આરોપી એમએલએને ગેરકાયદે મદદ કરવા બદલ સબ-ઇન્સ્પેક્ટર સહિત પાંચ પોલીસ સસ્પેન્ડ

Published: Oct 21, 2019, 13:13 IST | મુંબઈ

એનસીપીના વિધાનસભ્ય રમેશ કદમને હૉસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ બાદ તેમના ઓળખીતાના ઘરે લઈ જવાયા હતા : કૅશ ૫૩.૪૬ લાખ રૂપિયા જપ્ત થયેલા : જેલમાં હોવા છતાં મોહોળ વિધાનસભા બેઠક પર અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે

જેલમાં સજા કાપી રહેલા વિધાનસભ્ય રમેશ કદમ પોલીસ સાથે.
જેલમાં સજા કાપી રહેલા વિધાનસભ્ય રમેશ કદમ પોલીસ સાથે.

મુંબઈ : (મિડ-ડે પ્રતિનિધિ) અણ્ણાભાઉ સાઠે ડેવલપમેન્ટ કૉર્પોરેશન કૌભાંડ મામલામાં થાણે જેલમાં બંધ એનસીપીના વિધાનસભ્ય રમેશ કદમને જેલમાંથી બહાર કાઢવાના કેસમાં સબ-ઇન્સ્પેક્ટર રોહિદાસ પવાર અને ચાર પોલીસ કૉન્સ્ટેબલોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી થાણેના પોલીસ-કમિશનરે કરી હતી.

ત્રણ દિવસ પહેલાં થાણેમાં ઘોડબંદર રોડ પર કાસારવડવલી ખાતે વાઘબીળ નજીકની પુષ્પાંજલિ સોસાયટીના એક ઘરમાંથી અંદાજે ૫૩ લાખ ૪૬ હજાર રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી. પોલીસની આ કાર્યવાહી સમયે જેલમાં બંધ વિધાનસભ્ય રમેશ કદમ પણ મળી આવતાં સૌ ચોંકી ઊઠ્યા હતા. રમેશ કદમને જેલમાંથી બહાર કાઢીને ગેરકાયદે રીતે ખાનગી સોસાયટીમાં લઈ જવાના કેસમાં આ પાંચ પોલીસોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
વિધાનસભ્ય રમેશ કદમને જેજે હૉસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ કરાવવા માટે થાણેની જેલમાંથી બહાર લઈ જવાયા હતા. જોકે ટેસ્ટ બાદ જેલમાં લાવવાને બદલે પોલીસ એસ્કોર્ટ પાર્ટી અધિકારી અને કર્મચારીઓ તેમને તેમના એક ઓળખીતાના ઘરે લઈ ગયા હતા. એ જ સમયે થાણે ક્રાઇમ બ્રાન્ચની ટીમ નીતિન ઠાકરેની આગેવાની હેઠળ ત્રાટકી હતી એથી રમેશ કદમ રોકડ રૂપિયા સાથે મળી આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૪માં વિધાનસભાની ચૂંટણીમાં એનસીપીની ટિકિટ પર ચૂંટાઈ આવેલા રમેશ કદમ આ વખતે જેલમાં બંધ હોવા છતાં સોલાપુર જિલ્લાની મોહોળ વિધાનસભા બેઠક પર અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK