વક્ત માટે બી. આર. ચોપડાની પહેલી પસંદ પિતા તરીકે પૃથ્વીરાજ કપૂર હતા

Published: 21st February, 2021 15:19 IST | Rajani Mehta | Mumbai

આ ફિલ્મના ત્રણ પુત્રોના રોલ માટે રાજ કપૂર, શમ્મી કપૂર અને શશી કપૂરને લેવા માગતા હતા

સાહિર લુધિયાનવી, યશ ચોપડા અને સંગીતકાર રવિ
સાહિર લુધિયાનવી, યશ ચોપડા અને સંગીતકાર રવિ

સાહિર લુધિયાનવી એક ઊંચા દરજ્જાના શાયર હતા. તેમની અને રવિની જોડીએ સંગીતપ્રેમીઓને અનેક યાદગાર ગીતો આપ્યાં છે; જેવાં કે ‘જિયો તો ઐસે જિયો જૈસે સબ તુમ્હારા હૈ, મરો તો ઐસે જૈસે તુમ્હારા કુછ ભી નહીં’ (બહુ બેટી - મોહમ્મદ રફી), ‘મુઝે ગલે  સે લગા લો, બહુત ઉદાસ હૂં મૈં’ (આજ ઔર કલ – મોહમ્મદ રફી-આશા ભોસલે), ‘ઝિંદગી ઇત્તફાક હૈ, કલ ભી ઇત્તફાક થી, આજ ભી ઇત્તફાક હૈ’ (આદમી ઔર ઇન્સાન – મહેન્દ્ર કપૂર-આશા ભોસલે), ‘આગે ભી જાને ના તુ, પિછે ભી જાને ના તુ, જો ભી હૈ બસ યહી એક પલ હૈ’ (વક્ત - આશા ભોસલે), ‘મિલતી હૈ ઝિંદગી મેં મહોબ્બત કભી કભી’ (આંખેં – લતા મંગેશકર), ‘દૂર રહકર ન કરો બાત, કરીબ આ જાઓ, યાદ રહ જાયેગી યે રાત, કરીબ આ જાઓ’ (અમાનત - મોહમ્મદ રફી), ‘હે રોમ રોમ મેં બસનેવાલે રામ’ (નીલ કમલ – આશા ભોસલે), ‘તુમ્હારી નઝર ક્યું ખફા હો ગઈ, ખતા બક્ષ દો ગર ખફા હો ગઈ’ (દો કલિયાં - મોહમ્મદ રફી-આશા ભોસલે).  

સાહિર લુધિયાનવીને યાદ કરતાં રવિ કહે છે, ‘સાહિર ગજબના શાયર હતા. ફિલ્મોમાં આવ્યા એ પહેલાં મુશાયરા અને કવિ સંમેલનોમાં તેમની ખૂબ ડિમાન્ડ રહેતી. તેમની લખેલી શાયરી અને ગીતોને ત્યાર બાદ ફિલ્મો માટે પસંદ કરવામાં આવ્યાં. ‘ગુમરાહ’નું ગીત ‘ચલો એક બાર ફિર સે અજનબી બન જાએ હમ દોનોં’ તેમના કાવ્યસંગ્રહમાંથી લેવામાં આવ્યું છે. ફિલ્મ ‘કાજલ’ના પ્રોડ્યુસર રામ મહેશ્વરી સાથે અમારું સીટિંગ હતું. તેમણે એક સિચુએશન સમજાવી, જેમાં રાજકુમાર મીનાકુમારીને શરાબ પીવા માટે મજબૂર કરે છે. તેમણે સાહિરને કહ્યું કે બે શેર લખો. એ દરમ્યાન તેમને કંઈક કામ આવ્યું એટલે તેઓ બહાર ગયા. સાહિરે તરત શબ્દો લખ્યા, ‘છૂ લેને દો નાઝુક હોંઠોં કો, કુછ ઔર નહીં હૈ જામ હૈ યે, કુદરતને જો હમકો બક્ષા હૈ, વો સબસે હંસી ઇનામ હૈ યે’ (અને પોતે હાર્મોનિયમ પર ગાવાનું શરૂ કરે છે. એ સાંભળતાં જ મારા કાન ચમક્યા. એ ધૂન હતી ફિલ્મ ‘સાધના’ના એક મશહૂર ગીત (એન. દત્તા – લતા મંગેશકર) ‘ઔરત ને જનમ દિયા મર્દોં કો, મર્દોં ને ઉસે બાઝાર દિયા, જબ જી ચાહા કુચલા મસલા, જબ જી ચાહા ધુત્કાર દિયા’)ની.

મારા ચહેરાના હાવભાવ જોઈને તેઓ બોલ્યા, ‘મુઝે પતા હૈ આપ ક્યા સોચતે હો. યે ધૂન ‘સાધના’ કે ગીત જૈસી હૈ.’ મેં કહ્યું, ‘જી હા,’ તો કહે, મેં સાહિરને કહ્યું, ‘આ ગીતને પ્રોપર ગીત તરીકે (મ્યુઝિશ્યન્સ સાથે) રેકૉર્ડ કરવું જોઈએ. કેવળ તરન્નુમમાં પોએટ્રી રિસાઇટેશન તરીકે સારું નહીં લાગે.’ અમે પ્રોડ્યુસરની રાહ જોતા બેઠા હતા. થોડી વારમાં તેઓ આવ્યા. મેં કહ્યું કે ‘આટલા સુંદર શબ્દો છે તો એને ગીતસ્વરૂપે ફિલ્મમાં મૂકીએ.’ તો કહે, ‘રાજકુમારને ગીત ગાતો બતાવીએ તો સારો નહીં લાગે. આમ પણ કોઈ પ્રોડ્યુસરે તેને ગીત ગવડાવ્યું હોય એવું યાદ નથી.’

‘મેં તેમને સમજાવ્યા અને કહ્યું, ‘જો ટ્યુન સારી હોય તો ગીત કોઈના ઉપર પણ પિક્ચરાઇઝ કરો તોય ફરક ન પડે.’ કમને તેઓ રાજી થયા, પરંતુ એક શરત મૂકી કે કેવળ બે જ શેર લખજો. સાહિરે ૧૦ મિનિટમાં બે શેર લખી નાખ્યા. એ શેર એટલા લાજવાબ હતા કે ફટાફટ મેં એક ધૂન બનાવી. જે દિવસે રેકૉર્ડિંગ હતું એ દિવસે પ્રોડ્યુસર, ‌ડાયરેક્ટર, ડિસ્ટ્રિબ્યુટર્સ ઉપરાંત તેમના અનેક મહેમાનો હાજર હતા. રફીસા’બનો અવાજ અને મીઠી ધૂન સાંભળીને એક-એક શેર પર સૌની વાહવાહી મળી.’

‘ગીત પૂરું થયું અને સૌ તાળીઓ પાડીને અમને અભિનંદન આપે. ડિસ્ટ્રિબ્યુટર્સ રામ મહેશ્વરીને કહે, ‘ઇતના અચ્છા ગાના ઔર સિર્ફ દો હી શેર? એક શેર ઔર ચાહિએ.’ તેઓ પરેશાન થઈ ગયા. તેમણે સાહિરને ફોન કર્યો, પણ તેઓ ઘરે નહોતા. આમ આ ગઝલના બે જ શેર રેકૉર્ડ થયા.’ 

ફિલ્મ ‘કાજલ’ માટે સાહિરે એક ગીત લખ્યું હતું, ‘યે ઝુલ્ફ અગર ખૂલ કે બિખર જાયે તો અચ્છા.’ મને એ ગીત આપ્યું. મેં વાંચીને કહ્યું, ‘મને આ ગઝલ અધૂરી લાગે છે. કોઈ શબ્દ ખૂટતો હોય એવું તમને નથી લાગતું?’ સાહિર કહે, ‘ના ભાઈ ના. બરાબર લખ્યું છે.’ મેં કહ્યું, ‘તમે અચ્છા પર અટકી ગયા છો. ‘અચ્છા હો’ એમ હોવું જોઈએ.’ એમ કહીને મેં એક ગીત યાદ અપાવ્યું (હાર્મોનિયમ પર ફિલ્મ ગીત ગાય છે, ‘ગભરા કે હમ સર કો ટકરાએ તો અચ્છા હો’ [મહલ - ખેમચંદ પ્રકાશ - રાજકુમારી-નક્શબ]. સાહિર કહે, ‘નહીં, નહીં, ‘હો’ લગેગા તો લોગ કહેંગે કિ કૉપી કિયા હૈ. ઐસે હી રહેને દો.’

 ‘હું થોડી ક્ષણ માટે વિચારમાં પડી ગયો. મેં કહ્યું, ‘પર ‘અચ્છા’ પે ટ્યુન ખતમ કૈસે કરુંગા? બહુત મુશ્કિલ કામ હૈ?’ તો કહે, ‘કુછ ભી કરો. યે ઐસે હી રહેગા.’ મારા માટે આ ચૅલેન્જ હતી. ઈશ્વરકૃપાથી એ સરસ ધૂન બની. ‘અચ્છા’ કો અચ્છી તરહ સે નિભાયા. ઇતના હી નહીં, ‘અચ્છા’ તીન સ્ટાઇલ સે ગવાયા. દો સ્ટાઇલ મેરી હૈ ઔર એક સ્ટાઇલ રફીસા’બ કી. રફીસા’બ ખુદ રોમૅન્સ કી એક પરિભાષા હૈ. ગાને કો જીસ અંદાઝ સે પેશ કિયા વો ઉનકે સિવા કોઈ નહીં કર સકતા.’  

મારી ફરમાઇશ પર તેઓ હાર્મોનિયમ પર એ ત્રણ વેરિએશન ગાઈને સંભળાવે છે. મને ખબર છે કે તમે પ્રશ્ન કરશો કે આમાં રફીસા’બનું વેરિએશન કયા અંતરામાં હતું? પર ઇશારોં કો સમઝો, રાઝ કો રાઝ હી રહેને દો. (આ ગીત ધ્યાનથી સાંભળશો તો ખ્યાલ આવી જશે).

સાહિર લુધિયાનવીની વાત નીકળે તો તેમની જીવનકિતાબના ‘અમૃતા’ પ્રકરણનો ઉલ્લેખ કર્યા વિના કેમ ચાલે? એને કારણે તેમની ‍કલમમાંથી એકથી એક ચડિયાતાં ગીતો સંગીતપ્રેમીઓને મળ્યાં છે. અમૃતા પ્રીતમ અને તેમની વચ્ચેની મુલાયમ, પરંતુ નાકામ મોહબ્બતના‍ અનેક કિસ્સા છે. આમ પણ શાયર તેની વેદનાને કલમ દ્વારા અભિવ્યક્તિ આપતો હોય છે. એ વેદનાનાં વાવેતર કરીને ઊછરેલી શાયરી પર દુનિયા વાહ-વાહ કરતી હોય છે. મરીઝ એટલે તો લખે છે...

‘દાદનો આભાર, કિન્તુ એક શિકાયત છે મને

મારા દિલની વાતને તમે શાયરી સમજી લીધી.’  

અમૃતા પ્રીતમના પ્રેમમાં ગળાડૂબ ડૂબેલા સાહિર તેની સાથે લગ્ન કરવા ઉત્સુક હતા, પરંતુ તેમની માતાને અમૃતા હિન્દુ છે એ વાતનો સખત વાંધો હતો. સાહિરનો માતૃપ્રેમ જીત્યો અને બન્ને છૂટા પડ્યાં. વિરહની પીડામાં એક અદ્ભુત ગીતે જન્મ લીધો...

‘વો અફસાના જિસે અંજામ તક લાના ન હો મુમકિન,

ઉસે એક ખૂબસૂરત મોડ દેકર છોડના અચ્છા,

ચલો એક બાર ફિર સે અજનબી બન જાયે હમ દોનોં..’ 

અમૃતા પ્રીતમની આત્મકથા ‘રેવન્યુ સ્ટૅમ્પ’ (રસીદી ટિકિટ)માં સાહિર સાથેના પ્રેમસંબંધનો ખુલ્લેઆમ એકરાર કરતાં લેખિકાએ અનેક પ્રસંગો શૅર કર્યા છે. પોતે વિવાહિત હોવા છતાં આમ કરવામાં તેઓ કોઈ છોછ નહોતાં અનુભવતાં. એક દિવસ તેમનો પુત્ર સ્કૂલમાંથી ઉદાસ થઈને આવ્યો. અમૃતા પ્રીતમે કારણ પૂછ્યું તો કહે, ‘સ્કૂલમાં મારા સાથીદારો હંમેશાં મને ચીડવે છે કે તું સાહિરનો દીકરો છે. આજે મને સાચો જવાબ આપજે. હું સાચે જ સાહિરઅંકલનો દીકરો છું? અમૃતાનો જવાબ હતો, ‘બેટા, કાશ યે બાત સચ હોતી.’

અમૃતા પ્રીતમના જીવનમાં એકથી વધુ પુરુષો આવ્યા, પરંતુ પહેલાં સાહિર અને ત્યાર બાદ ઇમરોઝ (જે એક પેઇન્ટર  હતા)નું સ્થાન કોઈ ન લઈ શક્યું. અમૃતા માનતાં કે પ્રેમની અનુભૂતિ બે રીતે થઈ શકે; એક ગગન જેવો હોય, જે તમને મોકળું મેદાન આપે અને બીજો એક છત્રછાયા જેવો જે તમને સલામતી મહેસૂસ કરાવે. આ બન્નેનો અહેસાસ કદાચ એક વ્યક્તિ ન કરાવી શકે. સાહિર અને ઇમરોઝમાં સમયાંતરે તેમણે બન્ને અંતિમોનો અહેસાસ કર્યો હશે એમ માનવું અસ્થાને નહીં ગણાય.

ફરી પાછા સાહિર લુધિયાનવી અને રવિની જુગલબંધીનું અનુસંધાન કરીએ. વર્ષોથી ચોપડા ફિલ્મ્સના રેગ્યુલર સંગીતકાર અને ગીતકાર હતા એન. દત્તા અને સાહિર. ‘ગુમરાહ’ માટે એન. દત્તા (દત્તા નાલવડે) નક્કી હતા, પરંતુ તેમને હાર્ટ-અટૅક આવ્યો એટલે તેમની જગ્યાએ રવિ આવ્યા. ત્યાર બાદ મહેન્દ્ર કપૂરની જેમ રવિ પણ ચોપડાની  ફિલ્મોના પર્મનન્ટ મ્યુઝિક-ડાયરેક્ટર બની ગયા.

જ્યારે મલ્ટિસ્ટાર કાસ્ટવાળી ફિલ્મ ‘વક્ત’નું આયોજન થયું ત્યારે એક મજાની વાત બની. ત્રણ ભાઈઓના સબ્જેક્ટની આ બિગ બજેટ ફિલ્મ માટે બી. આર. ચોપડાએ સંગીતકાર તરીકે શંકર-જયકિશનને વાત કરી. તેમણે કહ્યું કે ગીતકાર તરીકે શૈલેન્દ્ર અને હસરત જયપુરી હોય તો અમે કામ કરીશું. બી. આર. ચોપડા સાહિરને છોડવાના મૂડમાં નહોતા. તેમનું માનવું હતું કે સાહિર જેવો બીજો કોઈ શાયર નથી, એટલે વાત આગળ ન વધી અને રવિને સંગીતની જવાબદારી સોંપી. પહેલાં ફિલ્મના ત્રણ હીરો માટે તેમણે રાજ કપૂર, શમ્મી કપૂર અને શશી કપૂર સાથે પિતાના રોલ માટે પૃથ્વીરાજ કપૂરનો સંપર્ક કર્યો. તેમને લાગ્યું કે જો આવું થાય તો હિન્દી ફિલ્મોના ઇતિહાસમાં ડંકો વાગી જાય. બન્યું એવું કે કપૂર ખાનદાને આ ‘પૅકેજ ડીલ’ માટે તેમની પાસેથી જે રકમની માગણી કરી એ પૂરી ફિલ્મના બજેટ કરતાં મોટી હતી. છેવટે પિતા તરીકે બલરાજ સાહની અને ત્રણ પુત્રોના રોલમાં સુનીલ દત્ત, રાજકુમાર અને શશી કપૂર નક્કી થયા.

મને એ વાતનું કુતૂહલ છે કે જો કપૂર ખાનદાન આ ફિલ્મમાં હોત તો પૃથ્વીરાજ ‘ઓ મેરી ઝોહરા ઝબીં’ ગાતા હોત એ દૃશ્ય કેવું લાગત? ડ્રામૅટિક સીનમાં   ‘શેખુઉ...’ બોલે ત્યારે ત્રણ પુત્રમાંથી કોણ દોડતું આવત? રાજ કપૂર ચાર્લી ચૅપ્લિનની અદામાં ‘જાની, જિનકે ઘર શીશે કે હોતે હૈં, વો દૂસરોં પે પથ્થર નહીં ફેંકતે જી’ કહીને કેટલો ભોળો  ચહેરો બનાવત? અને શમ્મી કપૂરને વકીલ તરીકે અદાલતમાં સીધા ઊભા રહેવામાં કેટલી તકલીફ પડી હોત? કોઈ સ્ટૅન્ડ-અપ કૉમેડિયને આ આઇટમ કરવા જેવી છે.  

બી. આર. ચોપડાને યાદ કરતાં રવિ કહે છે. ‘તેમને પોતાના બૅનર માટે ખૂબ ગર્વ હતો. વાત સાચી હતી. તેમની દરેક ફિલ્મમાં એક સોશ્યલ મેસેજ હતો. તેઓ માનતા કે ચોપડા ફિલ્મ્સ સમાજની સમસ્યાને સાંકળી લઈને ફિલ્મો બનાવે છે એટલે એમાં મોટા સ્ટાર્સ કે મોટા સંગીતકારની જરૂર નથી. બસ  સાહિર જેવા એક કાબેલ શાયર હોય એ જ પૂરતું છે. જોકે અમુક વખતે તેઓ ભાવાવેશમાં આવીને નિર્ણય લેતા. ફિલ્મ ‘વક્ત’ના  એક ગીત (‘વક્ત સે દિન ઔર રાત, વક્ત સે કલ ઔર આજ, વક્ત કી હર શય ગુલામ, વક્ત કા હર શય પર રાજ’) માટે તેમનો આગ્રહ મહેન્દ્ર કપૂર માટે હતો. મેં કહ્યું, ‘આ ગીતને રફીસા’બ સિવાય કોઈ ન્યાય ન આપી શકે.’ એટલું કહેવું પડે કે છેવટે તેમણે મારી વાત માની. સંગીતકાર રવિના બીજા ગીતકારો અને ગાયક કલાકારો સાથેનાં સ્મરણ આવતા રવિવારે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK