પાંચ ગર્લફ્રેન્ડ, દસ મોબાઇલ

Published: 31st October, 2020 10:59 IST | Mumbai correspondent | Mumbai

કલ્યાણ પોલીસે યુવતીઓને ફેરવવા માટે મોબાઇલ ચોરવાના આરોપસર યુવકની ધરપકડ કરી

મોજમજા કરવા મોબાઇલ તફડાવનારો નિખિલ ઠાકરે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.
મોજમજા કરવા મોબાઇલ તફડાવનારો નિખિલ ઠાકરે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો.

‘પ્યાર કે લિએ કુછ ભી કરેગા’ સૂત્રને કલ્યાણના એક યુવકે જીવનમાં બરાબર ઉતાર્યું છે. એક-બે નહીં, પાંચ-પાંચ ગર્લફ્રેન્ડને ફેરવવા માટે ૧૦ મોબાઇલ ચોરવાના આરોપસર કલ્યાણના મહાત્મા ફુલે પોલીસે એક યુવકની ધરપકડ કરીને તેની પાસેથી ચોરીના મોબાઇલ જપ્ત કર્યા હતા.
છેલ્લા કેટલાક સમયથી કલ્યાણ-ડોમ્બિવલીમાં મોબાઇલચોરીની ઘટનામાં વધારો થતાં અહીંના પોલીસ-ડિપાર્ટમેન્ટને અપરાધીઓ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ અપાયો હતો. તાજેતરમાં કલ્યાણમાં એક મહિલાનો મોબાઇલ ચોરાયાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે સીસીટીવી કૅમેરાનાં ફુટેજના આધારે તપાસ કરીને ડોમ્બિવલીના પડઘા વિસ્તારમાં રહેતા નિખિલ ઠાકરે નામના યુવકની ધરપકડ કરી હતી. તપાસમાં તેની પાસેથી ચોરીના ૧૦ મોબાઇલ મળી આવ્યા હતા.
મહાત્મા ફુલે પોલીસ-સ્ટેશનના તપાસ અધિકારી પ્રકાશ પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મોબાઇલચોરીની મહિલાની ફરિયાદ મળ્યા બાદ અમે ઘટનાસ્થળના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ ચકાસતાં એક યુવક બાઇક પર જઈ રહ્યો હોવાનું જણાયું હતું. બાઇકના નંબર મેળવીને અમે આરોપી સુધી પહોંચ્યા હતા. નિખિલ ઠાકરે નામના આરોપીની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેને પાંચ ગર્લફ્રેન્ડ છે, જેને ફેરવવા માટે તેની પાસે રૂપિયા ન હોવાથી તે મોબાઇલ તફડાવતો હતો. આરોપીએ ગુનો કબૂલ્યો છે અને તેની પાસેથી ચોરીના ૧૦ મોબાઇલ મળી આવ્યા છે. કોર્ટે તેને ૧ નવેમ્બર સુધીની પોલીસ-કસ્ટડીમાં રાખવાનો આદેશ આપ્યો હોવાથી અમે તેણે કયા વિસ્તારમાંથી કેટલા મોબાઇલ ચોર્યા છે એની તપાસ હાથ ધરી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK