ઝબાન સંભાલ કે

Published: Dec 09, 2014, 06:32 IST

તમારી વાણી બેલગામ હોય તો એના માટે વિવેકરૂપી ગળણી વાપરવાનું ખૂબ જરૂરી છેસોશ્યલ સાયન્સ- તરુ કજારિયા

આજે સવારે એક ફિલ્મી ગીત સાંભળ્યું. બનતા સુધી કોઈ જૂની હિન્દી ફિલ્મનું હતું...‘ફૂલ આહિસ્તા ફેંકો, ફૂલ બડે નાઝુક હોતે હૈં...’ તમને ખ્યાલ હશે એક જમાનાની વાર્તાઓમાં નાયિકાની ખૂબસૂરતી અને તેના અવાજનાં વખાણ કરતી વખતે ફૂલો બહુ કામ આવતાં. તેના હોઠ ફૂલની પાંખડી જેવા, તેના બદનમાં ફૂલોની ખુશ્બૂ, તેની વાતોમાં ફૂલોના રંગો, તેના બોલ ફૂલ જેવા મૃદુ... પરંતુ આજે તો તાજેતરમાં જ આપણા એક પ્રધાનશ્રીએ બેરહમીથી અને બેશરમીથી ઉચ્ચારેલાં વેણ યાદ આવે છે. દિલ્હીની ચૂંટણી માથે છે ત્યારે ચૂંટણી-પ્રચારની ગરમીમાં સાધ્વી નિરંજનજ્યોતિની જીભ ફસડાઈ ગઈ હોય એમ લાગે છે. તેમણે સભાજનોને સીધો સવાલ કર્યો કે તમારે રામનાં સંતાનોેને સત્તા સોંપવી છે કે...? (તેમણે ઉચ્ચારેલો અભદ્ર શબ્દ લખવાનું અનુચિત લાગતાં આ જગ્યા ખાલી છોડી છે.) તેમની ભાષા સાંભળતાં ખ્યાલ આવી જાય કે એ તેમનો અસલી ઢંગ હશે. એ તો સંસદસભ્ય અને પછી પ્રધાન બન્યાં એટલે બોલવા-ચાલવામાં થોડો સંયમ અને શિસ્ત લાવવાં પડે, પરંતુ ક્યારેક ને ક્યારેક તો અસલી પોત પરખાઈ જ આવે. જોકે આપણા ઘણા રાજકારણીઓ આ પ્રકારે બોલવા ટેવાયેલા છે.


મમતા બૅનરજી સાડાત્રણ વર્ષથી પશ્ચિમ બંગના મુખ્ય પ્રધાનપદે છે છતાં હજી તેમની ભાષામાંથી તોછડાઈ અને ભાવાવેશ ગયાં નથી. અસભ્ય લાગે એ હદની કમેન્ટ્સ તેઓ કરતાં રહે છે. આમ તેઓ બુદ્ધિશાળી અને સર્જકતા ધરાવતાં વ્યક્તિ છે, પરંતુ જેમની જીભને લગામ ન હોય તે લોકો બેફામ બોલે છે અને એમાં ઘણી વાર તેમની ઇજ્જતની રેવડી થઈ જાય છે. આ નિરંજનજ્યોતિનાં ઉચ્ચારણો બદલ વડા પ્રધાનને અને સરકારને શરમિંદગી અનુભવવી પડી છે. વડા પ્રધાને તેમને ઠપકો આપ્યો અને તરત માફી માગી લેવાની સૂચના આપવી પડી છે. તેમણે માફી માગી લીધી છે, પણ બુંદ સે ગઈ વો હોજ સે નહીં આતી!

ગ્લૅમર-ફીલ્ડમાં આવું બેફામ બોલવું કૉમન લાગે છે, પરંતુ અમિતાભ બચ્ચન જેવા કેટલાક અપવાદો હોય છે. અમિતાભ બચ્ચનની ભાષામાં જે શાલીનતા અને સંસ્કારિતા છે એણે તેમને મહાનાયક બનાવ્યા છે. આવડી મોટી કારકિર્દીમાં અમિતાભ બચ્ચને ક્યારેય જાહેરમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હોય કે તોછડાઈથી પેશ આવ્યા હોય એવી કોઈ ઘટના ભાગ્યે જ સાંભરશે. તો સવાલ થાય કે શું અમિતાભ બચ્ચન જેવા સભ્યતાથી વર્તનારા લોકોને ક્યારેય ગુસ્સામાં કોઈને બે-ચાર ચોપડાવી દેવાનું મન નહીં થતું હોય? એવા લોકો પણ ગુસ્સાથી તમતમી નહીં જતા હોય?  એવુંબધું તેમનેય થતું જ હશે અને થતું જ હોય. પરંતુ સંસ્કારી અને સમજદાર લોકો એક વાત સમજે છે કે દિમાગમાં જે આવે એને જીભ પર ન લવાય. દિમાગના ટોકરામાં અઢળક વિચારો ખદબદતા હોય, પણ એમાંથી ગણતરીના વિચારોને જ શબ્દ વાટે જીભ પરથી સરકવા દેવાય. અને કોને જીભ પર આવવા દેવાય અને કોને નહીં એ વિવેકરૂપી ગળણી તેમની પાસે હોય છે. માટે જ તેમને પોતે બોલેલા શબ્દો માટે માફી માગવાનો કે પસ્તાવાનો વારો ભાગ્યે જ આવે છે.


કેટલાક લોકો આ સંસ્કારિતા અને શિક્ટતા વગેરે સમજતા હોય છે છતાં તેમની પ્રકૃતિને વશ ક્યારેક ન બોલવાનું બોલી બેસે છે જેને પરિણામે કાં તો કોઈને અકારણ દુભાવી દે છે અથવા અકારણ ગેરસમજ સરજી દે છે. અમિતાભ બચ્ચનનાં પત્ની અને એક અવ્વલ દરજ્જાનાં અભિનેત્રી જયા બચ્ચનનો મિજાજ આ પ્રકારનો છે. તેઓ જાહેરમાં પોતાના ગુસ્સાને વ્યક્ત કરી બેસે છે અને કડવાં વેણ બોલી દે છે. હમણાં જ તેમણે એક કમેન્ટ કરી હતી એને કારણે અમિતાભ બચ્ચને પોતાની પત્ની વતી માફી માગી હતી.


આવું કડવું બોલનારા પોતાની કડવાશભરી વાણીનો બચાવ એમ કરીને કરતા હોય છે કે સત્ય હંમેશ કડવું હોય છે. તેમની દલીલ ખોટી નથી, પરંતુ પોતાની બોલીને કડક કે કડવી બનાવવા જતાં તેઓ ઘણુંબધું ખોઈ બેસતા હોય છે. અને જરા શાંતિથી વિચારે તો શક્ય છે કે તેમને જ લાગે કે અરે, આ જ વાત હું જરા સૉફ્ટ્લી પણ કહી શકત. એક ફ્રેન્ડે તાજો જ કહેલો કિસ્સો યાદ આવે છે. તેનો અને તેના એક કલીગનો ફ્રેન્ડ જેવો નાતો હતો. બન્ને એકબીજાનું ખૂબ ધ્યાન રાખે અને કામમાં પણ મદદગાર થાય. ટૂંકમાં ઑફિસમાં તેમની દોસ્તીની મિસાલ દેવાય.

એક દિવસ પેલા કલીગ આ મિત્રને ઑફિસના કામ સંબંધી કોઈ અગત્યનો સંદેશો આપતાં ભૂલી ગયા. બીજા દિવસે મિત્રે તેને કહ્યું કે મને તારી સામે એક ફરિયાદ છે. બસ! આટલું કહ્યું કે પેલા કલીગને માઠું લાગી ગયું. તે ઊકળી ગયા અને બોલ્યા કે જા, તું મારા વિરુદ્ધ બૉસને કમ્પ્લેઇન્ટ કરી દે અને હમણાં જ તારી અને બૉસની માફી માગતો પત્ર લખી નાખું છું! મિત્ર કહે કે ‘હું તો તેની પ્રતિક્રિયા જોઈને દંગ રહી ગયો, પણ મને મારી ભૂલ તરત જ સમજાઈ ગઈ અને મેં તેને તેની લાગણી દૂભવવા બદલ સૉરી કહી દીધું. હકીકતમાં મારા હોઠ પરથી પેલો ‘ફરિયાદ’ શબ્દ નીકળ્યો કે તરત મને રિયલાઇઝ થયેલું કે લોચો થઈ ગયો. એ શબ્દ બહુ હાર્શ લાગ્યો હતો. હું તેની જગ્યાએ ‘મારે તમને એક વાત કહેવી છે’ કે ‘મારે તમારું એક બાબત પ્રત્યે ધ્યાન દોરવું છે’ એમ બોલ્યો હોત તો તેમને આટલું દુ:ખ ન થાત.’
વાક્બાણનું તીર એવું છે કે એક વાર ભાથામાંથી છૂટી જાય પછી પાછું ખેંચી શકાતું નથી અને અકારણ ગેરસમજણો અને કડવાશો ફેલાય છે. એટલે જ  વિવેકરૂપી ગળણીનો ઉપયોગ કરતા રહેવાની ટેવ પાડીએ તો આવી મૂંઝવણભરી પરિસ્થિતિમાં સપડાવાથી બચી જવાની શક્યતા રહે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK