પતિ અને પત્ની દોસ્ત હોઈ શકે?

Published: 12th December, 2014 06:50 IST

તાજેતરમાં જાવેદ અખ્તરે કહ્યું કે શબાના આઝમી સાથેનું ૩૦ વર્ષનું લગ્નજીવન પણ તેમની દોસ્તીની આડે આવ્યું  નથી. લગ્નજીવનમાં દોસ્તીનું મહત્વ કેટલું છે? પાર્ટનર એકબીજાનાં બેસ્ટ ફ્રેન્ડ બનીને રહે તો કઈ રીતે તેમનું રિલેશન બ્યુટિફુલ બની શકે? દોસ્તીના ફાઉન્ડેશન પર ઊભું રહેલું લગ્નજીવન કેમ વધુ હૅપી હોય છે? મેળવીએ આ બધા પ્રfનોના જવાબ


સ્પેશ્યલ સ્ટોરી- રુચિતા શાહ

તાજેતરમાં જાણીતા લેખક અને ગીતકાર જાવેદ અખ્તર અને ઍક્ટર તથા સમાજસેવિકા શબાના આઝમીએ તેમનાં લગ્નની ત્રીસમી સાલગિરહ ઊજવી ત્યારે જાવેદસાબે કહ્યું હતું કે ૩૦ વર્ષનું લગ્નજીવન અમારી દોસ્તીમાં દરાર નથી પાડી શક્યું. મોટે ભાગે લગ્ન થતાં હોય ત્યારે દરેક કપલ એમ જ વિચારતું હોય છે કે આપણે પતિ-પત્ની ઉપરાંત બહુ જ સારાં દોસ્ત બનીને રહીશું. જોકે સમય જતાં આ વાત બન્નેમાંથી કોઈ નિભાવી શકતું નથી. લગ્ન અને દોસ્તી એકસાથે સંભવે ત્યારે સંબંધમાં વધુ ઊંડાણ આવતું હોય છે બૉgન્ડગ વધુ મજબૂત બને છે. દોસ્ત બની રહેવા માગતાં પતિ-પત્નીના સંબંધમાં દોસ્તી કેમ ટકી નથી શકતી? દોસ્તી કપલ તરીકે તમારા સંબંધને કઈ રીતે પૂરક બની શકે છે? જો લગ્ન પછી તમારા પાર્ટનર સાથેનો ફ્રેન્ડશિપનો રૅપો સુષુપ્ત થઈ ગયો છે તો એને ફરી એક વાર તાજોમાજો કરવા શું કરવું?

લગ્નોમાં થતું શું હોય?

લવ-મૅરેજ કરનારાં મોટા ભાગનાં કપલમાં દોસ્તીથી સંબંધની શરૂઆત થાય છે. જોકે લગ્ન પછી એ દોસ્તી માત્ર મીઠાં સંભારણાં બનીને રહી જાય છે અને પતિ-પત્ની તરીકે સંબંધમાં જરૂરિયાત, ફરજો અને અપેક્ષાઓનો ભાર વધતો જાય છે. આ વિશે સાઇકોલૉજિસ્ટ કિંજલ પંડ્યા કહે છે, ‘લગ્ન પછી પતિ-પત્ની એક છત નીચે રહેવા માંડે છે. શરૂઆતમાં જે ચાર-છ કલાક મળવાનું હોય કે ફોન પર વાતો કરવાનું હોય એને બદલે હવે સતત એકબીજાની સામે રહેતાં હોવાને કારણે આકર્ષણ ઓછું થવા માંડે. લવ-મૅરેજમાં કોર્ટશિપ કે અફેરના પિરિયડ દરમ્યાન ફિઝિકલ આકર્ષણના પાયા પર વધુ એક્સપ્લોરેશન થતું હોય છે, જેને કારણે એકબીજાના નેચરને સમજવાનો ચાન્સ મળ્યો હોતો નથી. અને જ્યારે લગ્ન પછી આકર્ષણનું લેવલ નીચે આવે છે ત્યારે નેચરનો પૉઇન્ટ નજર સામે આવે છે. જે નેચર તરફ પહેલા ધ્યાન જ નહોતું એ નેચર હવે મેજર રોલ ભજવી રહ્યું હોય. બીજી તરફ ઘર અને પરિવારની જવાબદારીઓને કારણે પણ પોતે કલ્પેલું રોઝી પિક્ચર પડી ભાંગે છે, જેમાં સૌથી પહેલો ભોગ દોસ્તીનો લેવાય છે. સંબંધોમાં કપલ તરીકે એકબીજા માટેની ફરજો, જવાબદારી અને જરૂરિયાત મહત્વની બની જાય છે.’

દોસ્તી કેમ જરૂરી?

ફ્રેન્ડ્સ સામે તમે જેવા હો એવા રહી શકતા હો, ફ્રેન્ડ્સ સામે તમે તમારું ધાર્યું કરી પણ શકતા હો અને કરાવી શકતા હો, ફ્રેન્ડ્સ ક્યારેય જજમેન્ટલ ન હોય. આ બાબતનું જીવંત ઉદાહરણ આપતાં સ્ટ્રેસ અને ડિપ્રેશન મૅનેજમેન્ટ એક્સપર્ટ વિષ્ણુ મોદી કહે છે, ‘મિત્ર સામે ઊંચનીચનો ભેદ ન હોય. તમને કૃષ્ણ-સુદામાનો પ્રસંગ યાદ હશે. કૃષ્ણ દ્વારિકાના રાજા હતા અને સુદામા ગરીબ બ્રાહ્મણ હતા. પોતાની પાસે રહેલા તાંદુળના ચાર દાણા ભૂખ્યા કૃષ્ણને ખવડાવવામાં સુદામાને સંકોચ થઈ રહ્યો હતો ત્યારે કૃષ્ણએ દોસ્તીના નાતે જબરદસ્તીથી પણ એ તાંદુળ ખાઈ લીધા હતા. દોસ્તી હોય ત્યાં નબળાઈઓ કે લાચારીઓને બીજો દોસ્ત ઢાંકી દે છે. કોઈ પણ જાતની બાઉન્ડ્રી દોસ્તીમાં નડતી નથી, જ્યારે લગ્નોમાં મોટે ભાગે સંબંધોનો ભાર લાગવા માંડે છે.’


આ જ વાત પર વધુ પ્રકાશ પાડીને કિંજલ પંડ્યા કહે છે, ‘લગ્નોમાં કપલ્સ મોટે ભાગે જજમેન્ટલ બની જતાં હોય છે. ગેરવાજબી રીતે પઝેસિવ બની જાય છે. સફોકેશન થવા માંડે એ રીતે રિલેશન બંધિયાર બની જાય છે, જે કપલ વચ્ચે તિરાડ પાડવાનું કામ કરે છે. ઘણાં એવાં કપલ હોય છે જે પોતાના પાર્ટનરના ઑપોઝિટ સેક્સના ફ્રેન્ડને નોર્મલી નથી લઈ શકતા. વાઇફ માટે એ સહેવું ખૂબ મુશ્કેલ હોય છે કે તેનો હસબન્ડ તેની સ્કૂલની કોઈ જૂની ફ્રેન્ડને મળ્યો હોય અને તેની સાથે વાત કરી હોય. એક ઉદાહરણ આપું, માની લો કોઈ છોકરી તમારા હસબન્ડની બહુ જ સારી ફ્રેન્ડ છે. તે બન્ને ક્યારેક એકલાં ડિનર પર જાય એ તમે સહી શકો છો? તમે આગ્રહ રાખતા હો કે જાય તો ભલે જાય પણ તમને સાથે લઈને જાય. પરંતુ એવું પણ બને કે તમારી હાજરીમાં એ લોકો કમ્ફર્ટેબલી પોતાના જૂના રૅપો પ્રમાણે ન રહી શકે. એટલી સ્પેસ પતિ-પત્ની એકબીજાને નથી આપી શકતાં, કારણ કે તેમની વચ્ચે વિશ્વાસની એ કડી નથી, જે દોસ્તીમાં હોય છે. ફ્રેન્ડશિપ હોય ત્યાં બ્લાઇન્ડ શ્રદ્ધા હોય છે એકબીજા પર. પુષ્કળ અધિકાર હોય છે. બેહદ સ્વીકારભાવ હોય છે, ભરપૂર સ્પેસ હોય છે અને કોઈ પણ જાતની પૂર્વધારણા કે જજમેન્ટલ થયા વિના જેમ રહેવું હોય એમ રહી શકાય છે. બધી જ નૌટંકીઓ પેટ ભરીને કરી શકાય છે, એકબીજા પર અને એકબીજાની સાથે હસી શકાય છે, રડી શકાય છે અને રડાવી પણ શકાય છે. સંબંધોમાં જીવંતતા હોય છે. આવી ટ્રાન્સપરન્સી સાથેની સ્પેસ, વિશ્વાસ અને સહજતા પતિ-પત્નીના સંબંધમાં ભળે તો સ્વાભાવિક છે કે તેમનો સંબંધ મીઠાશ આપે એમાં નવાઈ છે જ નહીંને?’

જાવેદ અખ્તર અને શબાના આઝમી પાસેથી જાણીએ તેમની અતૂટ દોસ્તી પાછળનું સીક્રેટ

લગ્નજીવનમાં પણ ફ્રેન્ડશિપ અકબંધ કઈ રીતે રહી શકે એ માટે જાવેદ અખ્તર કહે છે, ‘જો એકબીજાના પ્રતિભાવને માન આપવામાં આવતું હોય તો આ પ્રકારના રિલેશન શક્ય બને. મારું એ પણ માનવું છે કે રિલેશનશિપમાં એ વાત વધારે મહત્વની છે કે તમને કઈ બાબતમાં ખબર નથી પડતી. હું અમુક બાબતોમાં બહુ સોશ્યલ નથી થઈ શકતો, પણ શબાના એ બાબતમાં મારા કરતાં વધારે ચડિયાતી છે, જેને ચેન્જ કરવાની મેં ક્યારેય કોશિશ નથી કરી. સોશ્યલ મૅટર હોય તો હું એમાં કોઈ આગ્યુર્મેન્ટ વિના તેને ફૉલો કરી લઉં. જે બાબતમાં શબાનાને ઓછું ખબર પડે એમાં તે આગ્યુર્મેન્ટ વિના મારા ઓપિનિયન કે ડિસિઝનને સ્વીકારી લે. આ એવી વાતો છે જે આમ બહુ નાની લાગે, પણ એનું સૅટિસ્ફેક્શન બહુ મોટું હોય છે.’


આ બાબતમાં શબાના આઝમી કહે છે, ‘ફ્રેન્ડશિપ ત્યારે જ શક્ય હોય છે જ્યારે એકબીજાને જે સ્વરૂપમાં છે એ સ્વરૂપમાં સ્વીકારી લેવામાં આવે છે. અમારા રિલેશનમાં પણ અમે એ જ કયુર્ં છે. એકબીજામાં રહેલા પ્લસ પૉઇન્ટ્સને તો સૌ કોઈ સ્વીકારે, પણ જ્યારે એકબીજાની લિમિટેશન પણ સ્વીકારી લેવામાં આવે અને એ પણ સહજ રીતે ત્યારે રિલેશનમાં ફ્રેન્ડશિપની ફ્લેવર અકબંધ રહેતી હોય છે.’
જાવેદ અખ્તરનું માનવું છે કે મૅરેજ પછી મોટા ભાગનાં કપલમાં હસબન્ડનો મેલ ઈગો જાગી જતો હોય છે, જે ખોટું છે. મૅરેજ પહેલાં જે રોકટોકને હક સાથે જોવામાં આવતી હોય છે એ જ રોકટોક મૅરેજ પછી વાઇફ ચાલુ રાખે તો એને કચકચના રૂપમાં પતિ લેવા માંડે છે અને એ પછી બન્ને વચ્ચે અંતર ઊભું થવું શરૂ થાય છે. શબાના આઝમી આ વાતને સહમતિ આપતાં કહે છે, ‘મોટા ભાગના કેસમાં વાઇફ આ પ્રકારની તંગદિલીથી કંટાળીને ચેન્જ થવાનું પસંદ કરે છે એટલે એક સમયે એવી ફરિયાદ આવે છે કે વાઇફ ચેન્જ થઈ ગઈ, પણ હસબન્ડ જનરલી એ જોવાની કોશિશ નથી કરતા કે જે કોઈ ચેન્જ આવ્યો છે એની પાછળ તે પોતે જ જવાબદાર છે.’મૅરેજ પછી પણ રિલેશનની ફ્રેન્ડશિપ અકબંધ રાખવા માટે એકબીજાના અસ્તિત્વને એ જ સ્વરૂપમાં સ્વીકારવાની બાબતમાં જાવેદ-શબાના પૂરો ભાર આપે છે અને કહે છે કે જવાબદારીની ટોટાલિટીનો આગ્રહ રાખવામાં ન આવે તો મૅરેજ પહેલાંના રિલેશનમાં જે નૅચરલ બ્યુટી હોય એ અકબંધ રહેતી હોય છે. 


-રશ્મિન શાહ

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK