ન્યુ યૉર્કમાં કાતિલ ચેપનો કેર

Published: 1st August, 2020 14:03 IST | Raj Goswami | Mumbai

ધ કિલર ધૅટ સ્ટૉક્ડી ન્યુ યૉર્ક એ ૧૯૪૭માં ન્યુ યૉર્કમાં વાસ્તવમાં ફેલાયેલી ઓરી-અછબડાની બીમારી આધારિત ફિલ્મ હતી. એ બે રીતે ઐતિહાસિક ઘટના હતી

અમેરિકામાં કોરોના વાઇરસની મહામારીનો સૌથી વધુ કેર એના ખૂબસૂરત શહેર ન્યુ ‍યૉર્કમાં છે. ૨૦૨૦ની ૧ માર્ચે ન્યુ ‍યૉર્કમાં કોરોનાનો પહેલો કન્ફર્મ કેસ નોંધાયો હતો. ૨૫ મેએ ત્યાં ૩,૫૦,૦૦૦ કેસ હતા અને ૨૪,૦૦૦ લોકોનાં મોત થયાં હતાં. ન્યુ ‍યૉર્કની કરુણાંતિકા 9/11 કરતાં પણ ખરાબ છે, જેમાં ૩૦૦૦ લોકો માર્યા ગયા હતા. ન્યુ યૉર્કના મેયર બિલ ડે બ્લાસિયોએ કહ્યું હતું કે ‘અમે સમય સામે અસાધારણ રીતે દોડી રહ્યા છીએ. અમે એવા દુશ્મનનો સામનો કરી રહ્યા છીએ જે હજારો અમેરિકનોને ભરખી રહ્યો છે અને બહુ બધા લોકો કસમયે મરી રહ્યા છે. અમેરિકામાં આવું ન હોય.’

૧૯૫૦માં હૉલીવુડના ડિરેક્ટર અર્લ મૅકવૉયે ‘ધ કિલર ધૅટ સ્ટૉક્‍ડ ન્યુ યૉર્ક’ બનાવી ત્યારે તેમને ખબર નહીં હોય કે તેમની કલ્પના એક દિવસ સાચી પડશે. મૅકવૉયે એવી ફિલ્મ બનાવી હતી જેમાં એક ચેપી વ્યક્તિ આખા શહેરમાં ફરે છે અને પોલીસ તેની શોધમાં તેનો પીછો કરે છે. તમને જો યાદ હોય તો મુખ્ય પ્રધાનો સાથેની ઑનલાઇન મંત્રણામાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાઇરસને માત આપવા દરદીના કૉન્ટૅક્ટ ટ્રેસિંગ પર ભાર મૂક્યો હતો. ‘ધ કિલર ધૅટ સ્ટૉક્‍ડ ન્યુ યૉર્ક’માં એ જ ટેક્નિકનો ઉપયોગ બતાવાયો હતો.

ફિલ્મનો પ્રકાર ‘નૉયર’ હતો, એટલે કે એવું ક્રાઇમ થ્રિલર જેમાં પાત્રોના વ્યવહાર પરથી એવું લાગે કે કશુંક ગંભીર થવાનું છે, પણ એના કોઈ સાંધા-સૂઝ ન પડે.

ફિલ્મ બ્લૅક ઍન્ડ વાઇટ હતી. ફિલ્મના ટાઇટલ પડે છે ત્યારના દૃશ્યમાં એક હાથમાં ગન પકડીને ઊભેલી સ્ત્રીનો પડછાયો છે અને પાછળ ન્યુ યૉર્કની ઇમારતો છે. પડદા પાછળથી એક અવાજ દર્શકોને ન્યુ યૉર્કની ઓળખાણ ‘સર્વાઇવર’ (બચી ગયેલા) તરીકે આપે છે. ૧૯૪૭નો નવેમ્બરનો મહિનો છે. શેઇલા બેનેટ (ગૉન વિથ ધ વિન્ડ ફેમ એવલિન કેયસ) નામની એક મહિલા, ન્યુ યૉર્કના પેન્સિલ્વેનિયા સ્ટેશન પર ટ્રેનમાંથી ઊતરે છે. પેલો અવાજ આપણને કહે છે કે આ કાતિલ સુંદરી એક જીવતા-જાગતા શહેરમાં આતંક અને અવ્યવસ્થા લઈને આવી છે.

સ્ત્રી સ્ટેશનની બહાર નીકળી રહી છે. તે અસ્વસ્થ છે. એક જાડો માણસ તેનો પીછો કરે છે. સ્ત્રી તેનાથી સભાન છે. તે તેના પતિ મૅટ ક્રેન (ચાર્લ્સ કોર્વિન)ને ફોન-બૂથમાંથી ટૂંકો કૉલ કરે છે. વાત પરથી ખબર પડે છે કે તે ક્યુબાથી પાછી આવી છે. બન્ને વચ્ચે ગરબડ છે એ દેખાય છે (પાછળથી આપણને ખબર પડે છે કે આ ભાઈ ‘સાલી આધી ઘરવાલી’ કરતા હતા). પતિ તેને હોટેલ અમેરિકા પહોંચીને રાહ જોવાનું કહે છે. પેલો અવાજ આપણને સતત એ સ્ત્રીથી બિવડાવતો રહે છે, પણ એ પૂરી વાત નથી કરતો.

હકીકતમાં શેઇલા ક્યુબાથી ૫૦,૦૦૦ ડૉલરના હીરાની દાણચોરી કરીને આવી છે. તેની પાછળ કોઈ જાસૂસ પીછો કરે છે એવી તેને ખબર પડે છે એટલે તે હીરાને તેના પતિને પાર્સલ કરી દે છે અને પછી પાછળ પડેલા જાસૂસથી પીછો છોડાવવા તેને આમતેમ ભૂલો પાડે છે. એમાં ને એમાં થાકેલી શેઇલા સડક પર પડી જાય છે. એક પોલીસવાળો તેને ક્લિનિકમાં લઈ જાય છે. ત્યાં તેનો ભેટો એક નાનકડી છોકરી સાથે થાય છે. છોકરી બીમાર છે અને તેને શેઇલા સાથે વાત કરવાની મજા આવે છે. તેને શેઇલાની પિન ગમી જાય છે અને ડૉક્ટરને મળવા જતાં પહેલાં શેઇલા બાળકીના સ્વેટરમાં પિન ભરાવે છે. ડૉક્ટર શેઇલાને તપાસે છે અને તેને મામૂલી તાવ હોવાનું નિદાન કરીને દવા કરીને ઘરે રવાના કરી દે છે. તે ઘરે આવે છે.

બીજી બાજુ પેલી બાળકીની તબિયત બગડે છે અને તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. ત્યાં નિદાન થાય છે કે બાળકીને ઓરી-અછબડા થયા છે. હૉસ્પિટલમાં જાણે ભૂકંપ આવી ગયો. તપાસ શરૂ થાય છે કે એ બાળકી કોને-કોને મળી હતી. હૉસ્પિટલનો એક ડૉક્ટર કહે છે કે ‘આ છોકરીનો સવાલ છે ત્યાં સુધી આપણે પાછા એવા જમાનામાં પહોંચી ગયા છીએ જ્યાં દવાનું તીર અંધારામાં મારવા બરાબર છે.’ બીજો એક ડૉક્ટર વળી કહે છે કે ‘આપણે આવા પ્લેગમાંથી બહાર આવી ગયા છીએ. ન્યુ યૉર્કમાં આવું ન થાય.’ એક ત્રીજો ડૉક્ટર સળી કરે છે કે ‘ભૂતકાળનો એક હત્યારો ૮૦ લાખ લોકો વચ્ચે રખડે છે.’

હવે બે પકડદાવ શરૂ થાય છે; ન્યુ યૉર્કનો કસ્ટમ વિભાગ હીરાની તલાશમાં શેઇલાને ગિરફ્તાર કરવાનું અભિયાન શરૂ કરે છે અને સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓ કૉન્ટૅક્ટ ટ્રેસિંગ શરૂ કરીને એ વ્યક્તિની શોધ શરૂ કરે છે જે ઓરીનો વાઇરસ લઈને ફરે છે. બન્ને વિભાગને ખબર નથી કે તેઓ એક જ વ્યક્તિને શોધી રહ્યા છે.

શેઇલાને એ ખબર નથી કે તેનામાં ઓરીનો વાઇરસ છે, પણ એ વખતોવખત બીમાર પડતી રહે છે. તે ઘરે આવે છે ત્યારે પતિ મૅટ પેલા હીરા વેચીને શહેરની બહાર ઊપડી જવાની ફિરાકમાં છે, પણ પોલીસ પગેરું દબાવતી હોવાથી કોઈ ખરીદદાર આગળ નથી આવતો. ઘરે આવેલી શેઇલાને ‘સાલી આધી ઘરવાલી’ના નાટકની ખબર પડે છે એટલે તે તેની બહેન ફ્રાન્સિયાનો કાંઠલો ઝાલે છે. ફ્રાન્સિયાને ખબર પડે છે કે મૅટ તો તેને પણ છોડીને ઊપડી જવાની ફિરાકમાં છે એટલે તે આત્મહત્યા કરી લે છે. શેઇલાને માથે હવે પતિ માટે બેવડું ખુન્નસ ભરાય છે; એક તો બેવફાઈ અને બીજું બહેનની આત્મહત્યા. તે તેના પતિની શોધખોળ શરૂ કરે છે.

ત્રીજી તરફ ન્યુ યૉર્કમાં હવે ઓરી-અછબડાના કેસ વધવા માંડે છે અને સ્વાસ્થ્ય વિભાગ મહામારીને રોકવા માટે શહેરના દરેક રહેવાસીને રસી આપવાનું શરૂ કરે છે. એમાં રસી ખૂટી જાય છે અને શહેરમાં ગભરાટ મચી જાય છે. દરમ્યાન પોલીસ શેઇલાના પતિને શોધી કાઢે છે અને તેમને ખબર પડે છે કે હીરાની દાણચોરી અને વાઇરસની વાહક બન્ને એક જ છે. તેને ઓરી-અછબડાનો રોગ છે એ હકીકતથી બેખબર શેઇલા વધુ દવા માટે પેલા ડૉક્ટર પાસે ફરી પાછી આવે છે. ડૉક્ટર તેને બીમારી સમજાવે છે અને સલાહ આપે છે કે તું સ્વાસ્થ્ય અધિકારીઓ સામે ઉપસ્થિત થઈ જા. શેઇલા હવે ગભરાય છે અને ડૉક્ટરને ખભામાં ગોળી મારીને ભાગી છૂટે છે. હવે ડૉક્ટર પણ તેને શોધવા માટે પોલીસ સાથે જોડાય છે.

શેઇલાનું મુખ્ય નિશાન તો તેનો પતિ છે જે હીરા ગપચાવીને બેઠો છે અને તેની પીઠ પાછળ તેની બહેન સાથે રંગરેલિયા મનાવતો હતો. શેઇલા છેવટે પતિનો ભેટો કરે છે, પણ પેલો પોલીસમાંથી ભાગ્યો હોય છે એટલે એક મકાન પરથી કૂદવા જતાં નીચે પડીને મરી જાય છે. શેઇલા પણ એવી જ રીતે મકાન પરથી કૂદવા જાય છે, પણ ત્યાં પેલો ડૉક્ટર તેને પકડીને કહે છે કે પેલી બાળકી મરી ગઈ છે. શેઇલાને આઘાત લાગે છે અને તે આત્મસમર્પણ કરી દે છે. છેલ્લે શેઇલા ખુદ પણ ઓરીના રોગમાં મરી જાય છે, પણ મરતાં પહેલાં અધિકારીઓને એ લોકોની યાદી આપે છે, જેમના સંપર્કમાં તે આવી હતી. હવે કૉન્ટૅક્ટ ટ્રેસિંગ આસાન થઈ જાય છે.

‘ધ કિલર ધૅટ સ્ટૉક્‍ડ ન્યુ યૉર્ક’ ૧૯૪૭માં ન્યુ યૉર્કમાં વાસ્તવમાં ફેલાયેલી ઓરી-અછબડાની બીમારી આધારિત ફિલ્મ હતી. એ બે રીતે ઐતિહાસિક ઘટના હતી; એક, અમેરિકાના ઇતિહાસમાં આખા શહેરમાં સામૂહિક સ્તરે રસીકરણનો પહેલો કિસ્સો હતો અને બે, અમેરિકામાં ઓરી-અછબડાનો એ છેલ્લો વાવર હતો અને ત્યાર બાદ એ નાબૂદ થઈ ગયો હતો. એમાં અમેરિકાના સૌથી નાનકડા માઇન રાજ્યનો ગાદલાં-કંબલનો સેલ્સમૅન અને તેની પત્ની મેક્સિકો ફરવા ગયેલાં અને ઓરી-અછબડાનો ચેપ તેમને લાગ્યો હતો. પાછાં ફર્યા બાદ બન્નેની તબિયત બગડી એટલે તેઓ રસ્તામાં ન્યુ યૉર્કની હૉસ્પિટલમાં ઍડ્મિટ થયાં અને અઠવાડિયામાં જ બન્નેનાં મોત થઈ ગયાં હતાં.

એ દરમ્યાન હૉસ્પિટલમાં બીજા બે જણને ચેપ લાગ્યો હતો અને પછી તો કેસ વધવા માંડ્યા અને અધિકારીઓએ એ દંપતી જેમના-જેમના સંપર્કમાં આવ્યું હતું તેમનું કૉન્ટૅક્ટ ટ્રેસિંગ કરવામાં આવ્યું. મતલબ કે આખી હૉસ્પિટલ, જે બસમાં તેઓ આવ્યાં હતાં એ પ્રવાસીઓ, જે હોટેલમાં તેઓ ઊતર્યાં હતાં ત્યાંના લોકો અને રસ્તામાં તેમની બસ જે-તે રાજ્યોમાં રોકાઈ હતી ત્યાંના લોકોને રસી આપવામાં આવી. બીજી બાજુ મેયરે આખા ન્યુ યૉર્ક શહેરમાં રસી આપવાનું શરૂ કર્યું. ૧૯૪૭ના ઓરી-અછબડાના વાવરનો આ આખો અહેવાલ ૧૯૪૮ના ‘કોસ્મોપૉલિટન’ સામયિકમાં પ્રગટ થયો હતો એનો આધાર લઈને ‘ધ કિલર ધૅટ સ્ટૉક્ડ ન્યુ યૉર્ક’ ફિલ્મ બનાવવામાં આવી હતી.]

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK