દિલવાલે દુલ્હનિયા લે જાએંગેમાં શાહરુખ ખાને કામ કરવાની શરૂઆતમાં ના પાડી દીધેલી

Published: 13th December, 2014 05:30 IST

અને કાજોલ ફિલ્મની સ્ક્રિપ્ટ સાંભળતી વખતે સૂઈ ગયેલી : ૧૯૯૫ની ૨૦ ઑક્ટોબરે રિલીઝ થયેલી આ ફિલ્મનું અત્યારે ૧૦૦૦મું અઠવાડિયું ચાલી રહ્યું છે ત્યારે મમળાવીએ એની પડદા પાછળની કેટલીક વાતોસ્પેશ્યલ સ્ટોરી- રશ્મિન શાહ

શાહરુખ ખાનને ‘શાહરુખ ખાન’ બનાવી દેનારી ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ (DDLJ)નો રાજ મલ્હોત્રાનો જે રોલ હતો એ રોલ માટે આદિત્ય ચોપડાની ઇચ્છા સૈફ અલી ખાનને લેવાની હતી. સૈફનો લુક અને તેની પર્સનાલિટી NRI બ્રિટનવાસી જેવી હોવાથી આદિત્ય ઇચ્છતા હતા કે તેઓ સૈફને જ કાસ્ટ કરે, પણ સૈફે ના પાડતાં યશ ચોપડાના સજેશન સાથે આદિત્યએ શાહરુખને સ્ટોરી સંભળાવી અને શાહરુખે રોલ કરવાની હા પાડી. એક તબક્કે જ્યારે આદિત્ય ચોપડા આ સ્ક્રિપ્ટ પર કામ કરતા હતા ત્યારે તેમના મનમાં તો હૉલીવુડ સ્ટાર ટૉમ ક્રૂઝને લેવાની ઇચ્છા હતી. કહેવાનો ભાવાર્થ એ હતો કે પ્રેમ તમામ રિવાજ શીખવી દેતો હોય છે, પણ યશ ચોપડાએ આદિત્યની વાત હસી કાઢી હતી.


બધાને એમ લાગ્યું હશે કે શાહરુખે આ ફિલ્મ તેને ઑફર થઈ અને તરત જ સ્વીકારી લીધી. ના, એવું સહેજેય નહોતું. શાહરુખને આ ફિલ્મની સ્ક્રિપ્ટ ગમી ખરી, પણ તેને ડર હતો કે તે આ ફિલ્મના કૅરૅક્ટર સાથે ફિટ નહીં બેસી શકે, કારણ કે અગાઉ શાહરુખ ઍન્ટિ-હીરોની ઇમેજ સાથે ‘ડર’, ‘અંજામ’ અને ‘બાઝીગર’ જેવી ફિલ્મ કરી ચૂક્યો હતો. શાહરુખે પણ પહેલી વારમાં તો ફિલ્મ કરવાની ના જ પાડી હતી, પણ યશ ચોપડા સાથે થયેલી મીટિંગ પછી શાહરુખ ફિલ્મ કરવા તૈયાર થયો અને તેણે ફિલ્મ કરી.

રાજ મલ્હોત્રા... શાહરુખનું ફિલ્મમાં આ જે નામ હતું એ નામ રાજ કપૂરની લાક્ષણિકતાઓને ધ્યાનમાં રાખીને રાખવામાં આવ્યું હતું. નટખટ, પ્રેમાળ, ગમે ત્યાં ઢોળાઈ જાય એવો અને ગમે ત્યારે કોઈ પણ પ્રકારની મસ્તી કરી લેવી એવો રાજ કપૂરનો જે સ્વભાવ હતો એ સ્વભાવ ફિલ્મના હીરોમાં લેવામાં આવ્યો હોવાથી આદિત્યએ હીરોનું નામ રાજ રાખ્યું હતું.
‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’માં કાજોલે જે સિમરનનું કૅરૅક્ટર કર્યું હતું એ કૅરૅક્ટર લખતી વખતે પણ આદિત્ય ચોપડાની આંખ સામે કાજોલ જ હતી. આદિત્યએ જ્યારે કાજોલને ફિલ્મ સંભળાવવાનું શરૂ કર્યું ત્યારે કાજોલ અડધી ફિલ્મ સાંભળતાં-સાંભળતાં આંખો બંધ કરીને સૂઈ ગઈ હતી, સાચે જ. ખુદ કાજોલ પણ આ વાત પ્રેસ સામે એક વખત કબૂલ કરી ચૂકી છે. જાગ્યા પછી કાજોલે આગળની સ્ટોરી સાંભળવાને બદલે આદિત્યને ફિલ્મ કરવાની હા પાડી દીધી હતી.

ફિલ્મ સાથે સંકળાયેલા બધામાંથી બહુ જૂજ લોકોને ખબર છે કે ફિલ્મનું લાંબું ભડભાદર જેવું જે નામ હતું એ નામ બીજા કોઈએ નહીં પણ અનુપમ ખેરનાં વાઇફ કિરણ ખેરે સૂચવ્યું હતું. યશ ચોપડાને એ નામ એકઝાટકે ગમી ગયું અને તેમણે એ રાખી લીધું. અનુપમ ખેર કહે છે, ‘નામ પાડવાનું કામ આપણે ત્યાં ફઈબા કરે છે. ફિલ્મનું નામ કિરણે પાડ્યું એટલે યશજીએ તેમને ૫૦૧ રૂપિયા આપ્યા હતા. આજે પણ એ ૫૦૧ રૂપિયા કિરણે સાચવી રાખ્યા છે.’

‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ની સ્ટારકાસ્ટમાં મંદિરા બેદી એકમાત્ર એવી સ્ટાર હતી જે આ ફિલ્મથી પોતાની ફિલ્મી કરીઅર શરૂ કરી રહી હતી. મંદિરા બેદી એ પહેલાં ટીવી-સ્ટાર તરીકે એસ્ટૅબ્લિશ થઈ ચૂકી હતી, પણ ફિલ્મમાં તેને ક્યાંય બ્રેક નહોતો મળી રહ્યો. પંજાબી કુડી એવી મંદિરા બેદીને પંજાબી કુડીનો જ ફિલ્મમાં રોલ મળ્યો હતો. મંદિરા બેદીએ કહ્યું હતું કે ‘મારે માટે બધું કામ બહુ આસાન હતું, પણ એમાં જે પ્રકારની શરમાળ છોકરીનું કૅરૅક્ટર કરવાનું હતું એવી શરમાળ હું સહેજેય નહોતી એટલે શરમાવાનું મારે માટે બહુ અઘરું કામ હતું.’

ફિલ્મના ‘રુક જા ઓ દિલ દીવાને’ ગીતના એન્ડમાં શાહરુખ કાજોલને પોતાના હાથમાં ઝીલે છે અને પછી અનાયાસ જ તે તેને પડતી મૂકી દે છે અને કાજોલ સીધી જમીન પર પછડાય છે એવું દેખાડવામાં આવ્યું છે. કાજોલને છોડી દેવાની એવી સૂચના આદિત્ય ચોપડાએ શાહરુખને આપી હતી, પણ કાજોલનું રિયલ રીઍક્શન મળે એ માટે કાજોલને આ વાત કરવામાં નહોતી આવી. શાહરુખે એવું જ કર્યું અને કાજોલ જમીન પર ભફાંગ દઈને પછડાઈ હતી. પહેલાં શાહરુખ અને પછી તો આદિત્ય પર પણ ભડકેલી કાજોલને ત્રણ દિવસ સુધી બમ્પ દુખ્યાં હતાં.

ફિલ્મનું મોસ્ટ પૉપ્યુલર ગીત ‘મેહંદી લગા કે રખના’ હકીકતમાં યશ ચોપડા પાસે બૅન્કમાં પડ્યું હતું, જે સાવ છેલ્લી ઘડીએ ફિલ્મમાં ઍડ કરવામાં આવ્યું હતું. આ ગીત વાપરવાની સલાહ પણ આદિત્યને યશ ચોપડાએ જ આપી હતી.કાજોલ પર શૂટ થયેલું ગીત ‘મેરે ખ્વાબોં મેં જો આએ’ સૌથી પહેલું રેકૉર્ડ થયું હતું અને એના રેકૉર્ડિંગમાં આદિત્ય ચોપડા એક જ હાજર રહ્યો હતો. આનંદ બક્ષીએ લખેલું આ ગીત આદિત્યએ ૨૪ વખત લખાવ્યું હતું. ચોવીસમી વખત લખ્યા પછી આનંદ બક્ષીએ યશ ચોપડાને મીઠી ફરિયાદના સૂરમાં કહ્યું હતું કે તારા દીકરાને હિન્દી તો બરાબર આવડે છેને, વારંવાર લખાવ્યા કરે છે, પણ જોઈએ છે શું એ તો મને કહેતો નથી. દીકરા માટે થયેલી આ ફરિયાદ પછી પણ છેલ્લી ઘડી સુધી ચેન્જ કરી આપવા બદલ યશ ચોપડાએ આનંદ બક્ષીને સોનાની વીંટી ગિફ્ટ આપી હતી. મહેનતાણું તો જે નક્કી થયું હતું એ તો ખરું જ.

ફિલ્મનો સૌથી પહેલો શૉટ અમરીશ પુરી પર લેવામાં આવ્યો હતો. લંડનના ફેમસ ટ્રૅફલગર સ્ક્વેર પર દરરોજ કબૂતરને ચણ નાખવા આવતા બલદેવ સિંહ પર લેવામાં આવેલો એ પહેલો સીન પણ તાત્પર્ય સાથેનો હતો. આદિત્ય ચોપડાની ઇચ્છા હતી કે તે જ્યારે કૅમેરા ઑન કરે ત્યારે ફિલ્મની કાસ્ટના સિનિયર ઍક્ટર સાથે શરૂ થાય. ફરીદા જલાલ અને અમરીશ પુરી બે સિનિયર ઍક્ટર હતાં. ફરીદા જલાલ બે દિવસ પછી લંડન આવવાનાં હતાં એટલે અમરીશ પુરીથી કૅમેરા ઑન થયો.

ફિલ્મનો એક સીન છે જેમાં શાહરુખ અને કાજોલ ટકીલાના શૉટ્સ લગાવીને ટલ્લી થઈ જાય છે અને શાહરુખના રૂમમાં બન્ને સૂઈ જાય છે. સવારના સમયે શાહરુખ પોતાની ખુલ્લી છાતી પર કાજોલે કરેલા લિપસ્ટિકના માર્ક્સ દેખાડે છે અને કાજોલ રડી પડે છે. આ સીનના શૂટિંગમાં જ્યારે પણ શાહરુખ શર્ટનાં બટન ખોલીને કાજોલને લિપસ્ટિક દેખાડતો ત્યારે કાજોલ ગભરાઈને રડવાને બદલે ખડખડાટ હસી પડતી હતી. ૪૨, યસ, પૂરા ૪૨ રીટેક પછી મહામુશ્કેલીએ આ સીન ઓકે થયો હતો. મજાની વાત એ છે કે શાહરુખના શરીર પર એ જે લિપસ્ટિકના માર્ક કરવામાં આવ્યા હતા એ કાજોલે પોતે જ તેને પોતાના હોઠથી કરી આપ્યા હતા.

‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’થી આદિત્ય ચોપડાએ તો ડિરેક્ટર તરીકે બૉલીવુડમાં એન્ટ્રી કરી, પણ આ ફિલ્મમાં રહેલા ત્રણ ઍક્ટર પણ આગળ જતાં ડિરેક્ટર બન્યા. આ ત્રણમાંથી બે ડિરેક્ટર તે બન્યા જે બન્ને ફિલ્મમાં શાહરુખના એટલે કે રાજના ફ્રેન્ડ રૉકી અને રૉબી બન્યા હતા : કરણ જોહર અને અજુર્ન સબલોક. કરણની કોઈ ઓળખાણ આપવાની જરૂર નથી અને અજુર્ન સબલોક જો યાદ ન આવે તો તેણે ડિરેક્ટ કરેલી હૃતિક રોશનની ‘ન તુમ જાનો ન હમ’ અને ઉદય ચોપડા-તનીષા મુખરજીની ‘નીલ ઍન્ડ નિક્કી’ ફિલ્મ યાદ કરી લેજો. કરણ અને અજુર્ન પછી ત્રીજો ડિરેક્ટર આ ફિલ્મમાંથી મળ્યો એ પરમીત સેઠી. પરમીતે ફિલ્મમાં કાજોલના થનારા પતિનું કૅરૅક્ટર કર્યું હતું. વર્ષે પછી પરમીતે યશરાજ ફિલ્મ્સમાં જ પોતાની પહેલી ફિલ્મ ‘બદમાશ કંપની’ ડિરેક્ટ કરી હતી.


‘બિગ બૉસ’માં કાજોલની બહેન તનીષા સાથે પ્રેમપ્રકરણ ચલાવવા બદલ પૉપ્યુલર બનેલા રાજકુમાર કોહલીના સુપુત્ર અને ફ્લૉપ ઍક્ટર અરમાન કોહલીને પણ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ સાથે સીધો સંબંધ રહી ચૂક્યો છે. પરમીત સેઠી જે રોલ કરવાનો હતો એ રોલ આદિત્ય ચોપડાએ અરમાનને ઑફર કર્યો હતો, પણ અરમાન એ સમયે હવામાં હતો. લીડ સ્ટાર તરીકે તેની બે ફિલ્મો રિલીઝ થવાની હતી એટલે તેણે પરમીતનો રોલ કરવાની ના પાડી દીધી હતી. મજાની વાત એ છે કે અરમાનની એ ફિલ્મ ક્યારેય રિલીઝ ન થઈ અને તેના હાથમાંથી આ ગ્રેટ ફિલ્મ પણ જતી રહી હતી.આજે ભલે ૧૦૦૦ વીકનું સેલિબ્રેશન ચાલે પણ હકીકત તો એ છે કે ૨૦૦૭ની ૧૩ એપ્રિલે જ્યારે ફિલ્મે ૬૦૦ વીક પૂરાં કયાર઼્ ત્યારે જ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’એ સૌથી લાંબો સમય થિયેટરમાં ચાલેલી ફિલ્મનો વર્લ્ડ રેકૉર્ડ કરી લીધો હતો. સતત ૧૧ વર્ષ ફિલ્મ સ્ક્રીન પર રહ્યાનો આ વિશ્વવિક્રમ હતો. હવે એ ૨૦ વર્ષનો વર્લ્ડ રેકૉર્ડ થઈ ગયો છે.


ફિલ્મમાં કાજોલની બુઆ બનેલી હિમાની શિવપુરી ક્લાઇમૅક્સના સીનમાં તમને જોવા નહીં મળે, કારણ કે જે દિવસે એ સીનનું શૂટિંગ હતું એ જ સવારે તેમના પતિ જ્ઞાન શિવપુરીને હાર્ટ-અટૅક આવ્યો અને હિમાનીએ તરત જ મુંબઈ પાછાં આવી જવું પડ્યું હતું. લાસ્ટ મોમેન્ટ પર હિમાનીના ડાયલૉગ કટ કરવાનું અને મહkવના ડાયલૉગ બીજા ઍક્ટરને આપવાનું કામ કરણ જોહરે કર્યું હતું.ફિલ્મમાં મલ્ટિનૅશનલ બ્રૅન્ડનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો હતો અને શૂટિંગ દરમ્યાન એવી કોઈ તકેદારી રાખવામાં નહોતી આવી કે બ્રૅન્ડ-નેમ ન દેખાય. આવું કરવાનું જો કોઈ ખાસ કારણ હોય તો એ હતું કે એ દિવસોમાં લંડન અને સ્વિટ્ઝરલૅન્ડમાં દેખાઈ રહેલી એ બ્રૅન્ડ ઇન્ડિયામાં ક્યાંય દેખાતી નહોતી.


કમ... ફૉલ ઇન લવ. ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ની આ કૅચલાઇન હતી, જેનો અર્થ થાય છે આવો... (અને) પ્રેમમાં પડો. આવો અને પડોનો આ જે વિરોધાભાસી પ્રાસ કૅચલાઇનમાં બનતો હતો એ માટે પણ યશરાજ ફિલ્મ્સમાં લાંબીલચક ચર્ચા થઈ હતી. આદિત્યએ આ કૅચલાઇન રહેવા દેવા માટે બે દિવસ સુધી બધા આર્ટિસ્ટ અને ખુદ પ્રોડ્યુસર પપ્પાને પણ સમજાવવા પડ્યા હતા. ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ આદિત્ય ચોપડાની પહેલી ફિલ્મ હતી. આદિત્ય ચોપડાએ આ ફિલ્મની પબ્લિસિટી-મટીરિયલની બધી પહેલી પ્રિન્ટ આજે પણ સાચવી રાખી છે અને ‘ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં છપાયેલી પહેલી ઍડ પણ તેમણે કટિંગ કરીને રાખી છે.


તમે માનશો? આ ફિલ્મની ઓરિજિનલ લેન્ગ્થ કેવડી મોટી હતી, ૩ કલાક અને ૬ મિનિટની. જો આ જવાબ તમારો હોય તો તમે અડધા સાચા છો, કારણ કે આટલા સમયની ફિલ્મ તમે જોઈ છે, પણ હકીકત એ છે કે ઓરિજિનલી આ ફિલ્મ ૩ કલાક અને ૪૨ મિનિટની હતી, પણ એની સાઇઝ ઘટાડવા ૬ વખત એડિટિંગ ટેબલ પર બેસીને ૩૬ મિનિટની ફિલ્મ કાપવામાં આવી હતી.સાફસૂથરી અને સીધીસાદી એવી આ ફિલ્મથી એક જ વિવાદ થયો હતો. ફિલ્મના એક સીનમાં કાજોલ અને શાહરુખ ચર્ચમાં પ્રેયર માટે જાય છે અને પછી પાછાં આવી જાય છે. કાજોલ બસમાં બેસે છે અને શાહરુખ ફરીથી ચર્ચમાં જવા માટે દોડે છે. એ સમયે કાજોલ તેને પૂછે છે, તું ક્યાં જાય છે ત્યારે શાહરુખ લઘુશંકાની નિશાનીરૂપે ટચલી આંગળી દેખાડે છે. સાઉથમાં કેટલાંક ઑર્થોડોક્સ ક્રિશ્ચયન સંગઠનોએ એ સીનનો વિરોધ કર્યો હતો અને એવું તારણ કાઢ્યું હતું કે સુસુ જવાના નામે શાહરુખ ચર્ચમાં જાય છે એમાં અમારી ધાર્મિક લાગણી દુભાઈ છે. જોકે એ વિવાદ પછીથી સમી ગયો હતો.

ફિલ્મમાં કાજોલ તેની ફ્રેન્ડ શીના સાથે વેકેશન પર જાય છે. આ શીના હકીકતમાં ફિલ્મમાં હતી જ નહીં. શીનાનું સાચું નામ અનઇતા શ્રોફ છે. અનઇતા કાજોલના કૉસ્ચ્યુમ કરતી હતી, પણ આદિત્યએ શીનાનું કૅરૅક્ટર કરવા માટે બહુ પ્રેશર કર્યું એટલે તે કરવા તૈયાર થઈ ગઈ. શીના આજે ‘વોગ’ નામના વર્લ્ડ-ફેમસ ફૅશન-મૅગેઝિનની ફૅશન-ડિરેક્ટર છે અને હમણાં રિલીઝ થયેલી ફિલ્મ ‘ફાઇન્ડિંગ ફૅની’ના ડિરેક્ટર હોમી અડાજણિયા તેનો હસબન્ડ છે.

‘બડે બડે દેશો મેં, ઐસી છોટી છોટી બાતેં હોતી રહતી હૈં...’ ફિલ્મનો મોસ્ટ પૉપ્યુલર એવો આ ડાયલૉગ જ્યારે શૂટિંગ દરમ્યાન બોલાઈ રહ્યો હતો ત્યારે બધાને એવું લાગતું હતું કે આ ડાયલૉગ બહુ ચીલાચાલુ ડાયલૉગ છે અને વગરકારણે આદિત્ય એને વારંવાર રિપીટ કરી રહ્યા છે. જોકે આ માન્યતા ત્યારે તૂટી જ્યારે ફિલ્મ રિલીઝ થઈ. એ ડાયલૉગ ઘરઘરમાં બોલાવા માંડ્યો હતો અને લવર્સ તો શું; ભાઈ-ભાઈ, બાપ-દીકરો, મા-દીકરો, ભાઈ-બહેન સૌકોઈ એકબીજાને આ ડાયલૉગ કહી રહ્યાં હતાં.


‘જા સિમરન જા... જા, જી લે અપની ઝિંદગી...’ ફિલ્મનો આ બીજો પૉપ્યુલર ડાયલૉગ હતો. આ ડાયલૉગ પણ કેટલાંક વર્ષે સુધી ઘરઘરમાં બોલાતો હતો.યાદ છે ફિલ્મમાં શાહરુખ વારંવાર કાજોલને તેના ઓરિજિનલ નામ સિમરનને બદલે સેનોરિટા કહીને બોલાવતો હતો? આ સેનોરિટા કોણ હતી એ જો ખબર પડશે તો તમને હસવું આવી જશે. સેનોરિટા હકીકતમાં આદિત્ય ચોપડા જ્યાં લંડનમાં ભણ્યા હતા એ કૉલેજની કૉફી-શૉપના માલિકની દીકરી હતી અને તેનું નામ વારંવાર ઉપયોગમાં લેવામાં આવ્યું હતું.

આ વર્લ્ડ ક્લાસિક સાથે ૪ ગુજરાતીઓ પણ જોડાયેલા હતા. સતીશ શાહ અને પૂજા રૂપારેલ. સતીશ શાહને તો સૌ ઓળખે છે, જ્યારે પૂજા રૂપારેલ આજે ટીવી-સ્ટાર તરીકે બહુ જાણીતું નામ છે. કાજોલની બહેનનું કૅરૅક્ટર પૂજાએ કર્યું હતું. અન્ય બે ગુજરાતી એટલે જતીન-લલિત. મ્યુઝિક-ડિરેક્ટર જતીન-લલિત પણ આ ફિલ્મથી ટૉપ પર પહોંચ્યા હતા. ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ અનેક રીતે લૅન્ડમાર્ક ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મને જગતભરમાં ૨૦૦થી વધુ અવૉર્ડ મળ્યા છે તો આ પહેલી એવી ફિલ્મ છે જેની સ્ક્રિપ્ટને ઑફિશ્યલ એક સબ્જેક્ટ તરીકે બ્રિટન, અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા જેવા ૯ દેશોમાં એન્ટ્રી મળી છે.‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’નું બજેટ સાંભળીને તમને હસવું આવશે. ફિલ્મ રોકડા ૪ કરોડ રૂપિયાના ખર્ચે બની હતી.

બહુ નવું લાગશે, પણ ૧૯૯૫માં રિલીઝ થયેલી આ ફિલ્મની DVD છેક ૨૦૦૧માં ઑફિશ્યલી લૉન્ચ કરવામાં આવી હતી. બન્યું હતું એવું કે યશરાજ ફિલ્મ્સે DVDના રાઇટ્સ પોતાની પાસે અનામત રહેવા દીધા હતા, જેને કારણે એ DVD માર્કેટમાં ન આવી. ૨૦૦૧માં જ્યારે યશરાજ DVDની માર્કેટિંગમાં દાખલ થયું ત્યારે એણે પહેલી આ ફિલ્મની DVD બનાવી હતી. પહેલા જ વષ્ોર્ ફિલ્મની ૪૮,૦૦૦ DVD વેચાઈ હતી. યશરાજ ફિલ્મ્સના દાવા મુજબ આજ સુધીમાં ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ની પાંચ લાખથી વધુ DVD વેચાઈ છે.


ફિલ્મમાં કાઉબેલનો ઉપયોગ થયો છે. આ કાઉબેલ સ્વિટ્ઝરલૅન્ડમાં ગાય અને બળદના ગળામાં બાંધવા માટે વપરાતી હોય છે. બહુ ટિપિકલ એવી આ ચીજનો ફિલ્મમાં ઉપયોગ કરવામાં આવ્યો અને એ ચીજ પૉપ્યુલર બની ગઈ. એક એવી પ્રથા શરૂ થઈ ગઈ કે યુરોપના દેશમાં ફરવા જવાનું બને તો કાઉબેલ લઈને જ આવવાનું. યુરોપિયન કન્ટ્રીમાં પણ કાઉબેલનો ક્રેઝ શરૂ થઈ ગયો. સ્વિટ્ઝરલૅન્ડ ગવર્નર્મેન્ટે ૨૦૦૦ની સાલમાં તો આદિત્ય ચોપડાનું સન્માન પણ કાઉબેલની પ્રતિકૃતિ સાથે કર્યું હતું. આજે પણ શાહરુખ, કાજોલ અને આદિત્ય ચોપડા તથા રાની મુખરજીનાં મમ્મીના ઘરે આ કાઉબેલ ટિંગાઈ રહી છે.

પહેલી ફિલ્મ સુપર ડબ્બો

૧૯૮૦માં આ જ નામની ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ ફિલ્મ આવી હતી જેમાં બીના બૅનરજી, દેશ ગૌતમ અને તારિક શાહ જેવાં કલાકારો હતાં. આ ફિલ્મ સુપરડુપર ફ્લૉપ થઈ હતી. આદિત્ય ચોપડાએ જ્યારે પોતાની ફિલ્મનું નામ આ જ ફાઇનલ કર્યું ત્યારે કેટલાક લોકોએ તેને ગભરાવ્યો હતો, પણ આદિત્યનો વિશ્વાસ અકબંધ રહ્યો અને તેણે ટાઇટલ અકબંધ રાખ્યું. ૧૯૯૫ પહેલાંના એ સમયગાળામાં ચિંટુકડા ટાઇટલની ફૅશન ચાલી રહી હતી, પણ લાંબાલચક ટાઇટલની ફૅશન ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’થી ફરી શરૂ થઈ એવું કહેવામાં સહેજેય અતિશયોક્તિ નથી, કારણ કે આ ફિલ્મ રિલીઝ થયા પછી જ ‘જબ પ્યાર કિસી સે હોતા હૈ’, ‘કુછ કુછ હોતા હૈ’, ‘પ્યાર કિયા તો ડરના ક્યા’, ‘મેરે યાર કી શાદી હૈ’, ‘કભી ખુશી કભી ગમ’, ‘કભી અલવિદા ના કહના’  જેવા ટાઇટલની ફિલ્મ આવી અને એમાંથી અમુક સુપરહિટ પણ રહી.શું ચેન્જ આવ્યો આ ૨૦ વર્ષમાં?

શાહરુખ અને કાજોલ સ્ટારર ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ ગુરુવારે ૧૦૦૦ વીક પૂરાં કરશે. સૌથી લાંબા સમય સુધી થિયેટરમાં ટકી રહેનારી ફિલ્મ તરીકે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં નામ નોંધાવનારી આ ફિલ્મ એક આખી જનરેશન અને એક આખો યુગ જોઈ ચૂકી છે. ૧૯૯૫માં જ્યારે ફિલ્મ રિલીઝ થઈ ત્યારે સોનાનો ૧૦ ગ્રામનો ભાવ ફક્ત ૪૦૯૦ રૂપિયા હતો અને ગૅસનું સિલિન્ડર માત્ર ૧૧૯ રૂપિયામાં મળતું હતું, જ્યારે પેટ્રોલનો એક લિટરનો ભાવ રોકડા ૨૧.૪૫ રૂપિયા હતો.

હર પોસ્ટર કુછ કહતા હૈ

‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’નું પોસ્ટર ધ્યાનથી જોશો તો દેખાશે કે એમાં કાજોલના હાથમાં બુક છે જ્યારે શાહરુખના હાથમાં મ્યુઝિક-ઇન્સ્ટ%મેન્ટ છે. ધમાલ અને જ્ઞાનનું આ કૉમ્બિનેશન દેખાડવાનો પ્રયાસ પોસ્ટરમાં થયો હતો. ફિલ્મમાં શાહરુખના પપ્પા બનેલા અનુપમ ખેરના કહેવા મુજબ ફિલ્મ સાથે સંકળાયેલા તમામેતમામ લોકોના ઘરમાં આ પોસ્ટરની ફોટોફ્રેમ છે જ્યારે શાહરુખ, આદિત્ય ચોપડા અને કાજોલની તો ઑફિસમાં પણ આ પોસ્ટર છે. શાહરુખ અને આદિત્ય બન્નેએ એકબીજાના ઑટોગ્રાફ કરીને પોસ્ટર મઢાવીને આપ્યાં છે. આદિત્ય ચોપડાની ઑફિસમાં જે પોસ્ટર છે એમાં શાહરુખના ઑટોગ્રાફ છે એમાં શાહરુખે લખ્યું છે: Thank You for making me the star that I am today.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK