વાહ રે ભારતનું ન્યાયતંત્ર! ચાર દાયકે રહસ્યમય હત્યામાં રહસ્યમય ચુકાદો

Published: Dec 12, 2014, 06:56 IST

૩૯ વર્ષ સુધી નીચલી અદાલતમાં ખટલો આગળ વધતો નહોતો. આ વર્ષો દરમ્યાન બાવીસ જજો બદલાઈ ગયા હતા. ૨૦૧૨માં સર્વોચ્ચ અદાલતે રોજેરોજ સુનાવણી કરવાનો આદેશ આપ્યો એ પછી આ ચુકાદો આવ્યો છે. હત્યા શા માટે અને કોણે કરી એ પહેલું રહસ્ય છે. સારવારમાં ઢીલ શા માટે કરવામાં આવી એ બીજું રહસ્ય છે અને એનાથી પણ વધુ મોટું રહસ્ય છે ચાર દાયકા સુધી ખટલાને અદાલતમાં અટકાવી રાખવામાં આવ્યો
કારણ-તારણ- રમેશ ઓઝા

ખૂન જેવા ગંભીર ગુનામાં ચાલીસ વર્ષે ચુકાદો આવે અને એ પણ હજી નીચલી અદાલતમાં એવું તો ભારતમાં જ બને. હજી તો ખટલો અપીલમાં જશે એમાં બે-પાંચ વર્ષ બીજાં જશે અને જ્યારે અંતિમ ચુકાદો આવશે ત્યારે યુવાવસ્થામાં ખૂન કરનારાઓ ૭૦ વર્ષની આસપાસના થયા હશે. કાં તો તેઓ સજા ભોગવવા હયાત નહીં હોય અથવા તેઓ સજા ભોગવવાની સ્થિતિમાં નહીં હોય અને આ ઉપરાંત જુવાનીમાં કરેલા કહેવાતા ગુના માટે આજીવન કલંકિત જીવન ગુર્જાયા પછી બુઢાપામાં સજા આપવી એ કાયદાના રાજમાં નિષ્ઠા ધરાવતા આધુનિક રાજ્ય માટે શોભાસ્પદ પણ નથી. ન્યાયની કસુવાવડનો આ ક્લાસિક કિસ્સો છે. હજી વધુ એક આર્ય. જેમનું ખૂન થયું હતું એ પરિવારના સભ્યો કહે છે કે જેમને આરોપી ઠરાવવામાં આવ્યા છે એ નિર્દોષ છે, તેમને ફસાવવામાં આવ્યા છે અને ઘ્ગ્ત્ જાણીબૂજીને ગુનેગારો સુધી પહોંચતી નથી.

કેન્દ્રના રેલવેપ્રધાન લલિત નારાયણ મિશ્રનું બીજી જાન્યુઆરી ૧૯૭૫ના રોજ બિહારમાં સમસ્તીપુરમાં બૉમ્બ-વિસ્ફોટમાં ખૂન થયું હતું. આઝાદ ભારતના ઇતિહાસમાં મહાત્મા ગાંધી પછીની આ બીજી રાજકીય હત્યા હતી. હત્યા રાજકીય હતી, પણ રહસ્યમય હતી. સાધારણપણે બિહારમાં જ્ઞાતિગત રાજકારણના ભાગરૂપે થતી હત્યાઓ કે જમીનદારોની ડાબેરીઓ હત્યા કરે છે એવી આ હત્યા નહોતી. એ વાત ખરી કે લલિત નારાયણ મિશ્ર બિહારના ઉત્તર ચંપારણના દબંગ કહી શકાય એવા બ્રાહ્મણ અને પાછા જમીનદાર નેતા હતા, પરંતુ તેમની હત્યાનું કારણ જ્ઞાતિ કે જમીનદારી નહોતું.


તો પછી હત્યા કોણે કરી હતી અને શા માટે કરી હતી? ૧૯૭૧માં ઇન્દિરા ગાંધીના નામે, તેમના અવાજમાં સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયામાં ફોન કરીને ૬૦ લાખ રૂપિયાની ઉચાપત કરનારા રૂસ્તમ નગરવાલા જેવો જ આ રહસ્યમય કેસ હતો. બૅન્કે વગર ચેકે વગર લેખિત દસ્તાવેજે એ જમાનામાં ૬૦ લાખ રૂપિયા જેવી રકમ ઇન્દિરા ગાંધીના નામે નગરવાલાને આપી હતી. એ પછી એ મામલામાં ખટલો આગળ વધે એ પહેલાં જ નગરવાલાનું રહસ્યમય રીતે અવસાન થયું હતું. લલિત નારાયણ મિશ્રની હત્યા માટે પોલીસે એ સમયે આનંદમાર્ગીઓ તરફ આંગળી ચીંધી હતી તો ઇન્દિરા ગાંધીએ એ યુગના તેમના ટિપિકલ ધોરણ મુજબ અમેરિકન ગુપ્તચર એજન્સી CIA તરફ આંગળી ચીંધી હતી. કોઈ પણ અઘટિત કે રહસ્યમય ઘટના એ જમાનામાં બનતી હતી ત્યારે ઇન્દિરા ગાંધીને એમાં વિદેશી હાથ નજરે પડતો હતો.
એ યુગ ઇન્દિરા ગાંધીના સમાજવાદી અવતારનો યુગ હતો. ભારત આ પહેલાં ક્યારેય નહોતું એટલું સોવિયેટ રશિયાથી નજીક હતું અને મૂડીવાદી અમેરિકાથી દૂર હતું. બૅરિસ્ટર રજની પટેલ, ઇન્દર કુમાર ગુજરાલ, મોહન કુમારમંગલમ્ જેવા પૂર્વાશ્રમના સામ્યવાદીઓ ઇન્દિરા ગાંધીની કૉન્ગ્રેસમાં જોડાયા હતા અને ઇન્દિરા ગાંધીની કિચન કૅબિનેટના સભ્યો હતા. દેશના રાજકારણમાં અમેરિકન ગુપ્તચર એજન્સી CIA અને રશિયન ગુપ્તચર એજન્સી ત્GB રસ લઈ રહી છે અને દોરીસંચાર કરી રહી છે એવી ઇશારતો કરવામાં આવતી હતી. ૧૯૫૫માં પ્રભાત રંજન સરકાર નામના એક રહસ્યમય યોગીએ આનંદ માર્ગની સ્થાપના કરી હતી, જેની ૧૯૭૦ના દાયકામાં બિહાર અને બંગાળમાં સામ્યવાદીઓ સામેની લડત ચરમસીમાએ હતી.


આમ એ યુગના અટપટા રહસ્યમય રાજકારણના દિવસોમાં લલિત નારાયણ મિશ્રની હત્યા થઈ હતી. બૉમ્બ-વિસ્ફોટમાં લલિત નારાયણ મિશ્ર ઘાયલ થયા હતા, પણ એ પછી તેમને સારવાર આપવામાં જે વિલંબ થયો એ પણ નહીં ઊકલી શકેલું રહસ્ય છે. સમસ્તીપુરથી નજીકના શહેર દરભંગામાં અડધો કલાકમાં પહોંચી શકાતું હતું, પરંતુ એલ. એન. મિશ્રને ૧૦૦ કિલોમીટર દૂર આવેલા દાનાપુર લઈ જવામાં આવ્યા હતા. રસ્તામાં ટ્રેન કોઈ ને કોઈ મુશ્કેલીના બહાને ઊભી રહેતી હતી. તેમને રસ્તામાં આવતા પટના શહેરમાં ઉતારીને સારવાર શા માટે ન અપાઈ એ પણ સવાલ છે. લાલ બહાદુર શાjાીના મૃતદેહનું જેમ પોસ્ટમૉર્ટમ નહોતું કરવામાં આવ્યું એમ લલિત નારાયણ મિશ્રનું પોસ્ટમૉર્ટમ પણ નહોતું કરવામાં આવ્યું.


આ ઘટનાક્રમ અને સંજોગો જોશો તો એક વાત તો નક્કી કે લલિત નારાયણ મિશ્રની હત્યા બિહારના રાજકારણના કારણે કે જમીનદારીના કારણે નહોતી થઈ, પરંતુ કોઈ મોટા કાવતરાના પરિણામે થઈ હતી. કોણે કોના કહેવાથી એલ. એન. મિશ્રને મારવાનું કાવતરું કર્યું હતું એ વણઊકલ્યું રહસ્ય છે. અદાલતે ચાર આનંદમાર્ગીઓને તકસીરવાર ઠરાવ્યા છે. આનંદ માર્ગની સ્થાપના જમીનદારોના આઉટફિટ તરીકે સામ્યવાદીઓ સામે લડવા માટે થઈ છે એવું માનવામાં આવે છે. જો એ વાત સાચી હોય તો આનંદમાર્ગીઓ જમીનદાર લલિત નારાયણ મિશ્રને શા માટે મારે? શંકાની આંગળી CIA, ત્GB ઉપરાંત ઇન્દિરા ગાંધી સામે પણ ચીંધવામાં આવતી હતી. જ્યારે ન્યાયની કસુવાવડ કરવામાં આવે ત્યારે મનફાવે એવી ઇશારતો માટે મોકળું મેદાન મળે એ સ્વાભાવિક છે. માની લો કે આનંદમાર્ગીઓએ હત્યાનો પ્રયાસ કર્યો પણ હોય તોય લલિત નારાયણ મિશ્રને સમયસર સારવાર ન મળે એમાં તો તેમની કોઈ ભૂમિકા ન હોઈ શકે.


૩૯ વર્ષ સુધી નીચલી અદાલતમાં ખટલો આગળ વધતો નહોતો. આ વર્ષો દરમ્યાન બાવીસ જજો બદલાઈ ગયા હતા. ૨૦૧૨માં સર્વોચ્ચ અદાલતે રોજેરોજ સુનાવણી કરવાનો આદેશ આપ્યો એ પછી આ ચુકાદો આવ્યો છે. હત્યા શા માટે અને કોણે કરી એ પહેલું રહસ્ય છે. સારવારમાં ઢીલ શા માટે કરવામાં આવી એ બીજું રહસ્ય છે અને એનાથી પણ વધુ મોટું રહસ્ય છે ચાર દાયકા સુધી ખટલાને અદાલતમાં અટકાવી રાખવામાં આવ્યો. આ દરમ્યાન કૉન્ગ્રેસ વિરોધી પક્ષોએ ૧૦ વર્ષ કેન્દ્રમાં અને ૨૦ વર્ષથી વધુ બિહારમાં રાજ કર્યું છે. લલિત નારાયણ મિશ્રના પુત્ર વિજય મિશ્ર ચુકાદાનો અસ્વીકાર કરતાં કહે છે કે ચુકાદો પણ રહસ્યમય છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK