તીખી ચટણી અને લીલાં મરચાંનાં બહુ શોખીન છે ૧૦૨ વર્ષનાં આ પરદાદી

Published: 10th December, 2014 06:35 IST

મુલુંડમાં રહેતાં લીલાવતી કોરડિયા આજે પણ લાકડી વિના ચાલે છે. ઘરનાં નાનાં-મોટાં કામ કરે છે. બીમારી નખમાંયે નથી. ધર્મમાં અતિશય આસ્થા ધરાવે છે અને અત્યારે પણ પોતાનાથી બનતાં જપ-તપ કરે છેપીપલ-લાઇવ- રુચિતા શાહ

આજકાલની વહુ-દીકરીઓના ડ્રેસિંગથી થોડાં ખફા છે મુલુંડમાં રહેતાં ૧૦૨ વર્ષનાં લીલાવતી કોરડિયા. ધણી બેઠો હોય તો કપાળમાં ચાંદલો, હાથમાં બંગડી અને નાકમાં નથ તો પહેરવી જ જોઈએ એવું તેમનું દૃઢપણે માનવું છે. સાડી અને જીન્સમાં સાડીને તેઓ સો માર્ક આપે છે. અત્યારના અને પહેલાંના જમાનામાં તેમને ધરતી-આસમાનનો ફેર લાગે છે તેમ છતાં ક્યારેય કોઈને કંઈ કહેવું નહીં, કોઈની સ્વતંત્રતાની આડે આવવું નહીં, પોતાનો મત કોઈના પર થોપવો નહીં એ આ પરદાદીની ખાસિયત છે. આજકાલ જ્યારે પોતાના જમાના કરતાં જુદો જમાનો જોઈને કમાન છટકાવતા સિનિયર સિટિઝનોની કમી નથી ત્યારે આ દાદી પોતાની માનસિકતાને પોતાના સુધી સીમિત રાખીને દરેકને પોતાની રીતે જીવવા દેવાના આધુનિક વિચારને સ્વીકારે છે અને એનું પાલન પણ કરે છે. તેમને છ બાળકો હતાં જેમાંથી એક દીકરી અને એક દીકરો હયાત નથી. ત્રણ દીકરાઓમાંથી તેઓ અત્યારે તેમના સૌથી નાનાં દીકરા-વહુ અને તેમના પરિવાર સાથે રહે છે. ઉંમરની સેન્ચુરી વટાવી ચૂકેલાં લીલાવતીબહેનની તંદુરસ્તી અને લાંબી ઉંમર પાછળનું સીક્રેટ જાણવાના પ્રયત્ન કરીએ.

વેરી હેલ્ધી

૪૫ વર્ષ પહેલાં મુંબઈમાં સ્થાયી થયેલાં લીલાવતીબહેનને કોઈ પણ જાતની બીમારી નથી. માથું દુખે છે, શરીર દુખે છે જેવી ટિપિકલ ફરિયાદો તેમની પાસે ક્યારેય સાંભળવા નહીં મળે. છેલ્લાં ૪૫થી વધુ વર્ષથી તેઓ બિયાસણાનું તપ કરે છે. જૈનોના આ તપમાં આસન પર બેસીને માત્ર બે જ વખત જમી શકાય અને સૂયોર્દયથી સૂર્યાસ્ત દરમ્યાન પાણી પી શકાય. લાકડી વિના તેઓ ચાલી શકે છે. રોજ સવારે પાંચ વાગ્યે તેમના દિવસની શરૂઆત થાય. સવારનો નિત્યક્રમ પતાવ્યા પછી સામાયિક-પ્રતિક્રમણ વગેરેમાં ભગવાનનું જપસ્મરણ કરે. તેમના હાથે બનતા ગાંઠિયા અને અમુક મીઠાઈઓ આજે પણ તેમના પરિવારમાં ફેવરિટ છે.

લીલાવતીબહેનને ધાર્મિક કથાઓ અને સ્તવનો સાંભળવાં ગમે છે. સ્કૂલમાં ગયાં નથી છતાં થોડુંઘણું વાંચતાં આવડે છે. ઘરમાં આવનારી કોઈ પણ વ્યક્તિને જમ્યા વિના તેઓ પાછી ન મોકલે. સાંજે તેમનો દીકરો અને પૌત્ર ઘરે ન આવે ત્યાં સુધી તેમને ચેન ન પડે. એ સમયે ઘડિયાળ જોયા કરવી અને મોડું થાય તો વહુને તેમને ફોન કરવાની ઇન્સ્ટ્રક્શન આપવી એ તેમના રૂટીનનો હિસ્સો છે.

ખાવાનાં શોખીન

લીલાવતીબહેન સવાર અને સાંજ એમ બે જ વાર ભલે જમતાં હોય, પણ તેમને જમવામાં બધું જ પ્રૉપર જોઈએ. તીખું ખાવાનું તેમને ગમે છે. અથાણાં, તીખી ચટણી, લીલાં મરચાં વગેરે તેમના ભોજનમાં હોય, હોય અને હોય જ. તેમ જ શાક, રોટલી, દાળ, ભાત, મીઠાઈ, ફ્રૂટ્સ અને છેલ્લે છાશ આ તેમનું ફિક્સ મેન્યુ છે. સાંજે ખીચડી, થૂલી જેવો લાઇટ ખોરાક તેઓ લે છે.  


તંદુરસ્તીનું સીક્રેટ

૧૪ વર્ષની ઉંમરે લગ્ન કરનારાં લીલાવતીબહેનના પતિદેવનું ૪૪ વર્ષની ઉંમરે અવસાન થઈ ગયું એ પછી ઘરની બધી જ જવાબદારી તેમને માથે આવી ગઈ. નાની ઉંમરથી જ કામ કરતાં રહેવાને કારણે મારી તબિયત સારી રહી છે એમ જણાવીને લીલાવતીબહેન કહે છે, ‘કામ કરો તો શરીર કસાયેલું રહે એટલે તંદુરસ્ત પણ રહે. બાકી તો તમારું આયુષ્ય લખેલું હોય એટલું જ તમે જીવો. બધી ઉપરવાળાની કૃપા હોય. એટલે જ તમારું કામ કરતા રહો અને ઉપરવાળાનું નામ લેતા રહો.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK