પ્રવાસીઓના વિરોધને પગલે રેલવેએ ટ્રેનના ટાઇમટેબલ બદલવાનો નિર્ણય પાછો ખેંચ્યો

Published: 3rd December, 2020 10:07 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

રેલવેના ટાઇમટેબલમાં ફેરફારના નિર્ણયનો પાલઘર, કેળવે, સફાલે સ્ટેશને પ્રવાસીઓએ વિરોધ કરતાં નમતું જોખ્યું

પાલઘર, કેળવે, સફાલે સ્ટેશનો પર ગઈ કાલે સવારે રેલ-રોકો આંદોલન કરાયું હતું
પાલઘર, કેળવે, સફાલે સ્ટેશનો પર ગઈ કાલે સવારે રેલ-રોકો આંદોલન કરાયું હતું

વેસ્ટર્ન રેલવેના પાલઘર, કેળવે, સફાલે રેલવે સ્ટેશનો પર ટ્રેનોના સમય પરિવર્તનને લઈને પ્રવાસીઓ દ્વારા ગઈ કાલે વહેલી સવારે રેલ-રોકો આંદોલન કરીને વિરોધ દાખવવામાં આવ્યો હતો. આ પ્રદર્શન બાદ ગઈ કાલે તાત્કાલિક ધોરણે બેઠક લઈને વેસ્ટર્ન રેલવે દ્વારા દહાણુ-ચર્ચગેટ લોકલના સમય પરિવર્તનના પ્રસ્તાવને હાલપૂરતો રદ કરવાનો નિર્ણય લેવાયો છે. એ અનુસાર વેસ્ટર્ન રેલવેની દહાણુ સ્પેશિયલ લોકલનો સમય જૂના સમય પ્રમાણે જ રાખવામાં આવ્યો છે. જોકે રેલવે પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓ સામે એફઆઇઆર નોંધવામાં આવ્યો છે.

ગઈ કાલે સવારે સવા પાંચ વાગ્યાની આસપાસ પાલઘર, કેલવે રોડ, સફાલે રેલવે સ્ટેશનો પર મોટી સંખ્યામાં રોષે ભરાયેલા પ્રવાસીઓ (જેમાં અતિઆવશ્યક સેવાના કર્મચારીઓનો સમાવેશ) રેલવે ટ્રેક પર રેલરોકો આંદોલન કરતાં જોવા મળ્યા હતા. ૩ ડિસેમ્બરથી દહાણુ સબર્બન ટ્રેન સર્વિસના ટાઇમટેબલમાં પરિવર્તનની અમલબજાવણી થવાની હતી. એનો વિરોધ દાખવવા રેલવે પ્રવાસીઓ ટ્રેક પર પ્રદર્શન કરી રહ્યા હોવાથી અપ અને ડાઉન ટ્રાફિક સર્વિસ પર અસર થઈ હતી. લાંબા સમય બાદ આરપીએફ અને વેસ્ટર્ન રેલવેના સ્ટાફ દ્વારા પ્રદર્શનકારીઓને શાંત પાડીને ટ્રેક ખાલી કરવા સમજાવવામાં આવ્યું હતું.

હાલમાં ટ્રેનમાં અતિઆવશ્યક સેવા આપનારા કર્મચારીઓ જેવા કે પાલિકાની નર્સ, વૉર્ડબોય, ટેક્નિશિયન, પોલીસ, મંત્રાલયના કર્મચારીઓ, ફાર્માસિસ્ટ, મેડિકો, બીએમસી સ્ટાફ વગેરે પ્રવાસ કરી રહ્યા છે. પરંતુ લોકલના સમય બદલાવના કારણે અતિઆવશ્યક સેવા આપનારો સ્ટાફ તેમના કામ પર મોડેથી પહોંચી શકે એમ હતું. 

વેસ્ટર્ન રેલવેના પ્રવક્તા સુમિત ઠાકુરના જણાવ્યા પ્રમાણે ‘વેસ્ટર્ન રેલવે દ્વારા ૩ ડિસેમ્બરથી દહાણુ-ચર્ચગેટ અપ-ડાઉન વિભાગની ચાર લોકલના સમયને પુનર્સ્થાપિત કરવાનો હતો, પરંતુ આગળની સૂચના સુધી રદ કરવામાં આવી છે. આ સર્વિસ લૉકડાઉ‌નમાં શરૂ કરાઈ હતી.’

જ્યારે કે પાલઘરની રેલવે સંસ્થા સહિત અતિઆવશ્યક સેવા સાથે જોડાયેલી શતાબ્દી હૉસ્પિટલની એક નર્સ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે ‘વેસ્ટર્ન રેલવે દ્વારા જૂના સમય પ્રમાણે જ લોકલ દોડાવવી જોઈએ. હું સવારે સાડા છ વાગ્યે કામે પહોંચી જાવ છું એટલે નાઇટ ડ્યુટી કરતો સ્ટાફ જઈ શકે છે. પરંતુ સમયના બદલાવના કારણે હું મોડી પહોંચી શકું એમ હતું અને એના કારણે નાઇટ ડ્યુટીના સ્ટાફને ત્યાં રહેવું પડે.’

પાલઘર જીઆરપી દ્વારા અજ્ઞાત પ્રદર્શનકારીઓ સામે એફઆઇઆર નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા મળેલી માહિતી મુજબ રેલવે સ્ટેશનના પ્રદર્શનકર્તાઓના વિડિયો ક્લિપની તપાસ કરીને તેમની ધરપકડ કરવામાં આવશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK