ફોર્મ્યુલા વન : એક ચમત્કાર

Published: 24th October, 2011 15:06 IST

વિવાદો અને ભારે ઉત્તેજના વચ્ચે આ શુક્ર-શનિ-રવિમાં વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક એવી ફૉમ્યુર્લા વન કાર-રેસિંગની ભારતમાં પધરામણી થઈ રહી છે. ઑક્ટોબરની ૨૮થી ૩૦ તારીખે એમ ત્રણ દિવસ દિલ્હી પાસેના નોઇડામાં બુદ્ધ ઇન્ટરનૅશનલ સર્કિટ પર દેશની સૌપ્રથમ ઇન્ડિયન ગ્રાં પ્રિ રમાશે.

 

 

(આર્યન મહેતા)

સ્પીડ, અત્યાધુનિક ટેક્નૉલૉજી, પાર વિનાનાં નાણાં અને જીવસટોસટની બાજીનું કમાલનું કૉમ્બિનેશન એવી ફૉમ્યુર્લા વન રેસિંગ સાથે એટલી બધી રસપ્રદ બાબતો સંકળાયેલી છે કે ન પૂછો વાત! આપણે વન બાય વન એનો પરિચય મેળવીએ...

ફૉમ્યુર્લા વન : નામ હી કાફી હૈ

સૌપ્રથમ તો ફૉમ્યુર્લા વન નામની કહાણી જાણીએ. જેમ ક્રિકેટમાં ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) છે એમ ખુલ્લાં પૈડાંવાળી સિંગલ સીટર કારના રેસિંગમાં પૅરિસમાં આવેલી ફેડરેશન ઇન્ટરનૅશનલ ધ ઑટોમોબાઇલ (એફઆઇએ) સંસ્થા ચોક્કસ પ્રકારના નિયમો ઘડે છે. આ સંસ્થાના નિયમો એટલે કે ફૉમ્યુર્લાને આધીન રહીને જે સ્પર્ધા યોજાય એને કહેવાય ફૉમ્યુર્લા રેસિંગ. અને આ નિયમો એટલે ગાડીનો પ્રકાર, એનું એન્જિન, ટાયર, સસ્પેન્શન, એમાં વપરાતું બળતણ, ગિયર, એ જે રોડ પર દોડે છે એ ટ્રૅક વગેરે દરેકેદરેક બાબત માટે એફઆઇએના ચોક્કસ નિયમો એટલે કે ફૉમ્યુર્લા છે. મજાની વાત એ છે કે ફૉમ્યુર્લા રેસિંગમાં માત્ર ફૉમ્યુર્લા વન જ નથી, બલ્કે એમાં ફૉમ્યુર્લા ટૂ અને ફૉમ્યુર્લા થ્રી પણ છે! અને દરેકના આગવા નિયમો છે. પ્રમાણમાં જુનિયર એવા કારચાલકો ફૉમ્યુર્લા થ્રીથી પોતાની કારકિર્દીની શરૂઆત કરે છે અને જેમ-જેમ નિપુણતા મેળવતા જાય એમ-એમ અનુક્રમે ફૉમ્યુર્લા ટૂ અને આખરે ફૉમ્યુર્લા વનમાં ભાગ લે છે અને ગ્રાં પ્રિ એટલે અંગ્રેજીમાં ‘ગ્રાન્ડ પ્રાઇઝ’. ચોક્કસ પ્રકારે ડિઝાઇન થયેલી આ ગાડીઓ જે ટ્રૅક પર દોડે એને સર્કિટ કહે છે.

ફૉમ્યુર્લા થ્રીમાં દોડતી કારનું એન્જિન મૅક્સિમમ ૨૦૦૦ સીસી (ક્યુબિક સેન્ટિમીટર)થી વધારેનું ન હોવું જોઈએ. વળી, આ કોઈ પૅસેન્જર કાર માટે વપરાઈ ચૂકેલું હોવું જોઈએ તથા એ એન્જિન બનાવનારી કંપની પાંચેક હજાર નંગ કારનું વેચાણ કરી ચૂકેલી હોવી જોઈએ. ફૉમ્યુર્લા થ્રીમાં જ્યાં ૨૧૦ હૉર્સપાવરનું એન્જિન વપરાય છે ત્યારે ફૉમ્યુર્લા ટૂમાં આ હૉર્સપાવરની લિમિટ વધીને ૫૦૦ હૉર્સપાવરની થઈ જાય છે અને ત્યાર પછી આવે સાહસનો અલ્ટિમેટ મુકામ. યાની કિ ફૉમ્યુર્લા વન. એનું ૨૦૦૦ સીસીથી વધુ ક્ષમતાનું એન્જિન એક હજાર હૉર્સપાવરથી પણ વધુનો ધક્કો પેદા કરે છે (આની સામે આપણી તાતાની લખટકિયા કાર નૅનોની તાકાત છે ૩૫ હૉર્સપાવર!) અને ફૉમ્યુર્લા વનની સ્પીડ? જનાબ, આ કાર કલાકના ૩૨૫થી ૩૫૦ કિલોમીટરની ઝડપે દોડે છે! જે પ્રકારની ટેક્નૉલૉજી આ સ્પર્ધામાં વપરાય છે એ જોતાં એવું કહી શકાય કે સ્પેસ-શટલ તથા ફાઇટર પ્લેનને બાદ કરતાં જમીન પરના એકેય વાહનમાં આટલી અદ્યતન ટેક્નૉલૉજી વપરાતી નથી. આ ટેક્નૉલૉજી સમજવા માટે ફૉમ્યુર્લા વન કારનાં મુખ્ય અંગોને અલગ-અલગ સમજવાં પડે.

એન્જિન

ફૉમ્યુર્લા વન કારનું અંગ્રેજી ‘વી’ આકારનું આઠ સિલિન્ડરવાળું ફોર સ્ટ્રોક એન્જિન ૧૮,૦૦૦ આરપીએમ (રિવૉલ્યુશન્સ પર મિનિટ) પેદા કરે છે. મતલબ કે એનાં પિસ્ટન દર મિનિટે ૧૮,૦૦૦ જેટલાં ચક્કર પૂરાં કરે છે. આની સામે રસ્તા પર દોડતી પૅસેન્જર કારનું આવું એન્જિન સરેરાશ સાતેક હજાર આરપીએમ જ પેદા કરે છે. આટલો મોટો તફાવત હોવાનું એક કારણ એ કે ફૉમ્યુર્લા વન કારના એન્જિનનો દરેક સ્ટ્રોક ટૂંકો હોય છે. મતલબ કે દરેક સ્ટ્રોકમાં પિસ્ટનને મળેલી ગતિ જેવી ઓસરે ત્યાં સુધીમાં બીજો સ્ટ્રોક એને ધક્કો આપવા તૈયાર જ હોય છે. વધુમાં ફૉમ્યુર્લા વન કારના એન્જિનમાં વપરાતું ટર્બોચાર્જર પણ એની ગતિ તેજ કરી દે છે. સાદા શબ્દોમાં સમજીએ તો કોઈ પણ કારનું ઇન્ટર્નલ કમ્બશન એન્જિન (આંતરિક દહનયંત્ર) હવા અંદર લે છે અને બળતણ સાથે એને ભેળવીને સ્પાર્કપ્લગ વડે ‘સ્ટ્રોક’ (સ્ફોટક દહન) પામીને પિસ્ટનને આગળ ધકેલે છે. હવે ટર્બોચાર્જર હવાને દબાણપૂર્વક એન્જિનમાં ઠાંસે છે. આથી દરેક સ્ટ્રોક વખતે વધુ બળતણનું દહન થાય છે અને સામે આઉટપુટ પણ જબરદસ્ત મળે છે. આથી જ ફૉમ્યુર્લા વન કાર-રેસ શરૂ થવાની માત્ર ૧.૭ સેકન્ડમાં શૂન્યથી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી લે છે અને ૩.૮ સેકન્ડમાં એ ૨૦૦ કિલોમીટરનો અને આઠ સેકન્ડમાં ૩૦૦ કિલોમીટર પ્રતિ કલાકનો આંકડો પાર કરી લે છે! ફૉમ્યુર્લા વન કારનાં એન્જિન બનાવતી જે ટૉપ ફાઇવ ઑટો-કંપનીઓએ સૌથી વધુ ગ્રાં પ્રિ જીત્યા છે એ અનુક્રમે છે ફરારી (૨૧૭), ર્ફોડ (૧૭૪), રેનો (૧૩૮), મર્સિડીઝ-બેન્ઝ (૮૬) અને હૉન્ડા (૭૨).

બૉડીવર્ક

રસ્તાઓ પર જ્યારે કાર-અકસ્માત થાય ત્યારે કારનો કચ્ચરઘાણ વળી જતો આપણે જોયો છે. તો પછી આટલા પાવરફુલ એન્જિનવાળી અને આટલી પ્રચંડ સ્પીડે દોડતી કારનો ઍક્સિડન્ટ થાય ત્યારે ગાડીની અને ખાસ તો એમાં સવાર ડ્રાઇવરની શું હાલત થાય એ સમજી શકાય એવું છે! આથી જ ફૉમ્યુર્લા વન રેસિંગમાં સલામતીની ચિંતા જ કેન્દ્રસ્થાને હોય છે (એમ છતાં અકસ્માતો થતા જ રહે છે). આથી જ કાર્બન ફાઇબર વડે બનાવવામાં આવતી ફૉમ્યુર્લા વન રેસિંગની કારને અલગ-અલગ પૂર્જા જોડીને બનાવાય છે. આ કાર્બન ફાઇબરનાં બે પડની વચ્ચે પાછી ઍલ્યુમિનિયમના બારીક તારની જાળી બેસાડેલી હોય છે, જેથી સમગ્ર માળખું વજનમાં હળવું છતાં મજબૂત બને છે. દરેક પાર્ટને જોડેલો હોવાથી જ સ્પર્ધા દરમ્યાન થોડી ટક્કરમાં પણ ગાડીના અંજરપંજર છૂટા પડી જાય છે. એ એટલા માટે કે તૂટીને છૂટો પડતો દરેક ભાગ પોતાની સાથે કેટલોક આઘાત લેતો જાય છે, જેથી ડ્રાઇવરના ભાગે બહુ ઓછો આઘાત ખમવાનો આવે છે અને તેની સલામતી વધે છે.

વિંગ્સ

ફૉમ્યુર્લા વન કારને બીજી સામાન્ય કારથી દેખીતી રીતે જ અલગ પાડતું કોઈ પાસું હોય તો એ છે એની વિંગ્સ, એટલે કે પાંખિયાં. વિમાનની જેમ ફૉમ્યુર્લા વન રેસિંગમાં પણ ઍરોડાયનૅમિક્સ (હવાગતિશાસ્ત્ર) બહુ મહત્વનો ભાગ ભજવે છે, પરંતુ અહીં પ્લેન કરતાં એનું કાર્ય તદ્દન ઊંધું છે. ઍરોડાયનૅમિક્સના નિયમોને આધીન ડિઝાઇન કરાયેલી પ્લેનની પાંખો એને હવામાં સતત ઊડતું રાખવામાં મદદ કરે છે, જ્યારે ફૉમ્યુર્લા વન રેસિંગ કારની પાછળ અને આગળ ફિટ કરેલી પાંખો એને જમીન સાથે ચોંટાડી રાખે છે. આ કારનો એકેએક પાર્ટ બનાવતી વખતે કારને સતત જમીન સાથે ચોંટાડી રાખવાનું જ ધ્યેય મગજમાં રખાય છે અને ગાડી જ્યારે ફુલ સ્પીડે ભાગતી હોય ત્યારે એના આગળના પાંખિયા પર લાગતું બળ આઠ વાતાવરણના દબાણ જેટલું હોય છે (પૃથ્વીની સપાટી પર આપણા માથા પર એક ગુરુત્વાકર્ષણ જેટલું એટલે કે ૯.૮ મીટર પ્રતિ સેકન્ડ વર્ગ જેટલું બળ લાગે છે)!

ટાયર

સામાન્ય મોટી પૅસેન્જર કારનાં ટાયર આઠેક ઇંચ પહોળાં હોય છે, જ્યારે ફૉમ્યુર્લા વનનાં બહાર નીકળતાં ટાયર્સ સરેરાશ બારથી ચૌદ ઇંચ પહોળાં હોય છે. એનાં ટાયરની સપાટી લિસ્સી (સ્લીક) રખાય છે, જેથી ટ્રૅક પર એ બરાબર પકડ સાથે ચોંટેલાં રહે. ઉપરાંત અત્યારની આધુનિક પૅસેન્જર કારનાં ટાયર્સને સરેરાશ એંસી હજાર કિલોમીટર સુધી બદલવાનો વારો આવતો નથી, જ્યારે ફૉમ્યુર્લા વન કારનાં અત્યંત પોચાં ટાયર્સ માંડ એકાદ રેસ (એટલે કે ત્રણસો કિલોમીટરથી સહેજ વધુ) માંડ ચાલે છે. એટલે જ ફૉમ્યુર્લા વનના ટીવી-ટેલિકાસ્ટમાં ટેક્નશિયન્સ કારનાં ટાયર્સ વારંવાર બદલતા જોવા મળે છે. જો આવું ન કરાય તો ટાયર સળગીને ફાટી જાય. રેસ દરમ્યાન ટાયરની સ્થિતિ સતત ચેક કરતાં ટ્રાન્સમીટર્સ એનો ડેટા મૉનિટરિંગ સ્ટેશનને મોકલતાં રહે છે, જેથી કાર એક રેસ પતાવીને એના પિટમાં પહોંચે (જેમ ક્રિકેટમાં પેવિલિયન હોય, વ્૨૦ મૅચમાં ખેલાડીઓને બેસવા માટે ડગ-આઉટ હોય એમ ફૉમ્યુર્લા વનમાં કારને ‘આરામ’ કરવાના સ્થળને ‘પિટ’ કહે છે) એ પહેલાં તો કયું ટાયર બદલવાનું છે એની માહિતી તૈયાર હોય અને કાર આવે કે સાત-આઠ સેકન્ડમાં ટાયર ચેન્જ પણ થઈ જાય! ફૉમ્યુર્લા વન કારની ડિસ્ક બ્રેક્સ ૨૦૦ કિલોમીટરની ઝડપમાંથી કારને માત્ર સવાબે સેકન્ડમાં સ્ટૉપ કરી શકે છે!

અન્ય ખૂબીઓ

અતિ જ્વલનશીલ બળતણ (મિથૅનૉલ, બેન્ઝિન, એટીએફ, ગૅસોલિન વગેરેનું મિશ્રણ) વાપરતી ફૉમ્યુર્લા વન કાર માંડ એક કિલોમીટરની ઍવરેજ આપે છે! આથી જ હવે ૩૫ ટકા ઓછું બળતણ બાળે એવી અને બાયોફ્યુઅલ વાપરે એવી કાર વાપરવા વિશે વિચારણા થઈ રહી છે. જોકે એક સીઝનમાં દરેક ટીમ ઓછામાં ઓછા બે લાખ લિટર બળતણનો ધુમાડો કરી નાખે છે. આ કારના સસ્પેન્શનમાં રેગ્યુલેટર કવરની જેમ ટેલિસ્કૉપિક જમ્પર નહીં પણ મિશ્રધાતુના સળિયા વપરાય છે. ડ્રાઇવરને બેસવાની જગ્યાને અહીં (યોગ્ય રીતે જ) વિમાનની જેમ કૉકપિટ કહેવાય છે, જેમાં ડ્રાઇવરની સીટ એકદમ ડ્રાઇવરના શરીરના વળાંકોને અનુરૂપ ઢાળીને બનાવવામાં આવે છે, જેથી રેસ દરમ્યાન ડ્રાઇવરને સહેજ પણ અગવડ પડતી નથી. ફૉમ્યુર્લા વન કારનું સ્ટિયરિંગ આપણી રેગ્યુલર કારના પાવર સ્ટિયરિંગના પણ પિતાશ્રી જેવું હોય છે. અંગ્રેજી મૂળાક્ષર કૅપિટલ ‘ડી’ના આકારના સ્ટિયરિંગને સહેજ હલાવીને આખી કારને ટર્ન વાળી શકે છે. વધુમાં કારના લગભગ તમામ કન્ટ્રોલ્સ એના સ્ટિયરિંગમાંથી થઈ શકે છે. આ સ્ટિયરિંગની જ કિંમત લગભગ ૧૯ લાખ રૂપિયા જેવી થવા જાય છે (આખી કારની કિંમત તો સાત લાખ ડૉલરથી લઈને સિત્તેર લાખ ડૉલરને અડી જાય છે)! ડ્રાઇવર સહિત લગભગ ૬૪૦ કિલોગ્રામ વજનની ફૉમ્યુર્લા વન કાર ટીવી-બ્રોડકાસ્ટિંગ માટે પાંચ કૅમેરા અને અત્યાધુનિક ડેટા ટ્રાન્સમિશન ફૅસિલિટીથી સજ્જ હોય છે. ફૉમ્યુર્લા વન કાર પોતાની સ્પીડ ગુમાવે નહીં એટલા માટે એની એક્ઝૉસ્ટ પાઇપ સાથે સાઇલન્સર જોડવામાં આવતું જ નથી. આથી ફૉમ્યુર્લા વનની રેસિંગ કાર ભારે નૉઇઝ પેદા કરે છે. જોકે હવે તો એ નૉઇઝ એની ઓળખ બની ગઈ છે!

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK