ઊંચી પોઝિશન પર કામ કરવામાં પર્સનલ લાઇફની વાટ લાગી જાય છે?

Published: Dec 15, 2014, 07:04 IST

પતિ કે દીકરાને મોટી કંપનીમાં ઊંચી પોસ્ટ પર પ્રમોશન મળે છે ત્યારે પરિવાર ગર્વથી પોરસાઈ જાય એ સ્વાભાવિક છે, પણ અહીં પહોંચ્યા પછી તે વ્યક્તિ લિટરલી ફૅમિલી પાસેથી ઝૂંટવાઈ જાય છે. હાયર પોઝિશન પર કામ કરતા લોકોને અને તેમના પરિવારને મળીને જાણીએ આ હકીકતસ્પેશ્યલ સ્ટોરી- પલ્લવી આચાર્ય

તાજેતરમાં કેટલાક સ્ટુડન્ટસે જૉબ-પ્લેસમેન્ટમાં ઊંચી ઑફર ઠુકરાવી લોઅર લેવલ પર કામ કરવાનું પસંદ કયુંર્, કારણ કે તેમને સોશ્યલ લાઇફ પણ જોઈતી હતી. ઊંચી પોસ્ટ પર મળતાં નામ-દામનો ચાર્મ અલગ બાબત હોય છે. આ લેવલ વધતું જાય એમ તે વ્યક્તિ એમાં વધુ ને વધુ ઇન્વૉલ્વ થતી જાય છે એટલું જ નહીં, એક લેવલ એવું આવે છે કે તે ઘરે હોય કે ઑફિસ; કામના કલાકો વધતા જાય છે અને ત્યારે તેઓ ઘરે હોય તો પણ કામ તો ઑફિસનું જ ચાલતું હોવાથી સામાજિક જીવનની વાત તો દૂર રહી, ફૅમિલી-લાઇફ પણ નથી રહી શકતી. આ બે જગ્યાએ બૅલૅન્સ કરવામાં તેમની વાટ લાગી જાય એ તો જુદું. તાજેતરના એક સર્વેનું એ પણ કહેવું છે કે હાયર પોસ્ટ પર કામ કરતા લોકો લાઇફના પર્સનલ પ્રૉબ્લેમ્સ સૉલ્વ કરવામાં નબળા પડે છે. ઑફિસમાં મોટા પ્રૉબ્લેમ્સ સૉલ્વ કરતા આ લોકો ઘરના નાના પ્રૉબ્લેમ્સ સૉલ્વ નથી કરી શકતા. હાયર પોઝિશન પર કામ કરતા લોકોને અને તેમના પરિવારને મળીને જાણીએ તેમની વાતો.

જીવવાની લાયમાં જીવન જીવવાનું ચુકાઈ ગયું : શૈલેશ શેઠ (વર્લ્ડની લીડિંગ અકાઉન્ટન્સી ફર્મ BDO ઇન્ટરનૅશનલ, Uત્ના સિનિયર ઍડ્વાઇઝર ઇન ડાયરેક્ટ ટૅક્સ)


ભારતીય અર્થતંત્ર બદલાઈ રહ્યું છે તેથી ટૅક્સેશનને લગતા કાયદાઓથી અપડેટ રહેવા માટે મારે ઘરે આવીને પણ રોજ રાત્રે બેથી ત્રણ વાગ્યા સુધી વાંચતાં રહેવું પડે એમ કહી પોતાની વાતને ન્યાય આપતાં શૈલેશ શેઠ કહે છે, ‘ઘરે આવ્યા પછી પણ કામને લઈને વાઇફ અને પરિવાર સાથે વધુ વાત ન થઈ શકે. સોશ્યલ લાઇફ રહી જ નથી શકી. સારા કે માઠા કોઈ પ્રસંગે નથી જઈ શકાતું. ફૅમિલી સાથે ક્વૉલિટી ટાઇમ ગાળવો જોઈએ એ નથી મળતો. મને સાહિત્યમાં રસ છે, પણ એને લગતો એક પણ પ્રોગ્રામ અટેન્ડ નથી કરી શકતો. મારા મિત્રોને પણ ટાઇમ નથી આપી શકતો. ’ વધુમાં તેઓ કહે છે, ‘૨૫ વર્ષથી મારી સાથે સ્વાધ્યાય પ્રવૃત્તિમાં જોડાયેલા મારા નિકટના વ્યક્તિ નિરંજન શુક્લની દીકરીનાં લગ્નમાં પણ ન જઈ શક્યો. મારા કાકાની એકની એક દીકરીનાં લગ્નમાં પણ ન જઈ શક્યો. મારા નજીકના મિત્ર સૉલિસિટર જગદીશ શાહની તબિયત બગડી ત્યારે, તેમની અંતિમ યાત્રામાં કે તેમના બેસણામાં પણ ન જઈ શક્યો એનો બહુ રંજ છે.’

‘દિવસો બધા વીત્યા છે એવી ધમાલમાં કે જીવું હું એટલોય મળ્યો વખત મને ના’

‘બેફામ’ની પંક્તિઓને ટાંકતાં તેઓ કહે છે, ‘જીવવાની લાયમાં ને લાયમાં ખરેખર જીવન જીવવાનું ચૂકી જવાય છે.’ શૈલેશભાઈનાં વાઇફ કિરણ વાતમાં સૂર પુરાવતાં કહે છે, ‘આવતી કાલે જે સંગીત સંધ્યા છે એમાં હું ડાન્સ કરવાની છું, પણ મારે એકલાં જ કરવો પડશે. મારે બધે એકલાં જ જવું પડે છે. કોઈ પણ પ્રસંગ હોય, તે તો હાજર જ ન હોય. તેથી હું અને મારો દીકરો અટેન્ડ કરી લઈએ. જ્યાં પણ જવું હોય ત્યાં હું એકલી હોઉં અથવા તો ફ્રેન્ડ્સ સાથે જવું પડે. તેમની સાથે કોઈ પ્રોગ્રામ બનાવી જ ન શકાય.’ તેમનો દીકરો આકાશ ચાર્ટર્ડ અકાઉન્ટન્સી કરી રહ્યો છે. તેઓ વિલે પાર્લેમાં રહે છે.

હું હવે ઘરની જવાબદારી લઈ શક્યો :  અનામી રૉય (ભૂતપૂર્વ DGP, મહારાષ્ટ્ર)ચાર વર્ષ પહેલાં મહારાષ્ટ્રના ડેપ્યુટી જનરલ ઑફ પોલીસના પદ પરથી રિટાયર થયેલા પોલીસ- ઑફિસર અનામી રૉય કહે છે, ‘ફરજ પર હતો ત્યારે કેટલાય દિવસો એવા હતા કે હું ઘરે જ નહોતો જતો. ઘરવાળાએ મારા તરફથી જે સૅક્રિફાઇસ આપ્યો છે એ અનબીટેબલ છે. મારા ફાધર બીમાર થયેલા, મારી ડૉટર બીમાર થઈ હતી તેમને જોવા પણ હું નહોતો જઈ શક્યો. બર્થ-ડે કે મૅરેજ-ઍનિવર્સરીનું સેલિબ્રેશન તો કદી કરી જ નથી શકાયું કારણ કે હું ડ્યુટી પર હોઉં ત્યારે સ્વાભાવિક છે સિચુએશન મારા કન્ટ્રોલમાં રહે જ નહીં, ડ્યુટી જ એવી હોય કે હું અડધો કલાક પણ બ્રેક ન લઈ શકું. ફૅમિલી હોલિડે પણ મેં હાર્ડલી લીધો છે.’અનામી રૉય મુંબઈમાં જ પોતાના પરિવાર સાથે રહે છે અને સામાન્ય કૌટુંબિક જીવન જીવે છે. તેઓ કહે છે, ‘હવે હું પરિવાર માટે બધું જ કરી શકું છું. મને જે પ્રસંગ અટેન્ડ કરવો હોય એ કરી શકું છું. ફૅમિલીની પૂરેપૂરી રિસ્પૉન્સિબિલિટી લઈ શકું છું. મારા ભત્રીજા, ભત્રીજી કોઈનાં પણ લગ્નમાં નહોતો જઈ શક્યો, પણ હવે નજીકના બધા જ લોકોના  પ્રસંગો હું અટેન્ડ કરી શકું છું. હું નૉર્મલ સોશ્યલ લાઇફ હવે જીવી શકું છું. પહેલાં હું આમાંનું હું કંઈ જ નહોતો કરી શકતો.’

ઘરે પણ ઑફિસ સાથે હોય : અતુલ જોશી (ફીચ રેટિંગ્સ ઇન્ડિયા લિમિટેડના MD અને CEO)

અતુલ જોશીનાં વાઇફ સોના કહે છે, ‘લાસ્ટ આખું વીક તે બહાર હોવાથી બાળકો તેમને મળી ન શક્યાં તેથી નાની દીકરી તો લિટરલી રડવા લાગી. રોજ તે જાગે ત્યારે બાળકો સ્કૂલ જતાં રહ્યાં હોય અને આવે ત્યારે તે સૂતાં હોય. ઘરમાં હોય તો પણ ૩થી ૪ દિવસ મળ્યા જ ન હોય. કોઈ વાર સાથે જમવા મળ્યું હોય તો એવું બને કે મારું જમવાનું પૂરું થાય ત્યાં સુધી તેમનો ફોન જ ચાલતો હોય. દરેક કામ એકલાં કરવું પડે છે.’ સામે પક્ષે પોતાની સાઇડને ન્યાય આપતાં અતુલભાઈ કહે  છે, ‘હાયર પોસ્ટ પર હોઈએ ત્યારે ૨૪ કલાક ઑફિસ સાથે જ રહે છે. મોબાઇલ અને લૅપટૉપના કારણે ગમે ત્યારે ડિસ્કશનમાં ઊતરી જવું પડે. ઘરવાળા સાથે હોઈએ ત્યારે પણ મેન્ટલી સો ટકા તેમની સાથે નથી રહી શકાતું.’

અતુલભાઈ તેમની બે દીકરીઓ ૧૨ વર્ષની જાનકી અને ૭ વર્ષની ઉર્વીની સ્કૂલમાં જઈ નથી શકતા. બધી જ પેરન્ટ્સ-ટીચર મીટિંગ તેમનાં વાઇફ સોના એકલાં જ અટેન્ડ કરે છે. સોના કહે છે, ‘આટલાં વર્ષમાં એક વાર મોટી દીકરીનું ઍડ્મિશન લીધું ત્યારે તે સ્કૂલમાં આવ્યા હતા.’ દરેક જગ્યાએ એકલાં જવાની હવે મને આદત પડી ગઈ છે એમ જણાવતાં સોના કહે છે, લગ્ન જેવા પ્રસંગમાં પણ હું એકલી હોઉં છું, પણ તૈયાર થઈને એકલાં જવું મને નથી ગમતું. તેથી આવતા વીકમાં પિયરમાં લગ્નપ્રસંગે જવાનું છે ત્યાં કોઈ પણ રીતે આવવા મેં તેમને રિક્વેસ્ટ કરી છે.’  અતુલભાઈ ઘરે હોય ત્યારે દીકરીઓ સાથે રમે, પણ ફોન આવી જાય તો બધું સાઇડમાં રહી જાય. આવું થાય ત્યારે તેમની નાની દીકરી બહુ ગુસ્સે થઈને કહી દે છે, ‘પપ્પા, તમારે મારી સાથે રમવું હોય તો ફોન સ્વિચ્ડ ઑફ કરી દો!’

ઇમોશનલી પણ બહુ સફર કરવું પડે એની વાત કરતાં અતુલભાઈ કહે છે, ‘વાઇફ અને બાળકો ક્યારેક નારાજ થઈ જાય, મારા પેરન્ટ્સની એજને લીધે તેમને સમય આપવો જરૂરી હોય એ ન આપી શકાય, સગાને ત્યાં કોઈ સારા કે માઠા પ્રસંગે ન જઈ શકાય, ફ્રેન્ડ્સને પણ ફરિયાદ કરવાના અનેક મોકા મળે. પતિ-પત્નીના આવા ઝઘડામાં બાળકોને જજ બનાવું ત્યારે તેઓ પનિશમેન્ટમાં ૧૦ ઉઠક-બેઠક કરાવે કે કાન પકડાવે તો પકડવા પડે!’  આ સિચુએશનને બૅલૅન્સ કરવા અતુલભાઈએ એક નિયમ બનાવ્યો છે અને એને તેઓ વળગી રહ્યા છે તે એ છે કે દુનિયાના કોઈ પણ છેડે તે ભલે હોય, પણ રોજ સૂતાં પહેલાં દીકરીઓને એક વાર્તા કહેવાની એટલે કહેવાની. અતુલભાઈ કહે છે, ‘રામાયણ, મહાભારત, અકબર-બીરબલ, બત્રીસ પૂતળીની વાર્તા કે કોઈ પણ ઇન્સ્પરેશનલ વાર્તા તેમને કહું. મારે તેમને સંસ્કાર આપવા છે, તે કોઈ સાથે કમ્પીટ કરે એમાં મને રસ નથી. હું સાધનમાં સુખ જોવાના બદલે અંતરના સુખમાં માનું છું. સુખ અને આનંદથી જીવવું બહુ જરૂરી છે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK