Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > દોસ્તના લિબાસમાં ફરવાની દુશ્મનોને ફાવટ છે

દોસ્તના લિબાસમાં ફરવાની દુશ્મનોને ફાવટ છે

11 August, 2020 06:25 PM IST | Mumbai
Taru Kajaria

દોસ્તના લિબાસમાં ફરવાની દુશ્મનોને ફાવટ છે

શોર મચાવનાર કરતાં ‘કૂલ’ જાળવનાર શાણપણ અને સફળતા બન્નેમાં આગળ રહે છે.

શોર મચાવનાર કરતાં ‘કૂલ’ જાળવનાર શાણપણ અને સફળતા બન્નેમાં આગળ રહે છે.


ખામોશી કી તહ મેં છુપા લો સારી ઉલઝનોં કો
શોર કભી મુશ્કિલોં કો આસાન નહીં કરતા
વાંચવામાં, સાંભળવામાં કેટલી સરસ લાગે છે આ પંક્તિઓ? અનાયાસ આપણા સાક્ષર અને ગીતકવિ રાજેન્દ્ર શાહની પંક્તિઓ યાદ આવી જાય છે :
આપણા દુ:ખનું કેટલું જોર
ભાઈ રે આપણા દુ:ખનું કેટલું જોર?
નાની એવી જાતક વાતનો મચાવીએ નહીં શોર!... ભાઈ રે
આ વાંચીને તમને પણ એવા કેટલાક લોકો યાદ આવી ગયા હશે જેઓ સતત તેમના જીવન વિશે બબડાટ કરતા રહેતા હોય છે. તેમની બાઈ નહીં આવી કે ઑફિસનો પ્યુન ચા સમયસર ન લાવ્યો જેવી તદ્દન નજીવી બાબતે તેઓ દુ:ખી થઈ જાય અને તેમને એ બહુ મોટી સમસ્યા લાગે છે. આવી વાતોમાં તેઓ સતત ધૂંધવાયા કરે છે અને બધાને કાને એ ધૂંધવાટ ઠાલવ્યા કરે છે. જિંદગીમાં તદ્દન નાની અમથી તકલીફ આવે તો પણ એના વિશે ખાસ્સું રમખાણ મચાવવાની તેમને ફાવટ હોય છે. આવાઓની અડફેટે ચડનારની શ્રવણશક્તિ અને ધીરજની કસોટી થઈ જાય. કદાચ આવા ઊહાપોહિયાઓને અનુલક્ષીને જ કવિએ આ શબ્દો લખ્યા હશે એમ માનવાનું મન થાય.
કોઈ સુખદ કે દુ:ખદ પ્રસંગે બહોળા પરિવારમાં રહેવાનું બન્યું હોય કે પ્રવાસમાં કોઈ ગ્રુપ સાથે જોડાયા હો કે પોતે જ ગ્રુપ બનાવીને ગયા હો ત્યારે પણ લોકોની આવી પ્રકૃતિનો અનુભવ થયો હશે. કેટલાક લોકો એટલા અવ્યવસ્થિત હોય કે ડગલે ને પગલે તેમનું ‘અરે, આ નથી મળતું કે પેલું નથી મળતું’નું ગાણું ચાલુ જ હોય. પોતાની જ લઘરાઈને પરિણામે ઊભી થતી નાની તકલીફો કે મોટી સમસ્યાઓની ફરિયાદ તેમના હોઠો પર સતત રમતી હોય. હવે તમારી બૅગ લૉક થઈ ગઈ હોય કે તાળાની ચાવી ન મળતી હોય તો એનો ઉપાય કરવાનો હોય. કાં ડુપ્લિકેટ ચાવી કાઢો કાં બીજા કોઈની એવી જ બૅગ હોય તો એની ચાવી અજમાવી જુઓ કાં લૉક તોડો કાં નવી ચાવી બનાવડાવો. પણ જેની ને તેની સાથે, પ્રત્યક્ષ કે ફોન પર એ ‘મહાન સમસ્યા’ની પારાયણ માંડવાનું મહેરબાની કરીને બંધ કરો. આવું આપણે તેમને મોઢે ભલે ન કહીએ, પરંતુ મનોમન તો જરૂર આ શબ્દો કહેતા જ હોઈશું કદાચ. કવિ આ જ વાત કાવ્યમાં કેટલી નઝાકતથી ગૂંથી લે છે!
ઈવન વાસ્તવિક જીવનમાં પણ આપણે જોઈએ છીએ કે અનપેક્ષિત કે અણધાર્યા સંજોગોમાં વ્યક્તિ કેટલી અને કેવીક સ્વસ્થતા જાળવી રાખી શકે છે અને એની સાથે પનારો પાડે છે એના પરથી તેની હોશિયારીનું પ્રમાણ મળે છે. શોર મચાવનાર કરતાં ‘કૂલ’ જાળવનાર શાણપણ અને સફળતા બન્નેમાં આગળ રહે છે.
એક બાજુ આવી પ્રકૃતિ ધરાવતા લોકો છે તો બીજે છેડે એવી માનસિકતા પણ છે જેઓ પોતાનાં દુ:ખો કે કઠિનાઈઓ વિશે કોઈની સામે એક અક્ષર પણ ઉચ્ચારતા નથી. ગમે એવી ભીડમાં હોય તોય પહોંચતા-પામતા સ્વજનો કે મિત્રોની પાસે પણ કોઈ મદદ માગતા નથી. અરે, માગવાની વાત તો દૂર, પેલો સામેથી તેમની સ્થિતિ પામીને તેમને કંઈક આપવા ચાહે તો પણ સ્વીકારતા નથી.
આ ખુમારી સારી વાત છે, પરંતુ એ જો શુભ હેતુથી લંબાયેલો સ્નેહીજનનો હાથ પકડતા અટકાવે તો ચેતવા જેવું છે, કેમ કે એ તબક્કે તે ઈગોના ઉંબરે પહોંચી ગઈ હોય છે. ‘હું મરી જાઉં પણ કોઈની પાસે હાથ લાંબો ન કરું, કોઈની એક પૈસાનીયે મદદ મને ન ખપે.’ આવાં વાક્યો આપણે ઘણા લોકોના મોઢે સાંભળ્યાં છે. આમાં કહેનારનો કોઈ બદઈરાદો નથી હોતો છતાં અજાણતાં જ આ શબ્દોમાં એક પ્રકારની એંટ, મરડ (ઈગો)ની ઝલક સંભળાય છે. અલબત્ત, કોઈ પણ સ્વમાની માનવીને કોઈનો ઉપકાર માથે ચડાવવો ન ગમે. વળી સમજદાર અને વિચારશીલ વ્યક્તિ પોતાના ઘાવ અન્યો સામે ઉઘાડા ન કરે. કવિ રાજેન્દ્ર શાહ ફરી યાદ આવે છે. તેમનું સદાબહાર અને સૌથી વધુ ટંકાતું એક ગીત છે, જેમાં કવિ કહે છે :
બોલીએ ના કંઈ
આપણું હૃદય ખોલીએ ના કંઈ
કેમ કે
આપણી વ્યથા, અવરને મન રમ્ય કથા
આપણા દુ:ખની વાતો બીજાઓને માટે તો કોઈ રોચક વાર્તા જ છે. આ જ કારણસર કદાચ કેટલીક વ્યક્તિઓ મોટે ભાગે પોતાની તકલીફો અને પીડાઓ પોતાના સુધી સીમિત રાખે છે. પરંતુ દરેક બાબતની જેમ અહીં પણ અતિરેક ઘાતક નીવડે છે.
ગયા અઠવાડિયે એક ચાલીસ વર્ષની અભિનેત્રીએ મુંબઈમાં આત્મહત્યા કરી હતી. તેની આત્મહત્યાની નોંધમાં તેણે લખ્યું હતું કે આપણા દિલની વાત ક્યારેય કોઈને કહેવી નહીં, કોઈનો કદી વિશ્વાસ ન કરશો. હું ભરોસો કરીને છેતરાઈ છું. જાણે વિશ્વાસઘાતના આઘાતમાં તેણે આત્મહત્યા કરી હોય એમ જણાય છે.
દુનિયામાં થતી આત્મહત્યાઓનું વિશ્લેષણ કરાય તો ખ્યાલ આવે કે પોતાના મનના ઊંડાણમાં ધરબી રાખેલી ગૂંચવણો, ચિંતાઓ, મૂંઝવણો કે પીડાઓ કોઈની સાથે વહેંચી શકાઈ હોત તો એમાંની ઘણી આત્મહત્યાઓ નિવારી શકાઈ હોત. અમેરિકા સહિત અનેક દેશોમાં આત્મહત્યાના વિચારોથી અસરગ્રસ્ત દરદીઓની મનોચિકિત્સકીય સારવારના ભાગરૂપે તેમની એવી કટોકટીની પળોમાં તેમની સાથે વાત કરવામાં આવે છે અને અનેક દરદીઓ સ્વીકારે છે કે એ વાતચીત દરમિયાન તેમણે આત્મહત્યાનો વિચાર માંડી વાળ્યો હતો! અલબત્ત, આવી અંતરંગ વાતો કોની સાથે વહેંચવી એ બાબતે વિવેક રાખવો જરૂરી છે. આ જ કવિએ કહ્યું છે :
વેણને રહેવું ચૂપ
નેણ ભરીને જોઈ લે વીરા
વ્હેણનાં પાણી ઝીલનારું તે
સાગર છે વા કૂપ!
કવિએ અહીં અત્યંત મહત્ત્વની વ્યવહારુ શીખ પણ આપી છે, કેમ કે કવિ જાણે છે કે માનવીને પોતાનું હૃદય ખાલી કરવાની જરૂર ક્યારેક નહીં તો ક્યારેક તો પડવાની જ છે. એટલે વેણને ચૂપ રાખવાની શીખ આપીને તરત જ આગળ કહે છે કે દિલની વાત કરતાં પહેલાં ખાતરી કરી લેજો કે સાંભળનાર વ્યક્તિ સાગર જેવા ઊંડાણવાળી છે કે કૂપ જેવી છીછરી? અન્યથા દોસ્તના લિબાસમાં ફરવાની દુશ્મનોને ફાવટ છે એ વાત ક્યાં
અજાણી છે?
(આ લેખમાં રજૂ થયેલા મંતવ્યો લેખકના અંગત છે, ન્યુઝપેપરના નહીં.)


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2020 06:25 PM IST | Mumbai | Taru Kajaria

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK