Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ઘાટકોપરમાં વધુ પાંચ કમ્યુનિટી ક્લિનિક શરૂ કરવાની તૈયારી

ઘાટકોપરમાં વધુ પાંચ કમ્યુનિટી ક્લિનિક શરૂ કરવાની તૈયારી

04 April, 2020 08:33 AM IST | Mumbai Desk
Jaydeep Ganatra

ઘાટકોપરમાં વધુ પાંચ કમ્યુનિટી ક્લિનિક શરૂ કરવાની તૈયારી

ઘાટકોપરમાં પહેલું કૉમ્યુનિટી ક્લિનિક શરૂ કરવામાં આવ્યું તેની તસવીર (ફાઇલ ફોટો)

ઘાટકોપરમાં પહેલું કૉમ્યુનિટી ક્લિનિક શરૂ કરવામાં આવ્યું તેની તસવીર (ફાઇલ ફોટો)


ઘાટકોપરમાં કોઈ પણ જાતિ કે ધર્મના લોકો મફતમાં સારવાર લઈ શકે એ માટે કોરોના વાઇરસના ભય વચ્ચે શહેરમાં સૌપ્રથમ ઘાટકોપર ઈસ્ટના રમાબાઈ આંબેડકરનગરમાં કમ્યુનિટી ક્લિનિક શરૂ કરવામાં આવ્યું હતું. મિડ-ડેના અહેવાલ બાદ ઘાટકોપર એન વૉર્ડના અધિકારીએ ક્લિનિક શરૂ કરવાની પહેલને બિરદાવી હતી અને પાલિકા પણ ક્લિનિકને બનતી મદદ કરશે એવું કહ્યું હતું.

ઘાટકોપરના રમાબાઈનગર વિસ્તારમાં કમ્યુનિટી સેન્ટર ખુલ્લું મુકાયું હોવાનો અહેવાલ મિડ-ડેમાં પ્રગટ થયા બાદ ઘાટકોપરના અનેક ડૉક્ટરો પણ આ સેવા આપવા માટે આગળ આવ્યા હતા. રમાબાઈનગર જેવાં જ ઘાટકોપરમાં અન્ય પાંચ ક્લિનિક શરૂ કરવાની વિચારણા ચાલી રહી છે. આ માટે રાજકીય નેતાઓ પણ ડૉક્ટરોને સાથ આપવા માટે આગળ આવ્યા છે. વિપુલ જોશીએ કહ્યું હતું કે અમે રમાબાઈનગરમાં દસથી બાર ડૉક્ટરની ટીમ વારાફરતી સેવા આપી રહી છે. ઘાટકોપર ઈસ્ટના પંતનગર વિસ્તારમાં અમે સમાજમંદિર હૉલમાં તેમ જ ઘાટકોપર વેસ્ટમાં પણ ચાર ક્લિનિક શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ. ઈસ્ટમાં ડૉ. હૃષીકેશ અને વેસ્ટમાં દીપક બેદ અમને સહકાર આપશે એવું કહ્યું હતું.



કોરોના વાઇરસ અને ત્યાર બાદ લૉકડાઉનને કારણે શહેરના ડૉક્ટરોએ તેમનાં દવાખાનાં બંધ કરી દેવાની હાલત ઊભી થઈ હતી ત્યારે ઘાટકોપર મેડિકલ અસોસિએશન દ્વારા ક્લિનિક ખોલવાની પહેલ સફળતાનું પહેલું કદમ દેખાઈ રહ્યું છે. કોરોનાના ભયને કારણે નહીં, પોતાના દવાખાનાનો વિસ્તાર નાનો હોવાથી અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અશક્ય હોવાથી શહેરની ગલીઓમાંનાં દવાખાનાં બંધ થઈ ગયાં છે. એને જોતાં ઘાટકોપર મેડિકલ અસોસિએશન અને શહીદ સ્મારક સમિતિએ ક્લિનિક શરૂ કરવાનું નક્કી કર્યું હતું. ગુરુવારથી જ શરૂ કરવામાં આવેલા ક્લિનિકમાં પ્રથમ દિવસે દરદીઓની સંખ્યા ઓછી હતી, પણ મિડ-ડેમાં અહેવાલ આવ્યા બાદ બીજે દિવસે દરદીઓની મોટી લાઇન લાગી હતી. જોકે દરદીઓએ સોશ્યલ ડિસ્ટન્સિંગનું ધ્યાન રાખ્યું હતું.


આ અંગે માહિતી આપતાં ઘાટકોપર મેડિકલ અસોસિએશનના પ્રમુખ વિપુલ જોશીએ મિડ-ડેને કહ્યું હતું કે આ ક્લિનિક શરૂ કરવા માટે શહીદ સ્મારક સમિતિએ અમને ઘણો સાથ આપ્યો હતો. સમિતિ દ્વારા અમને ગઈ કાલે વીસ હજાર રૂપિયાની દવા પણ મફતમાં આપવામાં આવી હતી. શહીદ સ્મારક હૉલમાં ગુરુવારથી અમે ક્લિનિક શરૂ કર્યું ત્યારે માત્ર ૭૦ દરદીઓ આવ્યા હતા. બીજે દિવસે દરદીઓની સંખ્યા ત્રણગણાથી પણ વધુ થઈ ગઈ હતી. આ ક્લિનિક શરૂ કરવા માટે અમારે પોલીસ અને પાલિકામાં અનેક ધક્કા ખાવા પડ્યા હતા, પણ મિડ-ડેના અહેવાલ બાદ અમને વૉર્ડ અધિકારી અજિતકુમાર અંબીએ સામેથી જ બોલાવ્યા હતા અને બનતી મદદ કરવા માટે આગળ આવ્યા હતા. તેઓ પાલિકાની શાળા તેમ જ અન્ય જગ્યા પણ આપવા માટે તૈયાર થયા હતા. પહેલાં પાલિકામાં ક્લિનિક શરૂ કરવા માટે અડધા કલાકની રાહ જોવી પડી હતી, પણ આજે જ્યારે અમે વધુ ક્લિનિક કરવાનું વિચારી રહ્યા છીએ ત્યારે અધિકારીએ સામેથી જ કહ્યું હતું કે પહેલાં ક્લિનિક શરૂ કરો, પછી દસ્તાવેજોને જોઈશુ. થૅન્ક યુ મિડ-ડે.


Whatsapp-channel Whatsapp-channel

04 April, 2020 08:33 AM IST | Mumbai Desk | Jaydeep Ganatra

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK