નહીં રમે અંબેમા ચાચરના ચોકમાં...

Published: 17th October, 2020 09:14 IST | Shailesh Nayak | Mumbai

વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીના ચાચર ચોકમાં પહેલી વાર માઈભક્તો ગરબે નહીં ઘૂમી શકે

નવરાત્રિની આગલી રાતે ગઈ કાલે લાઇટિંગની રોશનીથી ઝળહળી ઊઠેલું વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી મંદિર.
નવરાત્રિની આગલી રાતે ગઈ કાલે લાઇટિંગની રોશનીથી ઝળહળી ઊઠેલું વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજી મંદિર.

કોરોનાની મહામારીએ સમાજજીવનમાં ઘણા બદલાવ લાવી દીધા છે અને એને પગલે ધાર્મિક તહેવારો પર પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું છે ત્યારે વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ અંબાજીમાં આવેલા ચાચર ચોકમાં આ નવરાત્રિમાં પહેલી વાર એવું બનશે કે માઈભક્તો જગદજનની અંબે માતાજીના ગરબે ઘૂમી નહીં શકે. જોકે માઈભક્તો માટે થોડી રાહત એ વાતની છે કે ગાઇડલાઇન મુજબ નવરાત્રિ દરમ્યાન મંદિરમાં દર્શન કરી શકાશે. જોકે બીજી તરફ પહેલી વાર અંબાજી માતાજીના મંદિરને આધુનિક લાઇટોથી શણગાર સજાવ્યા છે જેને પગલે માતાજીનું મંદિર રળિયામણું લાગી રહ્યું છે.
શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના મીડિયા કો-ઑર્ડિનેટર આશિષ રાવલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અંબાજી મંદિરમાં આ વર્ષે નવરાત્રિના ગરબા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઇતિહાસમાં પહેલી વાર એવું બનશે કે અંબાજી માતાના ચાચર ચોકમાં ગરબા નહીં યોજાય. જોકે નવરાત્રિ દરમ્યાન ભાવિકો પોતાના ઘરેથી જ આરતી અને દર્શન કરી શકે એ માટે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઑનલાઇન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પ્રથમ નવરાત્રિથી ૨૫ ઑક્ટોબર દરમ્યાન ટ્રસ્ટની વેબસાઇટ, ફેસબુક, યુટ્યુબ, ટ્વિટર તથા લાઇવ સ્ટ્રીમિંગ સર્વર પરથી સવારે ૭.૩૦થી ૮ અને સાંજે ૬.૩૦થી ૭ વાગ્યા દરમ્યાન આરતી લાઇવ કરવામાં આવશે. ગાઇડલાઇન મુજબ દર્શનાર્થીઓ મંદિરમાં આવીને દર્શન કરી શકશે, પરંતુ આરતી સમયે મંદિરમાં કોઈને એન્ટ્રી અપાશે નહીં.’
આજે સવારે અંબાજી મંદિરમાં સવારે નવરાત્રિ ઘટસ્થાપન કરવામાં આવશે. મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ અને બનાસકાંઠાના જિલ્લા કલેક્ટર આનંદ પટેલ તેમ જ મંદિર ટ્રસ્ટના વહીવટદાર એસ. જે. ચાવડાના માર્ગદર્શનમાં અને ગાયત્રી શક્તિતીર્થ, અંબાજીના સહયોગથી નવરાત્રિના ૯ દિવસ દરમ્યાન વ્યસન મુક્તિ સંકલ્પ અભિયાન યોજાશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK