યોગસાધનાના સાધકો માટે અચ્છે દિન આ ગએ

Published: Dec 14, 2014, 07:11 IST

સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા યોગ દિવસની જાહેરાત થઈ એ વાત જ મારા માટે સુવર્ણ દિવસ જેવી છે. હું તો જે દિવસે આ ઘોષણા થઈ એ દિવસની પણ ઉજવણી કરવાનો આગ્રહ કરુ છું, કારણ કે યોગ દિવસની સાથોસાથ આ એ દિવસ છે કે જે સમયે હિન્દુ શાસ્ત્રો અને યોગશાસ્ત્રને વિશ્વએ સ્વીકાર્યું.


(સ્પેશ્યલ કમેન્ટ- બાબા રામદેવ ખ્યાતનામ યોગગુરુ)

 
યોગ દિવસ નક્કી થયો એ આમ તો બહુ મોડો નક્કી થયો એવું કહું તો ચાલે, કારણ કે યોગ વિશ્વના તમામ દેશોએ સ્વીકારી લીધો હોવા છતાં પણ એના માટે જોઈએ એવી રીતે રજૂઆત નહોતી થતી. કહેવાય છે કે આ માર્કેટિંગનો જમાનો છે અને યોગનું માર્કેટિંગ કરનારુ કોઈ નહોતું. અગાઉની સરકારને તો નાણાં કમાવવા સિવાય બીજી કોઈ વાતમાં રસ નહોતો, એઓ તો પોતાનું બૅન્ક-બૅલૅન્સ બનાવી રહ્યા હતા એટલે યોગ જેવા નાના વિષય પર એનું ધ્યાન ન ગયું પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે જે કામ કર્યું છે એ સરાહનીય છે. વિશ્વમાં જે કોઈ યોગ શીખવે છે, યોગપ્રચારનાં કામમાં છે કે પછી યોગ થકી પોતાના સ્વાસ્થ્યનો લાભ લઈ ચૂક્યા છે તે સર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના આભારી છે એવું કહેવામાં સહેજ પણ અતિશયોક્તિ નહીં ગણાય. કામ કરવા માટે મન જોઈએ અને ધગશ જોઈએ એ વાત મોદીએ પુરવાર કરી છે.


હું ઇચ્છું કે હવે આવતા સમયમાં યોગને વૈકલ્પિક સારવાર તરીકે પણ સ્વીકારી લેવામાં આવે. ઍલોપથીનું ઝેર લેવાને બદલે પ્રકૃતિના નિયમોના આધારે તૈયાર થયેલા યોગશાસ્ત્રનો આધાર લેવામાં આવે તો એમાં કંઈ ખોટું નથી. ઊલટું એ ભારતીયજનો માટે લાભદાયી છે. મેં એક પ્રોજેક્ટ બનાવ્યો છે, જેમાં દેશની મોટી હૉસ્પિટલોમાં એક યોગ સેન્ટર બનાવવામાં આવે અને એ યોગ સેન્ટરમાં હૉસ્પિટલના તમામ પેશન્ટને નિયમિત રીતે યોગ કરાવવામાં આવે. આ પ્રોજેક્ટ વિશે નરેન્દ્ર મોદી સાથે મારે વાત પણ થઈ છે. તેમણે તમામ વિગતો મગાવી છે અને આખું કામ કઈ રીતે ચાલે એ વિશે પણ જાણકારી માગી છે. એના પર અત્યારે કામ ચાલી રહ્યું છે.


આ ઉપરાંત સરકારને એક બીજી પણ દરખાસ્ત આપવાનું નક્કી કર્યું છે-સ્કૂલમાં જ યોગ. જો બાળકોને નાનપણથી જ એ દિશામાં લઈ જવામાં આવે તો ઘણો ફરક પડશે. મેડિટેશનને પણ જો નાનપણથી જ તેમનું રોજિંદું કાર્ય બનાવી દેવામાં આવે તો શારીરિક વિકાસની સાથે માનસિક વિકાસને પણ બહુ મોટી હકારાત્મક અસર થશે. ઋષિમુનિઓના જમાનામાં આ જ પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું હતું અને અક્ષરજ્ઞાનની સાથોસાથ યોગ અને ધ્યાન પણ શીખવવામાં આવતાં હતાં. આજે એ કરવાનો સમય આવી ગયો છે. જો એવું કરવામાં આવશે તો જન્ક ફૂડના રસ્તે ચડી ગયેલી નવી પેઢીના સ્વાસ્થ્ય અને તેમના ચંચળ મનને એક સાચી દિશા મળશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK