મિસ્ટર ઇન્ડિયા, ચમત્કાર અને ટકો મૂંડો ટાઉં ટાઉં

Published: Dec 03, 2019, 15:41 IST | Sanjay Goradia | Mumbai

બ્લૅક બિયર્ડ ઘોસ્ટ પરથી અમે નાટક બનાવ્યું એ પછી એ ફિલ્મ પરથી બે ફિલ્મો બની, જેમાંથી મિસ્ટર ઇન્ડિયા સુપરડુપર હિટ થઈ અને શાહરુખની ચમત્કાર ઠીક ઠીક ગઈ

મૂળ જનક : એક ગુજરાતી નાટક અને બે હિન્દી ફિલ્મો ઉપરાંત જગતની બીજી અનેક ભાષાઓની ફિલ્મો કે ડ્રામા પણ ‘બ્લૅક બિયર્ડ ઘોસ્ટ’ પરથી પ્રેરણા લઈને બન્યાં હશે.
મૂળ જનક : એક ગુજરાતી નાટક અને બે હિન્દી ફિલ્મો ઉપરાંત જગતની બીજી અનેક ભાષાઓની ફિલ્મો કે ડ્રામા પણ ‘બ્લૅક બિયર્ડ ઘોસ્ટ’ પરથી પ્રેરણા લઈને બન્યાં હશે.

ગયા અઠવાડિયે મેં તમને કહ્યું કે ‘ટકો મૂંડો ટાઉં ટાઉં’નું લેખનકાર્ય અમે કેવી રીતે કરતા અને એ પણ કહ્યું કે અમારાં રિહર્સલ્સ ભાંગવાડીમાં ચાલતાં. નાટકનું મ્યુઝિક રજત ધોળકિયાનું હતું અને એનાં ગીતો મિહિર ભુતાએ લખ્યાં હતાં. એક કિસ્સો મેં તમને કહ્યો હતો. ટાઇટલ-સૉન્ગનું મુખડું મિહિરે મને સવારે ફોન પર લખાવી દીધું હતું, જે મેં રજતને ફોન પર લખાવ્યું. રજત સાંતાક્રુઝ રહે. તે બસમાં રિહર્સલ્સ પર આવવા માટે નીકળ્યો અને બસમાં જ તેણે ટાઇટલ-સૉન્ગની ધૂન બનાવી અને એનાં નોટેશન્સ બસની ટિકિટ પર લખી નાખ્યાં. રિહર્સલ્સ પર આવીને તેણે મને ગીતની પહેલી બે લાઇન સંભળાવી, મેં ઓકે કરી એટલે મિહિરે આવીને ત્યાં જ બાકીના ત્રણ અંતરા લખીને આપી દીધા.

એક બાજુ નાટકનાં રિહર્સલ્સ ચાલે તો બીજી બાજુ ગીતોનું રેકૉર્ડિંગ ચાલે અને ત્રીજી બાજુએ સેટનું કામ ચાલે. રજત રેગ્યુલરલી રિહર્સલ્સમાં આવતો. એનું કારણ કહું તમને. પૈસા કમાવા એ ક્યારેય રજતનો આશય નથી રહ્યો. તેણે હંમેશાં શ્રેષ્ઠ કામ આપવાની નીતિ રાખી છે. તે અમારા નાટક માટે બાળકો પાસે પણ અમુક લાઇન ગવડાવવા માગતો હતો, જેને પ્રોપર્લી એક્સપ્લોર કરવા માટે રિહર્સલ્સમાં આવવું અનિવાર્ય હતું. રજત સાથે તેનો એક દોસ્ત પણ રિહર્સલ્સમાં આવતો, નામ તેનું કમલ સ્વરૂપ. કમલ ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયામાંથી ફિલ્મ-મેકિંગ ભણીને આવ્યો હતો. તેણે એક ફિલ્મ પણ બનાવી છે. કમલ બહુ ઇન્ટરેસ્ટિંગ પર્સનાલિટી. રિહર્સલ્સમાં આવે અને ચૂપચાપ એક ખૂણામાં બેસી રહે. બસ, બધું ધ્યાનથી જોયા કરે.

દિન્યાર કૉન્ટ્રૅક્ટરની વાત મેં તમને કરી. એ તેમનો જમાનો હતો. કમર્શિયલ નાટકો તેમનાં ખૂબ ચાલે. એ નાટકોના પોતાના કમિટમેન્ટને કારણે રિહર્સલ્સમાં રેગ્યુલર આવે નહીં અને જ્યારે દિન્યાર ન હોય ત્યારે તેનું રિપ્લેસમેન્ટ બનીને હું રિહર્સલ્સ કરતો. મારાં આ રિહર્સલ્સ જોઈને કમલ સ્વરૂપે ચાલુ રિહર્સલ્સે જ મને તેની ફિલ્મમાં એક રોલ ઑફર કર્યો. એ રોલ વિશે હું આગળ વાત કહું, પણ અત્યારે તમને એ ફિલ્મનું નામ કહી દઉં. એ ફિલ્મનું ટાઇટલ હતું, ‘ઓમ દરબદર’. હવે આપણે ફરીથી આવી જઈએ એ આપણા નાટક ‘ટકો મૂંડો ટાઉં ટાઉં’ પર.

‘ટકો મૂંડો ટાઉં ટાઉં’ મૂળ અંગ્રેજી ફિલ્મ ‘બ્લૅક બિયર્ડ ઘોસ્ટ’ પર આધારિત હતું અને મેં તમને એ પણ કહ્યું કે આ અંગ્રેજી ફિલ્મ પરથી બે હિન્દી ફિલ્મો પણ બની. આ બે ફિલ્મો પૈકીની એક ફિલ્મ સુપરડુપર હિટ એવી અનિલ કપૂર અને શ્રીદેવી સ્ટારર ‘મિસ્ટર ઇન્ડિયા’ અને બીજી ફિલ્મ શાહરુખ ખાન, ઊર્મિલા માતોંડકર અને નસીરુદ્દીન શાહની ‘ચમત્કાર’. આ બન્ને ફિલ્મો મારા નાટક પછી બની છે એટલે ફિલ્મ પરથી પ્રેરણા લઈને જ બની હતી એટલે એને કૉપી ન કહેવાય, પણ હા, એટલું ચોક્કસ કહીશ કે ‘મિસ્ટર ઇન્ડિયા’માં શ્રીદેવી ચાર્લી ચૅપ્લિન બનીને કસીનોમાં જાય છે અને એ પછી ત્યાં જે કૉમેડીની ધમાલ થાય છે એ આખી સીક્વન્સ ‘બ્લૅક બિયર્ડ ઘોસ્ટ’માંથી બેઠ્ઠી ઉપાડવામાં આવી છે. ‘મિસ્ટર ઇન્ડિયા’ની સીક્વલ બનાવવાની વાતો આજે પણ થાય છે, પણ એની કોઈ વાર્તા લાવી શકતું નથી એની પણ બૉલીવુડની જાણકારી રાખનારાઓને ખબર હશે, એનું કારણ પણ છે. ‘બ્લૅક બિયર્ડ ઘોસ્ટ’ એટલી સરસ ગૂંથણી સાથે બનાવવામાં આવી હતી કે એની સીક્વલ બનાવવાનું કામ અઘરું થઈ જાય અને બીજું એ કે એ સ્તરે પહોંચવાનું કામ તો વધારે કપરું થઈ જાય. શાહરુખ ખાનવાળી ‘ચમત્કાર’ બૉક્સ-ઑફિસ પર ઠીક-ઠીક ચાલી. એનું એક ગીત બહુ પૉપ્યુલર થયું હતું અને કૉલેજિયનો એ ગીત ખૂબ ગાતા હતા. એ ગીતના શબ્દો હતા, ‘ઇસ પ્યાર સે મેરી તરફ ના દેખો, પ્યાર હો જાયેગા...’

મિત્રો, તમને એક બીજી પણ વાત કહી દઉં. જૅકી શ્રોફ જ્યારે તેના દીકરા ટાઇગર શ્રોફને લૉન્ચ કરવાનું વિચારતો હતો ત્યારે તેને આ જ ‘બ્લૅક બિયર્ડ ઘોસ્ટ’ પરથી પ્રેરણા લઈને તૈયાર કરવામાં આવેલી સ્ક્રિપ્ટ આપવામાં આવી હતી, પણ જૅકીને એ સ્ક્રિપ્ટ ગમી નહોતી. જે ફિલ્મનો હીરો શારીરિક રીતે સક્ષમ હોય, બધાને પહોંચી વળે એવો હોય તે ભૂતની મદદની અપેક્ષા રાખીને દુશ્મનોને ખતમ કરે એ વાત જૅકીને જચી નહીં એટલે તેણે એ સ્ક્રિપ્ટ રિજેક્ટ કરી અને પછી એ ટાઇગર ‘બાગી’ ફિલ્મથી લૉન્ચ થયો. જોકે આ બધી આડવાત છે, આપણો મેઇન વિષય છે ‘ટકો મૂંડો ટાઉં ટાઉં’.

‘ટકો મૂંડો ટાઉં ટાઉં’ તૈયાર થયું, રિલીઝ થયું અને સુપરડુપર હિટ નીવડ્યું. ડૉક્ટર સી. કે. શાહે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એ બધું તેમને પાછું મળી ગયું અને ઉપરથી તેમને નફો પણ થયો. સી. કે. શાહ અને તેમનાં વાઇફ હીરાબહેન શાહ ખૂબ, ખૂબ, ખૂબ ખુશ થયાં. તેમનું નામ થયું, તેમનાં બાળકોની વાહવાહી થઈ અને અધૂરામાં પૂરું, ટ્રાન્સપરન્સી સાથે ધંધો થયો. અહીં હું તમને એક વાત કહીશ કે જેટલી ટ્રાન્સપરન્સી રાખશો, જેટલા પારદર્શક રહેશો એટલો લાભ તમને થશે. મેં હંમેશાં આ નીતિ અપનાવી રાખી છે. જે જગ્યાએ તમારે કામ કરવાનું હોય કે પછી જેની સાથે તમારે કામ કરવાનું હોય તેની સાથે તમામ વાતમાં ટ્રાન્સપરન્ટ રહેવાનું. જો ટ્રાન્સપરન્સી હશે તો શબ્દો યાદ કરવા કે શોધવા નહીં જવું પડે. કાળી રાતે પણ તમે એ જ બોલશો જે સાચું છે. ડૉક્ટર સી. કે. શાહ અને હીરાબહેન શાહ ‘ટકો મૂંડો ટાઉં ટાઉં’ના રિઝલ્ટથી ખુશ હતાં એટલે તેમણે મને બીજું એક મોટું નાટક બનાવવાનું કહ્યું. મને કહેવામાં આવ્યું કે તમે નાટક બનાવો, અમે એમાં ઇન્વેસ્ટ કરીશું, પણ એ પછી જેકાંઈ બન્યું એની વાત કરતાં પહેલાં આપણે વાત કરવી જોઈએ ‘ઓમ દરબદર’ની, જેમાં કામ કરવાની ઑફર મને ‘ટકો મૂંડો ટાઉં ટાઉં’નાં રિહર્સલ્સ દરમ્યાન આવી હતી.

‘ઓમ દરબદર’ની વધુ વાતો આવતા મંગળવારે.

poster-01

શાંતાબહેનના આંગણેથી : સાસુના નામે પાણીપૂરી અને અન્ય વરાઇટીનો ધંધો સંભાળતાં આ બહેન શાંતાબહેનનાં પુત્રવધૂ છે.

ફૂડ ટિપ્સ

મિત્રો ગયા વીકમાં આપણે વાત કરી હતી મહેસાણાના અંબિકાના આઇસક્રીમની. એ શો પૂરો કરીને અમે રાતે જ અમદાવાદ આવી ગયા. બીજા દિવસે અમારો શો ટાઉન હૉલમાં હતો. અમદાવાદમાં અમે જ્યાં રહીએ છીએ એ રાઇફલ ક્લબથી ટાઉન હૉલ જવા માટે હું અને મારી સાથી ઍક્ટ્રેસ પૂજા દમણિયા ચાલતાં નીકળ્યાં. અમે ચાલતાં-ચાલતાં કામા હોટેલ અને ત્યાંથી રિવરફ્રન્ટ પર આવ્યાં. રિવરફ્રન્ટ પર વૉક કરવાની બહુ મજા આવે. ત્યાંથી અમે ઍલિસ બ્રિજ પર આવી ગયાં. આ અગાઉ અમે જ્યારે પણ અહીંથી નીકળીએ ત્યારે ટૅક્સી કે રિક્ષામાં જ હોઈએ. અગાઉ મેં અમારી ટૅક્સીમાંથી રસ્તાની જમણી બાજુએ શાંતાબહેન પાણીપૂરીવાળા એવું નામ વાંચેલું. જેટલી પણ વાર હું આ નામ વાંચું મને થાય કે આ નામ બહુ ફેમસ લાગે છે, પણ જવાનું એક પણ વાર બન્યું નહોતું. ચાલતાં નીકળ્યાં એટલે મને શાંતાબહેન પાણીપૂરીવાળાં યાદ આવી ગયાં.

હું અને પૂજા ત્યાં પહોંચ્યાં. પાણીપૂરી ખરેખર બહુ સરસ હતી. કાળા ચણાને બાફીને એમાં તીખી-મીઠી ચટણી અને મસાલો નાખીને પાણી સાથે આપે. એક બહેન ત્યાં હાજર હતાં. નાટક અને ફિલ્મોને કારણે તેઓ મને ઓળખી ગયાં. મેં તેમને પૂછ્યું કે આ જે બોર્ડમાં લખ્યું છે એ શાંતાબહેન તમે પોતે? તેમણે ના પાડતાં કહ્યું કે એ મારાં સાસુ.

અમદાવાદમાં ‘અગાસી’ નામની એક રેસ્ટોરાં છે. બહુ પૉપ્યુલર. આ રેસ્ટોરાંની ગુજરાતી થાળી ખાવા જવું જોઈએ, બહુ સરસ બનાવે છે. ૧૨૦૦-૧૫૦૦ રૂપિયાની થાળી છે. એ અગાસી રેસ્ટોરાં પાસે વર્ષો પહેલાં પારેખ’સ ડિપાર્ટમેન્ટલ સ્ટોર હતો, જેમાં આઇએનટીનાં નાટકોની ટિકિટો વેચાતી હતી. સરિતા જોષી, પ્રવીણ જોષીનાં નાટકોનો એ જમાનો હતો. નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ત્રણ-ચાર નાટકો લઈને અમદાવાદની ટૂર પર આવે અને આ પારેખ’સમાં આઇએનટી સંસ્થા ત્રણ મહિનાનું બુકિંગ એકસાથે ખૂલે. મિત્રો, સાચું કહું છું કે અમદાવાદીઓ આખું વર્ષ બચત કરે અને પછી આઇએનટીનાં નાટકો જુએ. રીતસર ટિકિટો માટે પડાપડી થાય. જેવું બુકિંગ ખૂલે કે છેક પારેખ’સથી લઈને રૂપાલી ટૉકીઝ સુધી લાંબી લાઇન લાગે. આ જે પારેખ’સ હતું એની પાછળ શાંતાબહેન અને તેમનો પરિવાર રહેતો હતો. પારેખ’સની આગળ જ શાંતાબહેને પાણીપૂરી અને બીજી આઇટમની રેંકડી નાખી અને એ એટલીબધી ફેમસ થઈ કે વાત ન પૂછો. કરોડપતિ શેઠિયાઓ ત્યાં પાણીપૂરી, દહીંવડા, દહીંપૂરી ખાવા માટે આવતા. સમય જતાં ધંધો વધ્યો અને અગવડ પણ વધી. રસ્તા પર માણસ કેટલો ધંધો કરી શકે. શાંતાબહેન પાણીપૂરીવાળાની અત્યારે બે બ્રાન્ચ છે. એક સૅટેલાઇટ વિસ્તારમાં અને બીજી ઍલિસ બ્રિજ પર. જેવા તમે ઍલિસ બ્રિજ ચડો કે તરત જ જમણા હાથ પર શાંતાબહેન પાણીપૂરીવાળાં છે. મિત્રો, અમદાવાદ જાઓ ત્યારે શાંતાબહેનની પાણીપૂરી ખાવા અચૂક જજો, પણ માત્ર પાણીપૂરી નથી ખાવાની, તેમનું ખીચું પણ અચૂક ખાજો. આટલું પર્ફેક્ટ ખીચું મેં અગાઉ ખાધું નથી. જો પેટમાં જગ્યા હોય તો દહીંવડાં, રવાના મસાલા ઢોકળાં અને દહીંપૂરી પણ ખાવાનું ચૂકતા નહીં. આઇટમ એકદમ ચોખ્ખી, ભાવ રિઝનેબલ અને સ્વાદ લાજવાબ.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK