Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > પહેલું ગુજરાતી અખબાર અને સામયિક શરૂ થયેલાં મુંબઈમાં

પહેલું ગુજરાતી અખબાર અને સામયિક શરૂ થયેલાં મુંબઈમાં

12 December, 2020 06:18 PM IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

પહેલું ગુજરાતી અખબાર અને સામયિક શરૂ થયેલાં મુંબઈમાં

મુંબઈ ઇલાકાનું પહેલવહેલું અખબાર ‘ધ બૉમ્બે ગૅઝેટ’

મુંબઈ ઇલાકાનું પહેલવહેલું અખબાર ‘ધ બૉમ્બે ગૅઝેટ’


૧૮૧૨માં શરૂ કરેલું છાપખાનું દસ વરસમાં તો આખા મુંબઈ શહેરમાં જાણીતું થઈ ગયું હતું અને ધમધોકાર ચાલતું હતું, પણ ફરદુનજી શેઠનો જીવ બેચેન. હવે નવું શું કરવું? અને પારસીઓ કહે એમ ફરદુનજીના ભેજામાં એક નવો કીડો ચવડી આયો, ગુજરાતી છાપું કાઢવાનો. આપણા દેશમાં અખબારની શરૂઆત બંગાળથી થઈ. ૧૭૮૦ના જાન્યુઆરીની ૨૯મી તારીખે શરૂ થયેલું ‘બેન્ગાલ ગૅઝેટ’ એ આપણા દેશનું પહેલવહેલું અખબાર. એમાંથી પ્રેરણા લઈને ૧૭૮૫ના ઑક્ટોબરની ૧૨મી તારીખે મદ્રાસ (આજનું ચેન્નઈ)થી શરૂ થયું ‘મદ્રાસ કુરિયર’. મુંબઈનો નંબર ત્રીજો. ૧૭૮૯માં શરૂ થયું ‘બૉમ્બે હેરલ્ડ.’ ૨૦મી સદીના બીજા દાયકા સુધી એ ચાલતું હતું. આ અખબારના બધા સ્થાપકો અંગ્રેજ હતા. એમાં એક બાજુથી પત્રકાર અને બ્રિટિશ પાર્લમેન્ટના સભ્ય જેમ્સ મેકેન્ઝી મેક્લીનનો સમાવેશ થતો હતો તો બીજી બાજુથી બૉમ્બે હાઈ કોર્ટના જસ્ટિસ ફ્રૅન્ક બિમન (પછીથી સર બિમન)નો પણ સમાવેશ થતો હતો. કોઈ પણ અદાલતના કોઈ પણ ન્યાયાધીશ આવી કોઈ જાહેર પ્રવૃત્તિ સાથે જોડાય એવી આજે તો કલ્પના પણ ન થઈ શકે, પણ એ જમાનામાં એવો બાધ નહોતો. ૧૭૯૧માં એનું નામ બદલાયું. નવું નામ ‘બૉમ્બે ગૅઝેટ.’ ૧૯૧૧માં સર ફિરોઝશાહ મહેતા અને બેન્જામિન હૉર્નિમેને આ છાપું ખરીદવાનો પ્રયત્ન કરેલો પણ સર ફ્રૅન્ક બિમને એ પ્રયત્ન નિષ્ફળ બનાવ્યો. એટલે પછી એ બન્નેએ ૧૯૧૩માં ‘બૉમ્બે ક્રૉનિકલ’ શરૂ કર્યું.

અંગ્રેજી અખબારો જોઈને ‘દેશી’ ભાષાઓમાં પણ અખબાર નીકળવા લાગ્યાં. ૧૮૧૮માં સિરામપુરથી શરૂ થયેલું બંગાળી ભાષાનું ‘સમાચાર દર્પણ’ એ ‘દેશી’ ભાષાઓમાં પહેલવહેલું છાપું. તે પછી ઉર્દૂ, હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ વગેરે ભાષાઓમાં અખબાર પ્રગટ થયાં. ૧૮૨૨ના જુલાઈની પહેલી તારીખથી ફરદુનજીએ શરૂ કર્યું ‘શ્રી મુમબઈનાં શમાચાર.’ ગુજરાતી ભાષાનું એ પહેલવહેલું અખબાર. એ પછી છેક દસ વરસે મરાઠી ભાષાનું પહેલું અખબાર ‘દર્પણ’ મુંબઈથી શરૂ થયું. પણ આમ થવાનું કારણ શુ? પહેલું કારણ એ કે એ વખતે મુંબઈમાં મરાઠી કરતાં ગુજરાતી છાપકામ માટેની સગવડો વધુ હતી. એ ક્ષેત્રે પારસીઓએ પહેલ કરેલી એટલું જ નહીં, પછીનાં વારસોમાં છાપકામનો સારોએવો વિકાસ કર્યો હતો. બીજું કારણ એ કે એ વખતે પણ મુંબઈમાં સારાએવા પ્રમાણમાં ગુજરાતી વેપારીઓ હતા જે વાંચી-લખી શકતા હતા. તેમને દેશના અને દેશાવરોના વેપાર વિશેના સમાચારો જાણવામાં રસ હતો. આથી જ ૧૯મી સદીનાં બધાં ગુજરાતી છાપાંમાં વેપાર-ધંધા વિશેના સમાચારોને ખાસ મહત્ત્વ અપાતું. ૧૯મી સદીમાં શરૂ થયેલાં લગભગ બધાં ગુજરાતી છાપાં અંગ્રેજીમાં મજકૂર ભાગ્યે જ છાપતાં. જ્યારે ૧૮૩૨માં  બાળશાસ્ત્રી જાંભેકરે શરૂ કરેલું ‘દર્પણ’ દ્વિભાષી હતું. એમાં મજકૂર બે કૉલમમાં સામસામે અંગ્રેજી અને મરાઠીમાં છપાતો. એનો પહેલો અંક ૧૮૩૨ના જાન્યુઆરીની છઠ્ઠી તારીખે પ્રગટ થયો. અને એ છપાયો ક્યાં હતો, ખબર છે? કાવસજી નામના ગુજરાતીના કાલબાદેવી રોડ પર આવેલા ‘મેસેન્જર પ્રેસ’માં! એ પછી પણ એ ‘બૉમ્બે કુરિયર’ પ્રેસમાં છપાતું હતું.



બાળશાસ્ત્રી જાંભેકરનો જન્મ ૧૮૧૨માં. માત્ર ૩૪ વરસની ઉંમરે ૧૮૪૬ના મે મહિનાની ૧૭મી તારીખે અવસાન. જન્મ રત્નાગિરિ જિલ્લાના એક ગામડામાં. મુંબઈ આવીને અંગ્રેજી, સંસ્કૃત અને બીજી ભાષાઓ શીખ્યા. તેઓ મરાઠી ઉપરાંત સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, કન્નડ, બંગાળી, ગ્રીક, લેટિન, અંગ્રેજી, અને ફ્રેન્ચ જેવી ભાષા જાણતા હતા. એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટ શરૂ થઈ ત્યારે એના બધા અધ્યાપકો અંગ્રેજ હતા, પણ તેમને મદદ કરવા માટે મરાઠી-ગુજરાતી અસિસ્ટન્ટ પ્રોફેસરોની નિમણૂક થઈ હતી. જાંભેકર પહેલા મરાઠી અસિસ્ટન્ટ પ્રોફેસર. મરાઠી ભાષાનું પહેલવહેલું સામયિક ‘દિગ્દર્શન’ પણ તેમણે જ ૧૮૪૦માં શરૂ કર્યું હતું. એ વખતે પશ્ચિમ ભારતમાં ચાલી રહેલી સમાજ સુધારાની ચળવળના તેઓ સમર્થ ટેકેદાર હતા. બાળશાસ્ત્રીની જન્મતારીખ તો કોઈને ખબર નથી, પણ ‘દર્પણ’ પત્ર તેમણે છઠ્ઠી જાન્યુઆરીએ શરૂ કરેલું એટલે છેલ્લાં ઘણાં વર્ષોથી મહારાષ્ટ્ર સરકાર એ દિવસને ‘મરાઠી પત્રકારિત્વ દિવસ’ તરીકે ઊજવે છે.


એ જમાનાના મુંબઈની આજે તો કલ્પના કરવાનું પણ મુશ્કેલ છે. એ વખતે લોકલ ટ્રેન, બસ, મોટર કે ટ્રામ જેવાં વાહનો નહોતાં. નહોતી તાર, ટપાલ કે ટેલિફોનની સગવડ. હજી ઇલેક્ટ્રિસિટી જ આવી નહોતી એટલે વીજળીથી ચાલતાં કોઈ યંત્રો નહોતાં. રસ્તાઓ ધૂળિયા અને સાંકડા હતા. નહોતી યુનિવર્સિટી કે નહોતી કૉલેજો. આજે તો જોતજોતામાં હજારો નકલ છપાઈ જાય એવાં યંત્રો આપણાં છાપાં વાપરે છે, પણ એ વખતે તો છાપવા માટે હાથ વડે ચલાવવાનું લાકડાનું દાબ-યંત્ર વપરાતું. એક-એક પાનાની એક-એક નકલ હાથ વડે છાપવી પડતી. દરેક નકલ છાપતાં પહેલાં બ્રશ વડે ટાઇપના બાંધેલા પાના પર શાહી લગાડવાની. પછી સંભાળીને એના પર કાગળ મૂકવાનો. પછી લાકડાનો દાબ – પ્રેસ કાગળ પર ફેરવવાનો. છાપખાના માટે અંગ્રેજીમાં ‘પ્રિન્ટિંગ પ્રેસ’ શબ્દ વપરાય છે એના મૂળમાં આ લાકડાનો દાબ પ્રેસ રહેલો છે. આજે વપરાય છે એવી તાબડતોબ સુકાઈ જતી શાહી ત્યારે નહોતી. એટલે એક બાજુ છાપેલા કાગળ પરની શાહી પૂરેપૂરી સુકાઈ જાય પછી એની બીજી બાજુ પર છાપી શકાતું. આપણા દેશનો ઇતિહાસ ઘણો લાંબો છે, પણ કદાચ એટલે જ ઇતિહાસની ઉપેક્ષા આપણા સ્વભાવમાં વણાઈ ગઈ છે. એટલે એ જમાનામાં વપરાતા દાબ-પ્રેસ તો આપણે ક્યાંથી સાચવ્યા હોય? પણ જર્મનીમાં આવેલા મુદ્રણ વિશેના ગટેનબર્ગ મ્યુઝિયમમાં ૧૯મી સદીના આરંભે વપરાતા યંત્રના નમૂના જોવા મળે છે એવું જ કોઈ યંત્ર એ વખતે વપરાતું હશે.

એક ૧૫-૧૬ વરસની ઉંમરનો છોકરડો. નામ હતું નવરોજજી દોરાબજી ચાનદારૂ. છોકરો હતો હોંશીલો અને હોશિયાર. પહેલાં ફરદુનજી પાસેથી કામ શીખ્યો. થોડો વખત બૉમ્બે ગૅઝેટ છાપખાનામાં કામ કરી અંગ્રેજીનો અનુભવ લીધો. પછી ૧૮૩૦માં પોતાનું છાપખાનું શરૂ કર્યું. અને એ જ વરસના સપ્ટેમ્બરની પહેલીથી પોતાનું ‘મુંબઈ વરતમાંન’ નામનું ગુજરાતી અઠવાડિક શરૂ કર્યું. પછી એનું નામ બદલીને ‘મુંબઈનો હલકારુ અને વરતમાંન’ રાખ્યું. અને ૧૮૩૩ના નવેમ્બરની પહેલી તારીખથી ફરી નામ બદલ્યું, ‘મુંબઈનાં ચાબુક.’ ગુજરાતી ભાષાનું આ બીજું અખબાર અને એ પણ શરૂ થયું મુંબઈથી. ૧૮૫૯ના મે મહિનાની ૨૭મી તારીખે બાવન વરસની ઉંમરે અવસાન થયું ત્યાં સુધી નવરોજજીએ આ છાપું સંભાળ્યું.


૧૮૩૨ના માર્ચની ૧૨મી તારીખે મુંબઈથી ત્રીજું ગુજરાતી અખબાર શરૂ થયું, ‘શ્રી મુમબાઈનાં જામે જમશેદ.’ એ વખતે મુંબઈમાં પારસી પંચાયત અંગે ઊહાપોહ ચાલી રહ્યો હતો. પંચાયતની વાત પણ લોકો પાસે મૂકવી જોઈએ એમ સર જમશેદજી જીજીભાઈને લાગ્યું. એટલે શરૂ થયું જામે જમશેદ. જોકે સરસાહેબ પોતે પડદા પાછળ જ રહ્યા અને પારસી પંચાયતના સેક્રેટરી પેસ્તનજી માણેકજી મોતીવાળાને જ પહેલા તંત્રી તરીકે આગળ કર્યા. એ જમાનામાં અખબારોની માલિકી વખતોવખત બદલાતી રહેતી. એ રીતે આ ત્રણેની માલિકી બદલાતી રહી.

આપણી ભાષાના પત્રકારત્વની વાત કરતી વખતે ઘણુંખરું અમદાવાદથી ૧૮૫૪માં શરૂ થયેલા ‘બુદ્ધિપ્રકાશ’ને પહેલવહેલું માસિક ગણવાનો ચાલ છે. અને અમદાવાદથી પ્રગટ થયેલું એ પહેલું માસિક એની પણ ના નહીં. વળી આજ સુધી એ ચાલુ રહ્યું છે. પણ ગુજરાતી ભાષાનું એ પહેલું માસિક નહિ. એ શરૂ થયું એ પહેલાં પણ મુંબઈથી ગુજરાતી સામયિકો (જેને માટે એ જમાનામાં ‘ચોપાનિયાં’ શબ્દ વપરાતો) પ્રગટ થતાં હતાં. ખુદ ‘બુદ્ધિપ્રકાશ’ના પહેલા અંકમાંથી આ વાતનો આડકતરો પુરાવો મળી રહે છે. પહેલા અંકમાં ‘પ્રસ્તાવના અથવા દીબાચો’મથાળા નીચે પ્રગટ થયેલા લખાણમાં કહ્યું છે : ‘જેટલાં મુંબઈનાં વરતમાન અથવા ચોપાનિયાં આવે છે એને લોકો ગપાઊંસ કહે છે.’ એટલે કે ‘બુદ્ધિપ્રકાશ’ શરૂ થયું એ પહેલાં પણ મુંબઈમાં ગુજરાતી સામયિકો (ચોપાનિયાં) પ્રગટ થતાં હતાં અને રેલવે વગરના એ જમાનામાં અમદાવાદ સુધી પહોંચતાં હતાં. મુંબઈથી જ ગુજરાતીનું પહેલું સામયિક પ્રગટ થયું ૧૮૪૦માં. એનું નામ ‘વિદ્યાસાગર’. અને એ શરૂ કર્યું હતું નવરોજી માસ્તરે. પણ એ જ પહેલું સામયિક એમ ખાતરીપૂર્વક કઈ રીતે કહી શકાય? એ જમાનાના અગ્રણી પત્રકાર અને સમાજ સુધારક સોરાબજી શાપુરજી બંગાળીએ લખ્યું છે : ‘ગુજરાતી જબાનમાં વિદ્યા અને હુન્નર સંબંધી માસવારી ચોપાનિયાં અગાઉ પ્રગટ થતાં નહોતાં. એ કારણસર મિ. નવરોજીનું ‘વિદ્યાસાગર’ ચોપાનિયું પહેલવહેલું જ નીકળ્યું હતું.’ (સરળતા ખાતર ભાષા-જોડણી સુધારી લીધાં છે.)

પણ આ નવરોજી હતા કોણ? ૧૮૧૭ના માર્ચની ૧૦મી તારીખે ભરૂચમાં જન્મ. ભરૂચમાં થોડું ભણ્યા પછી સુરત જઈ લંડન મિશનરી સોસાયટીની સ્કૂલમાં ભણ્યા. ૧૮૩૦માં મુંબઈ આવી નેટિવ એજ્યુકેશન સોસાયટીની સ્કૂલમાં ભણ્યા. ભણી લીધા પછી એ જ સ્કૂલમાં શિક્ષક તરીકે જોડાયા. બાળશાસ્ત્રી જાંભેકર એલ્ફિન્સ્ટન ઇન્સ્ટિટ્યૂટમાં નિમાયા ત્યારે નવરોજ બન્યા તેમના મદદનીશ. બાળશાસ્ત્રીના અવસાન પછી તેમની જગ્યાએ નવરોજી નિમાયા. આમ મુંબઈમાં પ્રોફેસર બનનાર તેઓ પહેલવહેલા ગુજરાતી. છોકરાઓ તેમને ‘નવરોજી માસ્તર’ તરીકે ઓળખતા. ટૂંકી માંદગી ભોગવીને ૧૮૮૫ના સપ્ટેમ્બરની ૨૨મી તારીખે નવરોજીનું મુંબઈમાં અવસાન થયું. તેમણે લગભગ આખી જિંદગી લોકોપયોગી કામોમાં કાઢી હોવા છતાં ૧૮૮૪માં જાહેર માનપત્ર આપવા મળેલી સભામાં તેમણે કહ્યું હતું : ‘મેં કોઈ બહુ મોટી સેવા કરી છે એમ હું પોતે માનતો નથી. પણ મેં જો થોડીઘણી સેવા પણ કરી હોય તો તેમ કરીને મેં કોઈ દેશના લોકો પર ઉપકાર કર્યો નથી. સમાજના એક નાચીઝ સભ્ય તરીકે મેં તો માત્ર મારી ફરજ બજાવી છે.’ 

આમ ૧૯મી સદીના મધ્ય ભાગ સુધીમાં તો મુંબઈમાં ગુજરાતી અખબારો અને સામયિકોનું કામકાજ ધમધોકાર ચાલતું હતું, પણ આજના ગુજરાત રાજ્યના પ્રદેશમાં? છેક ૧૮૪૯ સુધી ત્યાં એક પણ અખબારનું નામનિશાન સુધ્ધાં નહોતું! ૧૮૪૯માં ‘વરતમાન’ નામનું અઠવાડિક શરૂ થયું. એ દર બુધવારે પ્રગટ થતું એટલે લોકો તેને ‘બુધવારિયું’ તરીકે ઓળખતા. અને એ શરૂ કરનાર હતા એક ગુજરાતપ્રેમી અંગ્રેજ અમલદાર ઍલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ. તેમણે ૧૮૪૮માં સ્થાપેલી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી દ્વારા એ શરૂ કર્યું. એ વખતે આ સોસાયટીનો બધો કારભાર અંગ્રેજોના હાથમાં હતો. અને છતાં મુંબઈ સરકારને આ ‘વરતમાન’માં છપાતાં લખાણો સામે વાંધો પડ્યો. એટલે કોઈ પણ સરકારી અમલદારે એની સાથે સંબંધ રાખવો નહીં એવો હુકમ સરકારે કર્યો. એટલે એ છપાતું હતું એ પ્રેસના માલિક બાજીભાઈ અમીચંદે એ પોતાના હાથમાં લઈ લીધું. પણ ૧૮૬૪ પછી એ ચાલુ રહ્યું હોય એવું જાણવા મળતું નથી. અને છતાં આપણાં ભાષા, સાહિત્ય, પત્રકારત્વના ઇતિહાસ અને વિવેચનમાં એવા વિરલાઓ પણ જોવા મળે છે કે જે છેક ૧૮૪૯માં શરૂ થયેલા ‘વરતમાન’ને આપણી ભાષાનું પહેલું અખબાર ગણાવે છે! કેમ? કારણ એ અમદાવાદથી શરૂ થયું હતું.

મુંબઈમાં ગુજરાતી છાપખાનાં આવ્યાં એને પગલે છાપેલાં પુસ્તકો, અખબારો અને સામયિકો આવ્યાં. અને એની મદદથી અને એની પાછળ-પાછળ આવ્યું બ્રિટિશ પદ્ધતિનું શિક્ષણ. પણ એ વિશેની વાત હવે પછી.

Whatsapp-channel Whatsapp-channel

12 December, 2020 06:18 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK