આ સોસાયટીના બધા સભ્યો વૉટ્સઍપથી કનેક્ટેડ છે

Published: Dec 15, 2014, 06:01 IST

બોરીવલીના પ્લુટો અપાર્ટમેન્ટ્સના બધા મેમ્બર્સ ગુજરાતી છે અને અહીં સંપ એટલો છે કે આસપાસની સોસાયટીઓ પણ તેમની સાથે જોડાવા માગે છેપીપલ-લાઇવ-પલ્લવી આચાર્ય

બોરીવલી (વેસ્ટ)માં ભગવતી હૉસ્પિટલ નજીક આવેલી પ્લુટો અપાર્ટમેન્ટ્સ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીની પરિવારભાવના ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ની ગોકુલધામ સોસાયટીને પણ વળોટી જાય એવી છે. ૨૦૦૬માં સોસાયટી બની ત્યારથી લઈને આજ સુધી બધા સભ્યો પરિવારની જેમ રહે છે એટલું જ નહીં, સોસાયટીની ત્રણ વિંગ્સના મળીને કુલ ૩૬ ફ્લૅટ્સના ૧૧૦ મેમ્બર્સનું વૉટ્સઍપ ગ્રુપ છે. ટેક્નૉલૉજીનો ઉપયોગ તેઓ સોસાયટીનો વ્યવહાર સારી રીતે ચલાવવા માટે કરી રહ્યા છે. કોઈ સભ્યને કશી ફરિયાદ હોય, સોસાયટીની કોઈ મદદ લેવી હોય, કોઈને લેટર જોઈતો હોય તો એ વૉટ્સઍપ પર વાત કરી લે અને એનું કામ થઈ જાય છે. આ સિવાયની પણ ઘણી વાતો સોસાયટીના સભ્યો પરસ્પર શૅર કરતા રહે છે.

બીજી  વિશેષતા આ સોસાયટીની એ છે કે બધા મેમ્બર્સ ગુજરાતી છે અને હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઇનૅન્સ કૉર્પોરેશન (HDFC) બૅન્કના મૅનેજર જેવા કેટલાક સભ્યોને છોડીને મોટા ભાગના લોકો બિઝનેસમાં છે. સાત સભ્યોની સોસાયટીની કમિટી સોસાયટી ફૉર્મ થઈ ત્યારથી એની એ જ છે, બદલાઈ નથી. કોઈ મોટો નિર્ણય લેવાનો હોય તો જ તેઓ મીટિંગ કરે છે, બાકી ઉત્સવોની ઉજવણીનો નિર્ણય તો કમિટીના બે મેમ્બર્સ લે જેને બધા માન્ય રાખે છે. આ સોસાયટી બધા નહીં પણ વરસમાં ત્રણ તહેવારો ઊજવે

છે - ઉતરાણ, ધુળેટી અને નવરાત્રિ. ઉતરાણ હોય ત્યારે આખો દિવસ બધા લોકો ટેરેસમાં ભેગા થઈ પતંગ ઉડાડે અને સાંજે સાથે જમે. ધુળેટીના દિવસે સવારે ગ્રાઉન્ડમાં નાસ્તો રાખવામાં આવે ત્યારે બધા મળે, ધુળેટી રમે. બપોર અને સાંજનું જમવાનું સાથે હોય. નવરાત્રિના નવેનવ દિવસ આખી સોસાયટીના લોકો સાંજે સાથે જમે, દશેરાના દિવસે સવારે જલેબી- ફાફડા ખાઈ સાંજે ગરબા વળાવી સૌ છૂટા પડે. નવરાત્રિમાં બેથી ત્રણ દિવસ બાળકોની જુદી-જુદી કૉમ્પિટિશનો પણ થાય છે.

દરેક તહેવારની ઉજવણીમાં અડધો ખર્ચ સોસાયટી ભોગવે છે. નવરાત્રિમાં પણ જેની જેટલી ઇચ્છા હોય એટલો ફાળો આપે એમ જણાવતાં ખજાનચી ભરત સવાણી કહે છે, ‘સોસાયટીએ પાંચ વરસ સુધી દરેક મેમ્બર પાસેથી સ્ક્વેર ફૂટ દીઠ એક રૂપિયો વધુ મેઇન્ટેનન્સ લીધું હતું, તેથી હવે ફંડ સારું જમા થયું હોવાથી સોસાયટી ખર્ચ ઉઠાવી શકે છે.’ સોસાયટીની સિક્યોરિટી માટે ૧૮ ઘ્ઘ્વ્સ્ કૅમેરા છે, એના ફુટેજને લઈને જ તાજેતરમાં એક સભ્યનું ચોરી થયેલું સોનું પરત મળી ગયું હતું.સોસાયટીના સભ્યોની જેમ કમિટી-મેમ્બર્સનું પણ એક અલગ વૉટ્સઍપ ગ્રુપ હોવાથી કમિટીને લગતું ડિસ્કશન તેઓ આ ગ્રુપ મારફત કરે છે. સોસાયટીના ચૅરમૅન આશિષ મહેતા છે, જે બેય વૉટ્સઍપ ગ્રુપના ઍડ્મિન પણ છે. સોસાયટીની મહિલાઓમાં પણ અજીબ સંપ છે. તેઓ પણ કિટી પાર્ટીઓ કરે છે. સભ્યોની માગને લઈને આ વખતે સોસાયટી વન-ડે પિકનિક કરવાનું આયોજન કરવાની છે.  આ સોસાયટીના સેક્રેટરી રાજેશ વોરા કહે છે, ‘અમારો સંપ જોઈને આજુબાજુની સાયટીઓને અમારી સાથે જોડાવું  છે, પણ અમે માત્ર નવરાત્રિના ગરબામાં જ બીજી સોસાયટીના લોકોને ઍન્ટ્રી આપીએ છીએ,’


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK