ભારત-બંગલા દેશ વચ્ચે ૧૯૮ એન્ક્લેવ્ઝ ઇતિહાસના અનર્થોનું પરિણામ છે

Published: 5th December, 2014 05:39 IST

કાઠિયાવાડમાં બહારવટિયાઓનો કાળો કેર હતો એનું કારણ કાઠિયાવાડની ૨૨૨ રિયાસતોએ પેદા કરેલાં એન્ક્લેવ્ઝ હતાં. એક રિયાસતનું ગામ ભાંગીને બહારવટિયાઓ બીજી રિયાસતમાં ભાગી જતા હતા


કારણ-તારણ- રમેશ ઓઝા

ઇતિહાસના એક અનર્થના પરિણામે જર્મનીના બર્લિન શહેરમાં પ્રજાને અલગ કરતી દીવાલ બંધાઈ હતી, પરંતુ જર્મન પ્રજાએ માત્ર ત્રણ દાયકામાં એ દીવાલ તોડી પાડીને ઇતિહાસના એ અનર્થને સુધારી લીધો હતો. ભારતમાં ઇતિહાસે આવા હજારો અનર્થ પેદા કર્યા છે જેને સત્તાના રાજકારણમાં મતની લાલચે સુધારવામાં આવતા નથી અને દાયકાઓથી પ્રજાએ હાલાકી ભોગવવી પડે છે. ભારત અને બંગલા દેશ વચ્ચે ૧૦૦થી વધુ વર્ષ જૂનાં ૧૯૮ એન્ક્લેવ્ઝ ઇતિહાસના અનર્થોનું પરિણામ છે જેને કારણે ભારત અને બંગલા દેશની પ્રજાએ હાલાકી ભોગવવી પડે છે.
પહેલાં એન્ક્લેવ્ઝ શું કહેવાય એ સમજી લઈએ. એક દેશ કે રાજ્યની સરહદમાં બીજા રાજ્યનો પ્રદેશ આવતો હોય અને એ એવી રીતે વચ્ચે આવતો હોય કે એમાંથી પસાર થયા વિના રાજ્યોના બે પ્રદેશોને જોડી ન શકાય. ઘણી વાર એવું બને કે વિદેશી ભૂમિને ચાતરવી હોય તો લાંબો ચકરાવો લેવો પડે, જેમ કે દાદરા અને નગર હવેલી. આ પોટુર્‍ગલ સંસ્થાન હતું જે અત્યારે કેન્દ્રશાસિત પ્રદેશ છે. દાદરા પશ્ચિમમાં દરિયાકિનારે છે અને હવેલી પૂર્વમા ગુજરાત અને મહારાષ્ટ્રની સરહદે છે. દાદરાના દમણમાં વસતા લોકોએ જો સરકારી કામકાજ માટે દાદરા અને નગર હવેલીની રાજધાની સિલવાસા જવું હોય તો ગુજરાત રાજ્યમાંથી પસાર થવું અનિવાર્ય છે. આવું બીજું ઉદાહરણ છે સૌરાષ્ટ્રમાં થોડાં વર્ષ પહેલાંનો અમરેલી જિલ્લો. અમરેલી જિલ્લાના કોડીનાર તાલુકાને બાકીના અમરેલી જિલ્લા સાથે જમીની સંબંધ નહોતો. વચ્ચે જૂનાગઢ જિલ્લો આવતો હતો એટલે કોડીનારના વતનીએ સરકારી કામકાજ માટે અમરેલી જવું હોય તો જૂનાગઢ જિલ્લાની ભૂમિમાંથી પસાર થવું પડે.

દાદરા અને નગર હવેલીને ગુજરાતમાં ભેળવી દેવાં જોઈએ, પણ ત્યાંની પ્રજા કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો અને પોટુર્‍ગીઝ ઓળખ જાળવી રાખવા માગે છે એટલે સરકાર એને ગુજરાતમાં ભેળવતી નથી. આનાથી પણ મોટું અસલી કારણ એ છે કે દાદરા નગર હવેલીમાં દારૂબંધી નથી એટલે દારૂનો ધંધો કરનારાઓ સત્તાવાળાઓને સાચવી લે છે. આઝાદી પહેલાં કોડીનાર ગાયકવાડના અમરેલીમાં હતું. રિયાસતો વિલીન થઈ, પહેલાં સૌરાષ્ટ્ર રાજ્ય બન્યું અને છેવટે ગુજરાત રાજ્ય બન્યું અને જ્યારે જિલ્લાઓ પાડવામાં આવ્યા ત્યારે કોડીનારના લોકોએ ગાયકવાડી ઓળખ જાળવી રાખવા અમરેલી જિલ્લામાં રહેવાનો આગ્રહ રાખ્યો હતો. આવો આગ્રહ તો ઓખા મંડળની પ્રજાએ પણ રાખ્યો હતો, કારણ કે એ પણ ગાયકવાડી પ્રદેશ હતો અને વાયા અમરેલી વડોદરાથી સંચાલિત થતો હતો. અમરેલી જિલ્લાના ત્રણ ટાપુ હોય એ વિચિત્ર લાગતું હતું એટલે ઓખા મંડળની પ્રજાની માગણી સ્વીકારવામાં નહોતી આવી. હવે કોડીનારને જૂનાગઢમાં ભેળવી દઈને ઇતિહાસને સુધારી લેવામાં આવ્યો છે.

આઝાદી પહેલાં ૫૫૬ રિયાસતોને કારણે આવાં હજારો (જી હાં, હજારો) એન્ક્લેવ્ઝ ભારતમાં હતાં. કવિ ન્હાનાલાલના શબ્દોમાં કહીએ તો ભારત સમુદ્રમાં ઓટ વખતે જોવા મળતાં અલગ-અલગ કદનાં અને આકારનાં ખાબોચિયાં જેવો દેશ હતો. એ ખાબોચિયાં એવાં ચિત્રવિચિત્ર હતાં કે એણે મોટી સંખ્યામાં એન્ક્લેવ્ઝ પેદા કયાર઼્ હતાં. આઝાદી પછી હજી આટલાં વર્ષે પણ ભારત સરકાર ઇતિહાસના અનર્થોને સુધારી શકી નથી. દાદરા અને નગર હવેલી આનું ઉદાહરણ છે. આવાં બીજાં એક ડઝન ઉદાહરણ ઘરઆંગણાનાં આપી શકાય એમ છે. 

ભારત સરકાર ભારતની અંદરનાં એન્ક્લેવ્ઝનો બુદ્ધિપુર:સર પ્રજાના હિતમાં અંત લાવી શકતી નથી ત્યાં બંગલા દેશ સાથેનાં એન્ક્લેવ્ઝના અનર્થોને સુધારે એ તો દૂરની વાત થઈ. આની વચ્ચે તૃણમૂલ કૉન્ગ્રેસનો બંગાળી રાષ્ટ્રવાદ, આસામ ગણ પરિષદનો આસામી રાષ્ટ્રવાદ અને BJPનો હિન્દુ રાષ્ટ્રવાદ આડો આવે છે. ૧૯૭૧માં બંગલા દેશ બન્યું એ પહેલાં પાકિસ્તાનનો ઇસ્લામિક રાષ્ટ્રવાદ વચ્ચે આવતો હતો. પ્રજા ભલે હાલાકી ભોગવે, પણ આપણે બાવડાના ગોટલા ઢીલા કરવા નહીં એવું આ થોડા હજાર મતો માટેનું વિકૃત રાજકારણ છે.

આગળ કહ્યું એમ ભારત અને બંગલા દેશ વચ્ચે કુલ ૧૯૮ એન્ક્લેવ્ઝ છે. ભારત અને બંગલા દેશ વચ્ચેનાં ૧૯૮ એન્ક્લેવ્ઝને દૂર ન કરી શકાયાં કે ન સુધારી શકાયાં એનું કારણ ભારતનું વિભાજન છે. વિભાજન પહેલાં ભારત અને બંગલા દેશ વચ્ચેનો સરહદી પ્રદેશ કુચ બિહારની રિયાસત, રંગપુરની રિયાસત, ચકમા રિયાસત અને ત્રિપુરાની રિયાસતોમાં વહેંચાયેલો હતો જેણે એન્ક્લેવ્ઝ પેદા કયાર઼્ હતાં. વિભાજન વખતે કુચ બિહાર ભારતમાં જોડાયું, રંગપુર પાકિસ્તાનમાં જોડાયું, ત્રિપુરા થોડો પ્રદેશ ગુમાવીને ભારતમાં જોડાયું અને ચકમા રાજાએ પોતાની રિયાસત પાકિસ્તાનમાં વિલીન કરી દીધી હતી. વિભાજન, વિલીનીકરણ અને ભારત તથા પાકિસ્તાન વચ્ચેની દુશ્મનીને કારણે એન્ક્લેવ્ઝની સમસ્યાનો હલ નીકળતો નહોતો. બંગલા દેશ આઝાદ થયા પછી બંગલા દેશ સમસ્યા ઉકેલવા ઉત્સુક હતું; પણ ગ્થ્ભ્, AGP અને વ્પ્ઘ્ના છીછરા રાષ્ટ્રવાદ કે પ્રાંતવાદને કારણે સમાધાન થતું નહોતું. ૨૦૧૧માં ડૉ. મનમોહન સિંહની સરકારે બંગલા દેશ સાથે જમીનની આપ-લે કરીને એન્ક્લેવ્ઝમાં સુધારો કરવાનો કરાર કર્યો હતો જેનો અમલ આ ત્રણ પક્ષોની આડોડાઈને કારણે થઈ શક્યો નહોતો. હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૦૧૧ની સમજૂતી લાગુ કરવાનો નિર્ણય લીધો છે અને કેન્દ્ર સરકાર સ્પP બહુમતીમાં હોવાને કારણે TMC અને AGP વિરોધ કરી શકે એમ નથી. TMCએ તો સમજૂતીનું સ્વાગત કર્યું છે. વિરોધ પક્ષમાં હોઈએ ત્યારે એક વલણ અને સત્તામાં આવ્યા પછી જુદું વલણ એ ભારતીય રાજકારણની બીમારી છે.


ઇતિહાસના અકસ્માતોએ જે અનર્થ પેદા કર્યા છે એને કારણે સામાન્ય પ્રજાએ કેટલી હાલાકી ભોગવવી પડે છે એનો મુંબઈમાં રહેતા લોકોને અંદાજ નથી. ગમે ત્યારે બન્ને દેશના સત્તાવાળાઓ એન્ક્લેવ્ઝના નિર્દોષ નાગરિકને ઘૂસણખોર ગણાવીને જેલમાં ધકેલી દે છે અને હેરાન કરે છે. એ ઉપરાંત દાણચોરો અને ગુનેગારો માટે એન્ક્લેવ્ઝ સ્વર્ગ સમાન છે. એક દેશમાં ગુનો કરીને બીજા દેશમાં ભાગી શકાય છે. કાઠિયાવાડમાં બહારવટિયાઓનો કાળો કેર હતો એનું કારણ કાઠિયાવાડની ૨૨૨ રિયાસતોએ પેદા કરેલાં એન્ક્લેવ્ઝ હતાં. એક રિયાસતનું ગામ ભાંગીને બહારવટિયાઓ બીજી રિયાસતમાં ભાગી જતા હતા. આમ એન્ક્લેવ્ઝ પ્રજાના હિતમાં તો નથી જ, પણ દેશહિતમાં પણ નથી. ખરું પૂછો તો બંગલા દેશ પોતે જ ભારતની વચ્ચે એન્ક્લેવ છે. આ બાજુના ભારતથી ઈશાન ભારતમાં જવું હોય તો લાંબો ચકરાવો લઈને છેક ઉત્તરે સિલિગુડીના કૉરિડોરમાંથી પસાર થવું પડે છે. બંગલા દેશ નામના એન્ક્લેવમાંથી પણ આજે નહીં તો કાલે રસ્તો કાઢવો પડશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK