BJPએ શિવસેનાને કૂણી પાડી દીધી છે અને સેનાએ કૂણી પડીને લાભ મેળવી લીધો છે

Published: Dec 06, 2014, 06:00 IST

શિવસેનાએ પોતાનો ગઢ અને આબરૂ સાચવી રાખવા શક્ય તમામ પ્રયત્નો કર્યા હતા. બેઠકોની સમજૂતી પડી ભાંગી તો સેના એકલા હાથે ચૂંટણી લડી હતી અને ૬૩ જેટલી ખુમારીથી મોઢું બતાવી શકાય એટલી બેઠકો મેળવી લીધી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી જો વિજેતા હતા તો ઉદ્ધવ ઠાકરે તેમની બરોબરીના સમકક્ષ વિજેતા હતા


કારણ-તારણ- રમેશ ઓઝા

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારથી BJP અને શિવસેના વચ્ચેનો ૨૫ વર્ષ જૂનો સંસાર આગળ વધશે કે કેમ એ વિશે ભલભલા રાજકીય નિરીક્ષકો ચકરાવે ચડી જાય એવા વિરોધાભાસી સંકેતો મળતા હતા. પશ્ચિમ બંગાળમાં ડાબેરી મોરચાના પક્ષો વચ્ચે આપસી સંબંધ છે એવો ઘટ્ટ સંબંધ મહારાષ્ટ્રમાં BJP અને શિવસેના ધરાવતા હતા. રાષ્ટ્રીય સ્તરે BJP મોટો ભાઈ અને મહારાષ્ટ્રમાં શિવસેના મોટો ભાઈ એવી ટકાઉ સમજૂતી હતી. ગયા મે મહિનામાં લોકસભાની ચૂંટણીમાં BJPને ધાર્યા કરતા મોટી સફળતા મળી એ પછી BJPએ સમજૂતી તોડી હતી અને મહારાષ્ટ્રમાં પણ મોટો ભાઈ બનવાનો આગ્રહ રાખ્યો હતો. આમાં અનુચિત કંઈ જ નથી. સત્તાનું રાજકારણ સ્વાર્થનું રાજકારણ હોય છે, એમાં ખેરાત કરવામાં નથી આવતી.

શિવસેનાએ પોતાનો ગઢ અને આબરુ સાચવી રાખવા શક્ય તમામ પ્રયત્નો કર્યા હતા. બેઠકોની સમજૂતી પડી ભાંગી તો સેનાએ એકલા હાથે ચૂંટણી લડી હતી અને ૬૩ જેટલી ખુમારીથી મોઢું બતાવી શકાય એટલી બેઠકો મેળવી લીધી હતી. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી જો વિજેતા હતા તો ઉદ્ધવ ઠાકરે તેમની બરોબરીના સમકક્ષ વિજેતા હતા.
શિવસેના માટે સમસ્યા, BJP માટે અવસર અને બન્ને માટે લાંબા ગાળે અનિશ્ચિતતા પેદા થવાનું કારણ BJPને મળેલી બેઠકોની સંખ્યા હતું. ૨૮૮ સભ્યોની વિધાનસભામાં BJPને ૧૨૨ બેઠકો મળી હતી જે ૧૪૫ બેઠકોની સાદી બહુમતીના આંકડાથી બહુ દૂર નહોતી. શરદ પવારે લાગ જોઈને સોગઠી મારી હતી કે BJP જો લઘુમતી સરકાર રચવા માગતી હોય તો તેમનો પક્ષ બહાર રહીને BJPને બિનશરતી ટેકો આપશે. શિવસેનાને હંફાવવા BJPએ રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસનો ટેકો લઈને લઘુમતી સરકાર રચી હતી અને સેનાને બહાર રાખી હતી. ખાસ કરીને વિશ્વાસના પ્રસ્તાવ પર વૉઇસવોટ લેવાયો એનો શિવસેનાએ કૉન્ગ્રેસ સાથે મળીને વિરોધ કર્યો હતો. એ ઘટના પછી એમ લાગવા માંડ્યું હતું કે હવે સેના-BJP વચ્ચેના છૂટાછેડા થઈને જ રહેશે. નરેન્દ્ર મોદીએ તેમના પ્રધાનમંડળનો વિસ્તાર કર્યો ત્યારે એમાં જોડાવા વિશે પણ બે પક્ષો વચ્ચે ઝઘડો થયો હતો.

આટલી કડવાશ છતાંય બન્ને પક્ષોએ વાતચીતનો માર્ગ છોડ્યો નહોતો અને ફરી વાર યુતિની સંભાવનાનો ઇનકાર કર્યો નહોતો. કેન્દ્રના નેતાઓ ઉદ્ધવ સાથે વાતચીત કરવા મુંબઈ આવ્યા હતા. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતાઓએ પણ વિãક્ટ કરી હતી. BJPનો ઇરાદો શિવસેનાને કૂણી પાડીને એની શરતોને હળવી કરાવવાનો હતો. શરદ પવારના ટેકા પર ભરોસો ન રાખી શકાય એ ગ્થ્ભ્ના નેતાઓ જાણે છે. ભારતીય રાજકારણમાં સૌથી ચંચળ અને તકવાદી શરદ પવાર છે એ આખી દુનિયા જાણે છે. પવાર ક્યારે ખેલ બગાડી નાખે એ તેમની પુત્રી પણ કળી ન શકે એટલા તેઓ ચાલાક છે. બીજું, રાષ્ટ્રવાદી કૉન્ગ્રેસ પક્ષના નેતાઓના ભ્રક્ટાચાર સામે આંખ આડા કાન કરવા પડે અને એમાં બદનામી થાય એ વધારામાં. પ્રફુલ્લ પટેલ, અજિત પવાર, છગન ભુજબળ અને સુનીલ તટકરે સામે ભ્રક્ટાચારના ગંભીર આરોપ છે. હવે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે. શિવસેના સરકારમાં જોડાઈ ગઈ છે. નાયબ મુખ્ય પ્રધાનપદ અને ગૃહ જેવાં મહત્વનાં ખાતાંઓ માટેનો આગ્રહ શિવસેનાએ છોડી દીધો છે. સેનાએ સ્વીકારી લીધું છે કે હવે મહારાષ્ટ્રમાં એ BJPનો નાનો ભાઈ છે અને મોટાભાઈની મરજી મુજબ રહેવા તૈયાર છે. BJPએ બતાવી આપ્યું છે કે મહારાષ્ટ્રનો ગઢ એણે જીત્યો છે અને મહારાષ્ટ્રની અસ્મિતાનું રાજકારણ કરનારી શિવસેનાની વગ પણ પ્રમાણમાં તોડી નાખી છે. આ ઉપરાંત દેવેન્દ્ર ફડણવીસની સરકાર હલાવી ન શકાય એટલી હદે સ્થિર થઈ ગઈ છે.


BJP અને શિવસેના વચ્ચે આટલા મહિનાઓથી જે ઉંદર-બિલ્લીની રમત ચાલતી હતી એની પાછળ સ્વમાન અને અભિમાન કરતાં વધારે મહત્વનું એક બીજું કારણ પણ હતું. બન્ને પક્ષોમાં ચર્ચા ચાલતી હતી કે ભવિષ્યમાં રાજકીય લાભ સાથે ચાલવામાં છે કે એકલા ચાલવામાં છે. શિવસેના વહેલી મરે એમ BJP ઇચ્છે છે અને શિવસેના ટકી રહે એમ ઉદ્ધવ ઠાકરે ઇચ્છે છે. શિવસેના સરકારમાં જોડાય તો સેનાને જીવતદાન તો નહીં મળે એ વિશે ગ્થ્ભ્માં અવઢવ ચાલતી હતી. આ બાજુ સેનામાં પણ અવઢવ ચાલતી હતી કે સેનાને લાંબે ગાળે સરકારમાં જોડાવાના કારણે ફાયદો થશે કે વિરોધપક્ષમાં રહેવાના કારણે. આ બે પક્ષના નેતાઓ તો ઠીક, રાજકીય સમીક્ષકો અને મહારાષ્ટ્રના અભ્યાસી સમાજશાસ્ત્રીઓ પણ ચોક્કસ નહોતા કહી શકતા કે યુતિના હોવા-ન હોવાનું શિવસેના પર શું પરિણામ આવશે. આવી અવઢવ નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ ધરાવતા હતા. જો અવઢવ ન હોત અને ફાયદો કે નુકસાન વિશેનું આકલન સ્પક્ટ હોત તો બન્ને પક્ષોએ યુતિ જીવતી કરવા વિશેનો કે કાયમ માટે દફનાવી દેવાનો નિર્ણય ઘણો વહેલો લઈ લીધો હોત. અવઢવનો કોઈ ઉકેલ નહોતો જડતો એટલે લડી-ઝઘડીને છેવટે બન્ને પક્ષો સંપી ગયા છે. ખેર, હવે યુતિ થઈ ચૂકી છે અને મહારાષ્ટ્ર સરકાર કાંકરો ખરે નહીં એટલી હદે મજબૂત બની ગઈ છે. હવે સમય છે શાસન કરવાનો.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK