ભૂતકાળમાં પાપને છુપાવવું પડતું હતું આજે પુણ્યને છુપાવવું પડે છે

Published: 4th November, 2011 20:36 IST

ઓલ્ડ જનરેશનના કેટલાક પૂર્વગ્રહો અને થોડીક ગેરસમજો નવી જનરેશનને પુણ્યકાર્ય કરવામાંય આડે આવે છે એથી એણે ખાનગીમાં પુણ્યકાર્ય કરવાં પડે છે(ફ્રાઇડે-ફલક - રોહિત શાહ)

ડગલે ને પગલે નવી જનરેશન સામે ફરિયાદ કરતા લોકોને આજે એક સત્ય ઘટના કહેવી છે.

ગરીબ લોકો માટે જાતજાતની સેવાપ્રવૃત્તિઓ કરતી શહેરની એક જાણીતી સંસ્થાના સંચાલક પાસે એક યુવાન આવ્યો અને બે લાખ રૂપિયાની રોકડ સખાવત આપવાની ઇચ્છા વ્યક્ત કરી.

‘મારે આપને બે લાખ રૂપિયા આપવા છે. ગરીબ દરદીઓની સારવાર માટે એ રકમ વપરાય એવી ઇચ્છા છે.’

સંચાલક રાજી થાય એ સ્વાભાવિક જ હતું. તેમણે રોકડ રકમ હાથમાં લીધી. પછી પૂછ્યું.

‘રિસીટ કોના નામથી બનાવું?’

‘એક સદ્ગૃહસ્થના નામથી...’ યુવાને કહ્યું.

‘તમે દાતા તરીકે તમારું નામ ન આપવા ઇચ્છતા હો તો વાંધો નથી, પરંતુ તમારા પિતાના નામે, માતાના નામે કે અન્ય કોઈ વડીલના નામે પણ રિસીટ બનાવડાવી શકો છો. એમ કરવાથી તેમને સારું લાગશે.’ સંચાલકે ખુલાસો કર્યો.

‘એવી ભૂલ બિલકુલ ન કરશો. મારા પિતા કે દાદાના નામે હું દાન આપી શકું એમ નથી.’ યુવાન બોલ્યો.

‘સંચાલકને સહેજ નવાઈ લાગી. વિચાર્યું કે આ યુવાનને તેના પેરન્ટ્સ સાથે અણબનાવ હશે. ત્યાં જ યુવાને વિનંતીના સ્વરમાં ઉમેર્યું, ‘હું અહીં જે ડોનેશન આપું એની મારા પેરન્ટ્સને ખબર પણ ન પડવી જોઈએ. કારણ એવું છે કે તેમનું માનસ જરા જુનવાણી છે. પાંચ-પચીસનું દાન કરવાની વાત હોય તો તે સંમત થાય, પણ મોટી રકમ આપવા તે કદી નહીં ઇચ્છે. સેવાભાવી સંસ્થાઓમાં પણ ભ્રષ્ટાચાર ચાલે છે અને સત્તાની ખેંચાખેંચ રહે છે એવું તે માને છે. એટલું જ નહીં, આખી જિંદગી કરકસર કરીને તે જીવ્યા છે. પૈસા બચાવવા જોઈએ એ તેમનું જીવનસૂત્ર છે. કોઈ સગાંવહાલાંને ક્યારેક તકલીફ હોય તો સો-બસો રૂપિયાની મદદ પણ કરે છે, પરંતુ આટલી મોટી રકમ દાનમાં આપવા તે કદી સંમત નહીં થાય.’

આખી વાત સાંભળ્યા પછી સંચાલકને પેલા યુવાન પ્રત્યે અહોભાવ જ નહીં, આદરભાવ પણ પ્રગટ્યો. તેમણે ‘એક સદ્ગૃહસ્થ તરફથી...’ એ નામની બે લાખ રૂપિયાની રિસીટ બનાવીને યુવાનના હાથમાં મૂકી.

સત્યથી રૂડું જૂઠ

મારા એક મિત્રની વાત કરું. તેના પિતા ચુસ્ત ગાંધીવાદી અને સિદ્ધાંતવાદી છે. ૮૦ વર્ષથી મોટી ઉંમર છે. અનેક શારીરિક તકલીફો હોવા છતાં ભૌતિક સગવડોનો લાભ લેવા બિલકુલ તૈયાર નથી. ચંપલ ઘસાઈ ગયાં હોય, તૂટી ગયાં હોય તોય ચલાવ્યે રાખે. કપડાં પર થીંગડાં મારીને પર્હેયે રાખે. દીકરો શ્રીમંત છે અને મોજશોખમાં માનનારો છે. તે તેના પિતા માટે કીમતી વસ્ત્રો કે અન્ય કોઈ ચીજ લાવે તો તે વાપરતા નથી, ઊલટાનો વિરોધ કરે છે. ‘આટલું મોંઘું લાવવાની શી જરૂર હતી?’ એમ પૂછે છે. એક વખત પિતાના બર્થ-ડે વખતે મિત્ર દસ હજાર રૂપિયાની નવી ઘડિયાળ લઈ આવ્યો અને ભેટ આપી. ઘડિયાળ જોતાં જ તે જાણી ગયા કે બહુ મોંઘી ઘડિયાળ છે. તે તરત તાડૂક્યા, ‘આની શી જરૂર હતી? સો રૂપિયાની ઘડિયાળ હોય કે હજાર રૂપિયાની, સમય તો સરખો જ બતાવવાની છેને! પછી મોંઘું ખરીદવાનો શો અર્થ?’ મિત્રને આવા પ્રશ્નની ખબર હતી. તેણે રેડીમેડ જવાબ આપ્યો, ‘બાપુજી! આ ઘડિયાળ હું ખરીદીને નથી લાવ્યો. મારા બર્થ-ડે વખતે મને કોઈકે ગિફ્ટ આપી હતી. ઘણા વખતથી પડી રહી હતી. હવે તમે એ વાપરજો.’

મિત્રે જૂઠું બોલવું પડ્યું.

કોઈકને છેતરવા માટે જ જૂઠું બોલવું પડે એવું નથી હોતું. ઘણી વખત તો કોઈકને વહાલ કરવા માટે કે કોઈના પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે પણ જૂઠું બોલવું પડતું હોય છે અને આવા જૂઠનો ચહેરો પેલા સત્ય કરતાં અધિક દૈદીપ્યમાન હોય છે.

વધુ એક દાખલો

અને હવે એક ત્રીજો કિસ્સો પણ સાંભળો. સિત્તેર વર્ષનાં વિધવા માજીને એક કાછિયો દરરોજ થોડાં ફ્રૂટ્સ મફત આપી જતો હતો. માજી એકલાં જ રહેતાં હતાં. તેમને એક પુત્ર અને પુત્રવધૂ તથા એક પૌત્રનો પરિવાર હતો, પરંતુ કોઈ બાબતે બોલાચાલી થઈ હશે અને માજીએ પોતે જ પુત્રને અલગ રહેવા જવા કહી દીધું હતું. માજી પોતાના ભાગ્યને દોષી માનીને એકલાં રહેતાં હતાં. દરરોજ મફત ફ્રૂટ્સ આપી જતો પેલો કાછિયો કહેતો હતો, ‘માજી! મારી માનો ચહેરો અદલ તમારા ચહેરા જેવો જ હતો. હું તેની સેવા ન કરી શક્યો, પણ તમારી સેવા કરું છું ત્યારે મને સંતોષ મળે છે.’ માજીનેય મનમાં થતું કે ગયા જન્મની લેણદેણ કેવી અજબ છે! સગાં દીકરા-વહુ મારી સેવા નથી કરતાં, જ્યારે આ કાછિયો સગા દીકરાની જેમ સેવા કરે છે. માજી જ્યારે ગંભીર માંદાં પડ્યાં ત્યારે એક વખત કાછિયાએ તેમના પલંગ પાસે આવીને કહ્યું : ‘માજી! આજ સુધી હું ખોટું બોલતો રહ્યો છું. તમારી પુત્રવધૂએ જ મને કહ્યું હતું કે મારે તમને દરરોજ ફ્રૂટ્સ આપી જવાં. ફ્રૂટ્સના પૈસા પણ તમારી પુત્રવધૂ મને આપી દે છે. તમે તેમને ઘરમાંથી કાઢ્યાં ત્યારે ગુસ્સામાં કહેલું કે તમારી પાઈ પણ મારે હરામ છે. એટલે તેમણે મને ખોટું બોલવાનું કહીને તમારી સેવા ચાલુ રાખી. આવો દીકરો અને આવી પુત્રવધૂ બહુ પુણ્યશાળીને જ મળે... એ સાંભળીને માજી ચોધાર આંસુએ રડી પડેલાં.

વાત વાજબી નથી

નવી જનરેશન હંમેશાં ગલત જ હોય એવું માનનારો એક બહુ મોટો વર્ગ છે. જ્યારે-જ્યારે તક મળે ત્યારે નવી જનરેશનની નિંદા કરવા બેસી જવાની એને આદત હોય છે. એકાદ-બે કડવા અનુભવો થયા હશે અથવા તેનાં સંતાનો તેને નહીં ગાંઠતાં હોય એટલે દોષનો ટોપલો નવી સમગ્ર જનરેશન પર મૂકી દેવાની વૃત્તિ થઈ હશે. એમ તો પછી જૂની જનરેશનના તમામ લોકો ક્યાં સજ્જનો, સમજુ અને ચારિત્ર્યવાન હોય છે? એ કારણે આખી જનરેશનને વગોવવાની વાત વાજબી નથી.

વ્યક્તિ સારી કે ખરાબ હોઈ શકે, સમગ્ર માનવજાત નહીં. કોઈ ક્ષણ સારી કે ખરાબ હોઈ શકે, સમગ્ર યુગ નહીં. ‘જમાનો ખરાબ આવ્યો છે’ એમ કહેવામાં વિવેક નથી.

સ્વજનોની હૂંફ

ભૂતકાળમાં પાપ કરીને છુપાવવું પડતું હતું, આજે પુણ્ય કરીને છુપાવવું પડે એવું ક્યારેક બને છે. નવી જનરેશન સાવ નફ્ફટ નથી, સાવ વંઠી નથી ગઈ. જૂની જનરેશને પોતાનું દિલ સાફ કરવાની જરૂર છે. આપણે જ્યારે કોઈ વ્યક્તિને ઓળખવામાં ભૂલ કરીએ છીએ ત્યારે અલ્ટિમેટલી આપણું જ નુકસાન થતું હોય છે. પૂર્વગ્રહ બાંધતાં પહેલાં તટસ્થ ચિંતન કરીએ, ગેરસમજ આપણા દિમાગ પર છવાઈ જાય એ પહેલાં સત્યને સમજવાની નિષ્ઠા બતાવીએ એ જરૂરી છે. થોડું લેટ ગો કરીનેય સંબંધને ધબકતો અને સુગંધિત રાખી શકાય એવી શક્યતા હોય તો જીવતરને બગાડવાની જરૂર નથી. સ્વજનોની હૂંફ જેવું સુખ સંસારમાં બીજું એકેય નથી.
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK