અગિયારને પણ આપણે ત્યાં શુભ કે શુકનિયાળ માનવામાં આવે છે. ભૂતકાળમાં લગ્નપ્રસંગે કોઈને ચાંદલાની રકમ આપવાની હોય કે નવા વર્ષે બોણીની રકમ આપવાની હોય તો અગિયાર રૂપિયા આપવામાં આવતા હતા. રકમ મોંઘવારી પ્રમાણે વધતી ગઈ તો હવે તો એકસો અગિયાર કે એક હજાર અગિયાર એ પ્રમાણે એનો વિસ્તાર થતો ગયો. ધર્મ કે ધર્માદા માટે દાનની તગડી રકમ આપવા માટે પાંચ એકડાની કે છ એકડાની રકમ આપવામાં આવે છે. જેમ કે એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર અથવા તો અગિયાર લાખ અગિયાર હજાર એકસો અગિયાર. એક પ્રારંભની અંકસંખ્યા છે. બે એકડા શુભ રકમ મનાય છે.
બે વર્ષ પહેલાં અંગ્રેજી મહિના પ્રમાણે ૯-૯-૦૯નો દિવસ આવ્યો ત્યારે ઘણા લોકોએ એ દિવસે કોઈ મહત્વની ઘટનાનું અનુસંધાન જોડવાનો પ્રયત્ન કર્યો હતો. લગ્ન, બાળકનો જન્મ, કોઈ વિશિષ્ટ ખરીદી કે શુભ ઉદ્ઘાટન વગેરે માટે એ તારીખનું (૯-૯-૦૯)નું આયોજન કર્યું હતું. આજે ફરીથી એવો સુયોગ ૧૧-૧૧-૧૧નો આવ્યો છે ત્યારે પણ અનેક લોકોએ આ દિવસ માટે જાતજાતનાં વિશિષ્ટ આયોજનો કરીને એને ધન્ય બનાવવાનો ઉપક્રમ રાખ્યો છે.
બે હજાર અગિયારનું વર્ષ, અગિયારમો મહિનો અને અગિયારમી તારીખ આવો સુયોગ મળતો હોય ત્યારે એને યાદગાર બનાવવા માટે કંઈક વિશિષ્ટ આયોજન કરવાની ઉત્સુકતા રહે એ સ્વાભાવિક છે. જ્યોતિષની દૃષ્ટિએ આ સુયોગ શુકનવંતો હોય કે ન હોય, ગ્રહોની દૃષ્ટિએ એનું કેવું ફળ મળશે એની ચર્ચા પણ ભલે ન થાય છતાં આ સુયોગને સ્મરણીય બનાવી દેવાની વૃત્તિ સહજ છે. મુંબઈ જેવાં મહાનગરોમાં આજના દિવસે લગ્ન માટે હૉલ અગાઉથી બુક થઈ ગયા છે. ઘણાં દંપતીઓએ આજે બાળકનો જન્મ થાય એ માટેનું પણ આયોજન કર્યું હતું. તો કેટલાંક દંપતીઓ સિઝેરિયન કરાવીને આજના દિવસે બાળકને જન્મ આપવા પ્રયત્ન કરશે. ગોરમહારાજ અને ગાયનેક ડૉક્ટરો માટે તો આજનો દિવસ અવશ્ય શુકનિયાળ બની જ રહેવાનો છે.
૧૧-૧૧-૧૧ના દિવસે ઘણા લોકો નવી ઑફિસનું ઉદ્ઘાટન કરશે તો ઘણા લોકો નવા ઘરનું વાસ્તુ કરશે. અગિયારની અંકસંખ્યાને વધુ રોમાંચક બનાવવા માટે સમય પણ અગિયાર કલાક, અગિયાર મિનિટ અને અગિયાર સેકન્ડનો રાખવાનું લોકોએ પસંદ કર્યું છે. એ લોકો ઇન્વિટેશન કાર્ડમાં કાર્યક્રમની વિગતમાં લખી શકશે :
તારીખ : ૧૧-૧૧-૧૧
સમય : ૧૧-૧૧-૧૧
આમ કરવાથી જીવનનો ઉદ્ધાર થઈ જવાનો નથી કે આપણી વૃત્તિઓ બદલાઈ જવાની નથી. એનું કશુંય શુભ પરિણામ મળવાની કશી જ ગૅરન્ટી નથી. છતાં જીવનમાં મળતી આવી થોડીક તકો આપણને રોમાંચિત તો અવશ્ય કરે જ છે. મારી દૃષ્ટિએ તો આવો રોમાંચ એ જ વૈકુંઠ અને મોક્ષ છે. રોમાંચ વગરનું જીવન નરક છે. આ દિવસે કંઈ ફૂલોના રંગ કે એની ખુશ્બૂ બદલાઈ જવાના નથી કે દરિયાનું ખારું પાણી કંઈ મીઠું થઈ જવાનું નથી. આ દિવસે નદીઓ કંઈ પોતાનાં વહેણ બદલી નાખવાની નથી કે વૃક્ષો કંઈ ચાલતાં થઈ જવાનાં નથી. બધું એમનું એમ જ રહેવાનું છે.
સમય વહેતો પ્રવાહ છે. આપણે એ પ્રવાહનાં ચોસલાં પાડીને એનાં નામ આપીએ છીએ. એક ક્ષણથી માંડીને એક યુગ સુધીનાં ચોસલાં આપણે પાડી દીધાં છે. સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ, કળિયુગ વગેરે યુગનામોની સમયને ખુદનેય ખબર નહીં હોય. વીસમી સદી-એકવીસમી સદી એ પણ એક ચોસલું છે. એ જ રીતે વર્ષ, મહિનો, પખવાડિયું, અઠવાડિયું, દિવસ, કલાક, મિનિટ, ક્ષણ જેવાં ચોસલાં પાડીને આપણે સમયને ઓળખવા માટે વિવિધ નામ આપેલાં છે.
મોઢું ધોવા ન જશો
વહેમ અને અજ્ઞાન અને ભ્રાંતિઓ અને પૂર્વગ્રહો અને માન્યતાઓ આપણને પ્રિય લાગે છે એનું કારણ એ જ છે કે એ બધાની આડશમાં આપણે આપણી કમજોરીઓ અને મર્યાદાઓ છુપાવી શકીએ છીએ તથા આપણી નિષ્ફળતાઓ અને નાકામીઓ બદલ આશ્વાસન લઈ શકીએ છીએ. ક્યારેક ખોટું આશ્વાસન પણ આપણને જિવાડી જાય છે. ખરી વાત તો જીવી જવાની જ છેને. ૧૧-૧૧-૧૧નો દિવસ આપણા જીવનમાં કંઈક વિશેષ અને કંઈક વિશિષ્ટ કરવાનો ઉત્સાહ આપતો હોય તો એમાં ખોટું કંઈ નથી. ઉત્સાહ અને પ્રસન્નતા જ્યારે-જેમાંથી મળે ત્યારે-ત્યાંથી મેળવી જ લેવાં જોઈએ. આપણે ત્યાં કહેવત છે કે લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા જવાનું ન હોય. સમયનો કોઈ સુયોગ આપણને ભેટવા માટે સામેથી આવતો હોય ત્યારે પીઠ ફેરવી લેવાની ન હોય. પ્રત્યેક સુયોગને વધાવતા રહીએ અને પ્રત્યેક પળને સુયોગ બનાવતા રહીએ તો સમય પણ બે ઘડી રોકાઈને આપણને સલામ ભરશે.
કઈ ગણતરીને માન્ય રાખીશું?
જે ક્ષણે ભારતમાં દિવસ હોય છે એ જ ક્ષણે અમેરિકામાં રાત્રિ હોય છે. સૂર્યની કઈ સ્થિતિને સ્ટાન્ડર્ડ ગણીશું? દરેક ધર્મ-સંપ્રદાય પોતપોતાની રીતે વર્ષની ગણતરી કરે છે. વીરસંવત, વિક્રમ સંવત, હીજરી સંવત, શક સંવત, ઈસવીસન આ બધામાં સાચી ગણતરી કોને માનવી? એક જ દિવસમાં બે તિથિ આવે એવું ઘણી વખત બને છે. એ જ રીતે ક્યારેક કોઈ તિથિનો ક્ષય હોય છે એવું પણ બને છે. તારીખમાં કદી ક્ષય કે વૃદ્ધિ નથી હોતા. સમયને ગણવાનાં પલાખાં સૌનાં જુદાં છે. શુભ ચોઘડિયું ચાલતું હોય એ જ ક્ષણે પૃથ્વી પર બળાત્કાર, અકસ્માત, મૃત્યુ જેવી અનેક ઘટનાઓ ઘટતી હોય છે. અશુભ અને કાળ ચોઘડિયું ચાલતું હોય એવી ક્ષણે કોઈને ઇનામ કે સન્માન મળતું હોય છે, કોઈને ખોવાયેલી ચીજ મળી જાય છે. ખરાબ ચોઘડિયામાં પણ પ્રેમીઓ એકાંતનો આહ્લાદ માણી શકે છે. વહેતા સમયનાં આપણે આપણી મરજી મુજબ પાડેલાં ચોસલાં ખરેખર ઉપયોગી છે કે નહીં એ વિશે વિચારવા માટેય આપણે તો મંગલ મુરતની પ્રતીક્ષા જ કરીશુંને?