આજકાલના મ્યુઝિકમાં ક્રીએટિવિટી વધી છે, પણ એમાં આત્માનો અભાવ છે

Published: 20th December, 2014 06:51 IST

છેલ્લા એક દશકમાં દરેક ક્ષેત્રમાં બદલાવ આવ્યો છે તો મ્યુઝિક એમાંથી બાકાત કઈ રીતે રહી શકે? કોઈ પણ ફીલ્ડની વાત કરી લો. કામ ચાલવું એ અલગ વાત છે અને પોતાનો ધર્મ સમજીને કર્મને કરવું જુદી વાત છે.


(સ્પેશ્યલ કમેન્ટ- ઉદિત નારાયણ જાણીતા પ્લેબૅક સિંગર)

 અત્યારે મ્યુઝિક-ઇન્ડસ્ટ્રીમાં પણ એ જ થઈ રહ્યું છે. કામ થઈ રહ્યું છે, પુષ્કળ કામ થઈ રહ્યું છે. ગીતો ફૅક્ટરીના ધોરણે બને છે, પરંતુ તમને ક્યાંય લૅન્ડમાર્ક જોવા નહીં મળે. લતા મંગેશકર, આશા ભોસલે, મોહમ્મદ રફી, કિશોર કુમાર, મહેન્દ્ર કુમાર, તલત મેહમૂદ આ બધાં જ લૅન્ડમાર્ક હતાં, જિનિયસ હતાં. સંગીત તેમના માટે ઈશ્વરીય કાર્ય હતું. માત્ર સિંગર જ શું કામ, મ્યુઝિક-ડિરેક્ટર અને લિરિક્સ રાઇટર પણ ઉચ્ચ સ્તરના  હતા. પાપા કહતે હૈં બડા નામ કરેગા, બેટા હમારા ઐસા કામ કરેગા, મગર યે તો કોઈ ન જાને કિ મેરી મંઝિલ હૈ કહા.. આ શબ્દો સાંભળો, કેટલા સરળ છતાં યુનિવર્સલ શબ્દો છે. આવાં તો સેંકડો ગીતો છે જે પચાસ વર્ષ પછી પણ એટલાં જ લાઇવ છે. એટલાં જ સાંભળવા ગમે છે. એટલાં જ દિલને સ્પર્શી જાય છે.


આજકાલનાં ગીતોની ઉંમર આપણે કેટલી આંકી શકીએ? બે મહિના, ત્રણ મહિના, છ મહિના? એનું કારણ શું એ છે કે આજકાલ ખૂબ મોટી ક્વૉન્ટિટીમાં ગીતો બને છે એટલે નવાં આવતાં એ જલદી જૂનાં થઈ જાય છે. તો-તો પચાસ વર્ષના પિરિયડમાં કેટલાંક નવાં ગીતો આવ્યાં છતાં કેમ આજે પણ પણ એટલાં જ જીવંત લાગે છે? કારણ છે એ ગીતોમાં આત્મા ભળેલો છે. એ ગીત ગાનારનો, એ ગીત લખનારનો, એ ગીત કમ્પોઝ કરનારનો અને એ ગીત ભજવનારનો. અત્યારનાં ગીતોમાંથી એ સોલ જ ગાયબ છે.


સમય સાથે દરેક બાબતમાં બદલાવ આવતો હોય છે, પરંતુ એ બદલાવ આત્મા વિહોણો હોય એ તો યોગ્ય ન ગણાય. હમણાંના ઘણાં સૉન્ગમાં વેસ્ટર્ન મ્યુઝિકમાં થોડા ચેન્જિસ કરીને એને જ મુકી દેવામાં આવે છે. થોડા અંગ્રેજી શબ્દોનો ઉપયોગ કરીને ગીતોને રિમિક્સ કરી દેવામાં આવે છે. અત્યારે પુષ્કળ પ્લૅટફૉર્મ છે. ક્રીએટિવિટી અને ટેક્નૉલૉજીમાં આવેલા ઍડ્વાન્સમેન્ટ તાજુબ પમાડે એવા છે. જોકે દિલને સ્પર્શે અને નોટિસ કરવા પર મજબૂર કરે એવું મ્યુઝિક આંગળીને વેઢે ગણાય એટલું હશે. મ્યુઝિક એક ક્રીએટિવ જૉબ છે એમાં કોઈ પોતાને તીસ માર ખાન ગણી જ ન શકે, કારણ કે દર સેકન્ડે કંઈ નવું શીખવાની, દર ઘડીએ કંઈક નવો સુધારો લાવી શકવાની શક્યતાઓ હોય છે. મેં ગાયેલી મેલડીમાં મૅક્સિમમ મેલડી મેં લતાદીદી સાથે ગાઈ છે. દર વખતે ગીતો ગાતી વખતે જાણે તેમને કંઈ જ નથી આવડતું એટલી સહજતાથી શીખવાની તાલાવેલી તેમનામાં મેં જોઈ છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK