તો અત્યારે જે લખવું છે એનો સારાંશ આવી જાય છે. જ્યારે તમારો ફ્રેન્ડ બહુ ટફ સમયમાંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે ઘણી વાર તમે પણ પોતાની જાતને હેલ્પલેસ ફીલ કરતા હો છો. તેના પરિવારજમાં કોઈનું મૃત્યુ થયું હોય, બ્રેકઅપ થયું હોય, માંદગી આવી હોય, આર્થિક નુકસાન થયું હોય ત્યારે તમે મિત્રના દુ:ખે દુ:ખી થાઓ છો; પણ ત્યારે શું બોલવું અને શું કરવું એ સમજી શકતા નથી. તમને ડર લાગે છે કે એવું કંઈ ન થઈ જાય કે બોલાઈ જાય જેને કારણે મિત્રની સ્થિતિ સુધરવાને બદલે બગડી જાય. તો તમે શું કરી શકો? મિત્રના કોઈ પરિવારજનનું મૃત્યુ થયું છે તો તેનું દુ:ખ તો તમે લઈ શકવાના નથી; પરંતુ તેની સાથે રહીને તેને સધિયારો આપીને, તમારો તેના પ્રત્યેનો પ્રેમ દર્શાવીને તેના દુ:ખને ઓછું જરૂર કરી શકશો. તમે તમારા મિત્ર/સહેલીને મુશ્કેલીમાં કઈ રીતે મદદરૂપ થઈ શકશો એ વિશે વિચારીએ.

મિત્રનું દુ:ખ સમજો


હાર્ટબ્રેક અથવા સ્વજનનું મૃત્યુ એ કોઈ પણ વ્યક્તિના જીવનનો બહુ મુશ્કેલ સમય છે. આ સમય એ વ્યક્તિ માટે સંઘર્ષનો હોય છે. આ સમયે તેની લાગણી પ્રબળ હોય છે. ભાવનાત્મક રીતે તે વ્યક્તિ અંદરથી તૂટતી જાય છે. તેની અંદર લાગણીના ચડાવઉતાર આવતા રહે છે. ઘણી વાર તે પોતાના દુ:ખને રડીને પ્રદર્શિત કરે છે. ઘણી વાર આવી પડેલી આપત્તિને સહન ન કરી શકવાને કારણે તેને ગુસ્સો આવી જાય છે તો ઘણી વાર આવી વ્યક્તિ ડિપ્રેસ્ડ પણ થઈ જાય છે. આવાં બધાં કારણોસર આવી વ્યક્તિ પોતાને એકલી માનવા લાગે છે. આવા તબક્કામાંથી પસાર થતા મિત્ર/સહેલીને આપણે સમજી શકતા નથી. આવા સમયે આપણે તેને સ્પેસ આપવી જોઈએ. શું થયું હતું? એવા પ્રશ્નોનું દબાણ તેના પર નહીં કરવાનું. તેને પોતાના દુ:ખમાંથી બહાર આવવા માટે થોડો સમય આપો. આવા સમયે તમારે હંમેશાં જવાબ મેળવવાની અપેક્ષા નહીં રાખવાની અને સલાહ આપવાનું સાહસ પણ નહીં કરવાનું. આવા સમયે સૌથી મહત્વનું કામ તમારે તમારા મિત્રની સાથે રહેવાનું કરવાનું છે. તમારી સંભાળપૂર્વકની હાજરી અને સપોર્ટ તમારા મિત્ર/સહેલીને પોતાના દુ:ખમાંથી બહાર આવવા માટે જરૂર મદદરૂપ થશે. જ્યારે તમારો મિત્ર/સહેલી બહુ જ કરુણ અવસ્થામાં હોય ત્યારે તેને એ દુ:ખને જાહેર કરી લેવા દો. ઘણી વાર આઘાત લાગે અને વ્યક્તિ રડી ન શકે ત્યારે આપણે તેને રડાવવાનો પ્રયત્ન્ા કરતા હોઈએ છીએ જેથી તેનું દુ:ખ વ્યક્ત થઈને ઓછું થઈ જાય. તેથી તે જેટલું રડે એટલું રડી લેવા દો અને પછી તો દુ:ખનું ઓસડ દહાડા અનુસાર તેનું દુ:ખ હળવું થતું જશે.

અવસાન સમયે શું કહેવું?

તમારો મિત્ર/સહેલી જ્યારે પોતાના પરિવારની કોઈ વ્યક્તિને ગુમાવે છે ત્યારે આપણે કન્ફ્યુઝ્ડ થઈ જઈએ છીએ. તેને દિલાસાના શબ્દો કહેવાનું સાહસ આપણામાં હોતું નથી, કારણ કે આપણે જાણીએ છીએ કે વેદના અસહ્ય છે અને આપણા બોલેલા કોઈ પણ શબ્દો તેને સાંત્વના આપી શકવાના નથી. આ સંદર્ભમાં વાત કરતાં વિધિ કાપડિયા કહે છે, ‘મારી બહેનપણીના પિતાનું અવસાન થયું. હું તેની પાસે ગઈ, પણ મને ખરેખર ખબર નહોતી પડતી કે શું પૂછવું કે શું બોલવું. મેં તેને સાંત્વના આપવા માટે સારી-સારી વાતો કરવાનું શરૂ કર્યું તો પરિસ્થિતિ વણસી ગઈ. તે વધુ રડવા લાગી.’

આવા સમયે તમારા મિત્ર સાથે વાત કરતી વખતે નિખાલસતાથી વર્તો. ઉદાહરણ તરીકે તમે એમ કહી શકો કે આ સમયે મારે શું કહેવું જોઈએ એ મને સમજાતું નથી, પણ એટલું સમજી લેજે કે હું તારી સાથે જ છું. હું તારી કૅર કરું છું, મને તારી ફિકર છે. જ્યારે તને મારી મદદની જરૂર હોય તું મને બેજિઝક કહી શકે છે.

શાંતિથી સાંભળો

જો તમારા મિત્રનું હાર્ટ બ્રેક થયું હોય તો તેની વાતો શાંતિથી, ધીરજથી સાંભળો. તેની સાથે ખોટી ચર્ચાર્માં નહીં ઊતરી પડતા. તમને ક્યાંક લાગતું હોય કે મિત્રની ભૂલ છે તો પણ આ તબક્કે નહીં કહેતા. તે શાંત થઈ જાય, તેનું દુ:ખ થોડું ઓછું થઈ જાય પછી કહેજો. આ સમયે તમારો મિત્ર/સહેલી ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે/રહી છે ત્યારે દોષદર્શક કૉમેન્ટ્સ જરા પણ આવકાર્ય નથી. તેની લાગણીઓને સ્વીકારો અને માન્ય રાખો. તમે તેને કહો કે તમારી સામે તેને તેના હૈયાની વરાળ કાઢી નાખવી છે તો તે એમ કરી શકે છે. અથવા તો રડીને મનની વ્યગ્રતા બહાર કાઢી શકે છે. જો આ તબક્કે તે વાત કરવા ન ઇચ્છે તો તેને એ માટે દબાણ નહીં કરતા. જ્યારે કોઈ વ્યક્તિ પોતાનું સ્વજન ગુમાવે ત્યારે એકની એક વાત ઘડી-ઘડી કરશે. તમને એમાં રસ કદાચ ન પડે, પણ તમને રસ નથી પડતો એવું તેને જતાવશો નહીં. એકની એક વાત ઘડી-ઘડી રિપીટ કરવી એટલે સ્વજનના નિધનનો સ્વીકાર કરવો. દરેક સ્ટોરી ટેલિંગ દર્દને કમ કરે છે.

મૂંઝવણ

જ્યારે તમારો ફ્રેન્ડ બહુ ટફ સમયમાંથી પસાર થઈ રહ્યો હોય ત્યારે ઘણી વાર તમે પણ પોતાની જાતને હેલ્પલેસ ફીલ કરતા હો છો. તેના પરિવારજમાં કોઈનું મૃત્યુ થયું હોય, બ્રેકઅપ થયું હોય, માંદગી આવી હોય, આર્થિક નુકસાન થયું હોય ત્યારે તમે મિત્રના દુ:ખે દુ:ખી થાઓ છો; પણ ત્યારે શું બોલવું અને શું કરવું એ સમજી શકતા નથી. તમને ડર લાગે છે કે એવું કંઈ ન થઈ જાય કે બોલાઈ જાય જેને કારણે મિત્રની સ્થિતિ સુધરવાને બદલે બગડી જાય

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK