તમારાં ઘરે લગ્ન છે? તો આ લેડીને જરૂર આમંત્રણ આપજો

Published: 12th December, 2014 06:52 IST

વાગડ સમાજનાં ૬૦ વર્ષનાં અમૃત વધાણ સંગીત વગર અદ્ભુત રીતે લગ્નગીતો ગાય છે અને વીસરાતી જતી આ કળાને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યાં છેપીપલ-લાઇવ- શર્મિષ્ઠા શાહ

થાણેમાં રહેતાં સાઠ વર્ષનાં અમૃત વધાણને ઓળખતા લોકો લગ્નમાં ખાસ આમંત્રણ આપે છે, કારણ કે આજે જ્યારે લગ્નોમાં લગ્નગીતો તેમ જ ફટાણાં ગાવાની પ્રથા ધીરે-ધીરે લુપ્ત થતી જાય છે અને લગ્નગીતો લોકોના માનસમાંથી વીસરાઈ રહ્યાં છે અને ફક્ત સંગીત-પાર્ટીઓ દ્વારા પ્રોફેશનલ રીતે જ ગવાઈ રહ્યાં છે ત્યારે અમૃતબહેન પોતાના બુલંદ અવાજથી જૂનાં અને નવાં લગ્નગીતો ગાઈને લગ્નના માહોલને જીવંત બનાવે છે. લગ્નગીતો ગાવાની પ્રથા સમૂળગી વીસરાઈ ન જાય અને લગ્નગીતોરૂપી લોકસાહિત્યવારસો ભુલાઈ ન જાય એ હેતુથી તેઓ લગ્નગીતો ગાવાના ક્લાસિસ પણ ચલાવે છે અને આ રીતે ભૂતકાળનો ભવ્ય વારસો જાળવી રહ્યાં છે. તેમના આ ક્લાસિસમાં મોટી ઉંમરની નહીં, પરંતુ વીસથી પાંત્રીસ વર્ષની નાની ઉંમરની તેમના વાગડ સમાજની યુવતીઓ હોંશે-હોંશે જોડાય છે. બે વર્ષ અગાઉ તેમણે બહાર પાડેલાં લગ્નગીતોનાં પુસ્તક ‘અમૃત મિલન-ઝીલન’માં વાગડ સમાજમાં ગવાતાં બસો સિત્તેર જેટલાં ગીતોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે બધાં જ અમૃતબહેનને મોઢે છે. અમૃતબહેન કોઈ પણ જાતના મ્યુઝિક વગર એકલાં જ લગ્નગીતો ગાય છે.


માનો વારસો


લગ્નગીતો ગાવાનો શોખ અમૃતબહેનને પોતાની માતા દ્વારા વારસામાં મળ્યો છે. અમૃતબહેન કહે છે, ‘હું મારાં માની ખૂબ જ લાડકી હતી. મારાં મા માનુબહેન મને રોજ પોતાના ખોળામાં સુવડાવીને જુદાં-જુદાં ગીત સંભળાવતાં હતાં. મારા માટે માની યાદ એટલે ગીત છે. હું મા સાથે બાળપણમાં બધા જ લગ્નપ્રસંગોમાં જતી ત્યારે મને ત્યાં ગવાતાં ગીત ખૂબ જ ગમતાં અને ૧૪ વર્ષની ઉંમરે પરણીને સાસરે ગઈ ત્યાર પછી પણ આ શોખ કાયમ જ રહ્યો.’ સાસરે પણ કોઈ પણ લગ્નપ્રસંગ હોય તો અમૃતબહેન પાસે બધા ગીત ગવડાવતા હતા.

મુશ્કેલીમાં હાર ન માની


છ વર્ષ પહેલાં અમૃતબહેનના જીવનમાં આઘાતજનક ઘટના બની. તેમના પતિના અવસાન પછી તેમના જીવનમાં ખાલીપો વર્તાયો. એકાદ વર્ષ તેમને આ કપરા સમયગાળામાંથી બહાર આવતાં થયું. ત્યાર પછી તેઓ અંધેરી છોડીને થાણે રહેવા આવી ગયાં. થાણેમાં અમૃતબહેને સમાજની બીજી બહેનોની પ્રેરણાથી પોતાની કળાનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. પતિના અવસાન પછી ભાંગી પડવાને બદલે આ નારીએ પોતાની કળાનો ઉપયોગ કરીને પોતાના ખાલી જીવનને ભરી દીધું અને તેમણે લગ્નગીત શીખવવાના ક્લાસિસ શરૂ કર્યા. શરૂઆતમાં આ માટે તેઓ કોઈ ફી લેતાં નહોતાં, પરંતુ હવે તેમણે ફી લેવાનું શરૂ કર્યું. હોંશીલી નવયુવાન નારીઓ તેમની પાસે લગ્નગીતો શીખવા આવતી અને આ જ નારીઓની પ્રેરણા અને સહકારથી અમૃતબહેને પોતાનું લગ્નગીતોનું પુસ્તક બહાર પાડ્યું. અમૃતબહેન જૂના જમાનાની એક ચોપડી સુધી ભણ્યાં હતાં તેથી તેમને વાંચતાં આવડે છે, પરંતુ લખતાં આવડતું નહોતું. તેઓ કહે છે ‘મારી વિદ્યાર્થિનીઓ જ મારી ગુરુ બની. હું તેમના મોઢે જ બધાં જ ગીત ગવડાવતી હતી અને તેઓ છે, મારા માટે એ ગીતો લખતી. નિકી વધાણ, કમલા સાવલા, લક્ષ્મી કારિયા જેવી બહેનોના સહકારથી જ મારું પુસ્તક છપાયું.’ ભગવાન એક બારી બંધ કરે છે તો બીજી બારી ખોલે છે એવું કહીને અમૃતબહેન કહે છે, ‘મુશ્કેલીમાં રડીને બેસી રહેવાથી કંઈ ફાયદો થતો નથી. એનો સામનો કરવો જરૂરી છે.’


નવાં ગીત ગાવામાં માહેર


અમૃતબહેનને ગીતો ગાવાની એટલી ફાવટ આવી ગઈ છે કે હવે તો તેઓ કોઈ પણ પ્રસંગને અનુરૂપ પોતાના શબ્દો મૂકીને પણ ગીતો બનાવી લે છે. તેમના પુસ્તકમાં વાગડ સમાજનાં લગ્નની જુદી-જુદી વિધિને અનુરૂપ લગ્નગીતો તૈયાર કરવામાં આવ્યાં છે. આ પુસ્તકમાં લગ્નની વિધિમાં જરૂરી સામગ્રીનું લિસ્ટ પણ છે.

વિદાયગીતમાં બધા રડ્યા


લગ્નગીત ગાતી વખતનો એક ખાસ પ્રસંગ યાદ કરતાં અમૃતબહેન કહે છે, ‘હમણાં થોડા દિવસ અગાઉ અમારા ઘરની એક દીકરીનાં લગ્ન હતાં ત્યારે મેં વિદાયગીત ગાયું તો બધા શાંત થઈ ગયા. ત્યારે મને થયું કે શું કોઈને ગીત ગમ્યું નહીં હોય? પરંતુ એ પછી દીકરીનાં પિયરિયાં સાથે તેનાં સાસરિયાં પણ રડી પડ્યાં હતાં.’


- તસવીર : દત્તા કુંભાર

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK