પાંચ પગથિયાં ચડી ન શકતાં આ આન્ટી હવે ત્રણસો પાંસઠ પગથિયાં સડસડાટ ચડી જાય છે

Published: 9th December, 2014 06:30 IST

પાર્લામાં રહેતાં સંગીતા મહેતાની ૯૬ કિલોમાંથી ૭૬ કિલોનાં થવાની પ્રેરક દાસ્તાન

- તસવીર : ખુશનુમ ભંડારી


પીપલ-લાઇવ- શર્મિષ્ઠા શાહ

પાર્લામાં રહેતાં કપોળ વાણિયા જ્ઞાતિનાં એકાવન વર્ષનાં સંગીતા મહેતા છ મહિના અગાઉ લેહ-લદ્દાખ ગયાં હતાં, પરંતુ તેમનું ૯૬ કિલો જેટલું વજન હોવાના કારણે ત્યાં પાંચ પગથિયાં પણ ચડી નહોતાં શક્યાં અને શ્વાસની તકલીફ ઊભી થતાં તેમણે તેમની ટૂર અડધી ટૂંકાવીને પાછાં આવી જવું પડ્યું. પાછાં આવીને તેમણે ભવિષ્યમાં આવી તકલીફ ન થાય એ હેતુથી પ્રિકૉશન તરીકે વજન ઘટાડવાના પ્રયત્નો શરૂ કર્યા અને છ મહિનામાં જ વીસ કિલો વજન ઘટાડ્યું અને પછી જ્યારે તેઓ નાશિકની નજીક વણીગામમાં સપ્તસિંદી માતાના મંદિરમાં દર્શન માટે ગયાં ત્યારે ત્રણસો પાંસઠ જેટલાં પગથિયાં સડસડાટ ચડી ગયાં.

વજન ઘટાડવાનો નિર્ણય

વજન ઘટાડવાનો નિર્ણય આમ તો લેહ-લદ્દાખ જતાં અગાઉ જ થઈ ચૂક્યો હતો, પરંતુ આ ટ્રિપમાં થયેલી તબિયતની સમસ્યા પછી હું આ નિર્ણયમાં વધારે મક્કમ બની એમ જણાવીને સંગીતાબહેન કહે છે, ‘પહેલેથી જ મારું વજન વધારે તો હતું જ, પરંતુ મેનોપૉઝની સમસ્યાને કારણે મારું વજન ઓર વધી ગયું અને એને કારણે મારા શરીરમાં આળસ ભરાઈ ગઈ. કંઈ કામ કરવાનું મન નહોતું થતું. દરેક વસ્તુમાં કંટાળો આવતો હતો. એક ગૃહિણી તરીકે આખા ઘરનો ભાર સંભાળવાનો હોય અને એમાં આખી રાત ઊંઘ ન આવતી હોય અને શારીરિક તકલીફો સતાવતી હોય ત્યારે શું હાલત થાય? એટલે મારાં જેઠાણીએ મને પાર્લામાં આવેલા ખ્યાતનામ ન્યુટ્રિશનિસ્ટ પાસે ડાયટ-પ્લાન લેવાનું જણાવ્યું અને તેમની પાસે ગયા બાદ મારા જીવનમાં ખરેખર ચમત્કાર થયો.’
વજન ઘટાડવા શું-શું કર્યું?

વજન ઘટાડવા માટે પોતે કરેલા પ્રયત્નો વિશે જણાવતાં સંગીતાબહેન કહે છે, ‘હું છેલ્લાં દસ વર્ષથી યોગ માટે તો જતી જ હતી, પરંતુ ડાયટિંગ કર્યા બાદ જ વજનમાં ઘટાડો થયો. પહેલાં મને હતું કે ડાયટિંગ કરવું એટલે ભૂખ્યાં રહેવું પડશે. પરંતુ ડાયટિંગ કર્યા પછી મને ખ્યાલ આવ્યો કે ડાયટિંગ કરવું એટલે યોગ્ય રીતે અને શરીરને પૂરતા પોષક પદાર્થો મળે એવું ભોજન કરવું. ડાયટની સાથે મેં વૉક પણ શરૂ કર્યો હતો. મીઠાઈ કે એવી કોઈ વસ્તુ ખાવાનું મન થાય તો હું પ્રસાદની જેમ ફક્ત થોડીક જ ખાતી હતી. જોકે મારા ડાયટમાં મને રોજ નવી-નવી ફૅન્સી વરાઇટીઓ પણ ખાવાનું અલાઉડ હતું એથી મને વાંધો નહોતો આવ્યો.’

વજન ઘટાડવાના ફાયદા

સંગીતાબહેનના પતિ અને ચોવીસ વર્ષનો પુત્ર યશ પણ આ ફેરફારથી ખુશ છે. સંગીતાબહેન જ્યાં જાય છે ત્યાં બધા પૂછે છે કે આ ચમત્કાર કેવી રીતે કર્યો? વજન ઘટાડવાને કારણે પોતાની લાઇફમાં કેવા-કેવા ફેરફાર આવ્યા એ જણાવતાં સંગીતાબહેન કહે છે, ‘મને જીન્સ પહેરવાનું બહુ મન હતું, પરંતુ વધારે વજનને કારણે હું સાડી કે સલવાર-કમીઝ જ પહેરતી હતી. હવે મેં જીન્સ અને કુર્તી પહેરવા માંડ્યાં છે. હવે હું નવરાત્રિમાં ગરબા પણ રમી શકું છું. પહેલાં હું યોગમાં જતી તો બે-ત્રણ જ સૂર્યનમસ્કાર કરીને થાકી જતી હતી. હવે હું દસ સૂર્યનમસ્કાર કરી શકું છું. ડાયટિંગ કર્યા પછી મારું બ્લડ-પ્રેશર નૉર્મલ થઈ ગયું. મેનોપૉઝની સમસ્યાઓ દૂર થઈ ગઈ. પહેલાં મને રાતના ઊંઘ નહોતી આવતી. હવે મને રાતના સરસ ઊંઘ આવવા માંડી છે. મારા શરીરમાં હવે સ્ફૂર્તિ આવી ગઈ છે.’સિત્તેર કિલોનો ટાર્ગેટ

૯૬ કિલોમાંથી ૭૬ કિલો વજનનાં થઈ ગયેલાં સંગીતાબહેન હજી છ કિલો ઘટાડીને ૭૦ કિલો વજન કરવા માગે છે.


Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK