Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > વીમા કંપનીના બાબુઓને RTI કાયદા હેઠળની અરજીએ સીધાદોર કર્યા

વીમા કંપનીના બાબુઓને RTI કાયદા હેઠળની અરજીએ સીધાદોર કર્યા

28 March, 2020 05:19 PM IST | Mumbai
Dhiraj Rambhia

વીમા કંપનીના બાબુઓને RTI કાયદા હેઠળની અરજીએ સીધાદોર કર્યા

RTI

RTI


ચારકોપ, કાંદિવલી (વેસ્ટ)માં રહેતા અમિત સૂર્યકાંત ગડાના પરિવારને સરકારી વીમા કંપની તથા તેના ટી.પી.એ. (થર્ડ પાર્ટી એડમીનીસ્ટેટર), ડી.એન.એસ.ના બાબુઓએ નવ મહિના ઉપરાંતના સમય સુધી કરેલી સતામણી તથા આરટીઆઇ અરજીના કારણે ૨૨ દિવસમાં આવેલા સુખદ અંતની આ કથા છે.

અમિતભાઈના પિતાશ્રી સૂર્યકાંતભાઈને ન્યુમોનિયા થવાથી ૨૦૧૭ની ૨૦ નવેમ્બરના મલાડ (વેસ્ટ )સ્થિત થુંગા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. તબિયત સારી થતાં ૨૦૧૭ની પાંચ ડિસેમ્બરના રજા આપવામાં આવી. તેઓ શ્રી ક.વી.ઓ. સેવા સમાજની ગ્રુપ ઇન્શ્યૉરન્સ સ્કીમ, સંજીવની હેઠળ સરકારી વીમા કંપની નૅશનલ ઇન્શ્યૉરન્સ કં. લિ.ની મેડિક્લેમ પૉલિસી ધરાવતા હતા. ૨૦૧૭ના પાંચ ડિસેમ્બરના પત્ર દ્વારા વીમા કંપનીના ટી.પી.એ.એ હૉસ્પિટલને જણાવ્યું કે કૅશલેસ ફૅસિલિટીના પ્રી-ઑથોરાઇઝેશનની આપની વિનંતીના અનુસંધાનમાં જણાવવાનું કે આપે આપેલી વિગતોના પરિપ્રેક્ષ્યમાં ૧,૧૩,૧૬૮ રૂપિયાની રકમ કૅશલેસ તરીકે મંજૂર કરવામાં આવે છે. આથી આપ નૅશનલ ઇન્શ્યૉરન્સ કં. લિ. A/C સૂર્યકાંત બી. ગડાના નામે બિલ બનાવી દરદીના ડિસ્ચાર્જની તારીખથી સાત દિવસમાં અમને મોકલાવી આપશો.



હૉસ્પિટલે મળેલી સૂચના મુજબ બિલ બનાવીને દરદીને આપ્યું. અમિતભાઈએ વીમા કંપનીનું મેડિક્લેમ માટેનું અરજીપત્રક ભરી સર્વે સંબંધિત બિલ્સ, વાઉચરો, પ્રિસ્ક્રિપ્શન્સ જોડીને ટી.પી.એ.ની ઑફિસમાં આપ્યું, જેના પર ટી.પી.એ.ના બાબુઓએ ન તો કોઈ કાર્યવાહી કરી કે ન કોઈ પ્રત્યુત્તર પાઠવ્યો. આજકાલ કરતાં છ મહિનાનો સમય વ્યતીત થઈ ગયો, પણ ક્લેમની ફાઇલ બાબુઓના ટેબલ પર ધૂળ ખાતી પડી રહી.


અભી બોલા, અભી ફોકની માનસિકતા ધરાવતા ટી.પી.એ.ના બાબુઓ લેખિત પત્ર દ્વારા આપેલી બાંહેધરી પરિપૂર્ણ કરવામાં ઠાગાઠૈયા કરતા રહ્યા. ૨૦૧૮ની ૨૬ જૂનના પત્ર દ્વારા હૉસ્પિટલે પણ જણાવ્યું કે કૅશલેસની રકમ ટી.પી.એ. દ્વારા હજી પ્રાપ્ત થઈ નથી.

શું કરવુંની ગડમથલમાં બીજા અઠવાડિયાનો સમય વ્યતીત થઈ ગયો. પોતાની વ્યથાની આ વાત અમિતે પોતાના કાકાના દીકરા ભરત ગડાને એ અપેક્ષાએ કરી કે તરુણ મિત્ર મંડળ સાથે તેઓ ગાઢ રીતે સંકળાયેલા હોવાથી તેમની પાસેથી મદદ મળશે. ભરતભાઈએ સંસ્થા સંચાલિત આર.ટી.આઇ. કેન્દ્ર-ફોર્ટના જ્યેષ્ઠ સેવાભાવી અનંત નંદુનો સંપર્ક નંબર આપ્યો. અમિતે  અનંતભાઈને પોતાની મનોવેદનાની વાત કરી. અનંતભાઈએ સેવાકેન્દ્રનું સરનામું આપ્યું તથા મંગળવારે સાંજના ૬.૩૦થી ૮.૩૦ દરમ્યાન મેડિક્લેમની ફાઇલ તથા ટી.પી.એ. સાથે કરેલા પત્રવ્યવહારની કૉપીઓ લઈ આવવા જણાવ્યું.


૨૦૧૮ની પાંચ જુલાઈના અમિત ફોર્ટ કેન્દ્ર પર અનંતભાઈને મળ્યા. અનંતભાઈ તથા કેન્દ્રના અન્ય સેવાભાવીઓએ અમિતભાઈની વ્યથાની વાત શાંતિથી સાંભળી, લાવેલી ફાઇલ તથા પત્રવ્યવહારનો અભ્યાસ કરી, વીમા કંપનીના ગ્રીવન્સ ડિપાર્ટમેન્ટ પર વિગતવાર પત્ર બનાવી આપ્યો જે અમિતભાઈએ વીમા કંપનીના ગ્રીવન્સ ડિપાર્ટમેન્ટમાં જમા કરાવી ઝેરોક્સ કૉપી પર સહીસિક્કા કરાવી લઈ લીધો. અનંતભાઈએ વીમા કંપનીમાં પત્ર આપ્યા બાદ ત્રણેક અઠવાડિયાં બાદ જો ક્લેમની રકમ ન મળે તો મળવા આવવાનું અમિતને જણાવ્યું.

ત્રણ અઠવાડિયાંનો સમય પસાર થઈ ગયો. વીમા કંપનીના બાબુઓએ જનસામાન્યના પત્રનો જવાબ ન આપવાની વારસામાં મળેલી પરંપરા જાળવી. પૉલિસીના વેચાણ વખતે ઉત્તમોત્તમ સર્વિસ આપવાની વાતની બાંગ પોકારનારાઓ વીમાધારકના ક્લેમની રકમ મંજૂર કરવામાં અને ચુકવણી કરવામાં મૌનસ્થ થતા હોવાના કિસ્સાઓ દિન-પ્રતિદિન વધતા જાય છે.

અમિતભાઈએ અનંતભાઈને ત્રણ આઠવાડિયાં બાદ ફોન કરી, ક્લેમની સ્થિતિ જૈસે થે જેવી જ હોવાની વાત કરી. આથી અનંતભાઈએ અમિતભાઈને કેન્દ્ર પર બોલાવી આર.ટી.આઇ. કાયદા હેઠળની પ્રથમ અરજી બનાવી આપી જે ૨૦૧૮ની ૮ ઑગસ્ટના વીમાકંપનીના સંબંધિત વિભાગમાં જમા કરવામાં આવી.

આર.ટી.આઇ. કાયદા હેઠળની અણિયાળી અરજી મળતાં ધ્યાનસ્થ હોવાનો ઢોંગ કરતાં વીમા કંપનીના મૌનસ્થ લાલાઓ સફાળા જાગ્યા. પૉલિસીધારકના પત્રનો જવાબ ન આપવાની ધૃષ્ટતા કરનારાઓ કામધંધે લાગ્યા. કોલ્ડ સ્ટોરજને હવાલે કરેલી ફાઇલ ફંગોળાઈ. નવ મહિનાથી વીમાધારકની યાતના પર અકર્તવ્યશીલતા સેવતા બાબુઓને આરટીઆઇ અરજીએ યુદ્ધના ધોરણે કામે લગાડ્યા, જેના કારણે નવ મહિનાની યાતનાનો નવ દિવસમાં સુખદ અંત આવ્યો અને બૅન્ક ખાતામાં ૨૦૧૮ની ૨૯ ઑગસ્ટના ક્લેમની પૂર્ણ રકમ બાબુઓએ ચૂપચાપ જમા કરી દીધી એટલું જ નહીં, હૉસ્પિટલની બાકી રહેતી રકમ પણ ચૂકવી દેવામાં આવી. સેવાભાવી અનંતભાઈ તથા સાથીઓની કર્તવ્યનિષ્ઠાના કારણે સૂર્યકાંતભાઈના પરિવારની યાતનાનો સુખદ અંત આવ્યો તથા ફાઇટ ફૉર યૉર રાઇટની વિભાવનાનો જયઘોષ થયો.

મુખવાસ:

બસ... મને એટલું દે પરવરદિગાર,

સુખ જ્યાં અને જ્યારે મળે ત્યારે સૌનો વિચાર દે;

દુનિયામાં કેટલાનો કરજદાર છે મરીઝ,

ચૂકવું બધાનું દેણ જો અલ્લાહ ઉધાર દે!

Whatsapp-channel Whatsapp-channel

28 March, 2020 05:19 PM IST | Mumbai | Dhiraj Rambhia

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK