ફ્રી ગૅસ-કનેક્શન કૌભાંડનો તમે તો ભોગ નથી બન્યાને?

Published: 4th December, 2012 04:25 IST

મહાનગર ગૅસ કંપનીનું ખોટું આઈ-કાર્ડ બતાવીને લાઈફટાઈમ જોડાણ આપવાનું કહી મોટી રકમ પડાવનાર બે ગઠિયા પકડાયા. વર્ષના અંતે પણ બિલ નહીં આવતાં ગ્રાહકોએ કરેલી ફરિયાદો બાદ કારસ્તાન બહાર આવ્યું
(શિરીષ વક્તાણિયા)

મલાડ, તા. ૪

ગૅસ-સિલિન્ડરના ભાવ વધી રહ્યા છે ત્યારે મુંબઈમાં કેટલાક એવા પણ ગૅસધારકો છે જેમના ઘરે પાઇપ વાટે ફ્રીમાં ગૅસ આવી રહ્યો છે અને મહિનાના નહીં, પણ વર્ષના અંતે તેમને એક પણ રૂપિયો ભરવો નથી પડતો. જોકે હવે આ કિસ્સામાં હાલમાં મલાડ પોલીસ-સ્ટેશનમાં મહાનગર ગૅસ લિમિટેડના એક વિજિલન્સ ઑફિસર દાસે કરેલી ફરિયાદના પગલે પોલીસે બે આરોપીઓ ૨૭ વર્ષના વિજય ગુપ્તા અને ૫૦ વર્ષના શંકર બરટોલાની ધરપકડ કરી છે અને આ લોકોએ જ્યાં ગૅસ-કનેક્શન આપ્યાં હતાં એવાં ઘરોમાં તપાસ શરૂ કરી છે. મહાનગર ગૅસ લિમિટેડને ઘણા ગ્રાહકો તરફથી ફરિયાદ આવી હતી કે તેમના ઘરે ગૅસનું બિલ જ નથી આવી રહ્યું. એને કારણે સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે.

મલાડ પોલીસ-સ્ટેશનના પોલીસ સબ-ઇન્સ્પેક્ટર મહેશ કુલકર્ણીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આરોપીઓ વિજય અને શંકર લોકોના ઘરે જઈને એમ કહેતા કે તેઓ મહાનગર ગૅસ લિમિટેડમાં કામ કરે છે. તેમની પાસે કંપનીનું બનાવટી આઇડેન્ટિટી કાર્ડ પણ હતું. તેઓ ગ્રાહકો પાસે ફૉર્મ ભરાવીને ૬૦૦૦ રૂપિયા રોકડા લઈ લેતા હતા અને કનેક્શન આપતા હતા. આ કનેક્શનનું ગ્રાહકને ગૅસ કંપની તરફથી કોઈ પણ પ્રકારનું બિલ નહોતું આવતું.’

આરોપીઓએ જે ઘરમાં ગૅસ-કનેક્શન કરી આપ્યું હતું એ ઘરમાં હજી સુધી કોઈ પણ પ્રકારનાં ગૅસ-બિલો આવતાં નહોતાં એથી ઘણા ગ્રાહકોએ આ સંદર્ભે સામેથી મહાનગર ગૅસ કંપનીમાં ફોન કરીને ગૅસના બિલ વિશે ફરિયાદ કરી હતી. જો તમારી સાથે પણ આવી રીતે છેતરપિંડી થઈ હોય તો મહાનગર ગૅસ કંપનીનો સંપર્ક કરવો. આવાં ગૅસ-કનેક્શનની યાદી તૈયાર કરીને મહાનગર ગૅસ કંપની હાલમાં ચેકિંગ કરી રહી છે.

માસ્ટરમાઇન્ડ આરોપીઓ કેવી રીતે પકડાયા?

૨૩ નવેમ્બરે માસ્ટરમાઇન્ડ આરોપી વિજય તેના સાથીદાર શંકર સાથે ગૅસ-કનેક્શનનું કામ કરવા મલાડમાં રહેતા રિચર્ડ પરેરાના ઘરે ગયા હતા. એ વખતે તેમણે બનાવટી આઇડેન્ટિટી કાર્ડ પહેરી રાખ્યું હતો. રિચર્ડે તેમનું આઇડેન્ટિટી કાર્ડ ચેક કર્યું ત્યારે આઇડેન્ટિટી કાર્ડ પર મહાનગર ગૅસ કંપની લખેલું હતું, પણ એના પર સ્ટૅમ્પ એ-વન કંપનીનો હતો. શંકા જતાં રિચર્ડે તેમને પૂછ્યં ત્યારે તેઓ ગભરાઈ ગયા હતા અને આઇડેન્ટિટી કાર્ડ ત્યાં જ છોડીને નાસી ગયા હતા. એથી રિચર્ડે તરત મહાનગર ગૅસ કંપનીને ફોન કરીને જાણ કરી હતી. આ સંદર્ભે બનાવટી મહાનગર ગૅસ કંપનીના ફૉર્મ અને કંપનીના નામે ગ્રાહકો સાથે છેતરપિંડી કરનારા બનાવટી કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ- સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. ૨૬ નવેમ્બરે આરોપીઓના આઇડેન્ટિટી કાર્ડ પર લખેલા તેમના નામ અને ફોન નંબર પરથી છટકું ગોઠવીને તેમને ગૅસ-કનેક્શન માટે મલાડમાં એક વ્યક્તિના ઘરે બોલાવી લીધા હતા. આરોપીઓ પોલીસે કહેલા ઠેકાણે ગૅસ-કનેક્શન માટે આવ્યા એ વખતે તેમની ધરપકડ કરી હતી અને તેમની પાસેથી તેમનાં આઇડેન્ટિટી કાર્ડ અને મહાનગર ગૅસ કંપનીનાં બનાવટી ફૉર્મ હસ્તગત કર્યા હતાં.

આરોપીઓએ આ રીતે મલાડ, કાંદિવલી, બોરીવલી, જોગેશ્વરી તથા ઘણા વિસ્તારોમાં અનેકો સાથે છેતરપિંડી કરી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK