ઉંમર ભલે ગમે એટલી વધે, યુવાન રહેવાનું પૉસિબલ છે!

Published: 5th December, 2014 05:47 IST

ખુશમિજાજી મિત્રો બનાવીને, સતત પ્રસન્ન અને ખડખડાટ હસતા રહીને, કંઈક નવું-નવું શીખતા રહીને અને પ્રવૃત્તિમય રહીને યુવાની ટકાવી શકાયસોશ્યલ સાયન્સ- રોહિત શાહ

તમારી યુવાનીને કાઢી મૂકવા જો તમે એને વારંવાર ધક્કા નહીં મેલો તો એ જતી રહેવાની જરાય ઉતાવળ નહીં કરે. યુવાની જતી રહે એ આપણને ગમતું નથી, પણ એનું જતન કરીને સાચવવાનુંય આપણને આવડતું નથી. ઊલટાના આપણે તો યુવાનીને વ્યસનોના, બેફામ ખાણી-પીણીના અને વાહિયાત ધીંગામસ્તીના ધક્કા માર્યા કરીએ છીએ! યુવાનીને જતા રહેવાની જરાય ઉતાવળ ન હોય- ઊલટાનું એને તો આપણી પાસે નિરાંતે લાંબો સમય રહેવું હોય, પણ એ માટે આપણે સજ્જ ન હોઈએ તો એમાં યુવાનીનો શો વાંક?
યુવાની ખરેખર તો અનલિમિટેડ કંપની છે. જો તમે એની માવજત કરો તો એંશી વર્ષે‍ય તમારો થનગનાટ બરકરાર રહેશે અને તમારું શરીર તમારા કહ્યામાં રહેશે. જો તમે માવજત નહીં કરો તો ૩૦-૩૫ વર્ષે‍ય તમે થાકી જતા હશો અને તમારું શરીર વૈવિધ્યપૂર્ણ રોગ-સંગ્રહાલય બની જશે.

યુવાની માત્ર શરીરમાં જ નથી હોતી, વિશેષરૂપે તો એ મનમાં હોય છે. મન નબળું, નિરાશ અને નકારાત્મક વિચારો કરતું હશે તો યુવાનીને બિલકુલ નહીં ગમે. યુવાની પોતે જ ઉત્સાહનો ઊભરો હોય છે. એને નબïળા મનની ફ્રેન્ડશિપ શાની ગમે? યુવાની હંમેશાં સામા પ્રવાહે તરવાનો તરવરાટ રાખતી હોય છે અને એની આંખ સિદ્ધિઓના ડુંગર પર રહેતી હોય છે, પછી એને નિરાશ અને ઉત્સાહહીન મન સાથે રહેવું શી રીતે ફાવે? યુવાની તો હંમેશાં ચૅલેન્જનેય ચૅલેન્જ આપવા ઉત્સુક રહે છે, એને નકારાત્મક સોચવાળા દિમાગ સાથે રહેવાનું પરવડે ખરું?

ઉંમર ભલે ગમે એટલી વધે, યુવાન રહેવાનું પૉસિબલ છે. ફિલ્મોમાં દેવ આનંદને મેં કદી બૂઢો થતો નથી જોયો અને એ. કે. હંગલને મેં કદી યુવાન નથી જોયા. ફિલ્મમાં પોતે કયો રોલ કરવો અને કયો રોલ જતો કરવો એનો નિર્ણય કલાકાર કરતો હોય છે, એટલી જ ઝીણી ચીવટથી જિંદગીમાં આપણે કેવો રોલ ભજવવો છે- કઈ રીતે ભજવવો છે એનો નિર્ણય સ્વયં કરવાનો હોય છે. પોતે જ ડિરેPર, પોતે જ ઍPર અને પ્રોડ્યુસર પણ પોતે જ! જો તમારી લાઇફરૂપી ફિલ્મ સુપર-ડુપર હિટ થઈ જાય તો એની ટોટલ ક્રેડિટ તમને જ મળવી જોઈએ અને જો તમારી લાઇફરૂપી ફિલ્મ ફલૉપ જાય તો એની જવાબદારી પણ તમારી જ ગણાવી જોઈએ. જન્મ અને મૃત્યુ ભલે આપણા વશમાં ન હોય, પણ જિંદગી તો આપણા વશમાં હોય છે જને!

સૉરી... સૉરી! પ્રસ્તાવના બહુ લાંબી થઈ ગઈ. ચાલો, હવે તમને યુવાનીને એંશી વરસ સુધી અકબંધ રાખવાની પાંચ ગૅરન્ટીડ ઍડ્વાઇસ આપી દઉં. આ કોઈ પ્રોફેશનલ ઍડ્વર્ટાઇઝ નથી એટલે એમાં છેતરાઈ જવાનો બિલકુલ ભય ન રાખશો. આ તો સિમ્પલ ઍડ્વાઇઝ છે અને તમે ઇચ્છો તો એને તમારા મિત્રો-સ્વજનોને ફૉર્વર્ડ પણ કરી શકો છો.


૧. ખુશમિજાજી મિત્રો બનાવો

રોતલ અને નિરાશાવાદી મિત્રોની સોબતથી બચવું. રોતલ મિત્રો તમનેય રોતલ બનાવશે. નિરાશાવાદી મિત્રો સુખના ચંદ્રમાંથી પણ નિરાશાનાં કલંક ઢૂંઢતા રહેશે. રમૂજી, રમતિયાળ, સ્ફૂર્તિવાન અને તાજગીથી છલોછલ ચારિhયવાન મિત્રોની સોબત કેળવો. સોબતની અસર માત્ર નાની ઉંમરે જ નથી થતી, સંગનો રંગ તો દરેક ઉંમરે લાગે છે. યુવાન રહેવું હોય એવા લોકોએ મિત્રો બનાવવાની બાબતે ખાસ સાવધાની રાખવી. વાતે-વાતે પોતાની વ્યથાઓ ઉલેચનારા અને ડગલે-પગલે નિરાશાના સૂર આલાપનારાની સંગતનો ચેપ આપણને લાગી જાય તો પછી આપણેય જીવનની એવી જ ભંૂડી દશા કરી દઈશું. તન-મનમાં, જીવનમાં ફ્રેશનેસ પ્રગટાવે એવા લોકોની જ ફ્રેન્ડશિપ કરવાથી આપણી લાઇફમાં યુવાનીની તાજગી પર્મનન્ટ છલકાતી રહેશે.

૨. કંઈક નવું શીખતા રહો


આ ઉંમરે હવે મારે નવું કાંઈ શીખીને શું કરવું છે? એવી વાત કોઈ પણ ઉંમરે શોભતી નથી. વ્યક્તિ જ્યારે નવું કંઈક શીખે છે ત્યારે એ થોડાંક વરસ નાની બની જાય છે. પ્રયોગ કરવો હોય તો છૂટ છે. સપોઝ, તમે પચાસ વરસના છો અને તમને સાઇકલ ચલાવતાં નથી આવડતી. તમે અત્યારે સાઇકલ શીખવાનું ઉત્સાહપૂર્વક શરૂ કરો. તમને સાઇકલ શીખતા જોઈને બીજા લોકો વિસ્મય કરશે અને ખુદ તમેય અનોખી અનુભૂતિ કરશો. આજકાલ તો સોશ્યલ મીડિયાનાં અનેક સાધનો ઉપલબ્ધ છે. નવું-નવું શીખવા માટે ભરપૂર સ્કોપ છે. નવું-નવું શીખીને તમે નવા જમાના સાથે કદમ મિલાવી શકો છો અને એ દ્વારા તમે નવી જનરેશન સાથેનું ડિસ્ટન્સ પણ ઓછું કરી શકો છો.

૩. સતત પ્રસન્ન રહો, હસતા રહો


માણસ સિવાય જગતનો કોઈ જીવ કદી હસી શકતો નથી. માણસને સદા યુવાન રહેવા માટે કુદરતે ખડખડાટ હસવાનું વરદાન આપેલું છે. એ વરદાનનો લાઇફટાઇમ ભરપૂર ઉપયોગ કરો. પ્રસન્ન રહો, હસતા રહો.

૪. પ્રવૃત્તિમય જીવનશૈલી અપનાવો


જ્યાં સુધી તમે હાથ-પગ ચલાવશો ત્યાં સુધી જ તમારું દિમાગ પણ ચાલશે. હાથ-પગ અટકાવી દેશો તો દિમાગ પણ શૂન્ય બનવા માંડશે. પગને ચાલતા
રાખો-દોડતા રાખો. આïળસ બિલકુલ ન જોઈએ. પ્રવૃત્તિ આપણી વૃત્તિઓને સખણી રાખે છે. આર્થિક લાભ માટેની જ પ્રવૃત્તિ હોવી જરૂરી નથી, તમામ મૂડ-મિજાજને માફક આવે એવી પ્રવૃત્તિ કરો-ભલે એ માટે થોડો ખર્ચ કરવો પડતો હોય. મનગમતી પ્રવૃત્તિમાં મસ્ત રહેશો તો બુઢાપો તમારી નજીક આવતાં ડરશે!

૫. આહાર પર સંયમ રાખો


ભોજનમાં સાત્વક ચીજો જ ખાઓ. કાચી શાકભાજી, ફળોનો વિશેષ ઉપયોગ કરો. પાંદડાંવાળી ભાજીની સબ્ઝી ખાઓ. કઠોળ ખાઓ. હાઈ કૅલરીવાળી ચીજોથી દૂર રહો. જીભ જઠરને ન બગાડે એનું ધ્યાન રાખો. જઠર બગડશે તો જુવાની તરત ગુડબાય કહી દેશે.


ગૅરન્ટી છે

પાછલી ઉંમરે ટાંટિયાના ઢસરડા ન કરવા પડે, ફેફસાંમાંથી ગળફા ન ઉલેચવા પડે, ચહેરા પર કરચલીઓ અને કૂંડાળાંનું આક્રમણ ન થાય એ માટે શારીરિક તંદુરસ્તીની કૅર કરવી જરૂરી છે. એ જ રીતે પાછલી ઉંમરે સ્વજનો આપણાથી કંટાળીને દૂર ન ભાગે એ માટે સ્નેહ, વહાલ, સમજણ, ઉદારતા અને તાજગી ટકાવી રાખવાં જરૂરી છે. જો તમે આટલું કરી શકો તો તમારી યુવાની તમારા પગ પકડીને તમારી પાસે લાઇફટાઇમ રહેશે, ગૅરન્ટી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK