જૈનો લઘુમતીમાં હોવા છતાં સદીઓથી ખુમારીપૂર્વક કેમ ટકી રહી શક્યા છે?

Published: 14th September, 2012 08:06 IST

પયુર્ષણ પર્વ પ્રસંગે જૈનોની કેટલીક નોખી લાઇફ-સ્ટાઇલની સ્ટડી કરીએ
(ફ્રાઈડે ફલક- રોહિત શાહ)


જૈનોનો જબરો વટ

કોઈ જૈન લઘુમતીના લાભ લેવા માટે સરકારને ભીંસમાં લેતો નથી. કોઈ જૈન હાથમાં હથિયાર લઈને હિંસા દ્વારા પોતાનું વર્ચસ જમાવવાની કોશિશ કરતો નથી. કોઈ જૈન કોઈ પણ સ્વરૂપે પોતાના માટે કશુંય અનામત હોય એવું ઝંખતો નથી. તોય જૈનો સદીઓથી વટથી જીવી રહ્યા છે. જૈન ધર્મે કદી કોઈ અન્ય ધર્મના સિદ્ધાંતોની તફડંચી કરી નથી

આપણે સૌ જાણીએ છીએ કે જૈનોની કુલ વસ્તી ભારતની કુલ વસ્તીના બે ટકા જેટલીયે નથી. એટલે કે જૈનો લઘુમતીમાં છે, પણ આપણે એ નથી જાણતા કે આટલી લઘુમતીમાં હોવા છતાં, જૈનો કેવી રીતે ખુમારીથી ટકી રહ્યા છે એ જોઈએ.

જૈનો વટલાતા નથી

કેટલાય હિન્દુઓ સ્વેચ્છાએ પોતાનો ધર્મ છોડીને બીજા ધર્મના શરણે ચાલ્યા ગયા છે. ખાસ કરીને પછાત ગણાતી કોમના હિન્દુઓ સામે ચાલીને ખ્રિસ્તી ધર્મ અપનાવતા જોવા મળ્યા છે. ‘મકવાણા’ મટીને ‘મેકવાન’ બન્યા પછી એને ખાસ્સી રાહત થાય છે. પોતે અસ્પૃશ્ય તરીકે ઉપેક્ષા પામતો હતો હવે એને સૌ પોતાની પાસે બેસાડે છે. કેટલાક લોકો એક કરતાં વધુ લગ્ન કરવા માટે સ્વેચ્છાએ મુસ્લિમ ધર્મ અપનાવી ચૂક્યા છે. આ ઉપરાંત ઇતિહાસ કહે છે એમ અનેક મુસ્લિમ રાજાઓએ અન્ય ધર્મના લોકોને બળજબરીથી વટલાવીને મુસ્લિમ બનાવી દીધા હતા, પરંતુ આ રીતેય કદી કોઈ જૈનને તેઓ વટલાવી નથી શક્યા એનું કારણ એટલું જ છે કે જૈનોને પોતાના ધર્મમાં અને ખુદ પોતાનામાં ભરપૂર શ્રદ્ધા છે. શૉર્ટકર્ટથી તેને કશો લાભ લેવાનું પસંદ નથી. તકલીફો અને ઉપાધિઓ આવે ત્યારે જરાય ડગી જવાનું તેને પરવડતું નથી. ઊલટાનું ‘આ તો મારાં ગયા જન્મનાં ખરાબ કર્મોનું જ પરિણામ હશે’ એવા સમાધાન સાથે તે તમામ તકલીફો-ઉપાધિઓને સહન કરે છે.

સાધર્મિક ભક્તિ

જૈનોની સૌથી મોટી શક્તિ સાધર્મિક ભક્તિ છે. પોતાનો સહધર્મી જો દુ:ખી હોય તો તેને સહાય કરવામાં જૈનો પાછું વળીને જોતા નથી. નાના-મોટા જાહેરમાં સમૂહકાર્યક્રમો વખતે સૌને જમાડવાનો લાભ લેવા જૈનો હંમેશાં ઉત્સુક રહે છે. કોઈ જિનાલયની સાલગિરહ ઊજવવાની હોય, કોઈ ભગવાન-ર્તીથંકરનો બર્થ-ડે ઊજવવાનો હોય, કોઈ તપસ્વી-બહુમાનનો વિશાળ કાર્યક્રમ હોય, કોઈ સાધુના પ્રવેશનો અવસર હોય કે સમૂહલગ્ન જેવો સામાજિક પ્રસંગ હોય ત્યારે એકત્ર થયેલા તમામ જૈનોના ભોજનનો ખર્ચ હંમેશાં કોઈ ને કોઈ દાતા-પરિવાર હોંશે-હોંશે ચૂકવે છે - એવી તક મળે એને સદ્ભાગ્ય સમજે છે. કેટલાંક જૈન તીર્થોમાં આજેય મફત ભોજન અપાય છે, તો કોઈક ર્તીથમાં ટોકનરૂપે સાવ મામૂલી રકમ લઈને યાત્રિકોને સાત્વિક તથા સ્વાદિષ્ટ ભોજન આપવામાં આવે છે. એવી સંસ્થાઓને માતબર રકમનું દાન આપીને સાધર્મિક ભક્તિનો લાભ દાતાઓ લેતા રહે છે. ક્યારેક તો જમાડ્યા પછી પાછું સંઘપૂજન કરવામાં આવે અને ભોજન કરનાર દરેક વ્યક્તિને એક રૂપિયાથી લઈને પચાસ કે સો રૂપિયાનું ભેટકવર અપાય છે. આવી સાધર્મિક ભક્તિ સંગઠન પ્રગટાવે છે. પરસ્પર પ્રત્યે સદ્ભાવ છલકાવે છે. એકતા મજબૂત બને છે.

પાંજરાપોળો ચલાવે છે

તમે ભાગ્યે જ કોઈ જૈનને પશુપાલનનો વ્યવસાય કરતો જોયો હશે. ગાય, ભેંસ, બકરી જેવાં દુધાળાં પશુઓ રાખીને જૈનો કોઈ કારોબાર કરતા નથી છતાં એવાં ઢોર જ્યારે કતલખાને ધકેલાતાં હોય કે ભૂંડી દશામાં રિબાતાં હોય ત્યારે એમને પાંજરાપોળમાં લાવીને જતનથી એની સંભાળ લે છે. સેંકડો પાંજરાપોળોમાં હજારો મૂંગાં પશુ-પક્ષીઓને આહાર-પાણી અને સલામતી જૈનો દ્વારા અપાય છે. ગયા મહિને કલિકુંડ જવાનું થયેલું ત્યારે ત્યાં જીવદયાનું સૌથી ઉત્કૃષ્ટ કાર્ય કરનાર કુમારપાળ વી. શાહ સાથે નિરાંતે ઘણી ચર્ચા થઈ. તેમના વહીવટથી દરરોજ જુદી-જુદી પાંજરાપોળોમાં લગભગ પંચાવન જેટલી ટ્રકો ભરીને લીલું-સૂકું ઘાસ મોકલવામાં આવે છે. આ ઉપરાંત પશુઓને રોગ કે બીમારી વખતે મેડિકલ ટ્રીટમેન્ટ પણ અપાય છે. આવી પારદર્શક અને પવિત્ર જીવદયા તો કદાચ પશુપાલનનો ધંધો કરનારા લોકોમાંય જોવા નથી મળતી.

સ્થાપત્યકલા

જૈનોએ ભારતની સ્થાપત્યકલાને જે પ્રોત્સાહન આપ્યું છે એ વિરલ છે. નાનામાં નાનું દેરાસર હશે તોય ત્યાં નકશીદાર કોતરણી જોવા મળશે. દેરાસરો બનાવવા જોઈએ કે નહીં એ બાબતે મતભેદ હોઈ શકે, પણ જો મંદિરો બનાવવાં જ હોય તો કેવાં બનાવવાં જોઈએ એનો આદર્શ દેરાસરો પૂરો પાડે છે. તમે કોઈ દેરાસરને ગંધાતું નહીં જોયું હોય. જૈનો કદી પ્રસાદ ચઢાવતા નથી એટલે દેરાસરમાં રાંધેલી વાનગીઓ લઈ જતા નથી. ફળ વગેરેનું નૈવેદ્ય ચઢાવે છે. તમને જાણીને આર્ય થશે કે જે કોઈ ખાવા-પીવાની ચીજ પર દેરાસરનાં પ્રતિમાજીની દૃષ્ટિ પડી જાય (એટલે કે ભગવાનની મૂર્તિ સમક્ષ જે કંઈ ખાવા-પીવાની ચીજ જાણતાં કે અજાણતાં) આવી જાય એ ચીજ પછી એને માટે નર્મિાલ્ય બની જાય છે. પોતે એ ચીજ વાપરી ન શકે. એવી ચીજ કાં તો પૂજારીને આપી દેવાય, કોઈ બિનજૈનને આપી દેવાય કે પછી પશુઓને ખવરાવી દેવાય છે. આ કારણે જૈન મંદિરો હંમેશાં સ્વચ્છ હોય છે, પરંતુ મૂળ વાત સ્થાપત્યકલાની છે. જૈનોએ અનેક શિલ્પીઓને લાઇફટાઇમ રોજીરોટી આપી છે. એમની કલાને બિરદાવી છે.

વેપાર-ઉદ્યોગ

જૈનોના લોહીમાં વેપાર-વ્યવસાયના શ્વેતકણો અને રક્તકણો ભળેલા હોય છે. વેપારની કુનેહ જૈનો પાસે છે એવી ભાગ્યે જ કોઈ પાસે જોવા મળશે. નાનકડા ગામમાં કરિયાણાની નાનકડી હાટડી ચલાવતો જૈન હશે કે પછી કોઈ મોટી ઇન્ડસ્ટ્રી સંભાળતો જૈન હશે, અનુભવ ખાતર ક્યાંક થોડો વખત નોકરી કરશે તોય તેનું મન તો પછીથી પોતાનો સ્વતંત્ર કારોબાર કરવા થનગનતું હશે. ઓછી મૂડીથી નાના પાયે વ્યવસાય શરૂ કરીને સૌથી આગળ કઈ રીતે નીકળી જવું એની ફાવટ જૈન વ્યક્તિને હોય છે.

દાન આપવાની દિલેરી

એવું કોઈ ગામ-નગર કે શહેર નહીં જોવા મળે જ્યાં કોઈ જૈન દાતાના દાનથી દવાખાનું, સ્કૂલ, ધર્મશાળા, પાંજરાપોળ, લાઇબ્રેરી જેવું એકાદ સ્થાન ન હોય. છેવટે પાણીની નાનકડી પરબડી તો હશે જ. જૈનો પોતાના સહધર્મીઓ માટે (જૈનો માટે જ) કોઈ સંસ્થા ઊભી કરવા માટે કે એના નિભાવ માટે બિનજૈનો પાસે કદી ફન્ડફાળો કરવા જતા નથી, પરંતુ સાર્વજનિક સંસ્થાઓ માટે સૌથી વધુ દાન જૈનો તરફથી મળેલું હશે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે ભૂકંપ જેવી હોનારતો વખતે સૌથી વધુ દાન જૈનો તરફથી મળતું હોય છે. જૈનો સરકાર પાસેથી કશો લાભ લેતા નથી, પરંતુ જાત-જાતના સૌથી વધુ ટૅક્સ ભરવામાં કે રાહતકાર્યોમાં જૈનોનો જ સૌથી પ્રબળ ટેકો હોય છે.

દરેક બાબતમાં અપવાદ હોય છે એમ જૈનો વિશે અહીં જે વાતો લખી છે એમાંય ક્યાંક અપવાદ હોઈ શકે છે. છતાં જૈનો સ્વાવલંબી છે, ખુમારીવાળા છે, સહાય અને સદ્ભાવ વહાવનારા છે. આ કારણે જ લઘુમતીમાં હોવા છતાં જૈનો વટથી - ખુમારીથી ટકી રહ્યા છે. રાજા-મહારાજાઓના મંત્રી તરીકે ઉમદા સેવાઓ આપવાથી માંડીને અત્યારે સમાજસેવામાં વિવિધ સહયોગ આપવા સુધીનાં કાર્યોમાં જૈનો મોખરે છે. જૈનોનું ભવિષ્ય ઉજ્જવળ છે એમાં બેમત નથી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK