બુલેટ ટ્રેન છોડો, પહેલા ખખડધજ રેલવેને ઠીક કરો-ભાજપના જ પૂર્વ મંત્રીએ કર્યો કટાક્ષ

Published: 27th December, 2018 20:19 IST

પંજાબ ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ મંત્રી લક્ષ્મીકાંતા ચાવલાએ રેલવેની સ્થિતિ પર પ્રહાર કર્યા છે. લક્ષ્મીકાંતાએ કહ્યું બુલેટ ટ્રેનને ભૂલી જાઓ, પહેલા ખખડધજ રેલવેને સરખી કરો.

ભાજપના જ મંત્રીએ ઉઠાવ્યા રેલવે તંત્ર પર સવાલ
ભાજપના જ મંત્રીએ ઉઠાવ્યા રેલવે તંત્ર પર સવાલ

ભારતીય જનતા પાર્ટીના જ વરિષ્ઠ નેતાએ ભારતીય રેલવેની સ્થિતિ પર પ્રહાર કર્યા છે. રેલવેની સ્થિતિને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પિયૂષ ગોયલ પર કટાક્ષ કરતા ચાવાલાએ ટ્રેનો અને રેલવેની વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે એક વીડિયો બનાવીને સોશલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. જેમાં તેમણે કહ્યું છે કે, 'મોદીજી બુલેટ અને 120 અને 200ની સ્પીડથી ચાલતી ટ્રેનને ભૂલી જાવ, પહેલા રેલવેની ખસ્તા હાલતને ઠીક કરો'.

ટ્રેનની લેટલતીફી પર ઉઠાવ્યા સવાલ

લક્ષ્મીકાંતા ચાવલાએ વીડિયો જાહેર કર્યા બાદ હંગામો મચી ગયો છે. ચાવલા જે ટ્રેનમાં યાત્રા કરી રહ્યા હતા, તે 10 કલાકથી વધુ મોડી હતી. જે બાદ તેમણે વીડિયો બનાવી ફરિયાદ કરી છે. જેમાં તેમણે કહ્યું કે 'મારી સરકાર અને પીએમ મોદીને અપીલ છે કે સામાન્ય લોકોની સમસ્યા પર વિચારો, ટ્રેનની હાલત ખખડધજ છે. અમે છેલ્લા 24 કલાકથી આટલી પરેશાનીઓનો સામનો કરી રહ્યા છે. ટ્રેનનો રૂટ બદલાઈ ગયો, પણ અમને કોઈ જ જાણકારી ન આપવામાં આવી. ટ્રેન 10 કલાકથી વધુ મોડી થઈ છતા જમવાની પણ કોઈ જ વ્યવસ્થા ન કરવામાં આવી'.

ચાવલાએ એમ પણ કહ્યું કે, 'પિયૂષ ગોયલજી અને મોદીજી 120 કિમી કે 200 કિમીની ઝડપથી ચાલતી ટ્રેનનો વિચાર તો છોડી દો. લોકો ફુટપાથ પર રાત વિતાવવા માટે મજબૂર થયા છે. સ્ટેશનમાં કોઈ જ વેઈટિંગ રૂમ નથી. કડકડતી ઠંડીમાં લોકો ખુલ્લામાં સુઈ રહ્યા છે'.

'રેલવેના ન આવ્યા અચ્છે દિન'

ચાવલાએ કહ્યું કે 'ભારતીય રેલવેના અચ્છે દિન નથી આવ્યા. રેલવેમાં મુસાફરો માટે કોઈ જ સુવિધા નથી. મને લાગે છે કે રેલવેને લઈને માત્ર અખબારોમાં જ પ્રચાર થયો છે. આ ગાડીને સરયૂ યમુના એક્સપ્રેસ કહેવામાં આવે છે, જેને પહેલા ફ્લાઈંગ મેલ પણ કહેવાતી હતી. પરંતુ ખબર નહીં પહેલા એ ક્યારે ઉડી હતી, મને તો આ ટ્રેનમાં 24 કલાક  થઈ ચુક્યા છે. મારી ભારત સરકાર અને મોદીજીને અપીલ છે કે દેશની જનતા પર દયા કરો. આ ટ્રેન તૂટેલી ફૂટેલી છે. દરવાજા અને બારીઓ તૂટેલી છે. અમને કેટલી તકલીફ પડી રહી છે. લક્ષ્મીકાંતાએ એવી પણ ફરિયાદ કરી કે રેલવેની હેલ્પલાઈન પણ કામ નથી કરી રહી. અંધેરી નગરી અને ગંડુ રાજા જેવું છે અહીં તો'.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK