સ્ત્રી-પુરુષની બેવફાઈ અને જુઠ્ઠાણાનો ભોગ નિર્દોષ બાળક બને છે

Published: 16th December, 2014 06:18 IST

હવે તો બાળકના જન્મની સાથે DNA ટેસ્ટ કરાવી લેવાનું સૂચન થવા લાગ્યું છે, જેથી આગળ જઈને છેતરપિંડીની પીડાથી બચી શકાય
સોશ્યલ સાયન્સ-તરુ કજારિયા

વરસો પહેલાં એક નજીકના સ્વજનના પરિવારમાં એક વિચિત્ર કિસ્સો બનેલો. દીકરાનાં ધામધૂમથી લગ્ન કયાર઼્ અને થોડા જ સમયમાં પુત્રવધૂ પ્રેગ્નન્ટ છે એવી ખુશખબર મળી, પરંતુ એ ખુશી અલ્પજીવી નીકળી, કેમ કે લગ્ન પછી સાતમે મહિને જ બાળકનો જન્મ થવાનો હતો! અને એ ગાળામાં જ પ્રેગ્નન્સી વિશેની હકીકત સામે આવી ગયેલી. છોકરી લગ્ન વખતે જ પ્રેગ્નન્ટ હતી! પરિવારે તે દગાબાજ છોકરી અને તેના બાળકને ઘરમાંથી બહાર કાઢીને પોતાના દીકરાને તે દગાબાજ સ્ત્રીથી બચાવી લીધો, પરંતુ તે લાગણીશીલ યુવાનના મન પર એ છેતરપિંડીનો ઊંડો આઘાત પડ્યો. કોઈ પણ સંબંધ કે સ્ત્રી માત્ર પરથી તેનો ભરોસો તૂટી ગયો હતો. દસ વરસ અગાઉ એ ઘટના જાણી ત્યારે મને ખૂબ જ નવાઈ લાગેલી કે આવું આપણા ગુજરાતી સુખી ઘરના પરિવારોમાં પણ બનતું હશે? તે સંતાન આજે ક્યાં હશે? તેના અસલી પિતાએ તેને અપનાવ્યું હશે? આવા સવાલો આજે પણ ક્યારેક થયા કરે છે, પરંતુ તાજેતરના એક સમાચાર વાંચ્યા ત્યારે  આવી છેતરપિંડી હવે કેટલી વ્યાપક બની છે એનો ખ્યાલ આવે છે.

એ સમાચાર પ્રગતિ અને ખુશહાલીમાં અગ્રેસર ગુજરાતના છે. ગુજરાતનું વિકાસ-મૉડલ બહુ પ્રખ્યાત થઈ ગયું છે, પણ આવી બાબતમાં પણ ગુજરાત આગળ પડતું છે એ જાણીને આપણે ચોંકી જઈએ. વાત એમ છે કે ગુજરાતમાં દર વરસે સરેરાશ ૨૫૦થી પણ વધુ બાળકોની DNA ટેસ્ટ થાય છે. તમે પણ એક સમાચાર વાંચ્યા હશે. આ DNA ટેસ્ટ શા માટે થાય છે એ તો તમને ખ્યાલ જ હશે, જે બાળકને પોતાની પત્નીએ જન્મ આપ્યો છે અને જેને પોતાનું બાળક માનીને પોતે ઉછેરે છે તેનો પિતા ખરેખર કોઈ બીજો પુરુષ છે એવી શંકા જ્યારે પતિને આવે છે ત્યારે  સત્ય સુધી પહોંચવા માટે બાળકની DNA ટેસ્ટ કરવાનો નર્ણિય લેવામાં આવે છે. એમાં બાળકના DNA પિતાના DNA કરતાં અલગ હોય તો પિતાની શંકા સાચી છે એમ પુરવાર થાય છે. ગુજરાતમાં આવી ૨૫૦થી પણ વધુ ટેસ્ટ દર વરસે નોંધાય છે! હા, આ તો ઑફિશ્યલી થયેલી ટેસ્ટની જ સંખ્યા છે (પતિની કરડી પૂછતાછ આગળ નરમ પડીને પોતાની બેવફાઈ સ્વીકારી લેતી પત્નીઓનાં બાળકોને કદાચ આવી ટેસ્ટ કરાવવામાંથી મુક્તિ મળી જતી હશે). ગુજરાત રાજ્યની ડિરેક્ટરેટ ઑફ ફૉરેન્સિક સાયન્સિસ નામની એજન્સીમાં એક ખાસ DNA વિભાગ છે. ગાંધીનગરમાં આવેલી આ એજન્સી પાસે આ DNA તપાસ માટેના કેસિસ અદાલત અને પોલીસ પાસેથી આવે છે અને આ એજન્સીના કહેવા મુજબ આ ટેસ્ટ્સમાંથી ૯૮ ટકા કિસ્સાઓમાં પતિની શંકા સાચી પુરવાર થાય છે! સાંભળીને ચોંકી જવાય એવી હકીકત છેને?

તમે જો એમ વિચારતા હો કે આવું તો આજકાલના સુધરેલા અને આધુનિક શહેરી પરિવારોમાં વધુ બનતું હશે તો તમારી ભૂલ થાય છે. આ જે સમાચાર આવ્યા છે એમાં તો ગામડાંના કિસ્સા જ વધુ છે! વળી ઘણાખરા કિસ્સા મિડલ-ક્લાસ પરિવારોના છે. મોટા પરિવારોમાં કદાચ આવી બાબતો તેમના સ્ટેટસને કારણે ઘરમેળે ઉકેલાઈ જતી હશે, પરંતુ આવી છેતરપિંડી સુખી જણાતા અને ગણાતા પરિવારોમાં પણ થાય છે. ક્યારેક બાળક દસ-બાર વરસનું થાય અને તેના દેખાવમાં પિતાને પોતાનો નહીં પણ બીજા કોઈ પુરુષનો અણસાર દેખાય ત્યારે તેના મનમાં શંકાનો કીડો સળવળી ઊઠે અને વાત પછી DNA ટેસ્ટ સુધી પહોંચે છે. અમદાવાદમાં હમણાં ૬૦ વરસના એક સજ્જને પોતાની એકની એક દીકરીની DNA ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું અને તેમના પરિવારમાં બધાને એ વાતની ખબર પડી ત્યારે સૌને આંચકો લાગ્યો હતો, પરંતુ દીકરી પર ખૂબ જ સ્નેહ ધરાવતા સજ્જનની શંકા સાચી નીકળી ત્યારે બધાના આઘાતનો પાર નહોતો. એ પરિણામ જાણ્યા પછી પિતા-પુત્રી બન્ને માટે એ આઘાત જીરવવાનું કેટલું કપરું બની ગયું હશે?

આવી ટેસ્ટનાં પરિણામો સમગ્ર પરિવારને તહસનહસ કરી નાખે છે. ઘણી વાર પતિ-પત્ની વચ્ચેની અનબન ડિવૉર્સ સુધી પહોંચે ત્યારે કેટલાક કિસ્સાઓમાં આ ટેસ્ટ કરાવવાની નોબત આવે છે, કાં તો પિતા એ ટેસ્ટની માગણી કરે છે કેમ કે તે માને છે કે બાળક પોતાનું નથી એમ પુરવાર થાય તો તેના ભરણપોષણ પેટે દેવાની રકમમાંથી છુટકારો મળી જાય, તો ઘણા કિસ્સામાં પત્ની આવી ટેસ્ટની માગણી કરે છે. તેને પુરવાર કરવું હોય છે કે બાળકનો પિતા તેનો પતિ જ છે, કેમ કે તો જ તે પતિ પાસેથી બાળક માટે ભરણપોષણ મેળવવાને હક્કદાર બને છે.

આવી બધી વાતો એક જમાનામાં પરદેશનાં અખબારો કે મીડિયામાં જોવા મળતી. તેને બદલે આજે આપણે ત્યાં કૉમન થઈ ગઈ છે. એકમેકને છેતરતાં પતિ અને પત્ની બન્નેનું પ્રમાણ વધી ગયું છે, કેમ કે જે પુરુષના સંબંધથી બાળક જન્મ્યું હોય તે પણ કોઈ સ્ત્રીનો પતિ તો હશેને! તેણે પોતાની પત્ની પાસે સત્ય કહ્યું હશે કે મારો એક દીકરો કે દીકરી ફલાણા પરિવારના સંતાન તરીકે ઊછરી રહ્યો છે કે રહી છે? સ્ત્રી-પુરુષની બેવફાઈ અને જુઠ્ઠાણાંનો ભોગ નિર્દોષ બાળકોને બનવું પડે છે. વરસો પહેલાં શેખર કપૂરે બનાવેલી ફિલ્મ ‘માસૂમ’ યાદ છેને! નસીરુદ્દીન અને શબાના અને બે દીકરીઓનો કિલ્લોલતો સંસાર કેવો સળગી ઊઠેલો! ત્યારેય નસીરના લગ્નબાહ્ય સંબંધના પરિણામે જન્મેલા નાનકડા નિર્દોષ દીકરાની પીડા સૌથી વધુ સ્પર્શી ગઈ હતી. શબાનાનો ગુસ્સો કે દુ:ખ ગમે એટલાં સાચાં લાગતાં હતાં તોય વારંવાર પ્રેક્ષકના દિલને એક જ સવાલ ઝંઝોડતો હતો કે બિચારા તે નિર્દોષ છોકરાનો શું વાંક હતો? કોઈ પણ પતિ કે પત્ની પોતાના જીવનની આવી કોઈ સચ્ચાઈ પર આવરણ ચડાવવા જાય ત્યારે તેને એનો અકારણ ભોગ બનનાર બાળકનો ખ્યાલ નહીં આવતો હોય?

છેતરપિંડીની પીડાથી બચવા કેટલાક લોકોએ બાળકના જન્મ સાથે જ તેની DNA ટેસ્ટ ફરજિયાત કરવાનું સૂચન કર્યું છે. તેમની દલીલ એવી છે કે જન્મતાંની સાથે જ એ બાબત વિશે સ્પષ્ટતા થઈ જાય તો આગળ જતાં શંકા-કુશંકાને સ્થાન ન રહે! આવી સ્થિતિ હકીકત બને એ સમય બહુ દૂર નથી લાગતો. અલબત્ત, વિfવાસ એ કોઈ પણ સંબંધનો પ્રાણ છે અને એ ન હોય એવાં નિશપ્રાણ દાંપત્યમાં જ આવી નોબત આવે. શું કહો છો?

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK