એકલાં બસ, ટ્રેન કે રિક્ષામાં ટ્રાવેલ કરતાં હો ત્યારે તમારી સેફ્ટી તમારા હાથમાં

Published: 16th December, 2014 05:49 IST

આ તમારે યાદ રાખવું જોઈએ. તમને બચાવવા પોલીસ તાબડતોબ ન પણ પહોંચી શકે. તમારે જ કરવી પડશે તમારી રક્ષા. માત્ર અને માત્ર તમારી અલર્ટનેસ અને સમયસૂચકતા જ તમને આવી કોઈ અનહોનીથી બચાવી શકશે. કેટલીક બેઝિક ટિપ્સ ખાસ વાંચી લો


સ્પેશ્યલ સ્ટોરી- રુચિતા શાહ

રિક્ષા અને ટૅક્સીમાં એકલી પ્રવાસ કરતી મહિલાઓ સાથે એના ડ્રાઇવરો દ્વારા દુવ્યવહાર થવાના કિસ્સાઓ વધી રહ્યા છે. ટૅક્સી અને રિક્ષાના ડ્રાઇવરો એકલી મહિલાને જોઈને સૂમસામ રસ્તા પરથી કોઈ જુદી જ જગ્યાએ લઈ જઈને તેની સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કરે છે એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે. આ જ કારણે મુંબઈ પોલીસે માર્ચ મહિનામાં ટૅક્સી કે રિક્ષામાં એકલી ટ્રાવેલ કરતી મહિલાઓ માટે એક SMS હેલ્પલાઇન નંબર પણ શરૂ કર્યો છે, જેમાં મહિલાઓને અનુરોધ કર્યો હતો કે અજુગતા સમયે ટ્રાવેલ કરતાં હો ત્યારે ટૅક્સીનો નંબર અને લોકેશન એ હેલ્પલાઇન નંબર પર મેસેજ દ્વારા મોકલી દેવાય, જેને કારણે પોલીસ ઞ્ભ્લ્ સિસ્ટમ દ્વારા એ વાહન ક્યાં જાય છે એના પર ટ્રૅક રાખી શકે.

વહેલી સવારે અથવા મોડી રાત્રે અમુક શાંત અને ક્રિમિનલોનો અડ્ડો હોય એવા એરિયામાંથી એકલી મહિલાઓએ ટૅક્સી કે રિક્ષામાં બેસીને ટ્રાવેલ કરવાનું હોય ત્યારે ગેરરીતિ થવાના ચાન્સ વધારે હોય છે. સતત વધી રહેલા બળાત્કારના કિસ્સાઓએ મહિલાઓના ડરમાં વધારો કર્યો છે ત્યારે ટ્રાવેલિંગ દરમ્યાન કઈ રીતે મહિલાઓએ પોતાની સેફ્ટી રાખવી, કઈ-કઈ બાબતોનું ધ્યાન રાખવું અને કઈ રીતે સાવધાન અને સચેત રહીને અઘટિત બનાવોને ટાળવા એ વિશે જાણવાની ટ્રાય કરીએ.

થતું શું હોય છે

આજકાલ ફોન પર વાત કરવી અને સતત ચૅટિંગ કરવું એ મહિલાઓ માટે જોખમી બાબત બનતી જાય છે. સતત વૉટ્સઍપ કે બીજી કોઈ સાઇટ પર ચૅટ કરતી મહિલાઓને ખબર પણ નથી હોતી કે પોતે જે ટૅક્સીમાં બેઠી છે એ ડ્રાઇવર તેમને કયા રૂટ પરથી ક્યાં લઈ જઈ રહ્યો છે. છેલ્લાં ૨૦ વર્ષથી એકલી ટ્રાવેલ કરતી ક્ષિતિજા દલાલ-પરીખ નેટવર્ક માર્કેટિંગનું કામ કરે છે. મહિનામાં ચારથી પાંચ વાર તેને મુંબઈની બહાર જવું પડે છે. મુંબઈમાં ને મુંબઈમાં પણ સેંકડો વાર ઑડ અવર્સમાં ટ્રાવેલિંગ કરવું જ પડતું હોય છે. તેઓ પોતાનો અનુભવ જણાવતાં કહે છે, ‘મેં એવી ઘણી લેડીઝ જોઈ છે જેમનું ધ્યાન સતત મોબાઇલમાં હોય છે. ટૅક્સી કે રિક્ષાવાળાનો ચહેરો જોયા વિના જ બેસી જતી હોય અને પછી આખા રસ્તે તેનું માથું મોબાઇલમાં જડાયેલું હોય. અચાનક આજુબાજુ જુએ અને નવો રસ્તો દેખાય ત્યારે તેમને ભાન આવે કે આ તો કોઈ નવા જ રસ્તે લઈને આવ્યો છે. ત્યારે કહે કે ભૈયા યે કહાં સે લે કે આએ હો. વાત બગડી ગયા પછી શું કામ તમારું ધ્યાન રસ્તા પર જાય? ઍટ લીસ્ટ ઑડ અવર્સમાં તો આટલાં ગાફેલ ન જ રહેવું જોઈએને? ટ્રાવેલ કરતી વખતે પોતાની ધૂનમાં ન રહેવાય. બીજું પૈસા બચાવવાની કે સમય બચાવવાની લહાય ડ્રાઇવરને ક્યારેય ન દેખાડાય. ઘણા ડ્રાઇવર મૅડમ વહાં સે એક શૉર્ટકટ હૈ, વો રોડ પર બહોત ટ્રાફિક રહેગા, યહાં સે જાતે હૈં જેવા ડાયલૉગ મારીને જુદો રૂટ લેવાની ટ્રાય કરતા હોય છે. ઘણી મહિલાઓ સમય બચાવવા માટે આ વાત માની જતી હોય છે. એ પણ રિસ્કી છે. તમે એકલાં ટ્રાવેલ કરો છો ત્યારે તમને જે રૂટ ખબર છે એ જ રૂટ પરથી જવું. ઘણી મહિલાઓને ખબર હોય કે અમુક સમયે અમુક રોડ પર દારૂડિયાઓ અડ્ડો જમાવીને બેસતા હોય છે છતાં જોખમ લઈને એ સમયે જ તેઓ ત્યાંથી પાસ થાય છે. ક્યારેક જો હું દમણ જાઉં તો સાત વાગ્યાની આસપાસની એક ટ્રેન છે એ જ ટ્રેન હું મોડામાં મોડી પકડી લઉં છું, કારણ કે મને ખબર છે આઠ વાગ્યા પછી બહાર નીકળવું મારા માટે જોખમી છે. ફોર્ટ એરિયામાં નવ વાગ્યા પછી એકલાં જવું જોખમી છે, કારણ કે ડ્રગ-ઍડિક્ટ્સ ત્યાંના અમુક એરિયામાં અડ્ડો જમાવી દે છે. ત્યાં એ સમયે ટૅક્સી પણ મળવી મુશ્કેલ હોય છે તો એવા સમયે ત્યાં ન જવું એટલું શાણપણ તો આપણે જ દેખાડવું પડેને!’

કઈ-કઈ સાવધાની


કેટલીક બેઝિક સાવધાની ટ્રાવેલ કરનારી મહિલાઓએ જાતે રાખવી જ પડે છે, જેમ કે ક્ષિતિજા બને ત્યાં સુધી ઑડ અવર્સમાં પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે છે. બેસ્ટની બસોમાં બેસીને જ જવું એમ જણાવીને તે ઉમેરે છે, ‘ઇટ્સ નૉટ અબાઉટ મની, બટ ઇટ્સ અબાઉટ સેફ્ટી. મારે ક્યારેક ઘોડબંદર રોડ પરથી થાણે કે ક્યાંક જવું હોય તો હું બેસ્ટની બસ લઉં છું. અમુક રોડ મુંબઈના એવા છે જ્યાં દિવસે પણ ટ્રાવેલ કરવું મુશ્કેલ હોય છે. બીજી એક બાબત હું એ પણ ધ્યાન રાખું છું કે જ્યારે પણ કોઈ નવા રોડ પર જવાનું હોય તો પાંચ-સાત મિનિટમાં રોડ પર ચાલતા લોકોને પૂછી લઉં છું કે આ રસ્તો ક્યાં જાય છે? ટૅક્સી-ડ્રાઇવર અને રિક્ષા-ડ્રાઇવરને બરાબર ઑબ્ઝર્વ કરી લઉં, કારણ કે ઘણી વાર દારૂ પીધેલો ડ્રાઇવર હોય તો તે દેખાવ પરથી અને વાસ પરથી જ પકડાઈ જાય છે.’આ જ વાતની સહમતી આપતાં જુહુમાં રહેતી અને ટૂર્સ ઍન્ડ ટ્રાવેલિંગનું કામ કરતી પ્રિયા રૂપાણી કહે છે, ‘હું મહિને બેથી ત્રણ વાર આઉટ ઑફ ઇન્ડિયા જાઉં છું. મારી ફ્લાઇટનાં ટાઇમિંગ્સ એવા હોય છે જેમાં અડધી રાતે કે વહેલી સવારે ટ્રાવેલ કરવાનું ખૂબ વધારે હોય. આઠ વરસથી મારી સાથે આવો કોઈ અનુભવ નથી થયો એમાં મારા ગુડલકની સાથે મારી ચોકસાઈને પણ થોડી ક્રેડિટ આપીશ; જ્યારે પણ ઍરપોર્ટ પરથી ટૅક્સી પકડવાની હોય ત્યારે ઍરપોર્ટ પર રજિસ્ટર કરાવીને ત્યાંની ઑથોરાઇઝ્ડ ટૅક્સી જ પકડું. એમાં સો-બસો રૂપિયા વધારે લાગે, પરંતુ એમાં આપણી સેફ્ટી વધારે જળવાય. તમે તમારા રૂટથી પરિચિત હો એ પણ જરૂરી છે. તમારા ઘરમાં લોકોને તમે નીકળો એ પછીનો સમય વગેરે ખબર હોવી જોઈએ. મારા રૂટીનમાં છે કે હું ટૅક્સીમાં બેસું એટલે મમ્મીને એક ફોન કરું. ઍરપોર્ટ પર પહોંચીને પાછો એક ફોન કરું. એક્સ્પેક્ટેડ ટાઇમમાં મારો ફોન ન જાય એટલે ઘરેથી જ મને ફોન આવી જાય. આ બધી બાબતો તમને અલર્ટ રાખે અને તમારી સાથે આવનારા ડ્રાઇવરને પણ અલર્ટ બનાવી દે. તેનામાં એક ડર બેસાડી દે છે.’

બીજી એક મહત્વની ઍડ્વાઇઝ આપતાં ક્ષિતિજા ઉમેરે છે, ‘ક્યારેય ડરો નહીં. હું ૨૦ વર્ષથી એકલી ટ્રાવેલ કરું છું, પણ મારી સાથે કંઈક અઘટિત ઘટશે એવા ફફડાટમાં નથી જીવતી, કારણ કે સાઇકોલૉજિકલી પણ તમે ડરતાં હો તો સામેવાળામાં હિંમત વધતી હોય છે. હંમેશાં કૂલ અને શાંત રહો. ટૅક્સીવાળો કે રિક્ષાવાળો આડાઈ કરતો હોય તો પણ પ્રયત્નપૂર્વક શાંત રહો. તેની સામે તમે કોઈ ઍક્શન લઈ રહ્યાં છો એ દેખાડો નહીં. ચૂપચાપ મેસેજ કરી દો. કોઈ ખોટો રૂટ દેખાતો હોય તો અધવચ્ચે કોઈ બહાનું કાઢીને ગાડી ઊભી રખાવીને સેફ જગ્યાએ પહોંચી જાઓ.

બેઝિક સેફ્ટી ટિપ

ઑડ અવર્સમાં ટ્રાવેલ કરો ત્યારે ટૅક્સીનો નંબર, તમારું લોકેશન મુંબઈ પોલીસના ૯૯૬૯૭૭૭૮૮૮ નંબર પર તમારા નામ અને બીજી વિગતો સાથે મેસેજ કરી દો. એક મેસેજ તમારા કોઈ રિલેટિવને કરી દેવો પણ ઍડ્વાઇઝેબલ છે.ડ્રાઇવરે પોતાનો યુનિફૉર્મ પહેર્યો હોય અને ટૅક્સી અને રિક્ષાના ડૅશબોર્ડ પાસે ય્વ્બ્ હેલ્પલાઇન નંબર લખેલો હોવો જરૂરી છે, એટલે બને ત્યાં સુધી આવી ઑથોરાઇઝ્ડ ટૅક્સીમાં જ બેસીને ટ્રાવેલ કરો. તમારી ટૅક્સીમાં આગળથી ટૅક્સીવાળો કોઈ બીજા પૅસેન્જરને બેસાડવા માગે તો એનો વિરોધ કરો. તમને ખબર હોય એ જ રૂટ પરથી ટૅક્સી લઈ જવાનો આગ્રહ રાખો. ઑબ્ઝર્વેશન તીવ્ર રાખો, જેથી કંઈક શંકાસ્પદ દેખાય તો શાંત ચિત્તે ડ્રાઇવરને ખબર ન પડે એ રીતે તમારી મદદ માટે પોલીસ તથા પરિવારને ઇન્ફોર્મ કરી દો. ટ્રાવેલ દરમ્યાન તમારા રિલેટિવ્સને તમારા લોકેશન વિશે સમયાંતરે માહિતગાર કરતાં રહો, જેથી ટૅક્સીવાળો પણ અલર્ટ રહે અને ખોટું કરતા ગભરાય.

- વસંત ધોબળે, અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK