હવન કરેંગે

Published: 27th December, 2014 07:02 IST

એક તરફ દર મિનિટે વાતાવરણમાં અઢળક ઝેરી વાયુઓ ઠલવાઈ રહ્યા છે ત્યારે મુંબઈની એવી ત્રણ ફૅમિલીને મળીએ જે રોજ યજ્ઞ કરી ઘર ને આસપાસના વાતાવરણને શુદ્ધ રાખવાનો નમ્ર પ્રયાસ દાયકાઓથી કરી રહી છેસ્પેશ્યલ સ્ટોરી- પલ્લવી આચાર્ય

ધર્મ કે વૈદિક કર્મો પર તમે આસ્થા રાખો કે ન રાખો, પણ મુંબઈની ત્રણ ફૅમિલીને મળીને તમને ચોક્કસ લાગશે કે રોજ હવન એટલે કે યજ્ઞ કરવો જરૂરી છે. વિજ્ઞાન, તર્ક, યુક્તિ અને પ્રત્યક્ષ પ્રમાણો પર જ વિશ્વાસ રાખતી આજની નવી પેઢીને પણ વિશ્વાસ કરવા પ્રેરે એટલી હદે વાયુનું શુદ્ધિકરણ હવન કરવાથી થાય છે એટલું જ નહીં, એનાથી શરીરને ઉપયોગી વાયુ પેદા થાય છે જેને વિજ્ઞાનનું પણ સમર્થન મળ્યું છે. આ વૈદિક ક્રિયાને દાયકાઓથી મુંબઈ જેવા મેટ્રો સિટીમાં પણ જીવંત રાખી રહેલા વિરલાઓને મળીને જાણીએ તેમની વિરલ વાતો.

સવાસોથી વધુ વર્ષથી રોજ હવન

અપોલો મિલ કમ્પાઉન્ડ વિસ્તારમાં રહેતા ડૉ. પ્રતાપરાય સુરજી વલ્લભદાસના ઘરે સવાસોથી વધુ વર્ષથી રોજ હવન થાય છે. પ્રતાપરાયના દાદા વલ્લભદાસે ઘરે રોજ યજ્ઞ કરવાનું શરૂ કર્યું હતું એ પરંપરા આજે છઠ્ઠી પેઢીએ પણ અવિરત ચાલુ છે. પ્રતાપરાય હાલ ૯૬ વર્ષના છે. તેઓ કહે છે, ‘સ્વામી દયાનંદ સરસ્વતીએ મારા દાદા વલ્લભદાસજીને રોજ ઘરે યજ્ઞ કરાવવાનું શરૂ કરાવ્યું હતું. ઘરે યજ્ઞ કરવાનો સૌથી મોટો ફાયદો જુઓ, આજે ૯૬ વર્ષે પણ હું દોડતો છું. મારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ ખીચોખીચ છે.’

તેમનો દીકરો આદિત્ય, પૌત્ર રાજન્ય અને પ્રપૌત્ર રાયનમાં પણ આ પરંપરાગત સંસ્કાર છે. રોજ સવારે નાહીધોઈ કામ પર જતાં પહેલાં આ પરિવાર યજ્ઞ કરે છે. ૨૦ મિનિટની યજ્ઞની વિધિ કરવા માટે ઘરમાં કોઈને કમ્પલ્શન નથી, પણ પરંપરાને બધા અનુસરે છે એમ જણાવી કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા આદિત્યભાઈનાં વાઇફ ગીતા કહે છે, ‘હવનના કારણે અમારા ઘરમાં નેગેટિવિટી નથી રહેતી અને ઘરનું વાતાવરણ વધુ પીસફુલ રહે છે. હવન માટે રોજ નિયત સમયે બધાએ તૈયાર થવાનું હોવાથી ઘરમાં હાર્મની જળવાઈ રહે છે. રોજના આ યજ્ઞ ઉપરાંત અમારા ઘરે કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે અને વૈદિક સંસ્કૃતિમાં માણસના જે સોળ સંસ્કાર કહ્યા છે એમાં પણ અમારા ઘરે હવન થાય છે.  આ પરંપરાને અમારી નવી પેઢી પણ ચોક્કસ અનુસરશે, કારણ કે તેમનામાં આ સંસ્કારનું બીજ બચપણથી જ રોપાયેલું છે. તમે પણ અનુભવ્યું હશે કે ઘરમાં પૂજા ચાલતી હોય ત્યારે વાતાવરણ સારું લાગે, અશાંતિ ન જણાય. યજ્ઞના કારણે આવેલી સંવાદિતાને લઈને જ ઘરના લોકો જમવાથી લઈને દરેક કામ ટાઇમ પર કરી લે છે. જીવનમાં જો આવી નિયમિતતા હોય તો હેલ્થ અચૂક સારી રહેવાની જ છે.’મુંબઈમાં કેટલાક લોકોની એવી સ્થિતિ હોય છે કે એક સાંધે ને તેર તૂટે ત્યાં યજ્ઞનો એક્સ્ટ્રા ખર્ચ કેવી રીતે પોસાય એવો સવાલ સહેજે થાય. એ સામે આ પરિવારનું કહેવું છે કે તમે વડાપાંઉ ખાવાનો ખર્ચ કરો છોને? આ ક્રિયા ખાવું, પીવું, નાહવું જેવી જ જરૂરી છે અને એનો બહુ મોટો ખર્ચ નથી કે અફૉર્ડ ન કરી શકાય. યજ્ઞમાં હોમવા માટે ઋતુ પ્રમાણેની સામગ્રી મળે છે. એનો ઉપયોગ થાય તો એ સ્વાસ્થ્ય માટે ઘણું ફાયદાકારક છે. ઉપરાંત સવારે રોજની ૨૦ મિનિટ જ તમારે ફાળવવાની છે.

૪૦ વર્ષથી કરે છે હવન

ઘાટકોપર (વેસ્ટ)માં રહેતા ૫૬ વર્ષના વિનોદ વેલાણીનો પરિવાર ૪૦ વર્ષથી રોજ ઘરમાં હવન કરે છે, એકેય દિવસ સ્કિપ નથી કર્યો. વિનોદભાઈના પિતા ધનજીભાઈ જેઓ બે વર્ષ પહેલાં ૮૦ વર્ષે ગુજરી ગયા તેમણે આ પરંપરા શરૂ કરી હતી. કચ્છના કોડાય ગામથી મુંબઈ આવીને તગારાં ઉપાડવાનું મજૂરીકામ કરતા ધનજીભાઈને આ વૈદિક ક્રિયાનો નાદ ક્યાંથી અને કેવી રીતે લાગ્યો એ કથની પણ બહુ દિલચસ્પ છે. બિલ્ડિંગો બંધાતાં હોય ત્યાં મજૂરીકામ કરતા ધનજીભાઈ શિવગુણબાપા તરીકે ઓળખાતા ઘાટકોપરના બિલ્ડરને ત્યાં કામ કરતા હતા. શિવગુણ કાનજી વેલાણી કરાચીના આર્યસમાજમાંથી વેદનું જ્ઞાન લઈને આવ્યા હતા અને પોતાના ઘરમાં રોજ યજ્ઞ કરતા હતા. શિવગુણબાપાના ઘરમાં પણ સો વર્ષથી યજ્ઞ ચાલે છે. તેમના દીકરા, પૌત્ર અને પ્રપૌત્ર પણ રોજ હવન કરે છે. આ પરિવારમાં કેટલાક ડૉક્ટર છે, પણ ઘરમાં હવન કર્યા પછી જ દરેક જણ પોતાના કામ પર જાય છે. શિવગુણબાપાના ઘરે જતા ધનજીભાઈ રોજ થતો હવન જોતા અને તેમને આ કેવી રીતે થાય છે વગેરે જાણવાની ઇચ્છા થતી, પણ પોતે મજૂરિયા હોવાથી અંદર જઈને જોતાં સંકોચ થતો. છતાં એક વાર તેમણે આ પરિવારને કહ્યું કે મારે પણ મારા ઘરે આવી રીતે હવન કરવો છે.

પરિવારે મદદ કરી. તેમને વાંચતાં પણ નહોતું આવડતું, પણ રોજ બોલાતા મંત્રો સાંભળી તેમને કેટલાક મોઢે થઈ ગયા હતા. ઘાટકોપરની ગુરુકુળ સ્કૂલમાં અડધો દિવસ જઈને વાંચતાં શીખ્યા અને એમ ૧૯૭૧માં તેમણે પણ ઘરમાં યજ્ઞ કરવાનું નક્કી કયુંર્. ધનજીભાઈ શરૂઆતમાં વીકમાં બે દિવસ હવન કરતા હતા, પણ સ્વામી આર્યભિક્ષુએ તેમને સલાહ આપી કે ‘તમને જમવા રોજ જોઈએ છેને? તો હવન વીકમાં બે વાર ન ચાલે. હું ટ્રેનમાં ટ્રાવેલ કરતો હોઉં છું તો પણ યજ્ઞ કરી લઉં છું.’બસ, ત્યારથી ધનજીભાઈના ઘરમાં રોજ હવન થાય છે. મજૂરીકામ કરતા ધનજીભાઈ પછી બિલ્ડિંગ-કન્સ્ટ્રક્ટર બની ગયા. 

કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા વિનોદભાઈનો આખો પરિવાર રોજ સવારે સાડાઆઠ વાગ્યે યજ્ઞમાં સામેલ થાય છે. એ પછી જ બધા પોતપોતાના કામે જાય છે એની વાત કરતાં વિનોદભાઈ કહે છે, ‘અમારા કરતાં પણ વધુ શ્રદ્ધા અમારી પુત્રવધૂઓને છે. યજ્ઞના કારણે ઘરનું વાતાવરણ રોજ શુદ્ધ રહેવાથી અમારા પરિવારને બીમારીઓ નથી નડતી.’ વિનોદભાઈના ચારે ભાઈઓના ઘરે પણ રોજ હવન થાય છે. વેદોક્ત પદ્ધતિ મુજબ હવન કરતાં રોજ પંદરથી વીસ મિનિટ લાગે છે એની વાત કરતાં તે કહે છે, ‘હવનનું પાત્ર સાયન્ટિફિકલી એ રીતે બનાવવામાં આવ્યું હોય છે જેને લઈને અગ્નિ બરાબર પ્રજ્વલિત થાય છે. અગ્નિ પ્રજ્વલિત થાય તો જ વાતાવરણ શુદ્ધ થઈ શકે.’

ઉપરાંત વેદમાં જણાવ્યા અનુસાર ઋતુ મુજબની સામગ્રી અને ઘીની આહુતિ આપવામાં આવે છે. આ સામગ્રી આર્યસમાજ વનસ્પતિઓ અને જડીબુટ્ટીઓમાંથી બનાવે છે. રોજ બોલવાના કારણે યજ્ઞ વખતે બોલવાના મંત્રો પરિવારને મોઢે થઈ ગયા છે.
વિનોદભાઈની દીકરીનાં લગ્ન વખતે શરૂ થયેલો હવન રિસેપ્શન પૂરું થયું ત્યાં સુધી એટલે કે છ કલાક ચાલ્યો હતો, જેમાં લગ્નમાં આવેલા બધા જ લોકોએ આહુતિ આપી હતી. આટલો લાંબો સમય યજ્ઞ ચાલતો રાખવા પાછળનું કારણ આપતાં વિનોદભાઈનું કહે છે, ‘લગ્નમાં લોકો ફટાકડાનો ખર્ચ કરે છે એના બદલે યજ્ઞ કરે તો વાયુ શુદ્ધ થાય. ફટાકડા વાયુપ્રદૂષણ કરે છે. યજ્ઞનો ખર્ચ રોજનો વીસથી પચીસ રૂપિયા થાય. એની સામે તમને જે શુદ્ધ હવા મળે છે એ કેટલી કીમતી છે! યજ્ઞમાં સમિધા માટે પીપળો અને ખાખરાનું લાકડું વાપરવામાં આવે છે અને આહુતિ માટેની સામગ્રી ઋતુ મુજબની આર્યસમાજ મંદિરમાં તૈયાર કરવામાં આવે છે એ અને સાથે ગાયનું ઘી હોય છે.’

૨૦ વર્ષથી રોજ હવન

બોરીવલી (ઈસ્ટ)માં રહેતા પરેશ પટેલના ઘરે ૨૦ વર્ષથી રોજ હવન થાય છે. પરેશભાઇનો આખો પરિવાર રોજ સવારે સાડાસાત વાગે હવનમાં બેસે પછી જ બધા પોતપોતાના કામે જાય છે. ૨૦ મિનિટ વેદોક્ત મંત્રોના ઉચ્ચારણ સાથે આહુતિ આપ્યા પછી આખો પરિવાર ૧૦ મિનિટ પ્રાણાયામ કરે છે. પરેશભાઈના પિતા નાનજીભાઈએ આર્યસમાજના સંપર્કમાં આવ્યા પછી ઘરમાં હવન કરવાની શરૂઆત કરી હતી. કૉલેજમાં ભણતો પરેશભાઈનો દીકરો અને દીકરી પણ આ પરંપરામાં માને છે અને એને અનુસરે છે. યજ્ઞના કારણે વાતાવરણ શુદ્ધ રહે છે અને હેલ્થ માટે તો એ બહુ જ ઉપયોગી છે એની વાત કરતાં વિનોદભાઈ કહે છે, ‘છેલ્લાં ૧૦ વર્ષથી મારા ૮૫ વર્ષના ફાધરથી લઈને ઘરમાં કોઈને એકેય દવાની ગોળી કે ઇન્જેક્શન કે કોઈ સારવાર લેવી નથી પડી એટલું જ નહીં, અમે સાતમા માળે રહીએ છીએ, કોઈ વાર લિફ્ટ બંધ હોય તો મારા ફાધર દાદરા ચડી પણ જાય છે.’

પરેશભાઈનાં વાઇફ અરુણા છેલ્લાં દસ વર્ષથી યોગ અને સંસ્કૃતનો અભ્યાસ કરી રહ્યાં છે. મુંબઈ યુનિવર્સિટીમાંથી યોગમાં ડિપ્લોમા અને પછી ઍડ્વાન્સ્ડ ડિપ્લોમા કયોર્. એ પછી એક વર્ષ સંસ્કૃતમાં ડિપ્લોમા કયોર્ અને પાંચ વર્ષથી ભારતીય વિદ્યાભવનમાં સંસ્કૃતના ર્કોસની એક્ઝામ આપી રહ્યાં છે. આ બધું તે સમાજને સંસ્કૃત અને યોગ શીખવવા માટે શીખી રહ્યાં છે. હવે તેઓ પાટીદાર સમાજમાં તથા જુદી-જુદી સંસ્થાઓમાં ફ્રીમાં યોગ અને સંસ્કૃત શીખવી રહ્યાં છે. પરેશભાઈને શ્રદ્ધા છે કે તેમનાં સંતાનો યજ્ઞ કરવાની તેમની પરંપરાને આગળ વધારશે. 

હવન સંબંધી સંશોધન

પુણેની ફગ્યુર્સન કૉલેજના જીવાણુશાસ્ત્રીઓએ યજ્ઞ પર સંશોધન કરવા માટે એક હૉલમાં યજ્ઞ કર્યો ત્યારે હૉલના આઠ હજાર ઘનફૂટ વાયુમાં કૃત્રિમ રીતે પેદા કરેલા પ્રદૂષણનો ૭૭.૫ ટકા ભાગ નાશ પામ્યો હતો એટલું જ નહીં, આ પ્રયોગથી તેમણે તારવ્યું કે એક વખતના અગ્નિહોત્રથી પેદા થતા પુષ્ટિકારક વાયુના લીધે વાતાવરણના ૯૬ ટકા હાનિકારક બૅક્ટેરિયા નાશ પામે છે.

સામાન્ય રીતે હવામાં ૨૧ ટકા ઑક્સિજન, ૭૮ ટકા નાઇટ્રોજન, ૦.૦૩ ટકા કાર્બન ડાયોક્સાઇડ તથા એક ટકા અન્ય વાયુઓ હોય છે. હવામાં ઝેરીલા વાયુ ભળવાથી વાયુ પ્રદૂષિત થાય છે. પાંચ વર્ષ પહેલાં ઘાટકોપરમાં માણેકલાલ મેદાનમાં પાંચેક લાખ રૂપિયાના ખર્ચે યજ્ઞ કરવામાં આવ્યો હતો. ૩ દિવસના આ યજ્ઞમાં સંશોધન માટે ત્ત્વ્ના એન્જિનિયરોએ વાતાવરણની શુદ્ધિ માપતાં યંત્રો મૂક્યાં હતાં અને વાતાવરણનું ઍનૅલાઇઝેશન કયુંર્ જેમાં કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મૉનોક્સાઇડ સહિતના ઝેરી વાયુઓ ગાયબ હતા.

ધૂણી ધખે છે


નાશિક નજીકના ચાલીસગાંવમાં એક વિદેશી ૨૪ કલાક યજ્ઞ કરી રહ્યો છે એટલું જ નહીં, તેણે વિદેશમાં અનેક શાખાઓ ખોલી યજ્ઞ શરૂ કર્યા છે. ભારત જ નહીં, વિદેશોમાં પણ હવે યજ્ઞનું પ્રચલન બહુ વધી રહ્યું છે. વિનોદભાઈનું કહેવું છે કે તેઓ ગુજરાતમાં એક યજ્ઞશાળા બનાવી સંશોધન કરવાના છે. સમાજને પાખંડ અને અંધશ્રદ્ધામુક્ત કરી સાચા ધાર્મિક માર્ગે લઈ જવા માટે જેણે પ્રચંડ પુરુષાર્થ કર્યો હતો તે સમાજસુધારક મહર્ષિ દયાનંદ સરસ્વતીએ ભારતીય સંસ્કૃતિના રક્ષણ અને સંવર્ધન માટે આર્યસમાજ નામની સંસ્થાની સ્થાપના કરી હતી, જે આજે પણ કાર્યાન્વિત છે એટલું જ નહીં; સંસ્કૃતિના અનેક પડકારો સામે સમાજને જાળવવા માટે મથી રહી છે. આ આર્યસમાજ  ઘરના વાતાવરણની શુદ્ધિ માટે રોજ વૈદિક મંત્રો સહિતના દૈનિક યજ્ઞની હિમાયત કરે છે. એ માટે તેમણે એક સંહિતા પણ બનાવી છે એટલું જ નહીં, એના સંપર્કમાં આવતા લોકો અગ્નિહોત્રનું મહત્વ સમજતા થયા હોવાથી એ કરવા લાગ્યા છે.

બીમારી દૂર કરવાનું સાધન

 પ્રાચીન વૈદિક ક્રિયા અગ્નિહોત્રને હવે વિશ્વના કેટલાક દેશો બીમારીઓ દૂર કરવા, પ્રદૂષણ રોકવા, કૃષિ ઉત્પાદન વધારવા અને ગૃહચિકિત્સા રૂપે અપનાવી રહ્યા છે. અગ્નિહોત્રથી શુદ્ધ થતા વાતાવરણની અસર માનવશરીર પર જ નહીં, વૃક્ષો પર પણ થાય છે એવું રિસર્ચરોએ શોધી કાઢ્યું છે. મુંબઈ જેવાં મેટ્રો સિટીઝમાં જ્યાં અનેક વાઇરલ ઇન્ફેક્શનનો ભોગ લોકો બની રહ્યા છે ત્યાં અગ્નિહોત્રનો પ્રયોગ કરવા જેવો ખરો.

રોજ હવન શું કામ?

વૈદિક માન્યતા અનુસાર પ્રત્યેક બ્રહ્મચારી, ગૃહસ્થ અને વાનપ્રસ્થી માટે નિત્ય યજ્ઞ એટલે કે અગ્નિહોત્ર કરવો જરૂરી છે. યજ્ઞકુંડમાં રોગનાશક, પુષ્ટિકારક, સુગંધિત અને મધુર પદાર્થોવાળી હવનસામગ્રી, ગાયના શુદ્ધ ઘીની આહુતિ આપવાથી જે જ્યોત પ્રજ્વલિત થાય છે એ આસપાસના વાતાવરણના ઝેરી વાયુઓનો નાશ કરી વાતાવરણને શુદ્ધ બનાવે છે. યજ્ઞ માટે સુકાયેલાં સમિધાઓ (લાકડાં) હોવાં જરૂરી છે. જો એ સૂકાં નહીં હોય તો ધુમાડો થશે, જે વાતાવરણને શુદ્ધ કરવાને બદલે બગાડશે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK