કસબને પકડનારા જાંબાઝ પોલીસો કહે છે "આ વરસ ખરેખર ઊજવવા જેવું છે"

Published: 26th November, 2012 03:14 IST

દુશ્મનની બંદૂકથી રક્ષણ મળી શકે એવાં બુલેટપ્રૂફ જૅકેટ કે આધુનિક શસ્ત્રો નહોતાં છતાં પણ તેમના સાહસે જ તેમને બનાવી દીધા હતા હીરોકોઈ સ્પેશ્યલ ટ્રેઇન્ડ કમાન્ડો ટીમના તેઓ સભ્યો નહોતા. એ રાત્રે તેઓ માત્ર પોલીસવાળા હતા, પરંતુ એક આતંકવાદીને જીવતો પકડીને ૨૦૦૮ની ૨૬  જાન્યુઆરીની રાત્રે તેઓ હીરો બની ગયા હતા. આવી કોઈ પરિસ્થિતિ માટે તેઓ તૈયાર પણ નહોતા. વળી દુશ્મનની બંદૂકથી રક્ષણ મળી શકે એવાં બુલેટપ્રૂફ જૅકેટ કે અન્ય આધુનિક શસ્ત્રો પણ તેમની પાસે નહોતાં. તેમના સાહસે જ તેમને હીરો બનાવી દીધા.

ગિરગામ ચોપાટી નજીક અજમલ કસબને જીવતો પકડનારી પોલીસટીમના સભ્યો સાથે ૨૬/૧૧ની ચોથી વરસીએ ‘મિડ-ડે’એ વાતચીત કરી હતી. ૨૧ નવેમ્બરે ફાંસીના માંચડે લટકાવાયેલા અજમલ કસબને તેમણે ટીમવર્કને કારણે પકડ્યો હતો. આતંકવાદી હુમલો થયો હોવાનો સંદેશો ૨૬ નવેમ્બરે રાત્રે પોણાનવ વાગ્યે મળતાં તેમણે ગિરગામ ચોપાટીની પાસે આડશ મૂકવાની શરૂઆત કરી હતી. પોલીસ-ઇન્સ્પેક્ટર સંજય ગોવાળીકરે કહ્યું હતું કે ‘કસબે છોડેલી એક ગોળી મને પણ વાગી હતી, પરંતુ તેને જીવતો પકડ્યો હતો જેથી તેની પૂછપરછ થઈ શકી તેમ જ દુનિયા સમક્ષ સત્ય છતું થાય.’

હુમલાની એ રાતની યાદ હજી પણ પોલીસોના મનમાં તાજી છે તેમ જ તેઓ કદીયે આ ઘટના ભૂલી શકે એમ નથી.

અત્યારે પ્રોટેક્શન ઍન્ડ સિક્યૉરિટી બ્રાન્ચ સાથે કામ કરતા પોલીસ-ઇન્સ્પેક્ટર સંજય ગોવાળીકરે કહ્યું હતું કે ‘કસબને ફાંસી પર ચડાવ્યાના સમાચાર મળતાં તમામ દેશવાસીઓની માફક મને પણ આનંદ થયો. ભવિષ્યમાં કોઈ આવું કૃત્ય કરશે તો તેના આવા જ હાલ થશે એવો સંદેશો આપણે દુનિયા સમક્ષ પહોંચાડી શક્યા છે.’

અત્યારે ક્રાઇમ બ્રાન્ચમાં કામ કરતા અસિસ્ટન્ટ પોલીસ-ઇન્સ્પેક્ટર ભાસ્કર કદમે કહ્યું હતું કે આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા લોકો માટે આ વખતે સાચી શ્રદ્ધાંજલિ આપણે આપી છે. કોલાબા પોલીસ-સ્ટેશનના પોલીસ નાઈક સંજય પાટીલે કહ્યું હતું કે કસબને ફાંસી પર ચડાવવાના સરકારે લીધેલા નિર્ણય બદલ હું એનો આભાર માનું છું.

મલાડ પોલીસ-સ્ટેશનમાં કામ કરતા પોલીસ નાઈક સંજય પાટીલ પર તાજેતરમાં કેટલાંક અસામાજિક તત્વોએ હુમલો કર્યો હતો. તેઓ એક દંપતીને આ લાકોના ત્રાસથી છોડાવવા માટે ગયા હતા. મંગેશ નાઈકે કહ્યું હતું કે ‘બુધવારે કસબને ફાંસી પર ચડાવ્યો ત્યારે મારા એક મિત્રે મને ફોન કરીને અભિનંદન આપ્યાં. ભલે તેને ચાર વર્ષ બાદ ફાંસી પર લટકાવાયો હોય, પરંતુ એક શક્તિશાળી દેશ હોવાની સાબિતી આપણે આપી છે. આ વરસ ખરેખર ઊજવવા જેવું છે.’

મુંબઈમાં ત્રણ દિવસ હાઈ-અલર્ટ


પાકિસ્તાન-તાલિબાને આતંકવાદી કસબની હત્યાનો બદલો લેવાની ધમકી આપીને ઇન્ડિયાને ટાર્ગેટ બનાવ્યું હોવાથી મુંબઈની સુરક્ષા હાલમાં વધારી દેવામાં આવી છે. મુંબઈમાં ફક્ત ૨૬ નવેમ્બરે જ નહીં, પરંતુ ૨૫થી ૨૭ નવેમ્બર સુધી મુંબઈને હાઈ-અલર્ટ પર રાખવામાં આવ્યું છે. આ સંદર્ભે મુંબઈના પોલીસ-કમિશનર ડૉક્ટર સત્યપાલ સિંહે ગઈ કાલે કહ્યું હતું કે ‘અમને હજી સુધી કોઈ પણ હુમલાની ચોક્કસ ગુપ્ત માહિતી નથી મળી, પણ અમે સર્તક છીએ.’

૨૬ નવેમ્બરે મુંબઈ પર થયેલા આતંકવાદી હુમલામાં એકમાત્ર જીવતા પકડાયેલા અજમલ કસબને ૨૧ નવેમ્બરે પુણેની યેરવડા જેલમાં ફાંસી આપવામાં આવી હોવાથી સલામતીને પગલે મુંબઈમાં પોલીસ-બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK