પાકિસ્તાનની અવદશાનું કારણ સત્યનો અસ્વીકાર ને જૂઠને સત્ય માનવાની મનોવૃત્તિ

Published: 20th December, 2014 06:52 IST

સ્મશાન-વૈરાગ પત્યા પછી પાકિસ્તાન કઈ રીતે વર્તે છે એના પરથી એનું ભાવિ નક્કી થશેકારણ-તારણ- રમેશ ઓઝા

પેશાવરની ઘટના પછી પહેલી વાર પાકિસ્તાનમાં મંથન શરૂ થયું છે કે ત્રાસવાદના આ વમળમાંથી બહાર કેમ નીકળવું. ત્રાસવાદનો, ઇસ્લામના વિકૃત ચહેરાનો, મૂળભૂતવાદનો, ઇસ્લામના કરાતા રાજકીય દુરુપયોગનો બચાવ કરનારાઓ પહેલી વાર પોતાનો બચાવ કરવાની સ્થિતિમાં મુકાઈ ગયા છે. જોકે તેમણે પોતાની પીપૂડી વગાડવાનું છોડ્યું નથી. ક્રિકેટર અને હવે રાજકારણી બનેલા ઇમરાન ખાન બચાવકારોમાં અગ્રેસર છે. કેટલાક એવી દલીલ કરતા હતા કે પેશાવરની લશ્કરી શાળામાં કાળો કેર કરનારા ત્રાસવાદીઓ અરેબિક અને ઉઝબેકી ભાષામાં વાતો કરતા હતા. આમ કહીને તેઓ એમ સૂચવવા માગે છે કે ત્રાસવાદીઓ વિદેશી છે. કેટલાક અમેરિકન ડ્રોન હુમલાને અને એમાં પાકિસ્તાનની સહમતીને આવી નર્ઘિણ પ્રતિક્રિયા માટે જવાબદાર ઠેરવે છે અને એ રીતે એનો બચાવ કરે છે. કેટલાક ભારત તરફ આંગળી ચીંધે છે. ઇમરાન ખાન ત્રાસવાદીઓ સાથે વાતચીત કરવાની હિમાયત કરે છે. આમ તેઓ દરેક શરમજનક ઘટના પછી તેમની રેકૉર્ડ વગાડતા રહે છે, પરંતુ આ વખતે પહેલી વાર એવું બન્યું છે કે તેમણે ત્રાસવાદનો બચાવ કરવાની જગ્યાએ પોતાનો બચાવ કરવો પડી રહ્યો છે.

પાકિસ્તાનની સરકાર પણ અકળાઈ હોય એમ લાગે છે. હવે પાકિસ્તાનના અસ્તિત્વનો અને પ્રતિષ્ઠાનો સવાલ પેદા થયો છે. જે દિવસે પેશાવરની શાળામાં આતંકવાદીઓ ઘૂસ્યા અને હજુ લશ્કરી ઑપરેશન ચાલતું હતું એ જ દિવસે, એ જ ઘડીએ પાકિસ્તાનની લશ્કરના વડા રાહિલ શરીફ મારતે વિમાને અફઘાનિસ્તાન ગયા હતા. પાકિસ્તાની તાલિબાનોને ખતમ કરવા હોય તો અફઘાનિસ્તાનની સરકારનો સહયોગ જરૂરી છે. પાકિસ્તાની તાલિબાનોનો વડો મૌલાના ફઝલુલ્લા અફઘાનિસ્તાનમાં કોઈ જગ્યાએ છુપાયેલો છે. આ ઉપરાંત અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે કાચી, સંદિગ્ધ અને અત્યારે તો વ્યવહારમાં અસ્તિત્વ પણ નહીં ધરાવતી સરહદની બન્ને બાજુએ સંગઠિતપણે ત્રાસવાદીઓને ઘેરવા પડશે. એ જ દિવસે અને એ જ ઘડીએ લશ્કરી વડા કાબુલ ગયા એ બતાવે છે કે પાકિસ્તાન સરકાર હવે ગળે આવી ગઈ છે. અફઘાનિસ્તાને દરેક પ્રકારની સહાય આપવાનું વચન આપ્યું છે. વિધિની વિચિત્રતા જુઓ, હજુ હમણાં જ અફઘાનિસ્તાને પાકિસ્તાનની આડોડાઈ વિશે ફરિયાદ કરી હતી. ફરિયાદ એ વાતની હતી કે પાકિસ્તાન સરકાર ત્રાસવાદીઓનો અફઘાનિસ્તાનની સામે પસંદગીના ધોરણે ઉપયોગ કરે છે જેથી અફઘાનિસ્તાન પાકિસ્તાનના પ્રભાવમાંથી બહાર ન નીકળી જાય.

ફાંસીની સજા સામે પાકિસ્તાનની સરકારે સામે ચાલીને સ્વૈચ્છિક પ્રતિબંધ મૂક્યો હતો એ પાકિસ્તાનના વડા પ્રધાન નવાઝ શરીફે પાછો ખેંચી લીધો છે. ઇરાદો એવો છે કે હવે પછી કોઈ ત્રાસવાદીને દયા ખાઈને જીવતો છોડવામાં નહીં આવે. જે દિવસે પાકિસ્તાનના વડા પ્રધાને ફાંસીની સજા પરનો સ્વૈચ્છિક પ્રતિબંધ ઉઠાવી લીધો એના બીજા જ દિવસે પાકિસ્તાનની અદાલતે લશ્કર-એ-તય્યબાના ત્રાસવાદી ઝકી ઉર રેહમાન લખવીને જામીન આપ્યા. ૨૦૦૮માં મુંબઈ પર ત્રાસવાદીઓએ હુમલો કર્યો એનો મુખ્ય સંચાલક આ લખવી હતો. તેને જામીન મળવાને પગલે પાકિસ્તાન સરકારે ગઈ કાલે તેના પર મેઇન્ટેનન્સ ફૉર પબ્લિક ઑર્ડર અંતર્ગત કડક જોગવાઈઓ લાગુ કરી દીધી છે જેથી તે ત્રણેક મહિના તો બહાર નહીં આવી શકે.

પાકિસ્તાનમાં જે સપાટી પર નજરે પડે છે એ વાસ્તવમાં હોતું નથી. પાકિસ્તાનમાં ત્રાસવાદીઓ જયારે છૂટે છે ત્યારે સરઘસ કાઢીને તેઓ પોતાની બોડમાં જતા હોય છે અને વર્ષોવર્ષ જંગ ચલાવવાની ઘોષણા કરતા હોય છે. હજુ ૧૫ દિવસ પહેલાં હાફિઝ મોહમ્મદ સઈદે તેમના સંગઠન જમાત-એ-દાવાની પરિષદ બોલાવી તો એમાં લોકો ભાગ લઈ શકે એ માટે પાકિસ્તાન સરકારે ખાસ ટ્રેન દોડાવી હતી. ભારતને લાગેવળગે છે ત્યાં સુધી પાકિસ્તાની ત્રાસવાદી ગમે ત્યારે મુજાહિદ બની જાય છે. લખવી અને સઇદ ભારતના ગુનેગાર છે અને ભારત સરકાર એ બે ગુનેગારોને સોંપવાની માગણી કરી રહી છે જેની સામે પાકિસ્તાન ગલ્લાંતલ્લાં કરે છે. અત્યારે સ્મશાન-વૈરાગ હોઈ શકે છે. સ્મશાન-વૈરાગ શમ્યા પછી પાકિસ્તાનની સરકાર કઈ રીતે વર્તે છે એના પર પાકિસ્તાનનું ભાવિ નક્કી થશે. ત્રાસવાદીઓનો પસંદગીના ધોરણે ભારત અને અફઘાનિસ્તાનની સામે ઉપયોગ કરવામાં આવશે તો પાકિસ્તાન વમળમાંથી બહાર નહીં નીકળી શકે.

સ્મશાન-વૈરાગ તો ભારતમાં પણ જોવા મળી રહ્યો છે. બે દિવસથી સોશ્યલ મીડિયા પર કલ્પાંત થઈ રહ્યો છે અને પાકિસ્તાન માટે સહાનુભૂતિનાં પૂર વહેતાં જોવા મળી રહ્યાં છે. આ એ જ લોકો છે જે સરહદે કોઈ છમકલું થાય ત્યારે પાકિસ્તાનને ખોખરું કરી નાખવાની અને આંખ સામે આંખ લઈને વેર વાળવાની માગણી કરવા લાગે છે. પ્રગલ્ભતા અને સ્વસ્થતા એટલાં સસ્તા નથી જે કાયમ સાથ આપે. એ કેળવવા પડતાં હોય છે, જેમાં અભ્યાસ અને સાધના એમ બન્નેની જરૂર પડે છે. એટલે તો રાજકારણીઓ સામાન્ય જનતાને બેવકૂફ બનાવી શકે છે. ભારતના નાગરિકોનો અવસાદ કેટલો ટકશે એની હવે પછી કસોટી થશે.
પાકિસ્તાને એની ગર્તામાંથી બહાર આવવું હોય તો સૌ પહેલાં ડિનાઇંગ મોડમાંથી બહાર આવવું પડશે. નકારાત્મકતા છોડવી પડશે. કેટલીક વાસ્તવિકતા સ્વીકારવી પડશે અને કેટલીક મિથ્યા માન્યતાઓને છોડવી પડશે: ૧. ભારત પાકિસ્તાન કરતાં છ ગણો મોટો અને લશ્કરી રીતે વધારે શક્તિશાળી તેમજ આર્થિક રીતે વધારે સમૃદ્ધ દેશ છે અને પાકિસ્તાન તુલનામાં નર્બિળ છે. ભારતને ખંડિત કરીને બંગલાદેશનું વેર વાળવાનું પાકિસ્તાને ભૂલી જવું જોઈએ. ૨. ભારતના વિભાજનની ઘટનાને ઇતિહાસજમા થવા દેવી જોઈએ અને પાકિસ્તાને ૧૯૪૭ની સાલના ઇતિહાસમાંથી બહાર આવવું જોઈએ. ૩. પાકિસ્તાનમાં જે પ્રજા વસે છે એ મુસલમાન સિવાયની બીજી ડઝન ઓળખ ધરાવે છે અને ઇસ્લામની પણ એકથી વધુ ઓળખ ધરાવે છે. પાકિસ્તાને વિવિધતા (પ્લુરાલિટી)નો સ્વીકાર કરવો જોઈએ અને એનો અસ્વીકાર કરનારી જમાતને હાંસિયામાં ધકેલવી જોઈએ. ટૂંકમાં પાકિસ્તાને વિદેશી સાઉદી ઇસ્લામ છોડીને પોતાનો ભારતીય ઉપ-ખંડનો ઇસ્લામ સ્વીકારવો જોઈએ. ૪. શાળા અને કૉલેજોનાં પાઠuપુસ્તકોમાં જે ખોટો ઇતિહાસ ભણાવાય છે એને સુધારવો જોઈએ. સત્યના અસ્વીકારને કારણે અને જૂઠને સત્ય માનીને જાતને છેતરવાના કારણે પાકિસ્તાનની આજની આ અવદશા થઈ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK