Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > કાંદિવલીની શતાબ્દી હૉ‌સ્પિટલમાં તો જાણે દિવાળી આવી

કાંદિવલીની શતાબ્દી હૉ‌સ્પિટલમાં તો જાણે દિવાળી આવી

17 January, 2021 08:27 AM IST | Mumbai
Bakulesh Trivedi | bakulesh.trivedi@mid-day.com

કાંદિવલીની શતાબ્દી હૉ‌સ્પિટલમાં તો જાણે દિવાળી આવી

શતાબ્દી હૉસ્પિટલનાં મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ પ્રતિમા પાટીલ (લાલ સાડીમાં) અન્ય સ્ટાફ ડૉક્ટરો સાથે

શતાબ્દી હૉસ્પિટલનાં મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ પ્રતિમા પાટીલ (લાલ સાડીમાં) અન્ય સ્ટાફ ડૉક્ટરો સાથે


આખા દેશની જેમ કાંદિવલીમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર હૉસ્પિટલ (શતાબ્દી હૉસ્પિટલ)માં પણ મેડિકલ પ્રોફેશન સાથે સંકળાયેલા અને પહેલીથી જ રજિસ્ટર કરાવેલા અનેક લોકો વૅક્સિન લેવા આવી પહોંચ્યા હતા. મુખ્ય વાત એ હતી કે લોકોને એના પર પૂરતો ભરોસો હતો, કોઈ શંકા નહોતી, કોઈ સવાલ નહોતા લોકોનું કહેવું હતું કે જો મોદી સરકારે આ વૅક્સિન અપ્રૂવ કરી છે તો એ બરોબર જ હશે, એની ગૅરન્ટી છે. વળી આ બધા જ સરકારી અથવા પ્રાઇવેટ હૉસ્પિટલ અથવા મેડિકલ ડિપાર્ટમેન્ટ કે પ્રોફેશન સાથે સંકળાયેલા લોકો હતા, જે વૅક્સિન વિશે અને એની અસરકારકતા કે પછી તેની આડઅસર વિશે કૉમન મૅન કરતાં વધુ સારી રીતે માહિતગાર હતા. તેમણે સરકાર દ્વારા માન્યતા અપાયેલી કોવિશિલ્ડ અને કોવૅક્સિન વૅક્સિન પર પૂરતો ભરોસો દાખવ્યો હતો.

શતાબ્દી હૉસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોર પર જ મેઇન ગેટની સામેના ઓપન હૉલમાં જે લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું અને જેમને આજે વૅક્સિન લેવા બોલાવ્યા હોય તે લોકોના આધાર કાર્ડ સાથે આઇડેન્ટિટી અને રજિસ્ટ્રેશન બન્ને ચેક કરી કન્ફર્મ કરી ટોકન આપવામાં આવતું હતું. એટલું જ નહીં, ત્રીજા માળે તૈયાર કરાયેલા વૅક્સિનેશન સેન્ટરમાં જતાં પહેલાં તેમને અહીં હૉલમાં જ રાહ જોવા ખુરશીઓ મૂકીને બેસવાની વ્યવસ્થા કરાઈ હતી. જોકે શરૂઆતમાં થોડી ગિરદી થઈ હતી અને લોકો એકબીજાની નજીક ઊભા રહેવા માંડ્યા હતા અને સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાયું નહોતું, પણ ત્યાર બાદ હૉસ્પિટલના મેડિકલ સ્ટાફનું એ બાબતે ધ્યાન જતાં તેણે લોકોને અંતર જાળવી ઊભા રહેવા જણાવ્યું હતું.   



ત્રીજા માળે પણ ઓપન હૉલમાં જ વૅક્સિન આપવા માટે ત્રણ વિભાગ ઊભા કરાયા હતા. પહેલા વિભાગમાં એ લોકોનું ફરી એક વખત ચેકિંગ કરાતું અને માહિતી આપવામાં આવતી હતી કે કોવિડ વૅક્સિન શું છે? એ લીધા પછી શું કાળજી રાખવાની છે. જો તકલીફ થાય તો કોનો કૉન્ટ્રૅક્ટ કરવો. પ્રાથિમક તબક્કે શું દવા લેવી વગેરે. બીજા તબક્કામાં ટ્રેઇન્ડ મેડિકલ સ્ટાફ દ્વારા વૅક્સિન આપવામાં આવતી હતી. ત્રીજા વિભાગમાં પોસ્ટ વૅકિસન ઑબ્ઝર્વેશન રૂમમાં અડધો કલાક તેમને બેસવા કહેવાતું હતું. તેમને અપાયેલી વૅક્સિન અપાયાનો ટાઇમ અને તારીખ નોંધી લેવાતી હતી. તેમને ૨૮ દિવસ પછી ફરી ડોઝ લેવા આવવાનું છે એ પણ જણાવવામાં આવતું. જો કોઈને તકલીફ થાય તો એના માટે મેડિકલ સ્ટાફ તૈયાર રાખવામાં આવ્યો હતો. 


કોઈ જોખમ નથી

કોવિડ વૅક્સિન આપવાની હોવાથી હૉ‌સ્પિટલમાં શું કાળજી રાખવામાં આવી એ બાબતે હૉસ્પિટલની એક મહિલા-કર્મચારીએ કહ્યું હતું કે ‘આખી હૉસ્પિટલ, દરેક વૉર્ડ, દરેક પેસેજ, લૅબ બધુ જ ક્લીન કરાયું છે. એક વાર ફ્યુમિગેશનથી ક્લીન કરાયું, ત્યાર બાદ આખી હૉસ્પિટલ ધોવડાવાઈ છે. કોઈ જોખમ નથી, બહુ જ કાળજી  લેવાઈ છે.


છેલ્લા એક મહિનાથી કોવિડના દરદીનો વૉર્ડ બંધ કરી દેવાયો છે. હાલ એક પણ કોવિડ દરદી હૉસ્પિટલમાં સારવાર હેઠળ નથી.

હૉસ્પિટલ ક્લીન કરતાં પહેલાં મોટા ભાગના દરદીઓની તબિયત સારી કરી તેમને રજા અપાઈ હતી. ત્યાર બાદ આખી હૉસ્પિટલ ક્લીન કરાયા પછી જ નવા દરદીઓને ઍડ્મિશન આપવામાં આવતાં હાલમાં દરદીઓની સંખ્યા ઓછી છે. એમ છતાં તેમની પુરતી કાળજી લેવાઈ રહી છે. વૅક્સિનેશન માટે તો મોટા ભાગનો એ જ સ્ટાફ છે કે જેમને આ માટેની ખાસ ટ્રેઇનિંગ અપાઈ છે.

અત્યારે ૨૦૦૦ લોકોને વૅક્સિન

શતાબ્દી હૉસ્પિટલનાં મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ પ્રતિમા પાટીલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમને હાલમાં કોવિશિલ્ડ વૅક્સિનના ૪૦૦૦ ડોઝ સપ્લાય કરાયા છે. સવારના ૧૧.૩૫ વાગયાની આસપાસ અમે વૅક્સિન આપવાનું ચાલુ કર્યું. દરેક વ્યક્તિને બે ડોઝ આપવાના છે એથી હાલ ૨૦૦૦ લોકોને એ આપશું. જો એ દરમિયાન ડોઝની વધુ સપ્લાય થશે તો એ રીતે મૅનેજ કરીશું. અમારો સ્ટાફ પ્લસ બીએમસીના હેલ્થ ડિપાર્ટમેન્ટનો સ્ટાફ, પ્રાઇવેટ ડૉક્ટર્સ અને નર્સ એમ બધાનો જ આ વૅક્સિનેશન ડ્રાઇવમાં સપોર્ટ મળ્યો છે. એટલું જ નહીં, તેમણે બધાએ ટ્રેઇનિંગ પણ લીધી છે. નૉર્મલ દરદીઓને આના કારણે કોઈ તકલીફ ન પડે એની કાળજી લેવામાં આવી છે. વૅક્સિન રાખવા ખાસ આઇએલઆર રૂમ બનાવ્યો છે, જેમાં એ વૅક્સિન સ્ટોર કરાઈ છે. પોલીસ-કર્મચારીઓ જાતે પણ ત્યાં સતત પહેરો ભરે છે. એ ઉપરાંત સીસીટીવી કૅમેરાથી પણ એના પર સતત નજર રાખવામાં આવી રહી છે.’

Whatsapp-channel Whatsapp-channel

17 January, 2021 08:27 AM IST | Mumbai | Bakulesh Trivedi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK