હમ સબ કુત્તોં કો માર ડાલેંગે

Published: 10th February, 2021 12:07 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

આવું કહીને નાલાસોપારામાં માત્ર ચાર મહિનાની પપ્પીને બામ્બુથી ફટકારીને મારી નાખવામાં આવી

નાલાસોપારા (વેસ્ટ)માં યશંવત ગૌરવ પરિસરમાં બે અજ્ઞાત લોકો અન્ય લોકો સાથે મળીને ચાર મહિનાની માસૂમ પપ્પીને એ હેરાન કરી રહી હોવાનું કારણ આપીને ક્રૂરતાથી મારી રહ્યા હતા. આ વિશે માહિતી આપતાં નાલાસોપારામાં રહેતાં ઍનિમલ વેલ્ફેર ઑફિસર ભાવના જોગડિયાએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘નાલાસોપારાના યશવંત ગૌરવમાં બ્લુ બેરી બિલ્ડિંગમાં બે પ્રવાસીઓને હું રિક્ષા દ્વારા છોડવા ગઈ હતી. રિક્ષા ટર્ન મારતી વખતે મેં જોયું તો અમુક લોકો મોટા-મોટા પથ્થર લઈને ઊભા હતા. તેઓ પપ્પીને મારતા હોવાનું જોઈને મેં ઊતરીને વિરોધ કર્યો તો એ લોકો મારી સાથે દલીલો કરવા લાગ્યા હતા અને મને જેમ-તેમ બોલી રહ્યા હતા. એટલા વખતમાં પપ્પી ત્યાં રહેલા ખુલ્લા મેદાનમાં ભાગી ગઈ હતી. પપ્પીના રડવાનો અવાજ આવતાં હું એ દિશામાં દોડી. મેદાનમાં બે વ્યક્તિ બામ્બુ લઈને ક્રૂરતાથી એને બેહિસાબ મારતા હોવાનું મારી નજરે મેં જોયું. એ લોકોને ના પાડતાં તેઓ એ અમને ખૂબ હેરાન કરે છે, બધાને કરડે છે, અમે તેને મારી નાખીશું, હમ સબ કુત્તોં કો માર ડાલેંગે એવું બોલવા લાગ્યા હતા. ત્યાં રહેતી અન્ય ઍનિમલ ઍક્ટિવિસ્ટ પણ મારી મદદે આવી હતી. અમે જેમ-તેમ એને બચાવી, પરંતુ તેના આંખ, કાન, નાક અને મોઢામાંથી લોહી નીકળતું હોવાથી એને હૉસ્પિટલમાં લઈ ગયા હતા.’

તે બચી ન શકી એમ જણાવીને ભાવનાએ કહ્યું હતું કે ‘નાલાસોપારાના ડૉક્ટરે તરત જ એનો ઇલાજ શરૂ કરી દીધો અને સારવાર માટે ઍડ્મિટ પણ કરી દીધી હતી, પરંતુ એને માથામાં બામ્બુનો માર લાગતાં ભારે ઈજા થઈ હતી. ડૉક્ટરના અનેક પ્રયત્નો છતાં સારવાર દરમ્યાન એણે જીવ ગુમાવ્યો હતો. ગઈ કાલે નાલાસોપારા પોલીસની હાજરીમાં પપ્પીની ડેડ-બૉડી દફનાવવામાં આવી હતી. પોલીસ એફઆઇઆર નોંધીને આરોપીને શોધી રહી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK