શહેરનો સૌપ્રથમ એસ્કેલેટર સ્કાયવૉક કાંદિવલીમાં શરૂ

Published: 10th December, 2012 05:28 IST

પબ્લિકને એનાથી રેલવે ફૂટઓવર બ્રિજ સુધી પહોંચવામાં સરળતા રહેશે : ઑક્ટોબર ૨૦૧૦માં એસ્કેલેટર બેસાડવામાં આવ્યું હતું, પરંતુ શનિવારે એને પબ્લિક માટે ઓપન કરવામાં આવ્યું 
લોકોને હવે રાહત : કાંદિવલીનો એસ્કેલેટર સાથેનો સ્કાયવૉક. જોકે ગઈ કાલે રવિવાર હોવાથી એ પબ્લિકની અવરજવર માટે બંધ હતું.કાંદિવલી (ઈસ્ટ)માં શહેરનો પહેલો એસ્કેલેટર સાથેનો સ્કાયવૉક શરૂ થયો છે. પબ્લિક માટે એ એસ્કેલેટર શનિવારે ખુલ્લું મુકાયું હતું. ઑક્ટોબર ૨૦૧૦માં એસ્કેલેટર અહીં બેસાડવામાં આવ્યું હતું, પરંતુ કેટલીક સમસ્યાઓને કારણે ૨૬ નવેમ્બરથી એની ટ્રાયલ-રન શરૂ થઈ હતી. અત્યાર સુધી એસ્કેલેટર શૉપિંગ મૉલ, કમર્શિયલ કૉમ્પ્લેક્સ તથા મલ્ટિપ્લેક્સમાં મુકાતાં હતાં; પરંતુ પહેલી વાર રેલવે-સ્ટેશન જેવા પબ્લિક પ્લેસમાં એ સ્કાયવૉકને કનેક્ટ કરશે.

કાંદિવલી (ઈસ્ટ) સ્કાયવૉકની નજીક આ એસ્કેલેટર બેસાડવામાં આવ્યું છે. પરિણામે લોકોને રેલવે ફૂટઓવર બ્રિજ સુધી પહોંચવામાં સરળતા રહેશે. એનો બીજો ફાંટો વેસ્ટ સાઇડ પર આવ્યો છે. મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ડેવલપમેન્ટ કૉર્પોરેશને (એમએસઆરડીસી) કહ્યું હતું કે અત્યાર સુધી એસ્કેલટર્સનાં બટન સાથે આસપાસમાં આવેલી ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો રમત રમતા હતા અને કારણ વગર એના ઉપરના તથા નીચેના ભાગે બેસાડેલાં ઇમર્જન્સી બટનને દબાવતા રહેતા હતા.

એસ્કેલેટર્સ વ્યવસ્થિત રીતે ચાલે એ માટે તેમણે એક વ્યક્તિને નિમણૂક પણ કરી છે. એસ્કેલટરનો કેવો ઉપયોગ છે એ જાણવા ‘મિડ-ડે’ની ટીમ ત્યાં પહોંચી તો આસપાસમાં રહેતાં બાળકો એમાં મસ્તી કરતાં જોવા મળ્યાં હતાં. ઘણા લોકો ત્યાં ઊભા રહીને પોતાના મોબાઇલથી ફોટો પણ પડાવતા હતા તો વયોવૃદ્ધ મહિલા એના પર જતાં પહેલાં પોતાની સાડી વ્યવસ્થિત કરતી પણ નજરે પડતી હતી.

કાંદિવલી (ઇસ્ટ)માં ૩૦ કરોડ રૂપિયાના ખર્ચે બનેલા સ્કાયવૉકનો વધુ ઉપયોગ અત્યાર સુધી કચરો વીણવાવાળા તથા ભિખારીઓ જ કરતા હતા, પરંતુ આ એસ્કેલેટર શરૂ થતાં પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આ એસ્કેલટર સવારે નવથી બપોરે એક વાગ્યા સુધી અને સાંજે પાંચથી રાત્રે દસ વાગ્યા સુધી કાર્યરત રહેશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK