Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > ફૉર્બ્સ: કમ્પ્યુટર-ફ્રેન્ડ્લી લૅન્ગ્વેજ જો કોઈ હોય તો એ માત્ર સંસ્કૃત

ફૉર્બ્સ: કમ્પ્યુટર-ફ્રેન્ડ્લી લૅન્ગ્વેજ જો કોઈ હોય તો એ માત્ર સંસ્કૃત

20 September, 2020 05:16 PM IST | Mumbai
Manoj Joshi | manoj.joshi@mid-day.com

ફૉર્બ્સ: કમ્પ્યુટર-ફ્રેન્ડ્લી લૅન્ગ્વેજ જો કોઈ હોય તો એ માત્ર સંસ્કૃત

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર


સંસ્કૃત ન આવડતું હોય એ સમજી શકાય, સંસ્કૃત ન ગમતું હોય એ પણ સમજી શકાય; પરંતુ આવડતું પણ ન હોય અને સમજ પણ ન પડતી હોય એવા સમયે સંસ્કૃત પ્રત્યે ચીડ હોય એ ગેરવાજબી છે. તમારી જાણ ખાતર, સંસ્કૃત એકમાત્ર એવી ભાષા છે જેને માટે ૧૯૮૭માં ‘ફૉર્બ્સ’ મૅગેઝિને લખ્યું હતું કે સંસ્કૃત દુનિયાની એકમાત્ર એવી ભાષા છે જે કમ્પ્યુટર લૅન્ગ્વેજની સાથે તાલમેલથી ચાલી શકે એમ છે. સંસ્કૃતને ઉકેલવામાં કમ્પ્યુટર સૌથી વધારે ફાસ્ટ વર્ક કરે છે એટલે જ સંસ્કૃતને ‘ફૉર્બ્સ’ મૅગેઝિને ઑફિશ્યલી બેસ્ટ કમ્પ્યુટર ફ્રેન્ડ્લી લૅન્ગ્વેજ પણ જાહેર કરી છે.

આ જ કારણે આજે અમેરિકાની નાસા જે કમ્પ્યુટરનું સંશોધન કરે છે એ છઠ્ઠી અને સાતમી જનરેશનના કમ્પ્યુટરની લૅન્ગ્વેજ સંસ્કૃત રાખવા વિશે રિસર્ચ કરી રહી છે. છઠ્ઠી જનરેશનનાં કમ્પ્યુટર તૈયાર કરવાની ડેડલાઇન ૨૦૨૫ છે, તો સાતમી જનરેશનના કમ્પ્યુટરને પ્રૅક્ટિકલ ઉપયોગમાં લઈ આવવાની ડેડલાઇન ૨૦૩૪ની છે. નિષ્ણાતોનું માનવું છે કે એ કમ્પ્યુટરની સ્પીડ આજના કમ્પ્યુટરની સ્પીડ કરતાં ૭૦ ગણી વધારે હશે. એક વાર ફરીથી કહી દઉં કે ૭૦ ગણી વધારે હશે. આ સ્પીડને સમજાવવી હોય તો સીધી અને સરળ ભાષામાં એ રીતે સમજાવી શકાય કે આજે કમ્પ્યુટર કે લૅપટૉપ સ્ટાર્ટ કર્યા પછી એમાં પડેલા સૉફ્ટવેર અને હાર્ડવેરની મર્યાદા વચ્ચે એ ચાલુ થવામાં એકથી અઢી મિનિટ જેટલો સમય લે છે, પણ સંસ્કૃત સાથેના છઠ્ઠી અને સાતમી જનરેશનના કમ્પ્યુટરને ૪થી ૧૨ સેકન્ડ જેટલો સમય લાગશે. આ માટે ઑલરેડી અત્યારે કામ ચાલી રહ્યું છે અને જેકોઈને શંકા હોય તે સૌકોઈ ગૂગલ કરીને આની ખાતરી પણ કરી શકે છે. સુપરફાસ્ટ કમ્પ્યુટરની જરૂરિયાત ટેક્નિકલ ફીલ્ડમાં જબરદસ્ત રહેતી હોય છે. એન્જિનિયરિંગ અને પ્રોડક્શન ફીલ્ડમાં ધીમા કમ્પ્યુટરની સીધી અસર પ્લાન્ટ પર અને પ્રોડક્શન પર પડતી હોવાથી જેટફાસ્ટ કમ્પ્યુટર બનાવવાની દિશામાં દુનિયા દોડતી થઈ ગઈ છે અને એ દોટમાં તેમને સંસ્કૃત સર્વશ્રેષ્ઠ ભાષા લાગી રહી છે. રિસર્ચ પછી શ્રેષ્ઠ લાગતી એ જ ભાષાને હવે માધ્યમ બનાવવાનું પણ નક્કી કરી લેવામાં આવ્યું છે. જે સમયે સંસ્કૃતના બેઝ સાથે તૈયાર થયેલાં કમ્પ્યુટર માર્કેટમાં આવી જશે એ સમયે એવી પરિસ્થિતિ સર્જાશે કે કમ્પ્યુટર સાથે જોડાનારો આખો વર્ગ સંસ્કૃત શીખવાની દિશામાં દોડશે. તેમણે દોડવું પડશે. જગતનાં એ જેટફાસ્ટ કમ્પ્યુટર ચલાવવાં પડશે અને એના પર કામ કરવું પડશે. ખુદ યુનાઇટેડ નેશન્સે પણ આ જ વાતની ઑફિશ્યલી જાહેરાત કરી છે અને જાહેરાતની સાથે કહ્યું છે કે સંસ્કૃતનો બેઝ જેની પાસે હશે એ આવતા સમયમાં ટેક્નિકલી મહત્ત્વના પુરવાર થઈ જશે. જે ભાષાને વ‌િશ્વની મહાસત્તાઓ સ્વીકારવા રાજી હોય, જે ભાષાની તાકાતને દુનિયાના સુપરસ્ટ્રૉન્ગ દેશ અપનાવવા રાજી હોય એ ભાષાને આપણે અવગણીએ એનાથી મોટી કમનસીબી બીજી કઈ હોય સાહેબ. જરા વિચાર કરો તમે કે સંસ્કૃતની અવગણના આપણને કયા સ્તરે નુકસાનદાયી પુરવાર થઈ શકે છે. એક સમયે આપણે યોગની અવગણના કરતા હતા, આયુર્વેદની અવહેલના કરતા હતા; પણ એ જ આયુર્વેદ અને યોગ વિદેશથી આવ્યા ત્યારે આપણે એને સાષ્ટાંગ દંડવત્ કરતા થઈ ગયા. પૂછો એક વાર જાતને, સંસ્કૃત માટે પણ એવું જ કરીશું આપણે?


Whatsapp-channel Whatsapp-channel

20 September, 2020 05:16 PM IST | Mumbai | Manoj Joshi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK